જ્ઞાન અને સંવેદનાની કવિતા – વાસદેવમોહી સિદ્ધાણી

કવિતા મનુષનગરી – નામદેવ તારાચંદાણી.

પ્રકા. લેખક, વડોદરા, 2011

નામદેવ તારાચંદાણી બહુકોણીય રચનાકાર છે. તેઓ કલ્પનાશીલ વાર્તાકાર, અને સર્જનશીલ કવિ અને વિવેચક છે. આ એવા સાહિત્યકાર છે જેઓ પ્રિન્ટ કરતાં વધારે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પોતાનાં પુસ્તકો વેબસાઇટ પર રાખવામાં વિશ્વાસ ધરાવે છે. તેથી પ્રિન્ટ થયેલાં તેમનાં પુસ્તકો ગણ્યાંગાંઠ્યાં જ છે.

કવિતાની વાત કરીએ તો તેમનો કાવ્યસંગ્રહ ‘અઠોં-સૂર’ (1984) છે, જેનો ગુજરાતી અનુવાદ ‘આઠમો-સૂર’ (2002) જયકર જોશીએ કરેલો છે. એના પછી નામદેવનો ખ્યાત કાવ્યસંગ્રહ ‘મનુષ-નગરી’ (2011) છે. જેના માટે તેમને 2013નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. આ દીર્ઘ કવિતામાં, સદીઓથી, મનુષ્યની જ્ઞાનપિપાસાની ઝંખના, અને તેના દ્વારા ‘સ્વ’ની તલાશ અને જગતને બહેતર પરિપ્રેક્ષ્યમાં સમજવાની નિરન્તર કોશિશ દેખાય છે,જે પાઠકોને બાહ્ય દુનિયાની ઝાંખી કરાવીને, પોતાનાં અંત:કરણ સુધી પહોંચવા પ્રેરે છે. ‘મનુષ-નગરી’ના ‘ગુઝારિશ’ (નિવેદન)માં કવિ કહે છે:

જિજ્ઞાસા જાગવા સુધી

સૃષ્ટિની ચર્ચા

વ્યર્થ ભાસે છે… (પૃ. 9)

નામદેવની ‘મનુષ-નગરી’ દીર્ઘ કવિતા એ જિજ્ઞાસાની કવિતા છે. ‘મનુષ-નગરી’ જ્ઞાનની ભારેખમ પોથીઓમાં ડોકિયું કરાવવાની સાથે, આસપાસનાં ફૂલો-પુષ્પોને પણ દૃષ્ટિ સમક્ષ રાખે છે. નહિતર, આ સફર કદાચ ખભા ઝુકાવી નાખત.

જિજ્ઞાસા એ છે તો એક ભાવ માત્ર, એક ઝંખના, પણ માણસને કેટલું દોડાવે છે! જો જિજ્ઞાસા ન હોત, તો માણસ કદાચ વધારે ખુશ રહેત. પણ આ જિજ્ઞાસા જ માણસને માણસ બનાવે છે! બાકી તો દરેક પ્રાણી જીવે છે.

મનુષ્યને હંમેશાં કોઈ ને કોઈ તલાશ રહે છે. આકાંક્ષા કદાચ તૃપ્તિની હશે, સંતોષની હશે, સુખની હશે. સુખ? એ વળી કઈ બલા છે? સમગ્ર મથામણ કદાચ એની આસપાસની જ છે. એનો રંગ રૂપ સ્વાદ સુગંધ ભિન્નાભિન્ન હશે – સંત અને રાજાનું સુખ સમાન તો નહીં હોય. બસ, માર્ગ જુદા થઈ જાય છે. નામદેવ આ જ સ્થાપિત કરે છે.

કવિતા સૌંદર્યનું બીજું નામ છે. નામદેવ સૌંદર્યને પિછાણે છે. નિરસ-ગૂઢ જ્ઞાનગોષ્ઠિઓ વચ્ચે સૌંદર્યને શાબ્દિક ચીપિયામાં પકડી લે છે. ચાંદનીને ગ્લાસમાં ભરી પી લે છે. નદીનાં ‘ફરસ’(સપાટી) પર, ટીપાંઓનું ‘નૃત્ય’ આંખોમાં સમાવી લે છે. પ્રકૃતિ પણ સૌંદર્યમય છે. કોઈ રંગીન ફૂલની અંદર નીરખી જોઈએ, રંગોની મિજલસ દેખાશે – મુલાયમ,ક્યાંક ઘટ્ટ, પણ પૂરી ભિન્નતા સાથે. પ્રકૃતિ ક્યાંથી લાવે છે આટલી ભિન્નતા,આટલી વિવિધતા! આખો દિવસ પ્રકૃતિ જાણે કોઈ સુઘડ ગૃહિણીની જેમ ‘કામ-કાજ’ કરીને, સાંજે કંઈક વિચારીને ‘શર્માય’ છે – એનો ‘ચહેરો લાલ’ થઈ જાય છે!

જિજ્ઞાસા જ્ઞાન ચાહે છે. પણ જ્ઞાન તો ‘અસીમ’ છે. તેની ‘શંકાઓમાં કેદ. તેની સીમાઓ’ પણ ‘અસીમ’ જ છે. જ્ઞાન સદૈવ સીમિત. અજ્ઞાન તો નિર્મલ ઝરણું.

જ્ઞાન મમતાઉનું જે નાલે મેં/અહિંકારન જો પહાડ

જ્ઞાનજી પૂર્ણતા મેં અજ્ઞાન જો બિ અજ્ઞાતવાસુ (પૃ. 20)

(જ્ઞાન માન્યતાઓના નામે/અહંકારોનો પહાડ!/જ્ઞાનની પૂર્ણતામાં અજ્ઞાનનો પણ અજ્ઞાતવાસ!)

જ્ઞાન કદીય શુદ્ધ નથી. કારણ, એમાં કોઈક ખૂણે અજ્ઞાનનો વાસો તો છે જ. આથી, પૂર્ણતા માત્ર એક ભ્રમ છે. તે છતાં માણસ દોડે છે. ક્યાંક પહોંચવા. કોઈક મંઝિલ તેને જોઈએ. જ્યાં તે પોતાના અહંકારને તૃપ્ત કરશે. અથવા તૃપ્તિનો અહસાસ પામશે. અને આ જિજ્ઞાસા કવિ પાસેથી પણ મંઝિલ ભણી ડગ માંડવાની અપેક્ષા રાખે છે. પછી ભલે કોઈ મુકામે પહોંચીને એવી પ્રતીતી થાય કે એ મંઝિલ આપણી સાથે જ હતી. અલગ હતી જ નહીં.

નામદેવનું, ભૂતકાળમાં ભ્રમણ પણ ઘણે દૂર સુધીનું છે. પાંચ હજાર વર્ષ દૂરનું. વેદોની રચના સુધીનું. એમાં જ બધું સમાવિષ્ટ. બાકીનું બધું મિથ્યા – ભ્રમ – માયા!

અખસ વેદ જો ઉલ્ટોથી/અખસ બહ્યો દેવ જો (પૃ. 25)

(અક્ષર વેદનો ઉલ્ટાવી/અક્ષર બન્યો દેવનો!)

ભ્રમ તૂટવાનો હતો, તૂટી પડ્યો. પણ વળી ત્યાં કૃષ્ણ આવ્યા. કવિને કૃષ્ણ ગમે છે. એની સખી રાધા પણ ક્યાં ભુલાય એમ છે? કૃષ્ણે ગીતા પણ આપી. કર્મ માટે આદરભાવ જાહેર કર્યો. પણ મનુષ્ય માટે માત્ર કર્મની તજવીજ! ફળ તો ઉપરવાળાના હાથમાં. આજના યુગમાં આ સ્વીકારવું અઘરું. આમ તો, બુદ્ધ પણ ઇચ્છામુક્તિની વાત કરે છે. એ દુ:ખનું કારણ ‘લોભ’ માને છે. કૃષ્ણે એક મહત્ત્વપૂર્ણ વાત કહી. જે આજે પણ પ્રસ્તુત છે: દરેક મનુષ્યના અંત:કરણમાં એક કુરુક્ષેત્ર છે. જ્યાં પંહિંજન જી પંહિજનસાં જંગજારી આહે (પૃ. 31) (સ્વજનોનો – સ્વજનો સાથે જંગ જારી છે.) પણ મોક્ષની વાત તો પાછી ગળે નથી ઊતરતી. મોક્ષ કોનાથી? જીવથી? જન્મોથી? મોક્ષની વાત મહાવીરે પણ કરી. આત્માના મોક્ષની. જેના માટે એમને અહિંસાની જરૂર જણાઈ. આત્માની શુદ્ધિ માટે, આત્માના મોક્ષ માટે. આત્મા સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એમના માટે ‘ઈશ્વરની કલ્પના – માત્ર કલ્પના’ છે. નામદેવ અહીં યથાર્થ સૂત્ર પકડે છે. ઈશ્વર શા માટે? માણસ પોતે જ પોતાનાં કર્મો માટે જવાબદાર છે. એને તેનાં કર્મોનું ફળ માણવાનું ય છે અને ભોગવવાનુંય છે.

આ જગત હંમેશ હતું. એની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. આ ઈશ્વરની સૃષ્ટિ નથી. ઈશ્વરનું કોઈ કામ નથી. બસ, અહીં માત્ર ‘જીવ’ છે. અથવા ‘નિર્જીવ’ છે. બીજું કંઈ નહીં, હતુંય નહીં.

હા, પરસ્પર સદાચાર અવશ્ય જોઈએ. નામદેવ ‘અહિંસા’ના તથા ‘ક્ષમા’ના ભાવને શબ્દબદ્ધ કરે છે. પૂરી સર્જકતા સાથે.

ખિમ્મા બિના/ચરિત્ર બિના/કિરોડે દીપક અંધે અગિયાં  (48)

(ક્ષમા વગર/ચરિત્ર વગર/કરોડો દીપક આંધળા પાસે!)

બુદ્ધનું કહેવું છે – દુખનું કારણ સુખની આકાંક્ષા છે. સુખની ઇચ્છા ત્યાગો, દુ:ખ દૂર રહેશે. નામદેવ આ વાતને આ રીતે કાવ્યરૂપ આપે છે:

સારી દુનિયા ખે સતાયો જંહિં/દુખન સંદો સો દરિયાહુ

સુખનજી કામના-રહિત હિકિડી મુઉમેં બંદિ (પૃ. 55)

(આખી દુનિયાને હેરાન કર્યા જેણે/દુ:ખોનો તે દરિયો/સુખોની કામના રહિત/એક જ મુઠ્ઠીમાં બંધ!)

સુખોથી દૂર રહીએ. દુ:ખો પણ દૂર રહેશે. પણ આ વાત કોણ સ્વીકારે? ચાર્વાકે પણ ન સ્વીકારી. એમણે તો સ્પષ્ટ અસ્વીકાર કર્યો. આ તો મૂર્ખાઓનો મત છે. જીવન ભોગવવા માટે છે. ભોગવી લો. જીવન ફરી મળવાનું નથી. ભૌતિક જગતમાં ભૌતિક સુખો જ આનંદદાયી રહેવાના. મૃત્યુ બાદ કોઈ સ્વર્ગ-નરક નથી. એય મૂર્ખાઓનો તર્ક છે કે આત્મા અને શરીર અલગ છે. નામદેવે ચાર્વાકને પ્રસ્તુત કર્યા છે:

ઉત્તમ સુખ તે ભલા/છોન અધિકારુ ઈન્સાન જો!

હિન બૃહસ્પતિ અ ખે/અવસ હૂંદો/બિકલુ કો વરદાનુ

જગતુ તોસાં નફરત કંદો/પર હલંદો તું હિંજી અ રાહતે

‘(ઉત્તમ સુખ પર ભલા/કેમ નહીં અધિકાર મનુષ્યનો?/આ બૃહસ્પતિને/અવશ્ય હશે/છૂપું કોઈ વરદાન/જગત તને નફરત કરશે/પણ અનુસરશે તારા જ માર્ગને!)

દર્શનશાસ્ત્રના પ્રોફેસર ચંદ્ર મોહન જૈન, વીસમી સદીના સાઈઠના દાયકામાં આચાર્ય રજનીશ, સિત્તેરના દાયકામાં ભગવાન શ્રી રજનીશ અને પછી

‘ઓશો’એ પણ, મોટા ભાગે આ જ વાત બીજા શબ્દોમાં કહી. વિદેશીઓ માટે ‘સેક્સ-ગુરુ’ તરીકે પ્રસિદ્ધ, અમેરિકામાં ઓરેગન શહેરમાં અસંખ્ય રોલ્સ-રોયમાં ફરતા ઓશોએ સ્પષ્ટ કહ્યું – માત્ર અંત:કરણની વાત સાંભળો. ઈશ્વર ત્યાં જ છે! બહાર કોઈ ઈશ્વર નથી. પ્રેમ કરો. પ્રેમ એ જ પ્રાર્થના છે. તરવાની કોશિશ ન કરો. પ્રવાહિત રહો. (ડોન્ટ સ્વિમ, ફ્લોટ.) કંઈ પણ શોધવાનું નથી. જે છે તે છે. માત્ર ઊભા રહીને નિરખો. દરેક પળે મરો જેથી હંમેશાં નવા થઈ જાઓ. નામદેવ ઓશો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરે છે:

‘આમ પણ/કડવાં વેણ કહેનારને/શાંત કરાવવાનો/અને મહત્ત્વ સ્વીકારવામાં/સદીઓ લગાડવાનો રિવાજ/દુનિયામાં/કાયમ રાખ્યો છે આપણે –/હજી સુધી!’ (પૃ. 85)

 નામદેવ સાર્ત્રની નાડ પર હાથ રાખે છે:

નાસ્તિક જી નાઉમેદી/કોન્હે અપરાધુ ઈન્સાન જો/શ્રદ્ધા જી રોશિની હુંઅ બિ/અંધકારજી ઉપજ આ (પૃ. 78)

‘(નાસ્તિકની નિરાશા/નથી અપરાધ માણસનો!/શ્રદ્ધાનો પ્રકાશ આમેય અંધકારની ઉપજ છે!’)

વેદો પછી બધા જ – મહાવીર, બુદ્ધ, ચાર્વાક, સાર્ત્રથી ઓશો સુધી,ઈશ્વરને નકારે છે!

હવે શું?આશા ગુમાવવી ન જોઈએ. નામદેવ કબીરને પણ યાદ કરે છે. એમનો તો અઢી અક્ષરોમાં જ વિશ્વાસ હતો. કવિ કબીર પ્રેમના પંડિત હતા.

સન્હી તંદુ મિલાએ ઠાહી/ઝીણી ચાર જ્ઞાનજી/અંગ ઢકિયા અબરનસાં/દીન દુનિયા જી લજ્ રખી (પૃ. 69)

‘(સૂક્ષ્મ તાંતણાં મેળવી/ઝીણી ચાદર બનાવી જ્ઞાનની!/અંગ ઢાંક્યા અક્ષરો વડે/દીન દુનિયાની લાજ રાખી!’

અથવા

સુધારકુ હુનજે અંદર જો/કબીર જે કવિઅ એ/છોન સઘિયો હારાએ (પૃ. 72)

સુધારક એના અંદરનો/કબીરના કવિને/કેમ ના શક્યો હરાવી?

છેલ્લે, માનવીય જિજ્ઞાસાની આ લાંબી યાત્રા, નામદેવના સમાપન પ્રકરણ ‘ક્ષિતિજ’ સાથે પૂરી થાય છે – અને યોગ્ય વિધાન સાથે.

ન કો શાસ્ત્ર ખપે/ન ખપે શાસ્ત્રી કો/પંહિંજો પણ સાં ઈમાનુકાફી ઈન્સાન લાએ (પૃ. 98)

(ન કોઈ શાસ્ત્ર જોઈએ/ન જોઈએ શાસ્ત્રી કોઈ,/પોતાની સાથે ઈમાન/પૂરતું છે માણસ માટે!)

પણ નામદેવ ત્યાં રોકાતા નથી:

દેકર નિહાર ઉફકડે/ધરતી મિલે આકાશસાં/વરી જો નિહારુ અખિ ખણી/આકાશુ મિલે ધરતીઅસાં/કાન્હે જુદાઈ તિનિમેં/ઐં ન તોમેં આ ન મૂંસેં/મનુષનગરીઅ જો માહહૂ મિળેઈ/સુુસિયલિ દિલિ વડી કરયૂં જે/મિથ્યા જગતુ બિ મિઠો લગે (પૃ. 99)

(એકવાર નિરખી જુઓ ક્ષિતિજને/પૃથ્વી મળે છે આકાશને/ફરી જો નિહાળો આંખ ભરી/આકાશ મળે છે ધરતીને!/નથી અંતર તે મહીં,/અને નથી મારા-તમારામાં./મનુષ-નગરીનાં માનવી સૌ/સંકોચાયેલું દિલ જો પહોળું કરીએ/મિથ્યા જગત પણ મીઠું લાગે.)

અને એટલે જ નામદેવની આ દીર્ઘ કવિતા સિંધી સાહિત્યમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન લાગે છે, કારણ; તેમણે જ્ઞાનની ફિલોસોફીનું વિશ્લેષણ કરતાં, કવિતાનો પાલવ છોડ્યો નથી, કબીરની જેમ!

*        ઉદ્ધૃત કાવ્યપંક્તિઓના ગુજરાતી અનુવાદ પણ નામદેવ તારાચંદાણીના છે. – વા.

*

વાસદેવમોહી સિદ્ધાણી

કવિ, વિવેચક.

અંગ્રેજીના પૂર્વ-અધ્યાપક, દુબઈ.

અમદાવાદ.

vasdevmohi@hotmail.com

94270 49946

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.