પીડાની પારદર્શક કથા – શરીફા વીજળીવાળા

એક કહાની યહ ભી – મન્નૂ ભંડારી

નવી દિલ્હી, 2007

3-4-1931ના રોજ મારવાડી જૈન પરિવારમાં જન્મેલાં મન્નૂ ભંડારીને આપણે કાયમ ‘આપકા બંટી’ નવલકથાનાં લેખક તરીકે જ ઓળખતાં આવ્યાં છીએ. પરંતુ મન્નૂ ભંડારી એમની પ્રમાણમાં લાંબી કહી શકાય એવી ટૂંકી વાર્તાઓ માટે વધુ જાણીતાં છે. ‘એક પ્લેટ સૈલાબ’, ‘મૈં હાર ગઈ’, ‘તીન નિગાહોં કી એક તસવીર’, ‘યહી સચ હૈ’, ‘ત્રિશંકુ’ વગેરે એમના વાર્તાસંગ્રહો છે. બાસુ ચેટર્જીની ‘રજનીગંધા’ તથા ‘સ્વામી’ ફિલ્મના લેખન સાથે સંકળાયેલાં મન્નૂએ લોકપ્રિય ધારાવાહિક ‘રજની’ના થોડાક સારા હપ્તા પણ લખેલા. ‘દર્પણ’ની દસ વાર્તાઓની પટકથા, પ્રેમચંદની ‘નિર્મલા’ના 13 હપ્તાની પટકથા લખનાર મન્નૂએ વિદ્યાર્થીઓ માટે પટકથાલેખન વિશે એક પુસ્તક પણ લખેલું. NSD સાથે મળીને એમણે કરેલા પોતાની નવલકથા ‘મહાભોજ’ના નાટ્યરૂપાંતરણની સફળતા દૃષ્ટાંતરૂપ બની ગઈ છે.

લગભગ 1990ની આસપાસ પોતાની જિંદગીની કથા માંડતાં મન્નૂ શરીર અને મનની પીડાઓને કારણે છેક 2007માં એને પૂરી કરે છે. આરંભે જ એ સ્પષ્ટતા કરતાં કહે છે: ‘एक बात अच्छी तरह स्पष्ट कर देना चाहती हूँ कि यह मेरी आत्मकथा कतइ नहीं है| इसलिए मैंने इसका शीर्षक भी ‘एक कहानी यह भी’ ही रखा|’ જે રીતે વાર્તા જિંદગીનો એક અંશ માત્ર હોય છે, એક પક્ષ, એક બાજુ, એ જ રીતે આ મારી જિંદગીનો એક ટુકડો છે જે મુખ્યત્વે મારા લેખક-વ્યક્તિત્વ અને મારી લેખનયાત્રા પર કેન્દ્રિત છે… ‘ (8) આમ કહેતાં લેખક આરંભે જ સામગ્રીના તિરસ્કાર-પુરસ્કાર બાબતે પોતે આંકેલી સીમા સ્પષ્ટ કરી દે છે. ઈસ્મત ચુગતાઈ કે પ્રભા ખેતાન જેવાં જાણીતાં લેખકો એમની આત્મકથામાં સાહિત્યજગત વિશે, પોતાની સર્જનપ્રક્રિયા વિશે એક શબ્દ નથી લખતાં, માત્ર અંગત જીવન અને કૌટુંબિક સંબંધોની જ વાત લખે છે. એની સામે મન્નૂની આત્મકથામાં હિન્દી સાહિત્યજગતની, જાણીતા સર્જકોના બનતા-બગડતા સંબંધોની, પોતાની મહત્ત્વની કૃતિઓની રચનાપ્રક્રિયાની માંડીને વાત થઈ છે. એટલું જ નહીં, જે ઘટનાઓએ આખા દેશને હલાવી દીધેલો એના વિશે પણ એમની પ્રતિક્રિયાઓ આલેખાઈ છે. આરંભે મન્નૂ લખે છે: ‘આજ સુધી હું બીજાંઓની જિંદગી પર આધારિત વાર્તાઓ ‘રચતી’ આવેલી. પણ આ વખતે મેં મારી પોતાની વાર્તા લખવાની હામ ભીડી છે. આમ કહેવાનું કારણ આપતાં તે કહે છે: ‘है तो यह खुर्रत ही, क्योंकि हर कथाकार अपनी रचनाओं में भी दूसरों के बहाने से कहीं न कहीं अपनी जिन्दगी के, अपने अनुभव के टुकडे ही तो बिखेरता रहता है|…’ (7) જોકે એક વાત છે કે બીજાની વાર્તાઓ લખતી વેળાએ સર્જકની કલ્પનાના ઉડ્ડયનને પૂરો અવકાશ મળે છે. એ પાત્રોની જિંદગીમાં બનેલી ઘટનાઓમાં ઇચ્છા થાય તેવા ફેરફારો કરી શકે છે. પરંતુ પોતાની વાત લખવી એ સાવ જુદો જ અનુભવ છે. મન્નૂ લખે છે: ‘अपनी कहानी लिखते समय सबसे पहले तौ मुझे अपनी कल्पना के पर ही कतर कर एक ओर सरका देने पडे, क्योंकि यहाँ तौ निमित्त भी मैं ही थी और लक्ष्य भी मैं हीं|…यह शुद्ध मेरी ही क हानी है और इसे मेरा ही रहना था’ એટલે ન તો એમાં કંઈ બદલવાની જરૂર હતી, ન કંઈ વધઘટ કરવાની. મારે માત્ર એ જ સ્થિતિઓ વિશે લખવાનું હતું જેમાંથી હું પસાર થઈ હતી, એ પણ યથાતથ. બીજા શબ્દોમાં કહું તો જે કંઈ મેં જોયું, જાણ્યું, અનુભવ કર્યો… આ ‘કહાની’ એનાં લેખાંજોખાં છે… એ કેવી વિડંબના છે કે હું જ્યારે વાર્તા-નવલકથા રચતી હતી ત્યારે મારે મારાં પાત્રો સાથે ‘સ્વ’ અને ‘પર’ વચ્ચેનો ભેદ મટી જાય એ હદે મારી જાતને એકાકાર કરવી પડતી. પણ મારી પોતાની ‘કહાની લખતી વેળાએ મારે મારી જાતથી બિલકુલ અલગ થવું પડ્યું. આત્મકથા સ્વરૂપની આ માગ હતી કે લખવાવાળી મન્નૂ અને જીવન જીવવાવાળી મન્નૂ વચ્ચે અંતર જાળવી રાખવું અનિવાર્ય હતું. આ અંતર જાળવવામાં હું કેટલી સફળ રહી છું એનો નિર્ણય મારો વાચકવર્ગ કરશે…’ (9-10)

મારવાડી જૈન પરિવારની દીકરી મન્નૂએ વિદ્વાન, આર્યસમાજી પિતાને કારણે નાનપણથી જ પુષ્કળ વાંચેલું. આમ પણ આ સમયગાળામાં ‘કાં રમો ને કાં વાંચો’ એ જ બધાના બાળપણની કથા હતી. છોકરીઓને મેટ્રિક સુધી ભણાવવા ઉપરાંત એને સારી ગૃહિણી અને કુશળ પાકશાસ્ત્રી બનાવવાની કોશિશ પણ પૂરજોશમાં ચાલતી. (21) મન્નૂના પિતા જોકે રસોડામાં જવાને પોતાની ક્ષમતા અને પ્રતિભાને ચૂલામાં નાખવા બરાબર ગણતા હતા. ઘરના માહોલની સમાંતરે અહીં આઝાદીનો કાલખંડ – સભાઓ, સરઘસો, ભાષણો વગેરે–-પણ આબાદ ઝિલાયો છે. ઘેર ઘેર દીવાળી આવી હોય એવો આઝાદીનો ઉત્સવ સમાંતરે વિભાજન અને કત્લેઆમને પણ સાથે લાવેલો. આવા કારમા કાલખંડમાં પણ પ્રજાને ભાષા, પ્રદેશ, વખત, કઈ હદે જોડતાં એ મન્નૂએ પોતીકા અનુભવે લખ્યું છે.

મન્નૂના ઘરનું વાતાવરણ દીકરીઓને ઉઘાડા મોઢે પરણાવી શકાય એટલું ઉદાર હતું. ભાઈ-બહેનો વચ્ચેનો અપાર સ્નેહ પછીથી મન્નૂને એની જિંદગીના સૌથી કપરા કાળમાં પણ ટકાવી ગયો. પોતાના શ્યામ રંગ અને મરિયલ દેખાવને કારણે નાનપણથી જ મન્નૂના મનમાં એવી લઘુતાગ્રંથિ ઘૂસી ગયેલી કે એમાંથી એ કદી બહાર જ ન આવી શક્યાં. એ લખે છે: ‘में तो अपने लिखे को लेक र कभी आत्मतुष्ट नहीं हो पाई’ (13), નામ, સન્માન અને પ્રતિષ્ઠા મળ્યાં એ પછી પણ આ લઘુતાગ્રંથિમાંથી તેઓ બહાર નથી આવી શક્યાં. એ કહે છે ‘હું મારી કોઈ પણ ઉપલબ્ધિ પર ભરોસો નથી કરી શકતી’ (18) એક વાતની આપણને નવાઈ લાગી શકે. કોઈના પણ જીવનમાં જ્યારે શાંતિ હોય ત્યારે એ ઉત્તમ સર્જન કરી શકે. પણ મન્નૂના જીવનમાં જ્યારે ઝંઝાવાતો ઊઠેલા ત્યારે ઉત્તમ સર્જન થયું છે. એ લખે છે: ‘पहले हर स्तर पर संकट थे, कष्ट थे, समस्याँए थी, नसों को चटका देनेवाले आघात थे, पर उनके साथ लगातार लिखना भी था… आजा ये सारी समस्याएँ संकट समाप्तप्राय हैं पर लिखना तो बिलकुल ही समाप्त है | तो क्या संघर्षपूर्ण और समस्याग्रस्त जीवन ही लिखने की अनिवार्य शर्त है?’ (13) લગભગ 1984-85થી લખવાનું બંધ થઈ ગયું છે… આત્મકથા લખવી શરૂ કરી 1990 પછી. નહીં લખી શકવાની પીડા સમગ્ર આત્મકથામાં ડોકાતી રહી છે. એ લખે છે: ‘मेरे पास आजा अगर कुछ है तो हर दिन के साथ बढती छटपटाहट और लगातार रिसते-टूटते आत्मविश्वास की कचोट| आजा मैं कितनी शिद्दत के साथ महसूस कर रही हूँ कि कलम और शब्द के साथ रिश्ता टूटते चले जाने की प्रक्रिया में कैसे जिन्दगी के साथ भी मेरा रिश्ता टूटता चला गया | કઈ રીતે હું બધાથી કપાતી ચાલી અને પોતાના કોચલામાં ભરાતી ચાલી…’ (14) લખ્યા વગર જાણે કે પોતાનું હોવું અર્થ વગરનું હોય એવી મન્નૂની મનોવ્યથા આપણને વિચલિત કરી જાય છે.

કલકત્તાની બાલીગંજ સ્કૂલમાં નોકરી કરતાં મન્નૂ વિદ્યાર્થીઓમાં બહુ પ્રિય હતાં. ‘(અન્યા સે અનન્યા’નાં લેખિકા, જાણીતાં સાહિત્યકાર પ્રભા ખેતાન મન્નૂનાં જ વિદ્યાથિર્ની) આ શાળાજીવનનાં વર્ષો મન્નૂની જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો છે. આઠેક વાર્તાઓનું પ્રકાશન, રાજેન્દ્ર યાદવનો પરિચય, લગ્ન, દીકરીનો જન્મ… આ તમામ ઘટનાક્રમ અહીં જ બન્યો. રાજેન્દ્ર સાથેની દોસ્તી જ્યારે પ્રેમના રંગે રંગાવા લાગી ત્યારે મન્નૂ લખે છે: ‘अजीब से दिन थे वे भी – मैं यथार्थ के धरातल पर कहानियाँ लिखती थी और सपनों की दुनिया में जीती थी|’ (53) પણ આ સપનાં ક્ષણજીવી નીકળ્યાં. સહજીવનનાં, સાથે લખવા-વાંચવા-ચર્ચા કરવાનાં સપનાં લઈને જાણીતા સાહિત્યકાર રાજેન્દ્ર યાદવ સાથે ગૃહસ્થી માંડનાર મન્નૂને આરંભે જ એમણે કહી દીધું: ‘देखो, छत जरूर हमारी एक होगी लेकिन जिंदगियाँ अपनी अपनी होंगी – बिना एक दूसरे की जिन्दगीमें हस्तक्षेप किए बिलकुल स्वतंत्र, मुक्त और अलग’ (56) આનો અર્થ તો મન્નૂને ધીરે ધીરે સમજાયેલો પણ એ ક્ષણે તે અવાક્ થઈ ગયેલાં. મન્નૂને એવું લાગેલું કે ‘માથા પર છતના આશ્વાસન સાથે જાણે પગ નીચેથી જમીન ખેંચી લીધી.’ (57) ઘરની તમામ જવાબદારીઓ અને સમસ્યાઓમાં રાજેન્દ્ર ભૂલમાંય માથું ન મારે. નોકરી, ઘર, દીકરીને સાચવવી અને લખવું… અઘરું હતું મન્નૂ માટે, પણ રાજેન્દ્રને દીકરી સાચવવામાં નાનમ લાગતી હતી અને નોકરી કરવી એની ફિતરત ન હતી. નારીવિમર્શ પર આટલું બધું લખનાર, નારીમુક્તિના ઝંડા લઈને ફરનાર રાજેન્દ્ર પત્ની વિશે શું માનતા હતા? ‘पत्नी को एक नर्स की भाँति होना चाहिए जो सिर्फ पति की सेवा करे, बदलेमें उससे अपेक्षा कु छ न क रे.’ (96).’

‘હંસ’ના સંપાદક અને જાણીતા સાહિત્યકાર રાજેન્દ્ર યાદવ 2001માં ‘मूड मूड के देखता हूँ’ શીર્ષકથી પોતાની વાત લખે છે, જેમાં પોતાના ફરંદાપણા વિશે, અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો વિશે લખતાં, રાજેન્દ્ર યાદવે જરાક પ્રામાણિકતાના આવેશમાં લખ્યું હતું: ‘मरने और खटने के लिए मन्नू और मौजा-मस्तीके लिए मीता… आजा स्वीकार करता हूँ कि मन्नू के प्रति यह सचमुच मेरा अन्याय भी था और अपराध भी| मगर मैं शायद घर के लिए बना ही नहीं था’ (मुड मुड के …128) મન્નૂએ પોતાની આત્મકથામાં રાજેન્દ્રના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો વિશે કશું નથી લખ્યું. દરેકની જિંદગીમાં, અંગત સંબંધોમાં કેટલાંક અંગત પાનાં એવાં હોય છે કે અંગતતા જ એને જાહેર કરવામાં સૌથી મોટે અવરોધ બની રહે. જિંદગીનાં એવાં પાનાં જાહેર કરવાની મન્નૂ ભંડારીની ઇચ્છા નહીં જ હોય. પરંતુ રાજેન્દ્ર યાદવે એ અતિ અંગત પાનાં જાહેર કરી દીધાં ત્યારે મન્નૂને પોતાનો પક્ષ રજૂ કરવો જરૂરી લાગ્યો હશે. એટલે ‘देखा तो इसे भी देखते…’ શીર્ષકથી 21 પાનાં પૂરક પ્રસંગ તરીકે મન્નૂ આત્મકથામાં જોડે છે. આ પૂરક પ્રસંગ લખતી વેળા ફરી એકવાર મન્નૂ ભયાનક પીડા અને પરિતાપમાંથી પસાર થયાં હશે. ‘એક કહાની યહ ભી’ લખતી વેળા સતત ઉચિત-અનુચિતનું દ્વંદ્વ એમને બધું લખવા નથી દેતું. સમગ્ર આત્મકથામાં એમણે અમુક સંયમ જાળવ્યો છે. પણ રાજેન્દ્રના લખ્યા પછી મન્નૂએ જે લખ્યું છે તે લખવાનું એમને બહુ અઘરું અને અપમાનજનક લાગ્યું છે. એમણે લખ્યું પણ છે: ‘उन बेहद अपमानजानक स्थितियों का ब्योरा प्रस्तुत करना, सबके बीच अपने को नंगा करके खडा करने जैसा ही था’ (206) આમ પણ સમગ્ર આત્મકથામાં મન્નૂ બીજાને શું લાગશે તેની સતત ચિંતા કરતાં હોય એવું લાગે છે. એક ખાસ પ્રકારનો આગોતરો બચાવ બધે જોવા મળે છે. આ પૂરક પ્રસંગમાં પણ એ લખે છે: ‘हो सकता है कि किसी को इसमें प्रतिशोधकी गन्ध आए तो किसी को Self Justification की।’ વાચકો એ જાતે જ નક્કી કરશે… મારે તો એટલું જ કહેવું છે કે મેં જે કંઈ લખ્યું છે એની એક એક વાત, એક એક વાક્ય બિલકુલ સત્ય છે’ (207). ભૂમિકામાં પણ એમણે આના વિશે લખ્યું છે: ‘લેખનને કારણે જ અમે બન્નેએ લગ્ન કરેલાં. ત્યારે મને એવું લાગેલું કે રાજેન્દ્ર સાથે લગ્ન કરવાની સાથે જ લેખન માટે રાજમાર્ગ ખૂલી જશે અને ત્યારે મારી એકમાત્ર ઇચ્છા પણ એ જ હતી. લગ્ન કરવાની સાથે જ મારા વ્યક્તિત્વના બે ભાગ થઈ જશે તે હું કેવી રીતે ભૂલી ગઈ? લેખક અને પત્ની એવા બે ભાગ. રાજેન્દ્રની સાથે રહીને જે સાહિત્યિક વાતાવરણ મળ્યું, જે ગોષ્ઠિઓ થઈ એ મારા માટે પ્રેરણાસ્રોત બની રહ્યું. પણ મારા પત્નીરૂપનું શું થયું? ‘इस पर राजेन्द्र निरन्तर जो और जैसे प्रहार क रते रहे, उसका परिणाम तो मेरे लेखक ने ही भोगा |’ સતત ખંડિત થતા આત્મવિશ્વાસે છેલ્લે મારા લેખનકાર્ય પર પૂર્ણવિરામ જ મુકાવ્યું. એટલે આ વાત કોઈને ભલે મારા અંગત જીવનની લાગે પણ એ છે તો મારા લેખક તરીકેના જીવનનો અભિન્ન હિસ્સો. અને મેં એ કોઈ જાતના આવેગ કે આવેશ વગર, કોઈ દુર્ભાવ વગર, તટસ્થપણે પૂરી ઇમાનદારીથી લખ્યું છે.’ (10)

રાજેન્દ્ર સાથેના લગ્ન પછી મન્નૂએ એની પાસે ભાગ્યે જ કશી અપેક્ષા રાખી હતી. એ લખે છે: ‘मैंने उनके लेखकीय व्यक्तित्व से घर-परिवारकी जिम्मेदारी उठाने की अपेक्षा कभी नहीं की… एश-आराम, धनदोलत की भी नहीं की थी… चाहा था तो एक अटूट विश्वास, एक निर्द्वन्द्व आत्मीयता और गहरी संवेदनशीलता जिसके चलते हम खूब लिख सकें…’ (210). પણ થયું શું? વિશ્વાસની તો રાજેન્દ્રે લગ્ન પહેલાં જ ધજ્જિયાં ઉડાવી દીધેલી, જે લગ્ન પછી રોજની ઘટના બની ગઈ. લગ્ન પછી આગ્રા પહોંચ્યાં ત્યારે રાજેન્દ્રની બહેનો મન્નૂની આરતી ઉતારે છે, ઘરના આંગણામાં સાસુ, નણંદ ને બીજી સ્ત્રીઓ મન્નૂ પાસે કંઈક વિધિઓ કરાવવામાં મગ્ન હતાં ત્યારે ત્યાંથી છટકી રાજેન્દ્ર એમની પ્રેમિકા મીતાને શાંત પાડવાની મથામણ કરી રહ્યા હતા. મન્નૂ લખે છે: ‘रात को राजेन्द्र जब मेरे पास आए तो उनकी रगो में लहू नहीं, अपने कि ए का अपराधबोध, मीता के आँसू और उसकी मित्रकी धिक्कारभरी फटकारे बह रही थीं… बिलकुल ठंडे और निरूत्साहित | और फिर यह ठंडापन हमारे सम्बन्धो के बीच जैसे स्थायी भाव बनकर जम गया!’ (212). કદી ન ફાવ્યું રાજેન્દ્ર સાથે ને છતાં 35 વર્ષ સાથે રહ્યાં. કેમ? કેમ મન્નૂએ આ સામંતશાહી માનસ ધરાવતા, સ્ત્રીમુક્તિની વાતો કરનારા બેવડાં ધોરણવાળા માણસ સાથેનો સંબંધ તોડી ન નાખ્યો? મન્નૂએ આ ‘કેમ’ના જવાબો પોતાની રીતે શોધવાની કોશિશ કરી છે. પિતાની નામરજી છતાં કરેલાં લગ્નને તેઓ ટકાવવા માગતાં હતાં. વળી રાજેન્દ્ર પ્રત્યેનો પ્રેમ, દીકરીનો જન્મ, અને રાજેન્દ્ર બદલાશે એવી આશા….(62). જોકે આ સંબંધહીન સંબંધને ખેંચતાં મન્નૂ અંદરથી સાવ ભાંગી પડેલાં. માંદી દીકરી માટે કે માંદગીને કારણે ઊભી ન થઈ શકતી મન્નૂ માટે રાજેન્દ્ર પાસે કદી સમય ન હતો. કોઈ પ્રકારની જવાબદારી લેવી જાણે કે એમના સ્વભાવમાં જ ન હતું. એના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરતાં મન્નૂ લખે છે: ‘वास्तव में राजेन्द्र के प्यार और अन्तरंगता की सीमा में कोइ हो भी नहीं सकता, सिवा खुद राजेन्द्रके , क्योंकि किसी को भी प्यार की सीमा में लेते ही अधिकारकी बात आ जाती है, जो राजेन्द्र किसी को दे नहीं सकते… समर्पण की बात आ जाती है, जो राजेन्द्र कर नहीं सकते’ (214) ઘર મન્નૂએ ખરીદ્યું, નોકરી પણ એમણે જ કરી, બહેનની મદદથી દીકરીને એકલા હાથે મોટી કરી, સાજે-માંદે એકલાં જ દોડ્યાં… ને આ દીકરી નાનપણમાં ‘તું મારી સગી મા નથી, મારી મમ્મી તો કલકત્તામાં છે (મન્નૂની બહેન’) એમ કહે ત્યારની મન્નૂની પીડા શબ્દોમાં બાંધી ન શકાય એવી છે. થોડાક પૈસાની સગવડ થાય એટલે રાજેન્દ્ર મીતા સાથે ફરવા ઊપડી જાય, લગ્ન પછી મીતા સાથેના સંબંધો ચાલુ જ રહ્યા. એક મિત્રે એમને પૂછેલું: ‘પ્રેમ મીતા સાથે હતો તો મન્નૂ સાથે કેમ લગ્ન કર્યા?’ રાજેન્દ્રએ બિલકુલ ઈમાનદારીથી જવાબ આપતાં કહેલું: ‘यह सही है कि मेरा प्रेम उसीसे रहा पर घर बसाने के लिए वह ठीक नहीं थी, क्योंकि वह बहुत ही दबंग अक्खड और डामिनेटंगि है’ (218). મન્નૂ લખે છે: ‘હા ભાઈ, આ ત્રણેય વિશેષણો પર તો પુરુષોનો એકાધિકાર છે. આ જ વિશેષતાઓ હોય તો સ્ત્રી સાથે રહેવાલાયક નથી રહેતી! વાહ રે સ્ત્રીવિમર્શના ઝંડા ફરકાવનારાઓ! (218). આ અલગાવપૂર્ણ સત્ય અને સંવાદહીન સંબંધને નિભાવતાં રહેલાં મન્નૂને લગ્નજીવને માત્ર તનાવ, જવાબદારીઓ અને યાતનાઓ જ આપ્યાં. પોતાની ન્યૂરાલ્જિઆની બીમારી માટે પણ મન્નૂ આ માનસિક તનાવને જ જવાબદાર ગણાવે છે. 35 વર્ષે છૂટા પડ્યા પછી જ એમણે શાંતિનો શ્વાસ લીધો. તેઓ લખે છે કે, ‘હવે આજે હું બિલકુલ જ એકલી થઈ ગઈ છું… पर राजेन्द्र के साथ रहते हुए भी तो मैं बिलकुल अकेली ही थी | પણ એ એકલપણામાં તનાવ હતો, ઉપેક્ષા હતી, યાતના હતી. આજે તમામ પ્રકારના તનાવોથી મુક્ત થયા પછી એકલી રહેવા છતાં એકલપણું લાગતું નથી! आज कम से कम अपने साथ तो हूँ | માણસ માટે પોતાનો સાથ કેટલો તો જરૂરી હોય છે! તનાવરહિત અને દ્વન્દ્વમુક્ત પોતાનો સાથ અને પોતાનો સમય.

મન્નૂ ભંડારીની આત્મકથામાં એમની વ્યક્તિગત પીડાઓની સમાંતરે એમની સર્જનપ્રક્રિયાની વાતો તથા હિન્દી સાહિત્યજગત, પ્રકાશનજગતની વાતો પણ થઈ છે. હિંદીની ‘નઈ કહાની’ના મુખ્ય ત્રણ સ્તંભ મોહન રાકેશ, કમલેશ્વર અને રાજેન્દ્ર યાદવ વચ્ચેની દોસ્તી ધીમે ધીમે કઈ રીતે દુશ્મનીમાં પલટાતી ગઈ તેના વિશે ખાસ્સા વિસ્તારથી લખતાં મન્નૂ જાતને પૂછી બેસે છે: ‘एक ही क्षेत्र में बराबरीकी टक्कर के साहित्यकार क्या दूर रहकर ही पास रह सकते है? पास आते ही उनकी महत्त्वाकांक्षाएँ… उनके अहं का टकराव उन्हें दूर ला पटक ता है!’ (87) મન્નૂને આશ્ચર્ય થાય છે કે મોહન રાકેશ અને રાજેન્દ્ર જ્યારે અલગ-અલગ શહેરોમાં રહેતા હતા ત્યારે એમની વચ્ચે ઉષ્માભર્યો સ્નેહ હતો. પરંતુ એક શહેરમાં રહેવા માંડ્યા ત્યારે ‘प्रतिस्पर्धा के थपेडों से मन अलग होते चले गए’ (85).. એટલે જ આ ત્રણેયે એકમેક માટે જે કંઈ લખ્યું હોય તેને સાચા અર્થમાં સમજવા માગનારે મન્નૂની આત્મકથામાંથી પસાર થવું જ રહ્યું.

ઇંદિરાજીએ લાદેલી કટોકટીવેળાએ ભલભલા મોટા લેખકોની મસ્કાબાજીથી આપણને આઘાત પણ લાગી શકે તો એની સામે મન્નૂએ પદ્મશ્રી પુરસ્કાર, તો રાજેન્દ્રે ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરની ખાસ્સી મોટી રકમની સ્કોલરશીપ નકારેલી કોઈ જાતના ભય વગર (135). ઇંદિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં થયેલી કત્લેઆમ હિંદુસ્તાનના ઇતિહાસનું એક કાળું પાસું છે. તોફાનોમાં ભોગ બનેલા લોકોને મદદ કરવા નીકળેલાં મન્નૂ અને બીજાં મિત્રો આ ઘટનાનું બીજું પાસું પણ બતાવે છે. હત્યા પછી તરત જ રસ્તા પર, ગલીના નાકા પર ભાંગડા નૃત્યો, શરાબની બોટલોની છોળ વગેરે દ્વારા ટોળાંઓએ હરખ ઠાલવેલો. (160)

આમ તો, આ આત્મકથા એક સીધી સાદી, સંવેદનશીલ સ્ત્રીની નરી પીડાની કથા છે. પણ એ સ્ત્રી એક શિક્ષક છે, સર્જક છે, વિચારશીલ જીવ છે. એટલે એની પીડાઓની સમાંતરે આપણને એના સર્જનવિશ્વમાં ડોકિયું કરવા મળે છે, શિક્ષણના કથળતા સ્તર વિશે, અંગ્રેજીના વળગણ વિશે વ્યક્ત થયેલી ચિંતા જાણવા મળે છે. સાહિત્યજગતના સર્જકોનું સ્ત્રી વિશેનું – ખાસ તો પત્ની વિશેનું – એકસરખું વલણ મન્નૂ દ્વારા જાણવા મળે છે. તમારું સારાપણું તમને કઈ હદે પીડા બાજુ ધકેલી શકે તે પણ મન્નૂની આત્મકથા આપણને કહે છે.

*

શરીફા વીજળીવાળા

વિવેચક, અનુવાદક.

ગુજરાતીનાં અધ્યાપક, વીર નર્મદ દ. ગુજ.. યુનિવર્સિટી, સુરત.

સુરત.

skvijaliwala@yahoo.com

9824519977

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.