પશ્ચિમેતર દૃષ્ટિકોણનું મહત્ત્વનું અર્થઘટન – અવધેશ કુમાર સિંહ

From the Ruins of Empire… – Pankaj Mishra

Penguine Books, New Delhi, 2013

પંકજ મિશ્રા ભારતના એક ઉત્તમ ઇતિહાસવિદ્ અને બૌદ્ધિક છે. ‘ગાડિર્યન’, ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’, ‘લંડન રિવ્યૂ ઓફ બુક્સ’ વગેરેમાં લેખો આપવા ઉપરાંત એમણે જે મહત્ત્વનાં પુસ્તકો પ્રકાશિત કરેલાં છે તે Butter chicken in Ludhiana, the Romantics, An End to suffering, Temptation of the West અને આ સમીક્ષ્ય ગ્રંથ From the Ruins of Empire: The Revolt against West and the Remarking of Asia (સામ્રાજ્યનાં ખંડેરોમાંથી પશ્ચિમ સામે બળવો અને એશિયાનું પુન: સ્થાપન).

આ પુસ્તકમાં, એશિયાની બૌદ્ધિક અને રાજકીય સફરનું મિશ્રાએ પશ્ચિમેતર દૃષ્ટિકોણથી કરેલું અર્થઘટન છે. અર્થઘટનની આ પ્રક્રિયા દરમ્યાન મિશ્રા પશ્ચિમે અદ્યાપિપર્યન્ત અવગણેલી દલીલોને કેન્દ્રમાં લાવે છે. જુદી જુદી સભ્યતાઓ વચ્ચેની સીધી ટક્કર અને એના પરિણામ રૂપે વિજેતા અને પરાજિતને સ્પષ્ટ રીતે નોખા કરી આપતું આ પ્રકારનું વિરોધાત્મક ઇતિહાસલેખન સાદું હોવા છતાં પક્ષાપક્ષીની નાટ્યાત્મકતા ધરાવતું હોવાને કારણે હમેશાં રસ જન્માવતું લાગે છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો પરિપાઠ(discourse) છેલ્લાં અઢીસો વર્ષ દરમ્યાન કેટલાય તબક્કાઓમાંથી પસાર થયો છે અને ઘણા ભારતીયોના મનમાં કિપ્લિંગે 1889માં કરેલું ‘પૂર્વ અને પશ્ચિમ નોખાં છે અને ક્યારેય એક નહિ બને’ એ વિધાન હજી ય ગૂંજતું રહે છે. પોતાની એ જ વર્ષની હોંગકોંગની મુલાકાત દરમ્યાન કિપ્લિંગે રેલવે અને અખબારની સંભવિત અસરો વિશે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ચીન જાગશે ત્યારે શું થશે? ચીન દ્વારા કિપ્લંગિને અહીં સમગ્ર એશિયા અભિમત છે. એક કવિ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ સાંસ્થાનિકીકરણના સૌથી વ્યાપક તબક્કે પણ જોઈ શક્યો હતો.

આધુનિક પશ્ચિમનો ઉદય અને સમાન્તરે પૂર્વનો અસ્ત ઐતિહાસિક વિવાદ અને વિમર્શ માટે નિત્યનવીન મુદ્દા રહ્યા છે. પોતાના ‘સિવિલિઝેઇશન: વેસ્ટ એન્ડ ધ રેસ્ટ’માં ફર્ગસન(Fergusson, 2011) લખે છે કે આધુનિક ઇતિહાસનું હાર્દ ગણાય એવો પશ્ચિમનો પાછલા 500 વર્ષ દરમ્યાન થયેલો ઉદય ઇતિહાસકારો માટે કદાચ સૌથી અઘરું ઉખાણું છે. સ્પર્ધા, લોકશાહી, ચિકિત્સા, ઉપભોક્તાવાદ અને રોજીમાં નૈતિકતા, એ લક્ષણોનું ખંતભર્યું પ્રયોજન પશ્ચિમને સતત ટોચ પર રાખવા લાગ્યું એ પછી ચિત્ર બદલાયું. પશ્ચિમને જો એના ચડિયાતાપણાની ટોચ પરથી ખસેડવું હશે તો બીજા દેશોએ આ લક્ષણોનો વધુ ચિકિત્સક અને ગંભીર પ્રયોગ કર્યા વિના રસ્તો નથી. આ પ્રકારની દલીલનો વિરોધ કરતાં મિશ્રા સામ્રાજ્યવાદી પશ્ચિમ સાથેની અથડામણ પછી પોતાની રાજકીય અને સાંસ્કૃતિક અસ્મિતાનું પુન:સ્થાપન કરનારા અફઘાનિસ્તાન, ચીન, ભારત, ઇરાન, અને તુર્કસ્તાનના ચંતિકોને કેન્દ્રમાં રાખીને પોતાની વાત મૂકે છે. મિશ્રાનું વૃત્તાન્ત 19મી સદીના મધ્યભાગથી શરૂ થાય છે. આ એ સમયગાળો છે જ્યારે એશિયામાં પશ્ચિમનો ડંકો વાગવો શરૂ થઈ ગયો હતો. પાશ્ચાત્ય આધુનિકતા વિશે બે વિશ્વયુદ્ધોના ફળસ્વરૂપે થયેલું એશિયાનું ભ્રમનિરસન ચીન, ભારત અને વૈશ્વિક ઇસ્લામનો ઉદય તેમજ પશ્ચિમના પતનની ફેલાતી રહેતી અફવાઓ સાથે પુસ્તક સમાપ્ત થાય છે.

પાછલી સદીને બે વિશ્વયુદ્ધો, બે મહાસત્તાઓ વચ્ચેના શીતયુદ્ધ(કોલ્ડવોર) અને પરમાણુ હથિયારોની સ્પર્ધાના સંદર્ભમાં જોતાં યુરોપકેન્દ્રી પરિપાઠની દંતકથા ભેદીને લેખકે પરિવર્તનનું કેન્દ્ર યુરોપકેન્દ્રી વિદ્વાનોએ કોરાણે ધકેલી દીધેલા એક પ્રસંગને કેન્દ્રમાં લાવીને એશિયામાં આણ્યું છે. મિશ્રા-અનુસાર આધુનિક વિશ્વની દિશા એડ્મિરલ તોગો હાઇહાચીરો(Togo Heihachiro)ની સરદારી હેઠળ એક જાપાની બેડાએ 1905માં ‘અડધા વિશ્વને વળોટીને પૂર્વ સુધી આવી પહોંચેલા રશિયન નૌકાદળને મહદંશે તહસનહસ કરી નાખ્યું એ બે દિવસોએ નિર્ધારી હતી.’ આ લડાઈ પાછળથી ‘એક સદી પહેલાંની ટ્રફાલ્ગર સ્ક્વેઅરની લડાઈ પછીની સૌથી મહત્ત્વની નૌસૈનિક લડાઈ’ અને ‘જગતે જોયેલી સૌથી મોટી ઘટના’ ગણાઈ હતી. આ પ્રસંગ એને પોતાના દેશની પણ રાષ્ટ્રીય ઝંખના તરીકે જોનારા મહાત્મા ગાંધી, મુસ્તફા કેમાલપાશા, જવાહરલાલ નેહરુ, સુન યાત્સેન, રવીન્દ્રનાથ ઠાકુર, અબ્દુર્રશીદ ઈબ્રાહિમ, ફાન બોઇ ચાઉ, અને રશીદ રીદા જેવા રાજકીય અને સાંસ્કૃતિક નેતાઓના ઉદયનું અને એશિયાની જાગૃતિનું કારણ બન્યો.

પુસ્તક નૅપોલીઅનના ઇજિપ્ત-વિજય (1799) અને પછી વોટર્લૂમાં એની હારથી શરૂ થાય છે. એ સાથે સાથે અહીં સર ટોમસ રોનું જહાંગીરના દરબારમાં આગમન, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય (1757) તથા બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના અને કાવાદાવા, મકોલિ(Macaulay)નાં માંદલાં વિધાનો, એ પછી ચીન અને ભારતને ધીરે ધીરે ભાંગી નાખતાં વેપારયુદ્ધો અને અફીણનાં યુદ્ધોનું વર્ણન પણ છે.

એશિયા અને યુરોપ વચ્ચેના ઘર્ષણે બૌદ્ધિક, નૈતિક, અને આધ્યાત્મિક કટોકટી જોનારા પર્શિઆના જમાલ અલ–દીન અલ–અફગાની, ચીનના લિઆંગકિચાઓ, અને ભારતના રવીન્દ્રનાથ ઠાકુર જેવા એશિયાના શિક્ષિતોના મનમાં જાણે ચિનગારી જન્માવી હતી. યુરોપના વિજયે ‘પરાજિતોના મનમાં દ્વેષ તો જન્માવ્યો જ, પોતાને જીતનારાઓની ઈર્ષ્યા પણ જન્માવી, અને અન્તે વિજેતાની લગભગ જાદુઈ લાગતી શક્તિઓના રહસ્યમાં ભાગીદાર થવાની ઉત્કંઠા પણ જન્માવી.’ મિશ્રાનું પુસ્તક આ ત્રણ નામોના માળખાની આસપાસ ગૂંથાયું છે. એ લખે છે, ‘એ હવે ઘણું સ્પષ્ટ છે કે જગતની મોટા ભાગની પ્રજા માટે એશિયાનો બૌદ્ધિક અને રાજનૈતિક ઉદય અને એશિયાનાં તથા યુરોપનાં સામ્રાજ્યોનાં ખંડેરોમાંથી થયેલું ઉત્થાન પાછલી સદીની કેન્દ્રભૂત ઘટના છે.’

ઓપિઅમ વોર(1839-42) અને ચીનના ઇતિહાસમાં એને પડેલી સૌથી મોટી લપડાકરૂપ યુઅન મિંગ યુઅનના વિનાશની વાત કરતાં મિશ્રાએ ચીને શા માટે હોંગકોંગનો હવાલો બ્રિટનને સોંપ્યો અને દસ લાખનો દંડ ચૂક્વ્યો એનાં કારણોની સમજ આપી છે. એ પછી ઇસ્લામિક ક્રાન્તિમાં જમાલ અલ–દીન અલ–અફઘાનીના પ્રદાનની ચર્ચા છે. ઇરાનમાં શિયા મુસ્લિમ તરીકે ઊછરેલા અને પશ્ચિમવિરોધી ચંતિક, રાજનૈતિક ચળવળિયા, ક્રાન્તિકારી, અને આધુનિક સુધારાવાદી અલ-અફઘાનીએ ભારત, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઇજિપ્ત, અલેગ્ઝાન્ડ્રિઆ અને રશિયાની મુલાકાત લઈને મુસલમાનોની એકતાના પ્રયાસો કર્યા હતા. જો કે પાછલી સદીનાં છેલ્લાં પચીસ વર્ષોમાં સમગ્ર જગતને ભરડામાં લેનારો અને આ સદીમાં પણ વિભિન્ન રૂપે ચાલતો રહેલો ઇસ્લામિક ત્રાસવાદ અલ-અફઘાનીને અભિમત નહોતો. આ સ્થિતિમાં મિશ્રા માટે અલ-અફઘાની સાથે આયોતોલ્લા ખોમૈનીની અને વિશેષ કરીને ઓસામા બિન લાદેનની સરખામણી કરવી સ્વાભાવિક બને છે. લેખકનો પ્રયાસ યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના પ્રદાનને અવગણ્યા વિના ઓગણીસમી સદીમાં નકામી બનેલી અને વણસી ગયેલી સામાજિક-રાજકીય પરંપરામાં પરિવર્તન લાવનારા અમુક ચંતિકોના ફાળાની વાત મૂકવાનો છે. લેખકના મતે અલ-અફઘાની આજે હોત તો પોતાના વિચારોને કારણે એના વિરુદ્ધ ફતવો જારી થયો હોત.

એ પછી મિશ્રાની ચર્ચાનું કેન્દ્ર 1890ના દશક દરમ્યાન જાપાન અને ઇસ્તમ્બુલ વચ્ચેનાં સૌહાર્દ અને એકતા, પ્રશાન્ત મહાસાગરના બીજા કિનારે યુએસએનો પગપેસારો, કોરિયાને લીધે જાપાન અને ચીન વચ્ચેનું યુદ્ધ, રશિયા, ફ્રાન્સ, અને જર્મનીના કાવાદાવા, અને લિઅંગ કિચાઓ, કાંગ યૂવેઇ, યાન ફૂ, અને તાન સિતોંગ જેવા પ્રખર સુધારાવાદી બૌદ્ધિકોના માર્ગદર્શન હેઠળ ચીનનું ભવ્ય રૂપાંતર બને છે. બોક્સર બળવા તરીકે જાણીતી અને ચીની રાષ્ટ્રવાદના જન્મ પહેલાંની પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ અને ખ્રિસ્તી ધર્મ વિરૂદ્ધ ચાલેલી યિહેતુઆન ચળવળનો અભ્યાસ કર્યા બાદ મિશ્રા કેટલાંક શક્તિશાળી રાજ્યો અને યુદ્ધ વિશેના તથા યુદ્ધોત્તર વિશ્વની વ્યવસ્થા વિશેના વૂડ્રો વિલ્સનના વિચારોની ચર્ચા કરે છે. ઝાર હેઠળના રશિયા, બ્રિટન, અને ફ્રાન્સ વચ્ચેના છૂપા કરારને ખુલ્લો પાડવામાં લેનિનની ભૂમિકા વિશે પણ અહીં વાત કરાઈ છે.

પુસ્તકમાં ભારતીય વિચારકો અને ક્રાન્તિકારીઓ અને એમના વિચારોને પણ સ્થાન મળ્યું છે. એક આખું પ્રકરણ રવીન્દ્રનાથ ઠાકુરને અપાયું છે. એના પછી વીસમી સદીમાં એશિયામાં બનેલા કેટલાક અગત્યના બનાવો અને ઘટનાચક્રો ઉપરાંત વિવિધ એશિયન અને યુરપિયન ચંતિકો, સાહિત્યકારો, પત્રકારો, અને ઇતિહાસકારોનાં કાર્યોની વિસ્તૃત નોંધના સ્વરૂપે લેખકે ઇજિપ્તમાં તાર અને રેલવેનું જાપાન તેમ જ ચીન કરતાં દશકો પૂર્વે અસ્તિત્વ, અને 1870ના દશકમાં લી હોંગજાંગ નામના એક અધિકારીએ ચીનની પહેલીવહેલી કોલસાની ખાણો અને તારના થાંભલા તથા રેલ્વેના પાટા નાખવામાં કરેલી મદદ સાબિત કરીને કેટલીક યુરપકેન્દ્રી દંતકથાઓ ઉઘાડી પાડી આપી છે. (પૃ. 139)

આ પુસ્તક પશ્ચિમે આપેલા પડકારને ઝીલવામાં આ વિદ્વાનોએ આદરેલી સંકુલ બૌદ્ધિક સફરને અને એમણે કરેલા સંઘર્ષને મોટો, બોલકો અવાજ આપે છે. આ દરેક વિદ્વાને પોતાની પરંપરાની પાર જોયું છે. જેમ કે, લિઆંગ કિચાઓ ચીની પ્રાચીનતાને આંતરિક કૅન્સર તરીકે જુએ છે અને વોશિંગ્ટનને તેમ જ નૅપોલિઅનને પ્રશંસાભર્યા પત્રો લખે છે. અલ-અફઘાની ‘ઇતિહાસ કુર્આનના અલ્લાહથી સ્વતંત્ર રીતે વર્તે છે’ એમ માનનારા પહેલા મુસ્લિમ વિચારકોમાંના એક છે. રવીન્દ્રનાથ ઠાકુર પોતાની અંગ્રેજી કવિતાઓને લઈને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરે છે. પરન્તુ પાશ્ચાત્ય સભ્યતાએ ત્રણેને નિરાશ કર્યા અને એમણે પોતાનાં મૂળિયાં શોધ્યાં. પોતે ખાસ ધાર્મિક ન હોવા છતાં અલ-અફઘાની રાષ્ટ્રવાદ અને વૈશ્વિક ઇસ્લામનું અસરકારક મિશ્રણ તૈયાર કરવા માટે પશ્ચિમ વિરૂદ્ધ હિંસક સંઘર્ષની તરફેણ કરતા ધર્મઝનૂની તરીકે પોતાને રજૂ કરે છે. એ છતાં અંત સુધી અલ-અફઘાનીએ મુસ્લિમો માટે તીખી ટીકા કરી છે. એ કહે છે, ‘પૂર્વનું જગત એટલું તો સડી ગયું છે અને સત્ય સ્વીકારવા સક્ષમ રહ્યું નથી કે હું ઇચ્છું છું કે પ્રલય અથવા ભૂકંપ આવે અને એને નેસ્તોનાબૂદ કરી દે.’ લિઆંગ કિચાઓનો પાશ્ચાત્ય સંસદો અને અખબારો વિશેનો મોહ પોતાના જીવનકાળમાં જ લડાયેલા પહેલા વિશ્વયુદ્ધને કારણે પ્રૌઢાવસ્થામાં ઊતરી ગયો હતો. પાછલાં વર્ષોમાં પ્રાચ્ય રહસ્યવાદ તરફ આકર્ષાયેલા રવીન્દ્રનાથમાં જાગેલી સાંસ્થાનિક અપમાનની લાગણી જાણીતી હતી અને 1919ના સંહારના વિરોધમાં એમણે નાઇટહૂડનો ખિતાબ પરત કર્યો હતો.

જાપાને 1905માં રશિયાને હરાવ્યું હતું એ પછી કેટલાંય ગામોમાં માબાપ પોતાનાં સંતાનોને જાપાની યોદ્ધાઓનાં નામ આપતાં હતાં; મુસ્લિમની આન્તરરાષ્ટ્રીય ઓળખ બનેલી ટોપીનો અજાણ્યો ઇતિહાસ; પૅરિસમાં વૂડ્રો વિલ્સન પોતાને મળવા આવશે એવી મુગ્ધ આશાથી હો ચી મિને સૂટ ભાડે લીધો હતો; નહેરુના પિતા પોતાનાં ખમીસને સફાઈ માટે યુરોપ મોકલતા હતા એવી અફવા–-આ પ્રકારની વિગતો રાજકીય અને સૈનિક ઇતિહાસના આ પુસ્તકનાં પાનાંઓમાં વેરાયેલી છે એ એનો સૌથી આકર્ષક ગુણ છે. તો પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન અને વર્સાય્ય(Versailles)ની સંધિ વખતની મહા-સત્તાઓની બેવડી નીતિઓ અને દંભ; સમગ્ર એશિયાનો ગણી શકાય એ પ્રકારનો પહેલાંનાં સામ્રાજ્યવાદી અપમાનોનો સામૂહિક સંહારની કક્ષાએ જાપાને લીધેલો બદલો; માઓવાદે આદરેલી અનુસામ્રાજ્યવાદી આધુનિકતાની સફર; અને વૈશ્વિક ઇસ્લામનો પશ્ચિમ વિરોધ – એવી આઘાતજનક વિગતો પણ અહીં છે.

એશિયન મિરેકલની પશ્ચિમે કરેલી વ્યાપક પ્રશંસા છતાં મિશ્રા ચીનને એવા રાષ્ટ્ર તરીકે જુએ છે જ્યાં ‘કેટલાક ઊભા રહે છે પરન્તુ બાકીનાને બેસી રહેવાની ફરજ પડે છે અને જે વિશેષાધિકારો ભોગવે છે એ લઘુમતીની ઝંખના પશ્ચિમની પ્રજા જે સગવડો પામે છે અને જે સાધનો વાપરે છે એ પોતે પણ પામે એ સિવાય ખાસ નથી.’ ભારતને એ જ્યાં ‘નિર્ભ્રાન્ત અને નાસીપાસ થયેલા લોકોની સંખ્યા’માં વધારો થતો રહે છે અને જેના જમીનવિહોણા ખેડૂતોમાં તીવ્ર નિરાશા વ્યાપી છે એવી લોકશાહી તરીકે જુએ છે તો જે લોકો ચીન અને ભારતે સ્વીકારેલા મૂડીવાદમાં પોતાના પાશ્ચાત્ય તોરતરીકાઓનું આશ્વાસન જુએ છે એમને ચેતવણી આપે છે. પશ્ચિમ અને પૂર્વ વચ્ચેના સદીઓ પુરાણા સંઘર્ષનો અંત લેખકના મતે પર્યાવરણના પ્રલયમાં આવશે.

આ પુસ્તક પશ્ચિમ અને પશ્ચિમેતર વચ્ચેના વિવાદ પર એક ઉમેરો જ હોય એવું કદાચ લાગે પરન્તુ હકીકત એ છે કે આ પુસ્તક એડવર્ડ સઇદના ઓરિએન્ટલિઝમ પછીનાં સૌથી મહત્ત્વનાં પુસ્તકોમાંનું એક છે. ઓરિએન્ટલિઝમ સમગ્ર પૂર્વને સમજાય છે એનું મુખ્ય કારણ એ છે કે પશ્ચિમ દ્વારા પોતાનો હેતુ સચવાય એ રીતે પૂર્વ વિશેના જ્ઞાનના સંપુટ તરીકે પ્રાચ્ય પરિપાઠમાં પોતાને અનુકૂળ રીતે પૂર્વને રજૂ કરવા પાછળની પશ્ચિમની રાજનીતિ એમાં ઉઘાડી પાડવામાં આવી હતી. એશિયા એમાં સંકેત રૂપે આવ્યું હતું. મિશ્રાનું પુસ્તક યુરપકેન્દ્રી પરિપાઠ (dicourse) પાછળના રાજકારણને ઉઘાડું કરી આપે છે અને પરિપાઠનું કેન્દ્ર એશિયાને બનાવીને સઇદના પુસ્તકમાં રહેલી ખોટની પૂર્તિ કરવા ચાહે છે.

સ્વાભાવિક રીતે જ એશિયા સિવાયના અને અન્ય પૂર્વેતર દેશોને એને લીધે સહન કરવાનું આવે જ પરન્તુ એથી ડૅવિડ શલ્મન(Shulman) પોતાના અવલોકનમાં કહે છે એમ ભલે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે પણ એને ‘રિવેન્જ અવ ધ ઇસ્ટ’ કહેવું ખોટું છે. એ જ રીતે એને એક્ઝામિનેશન ઓફ ધ વાઇટ ડિઝૅસ્ટર પણ નહિ કહી શકાય. આ પુસ્તક અલબત્ત એશિયાનો જવાબ અને પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ સામેનો એનો દાવો છે. એશિયન બૌદ્ધિકતાની સફરના આધારે લેખકે 21મી સદીમાં એશિયાના ઉદ્ગમને સ્પષ્ટતા, પ્રાસાદિકતા, અને નવા અર્થઘટન સાથે અહીં મૂકી આપ્યો છે.

*

અવધેશ કુમાર સિંહ [1]

અંગ્રેજીના પૂર્વ અધ્યાપક, હાલ ઇગ્નૂમાંઅનુવાદવિદ્યાના અધ્યાપક,

નવી દિલ્હી.

નવી દિલ્હી.

avadhesh06@gmail.com

97114 39995

*


  1. મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ: સુહાગ દવે, નડિયાદ, ફોન: 8006222776

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.