કૂતરાના કિસ્સામાં પ્રેક્ષક તરબતર – નૌશિલ મહેતા

The Curious Incident of the Dog in the Night-Time – Simon Stephens, London, 2012

[મૂળ એ જ નામની નવલકથા,  લે. Mark Haddon, Pub. Jonathan Cap (UK), 2003;

મંચન જ્હોન ગિલગુડ થિએટર, લંડન,જુલાઈ 2016; દિગ્દર્શક Marianne Elliot]

મુંબઈ છોડતાં પહેલાં તાજા લંડન-રિટર્ન્ડ અભિનેતા-મિત્ર દર્શન જરીવાલાનો ભેટો થઈ ગયો. પૂછ્યું, ‘ત્યાં કયું નાટક જોવા જેવું?’ સારું કર્યું, એમણે પૂછ્યું.

નાટકનું પ્રકાશન થયું છે પણ મેં વાંચ્યું નથી. પણ એ વાંચવું તો શાસ્ત્રીય સંગીત-સંધ્યા માણ્યા પછી એ સંધ્યાની સરગમ વાંચી જવા જેવું. નાટક જોયા પછી વાંચી નવલકથા, ઉકેલવા કે નાટ્યલેખકે શું કાંદો કાઢ્યો. સમજાયું, જબરો કાઢ્યો.

નાટકની શરૂઆતમાં મિસિસ શિયર્સના કૂતરાનું પિચફોર્કથી – બગીચામાં વપરાતા ઓજારથી – અધરાતે ખૂન થાય છે. પોલીસ-તપાસ શરૂ થાય છે. સાથે ક્રિસ્ટોફર બૂન નામના પંદર વરસના લવરમૂછિયા પાડોશીને પણ ખૂની શોધી કાઢવો છે. ક્રિસ્ટોફર છોકરો વિચિત્ર છે: 1) એને ગણિત બહુ ગમે છે અને શિક્ષિકાના કહેવાથી એ પરીક્ષા આપવાની તૈયારીમાં પડ્યો છે, જેનું પરિણામ એને દેશના શ્રેષ્ઠ ગણિતજ્ઞોની દેખરેખ હેઠળ ભણવાનો અવસર આપી શકે. 2) એને ‘ઓટિઝમ સ્પેક્ટ્રમ’માંની કોઈ એક વ્યાધિ જન્મજાત છે. કોઈ માને છે કે આ ‘એસ્પર્જર્સ સિન્ડ્રોમ’ છે, વળી કોઈ કંઈ બીજું. આપણને દેખાય છે એ કે છોકરો કોઈનો સ્પર્શ સહી નથી શકતો, કોઈ અડે તો ચિચિયારીઓ પાડી ઊઠે છે; એનામાં અનુકંપાનો તદ્દન અભાવ છે, બીજા કોઈના દૃષ્ટિબિંદુથી એ કંઈ પણ જોવા-સમજવા સક્ષમ નથી; અને બીજાં પાત્રો જે કંઈ કહે એને એ અક્ષરશ: સાચું માને છે. કોઈને જુઠ્ઠું શું કામ બોલવું હોય, એ એની સમજણની બહાર છે, કારણ કે એને જુઠ્ઠું બોલતાં આવડતું નથી.

નવલકથા પ્રથમ પુરુષ એકવચનમાં ડાયરી-સ્વરૂપે લખાઈ છે. નાટ્યાંતરની પાયાની કમાલ એ કે આ ડાયરીનું પઠન શિક્ષિકા કરી રહી છે. આથી ભજવાતા નાટકમાં: 1) બે વર્તમાન રચાય છે – પઠનનો વર્તમાન અને ડાયરીમાં લખાયેલી ઘટનાઓનો વર્તમાન. 2) નાટકનું સ્વરૂપ play-within-a-play (નાટકની અંદરના નાટક) જેવું રચાય છે, જેના કારણે ડાયરીની ઘટનાઓ વિશે અન્ય પાત્રોનાં દૃષ્ટિબિંદુઓનો સમાવેશ શક્ય બને છે.

કૂતરાના ખૂનીની શોધ આદરતાં ક્રિસ્ટોફર પોતાને શેરલોક હોમ્સ જેવો ભેજાબાજ ડિટેક્ટિવ કલ્પે છે પણ હકીકતમાં એના પાડોશીઓ આ ઘટના વિશે વાત કરવાના બદલે એની સાથે અતડો વહેવાર કરે છે. એના પિતા એડ બૂન પણ કૂતરાના ખૂનની પીંજણમાં પડવા માગતા નથી, ઊલટી એને સલાહ આપે છે, ‘નિયમ બનાવ, બીજાની વાતમાં માથું મારવું નહીં!’ એડ છેલ્લાં બે વરસથી જેમતેમ મા-વિહોણા ક્રિસ્ટોફરની એકલે હાથે કાળજી લેતો હોય છે અને સાથે પોતાની બોઇલર રૂમ એન્જિનિયરની નોકરી ટકાવી રાખતો હોય છે. સંતાનને સ્પર્શ ન કરી શકતા, એકલા પડી ગયેલા બાપનું પાત્ર સંકુલ અને રોચક બને છે.

નિયમો તોડવા માટે જ બનાવાયા છે: એ ઉક્તિ યાદ કરી ક્રિસ્ટોફર તપાસ ચાલુ રાખે છે. કૂતરાવાળાં મિસિસ શિયર્સને કૂતરામાં રસ ઓછો છે, એ તો બે-એક વરસ પહેલાં એને તરછોડી ગયેલા વર વિશે ભાવુક છે. એમને ખબર પડે છે કે છોકરો મા ગુમાવી બેઠો છે ત્યારે બધું છોડી એને દિલાસો આપવા બેસી જાય છે, જ્યારે છોકરાને તો કૂતરામાં જ રસ છે.

ક્રિસ્ટોફરને લોકોની વર્તણૂક સતત વિચિત્ર લાગ્યા કરે તે વિશે શિક્ષિકા પઠન કરે છે અથવા ખુદ ક્રિસ્ટોફર પ્રેક્ષકોને કહેતો રહે છે. અન્ય પાત્રોનાં માનવસહજ રંગબેરંગી વર્તનને છોકરાની શ્વેતશ્યામ તર્કશુદ્ધ નજરે જોવાથી મરક મરક રમૂજના આગિયા સતત ઝબક્યા કરે છે. છેવટે બે ઘટનાઓ છોકરાની આંખો ખોલી નાખે છે: પાડોશનાં ડોશીમા મિસિસ અલેક્ઝાન્ડરની મુલાકાત અને ત્યાર બાદ બાપના બેડરૂમમાં મળેલો પટારો, જે માએ ક્રિસ્ટોફરને લખેલા પત્રોથી ઉભરાય છે.

ક્રિસ્ટોફરને સમજાય છે: 1) કૂતરાનો ખૂની એનો બાપ છે; 2) એને બે વરસથી સતત પત્રો લખ્યા કરતી મા મૃત્યુ પામી નથી પણ મિસિસ શિયર્સના વર સાથે ભાગી ગઈ છે અને એની સાથે લંડનમાં રહે છે. ક્રિસ્ટોફરને ખાતરી છે કે બાપ ઘેરે આવશે ત્યારે એનાથી આ બધું કહ્યા વગર નહીં રહેવાય… કંઈ છૂપું રાખતાં કે જુઠ્ઠું બોલતાં તો જરાય આવડતું નથી! હવે ભય છે કે જેણે માને ‘મારી નાખી’ અને કૂતરાને તો સાચેસાચ મારી નાખ્યો, એ એના શું હાલ કરશે? જીવનું જોખમ છે. એક જ માર્ગ દેખાય છે: ઘરેથી ભાગીને મા પાસે પહોંચી જવું… પણ લંડન સવાસો કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચવું હોય તો ટ્રેનમાં બેસવું પડે અને રસ્તા પર, પ્લૅટફોર્મ પર,ટ્રેનમાં… કેટલાય લોકો એને સ્પર્શવાના! વળી એ ત્યાં જાય તો અહીં પરીક્ષા નહીં અપાય… તો પછી ગણિતજ્ઞ બનવાના સપનાનું શું?

ક્રિસ્ટોફરની વિકટ ટ્રેનયાત્રા નાટકનું યાદગાર દૃશ્ય બને છે. છેવટે એ માના ઓટલે બેસીને કોઈ ઘેરે આવે એની રાહ જોઈ રહ્યો છે… ત્યારે મધ્યાંતર થાય છે.

આ નાટક જોવાનો અનુભવ એટલે ક્રિસ્ટોફરની દુનિયામાં ડૂબકી! કાળામશ તખ્તા પર રંગેલી અને પ્રકાશરચનાથી નીખરતી ત્રિપરિમાણી ગ્રાફ-પેપર જેવી લીલી જાળી છે જેના અલગ અલગ વિસ્તારમાં પ્રકાશપુંજ રેલાય ત્યાં દૃશ્ય ભજવાય છે. બે દૃશ્યો અવારનવાર એકસાથે ભજવાય છે – જેમને એકમેક સાથે સંગતિ હોય પણ, અને ન પણ હોય. નાટકની શરૂઆતની ક્ષણોમાં દેખાય કે ક્રિસ્ટોફરનું પાત્ર ભજવતો અભિનેતા ત્રીસેક વર્ષનો છે… જે મુદ્દો બે-ત્રણ મિનિટમાં ભુલાઈ જાય છે. સતત બદલાતો સંનિવેશ, રંગમંચ-વ્યાપી સરાઉન્ડ સાઉન્ડ ધ્વનિ રચના, ચાબુક અભિનય અને આધુનિક ટેક્નોલોજીનો સુંદર ઉપયોગ કરતું દિગ્દર્શન – મૂળ કૃતિ અને નાટ્યરૂપ બન્નેના લેખકોની નિસ્બતોને ન્યાય આપે છે.

2009માં નવલકથાકારે તેના બ્લોગમાં નોંધ્યું છે, ‘ક્યુરિયસ ઇન્સિડન્ટ’ એસ્પર્જર્સ વિશેનું પુસ્તક નથી… જો એ કંઈ પણ છે તો એ જુદા હોવા વિશે છે, આઉટસાઇડર હોવા વિશે, દુનિયાને વિસ્મય સાથે ઊઘડતી – આકાર લેતી – જોવા વિશેની નવલકથા છે.’

વાચક કે પ્રેક્ષકને ક્રિસ્ટોફર ક્યારેય ‘બિચારો’ નથી લાગતો, કારણ કે કથાકારને પોતે બિચારો નથી લાગતો. નવલકથાકારને સંવેદન-શૂન્ય કથાકારનું મર્યાદિત શબ્દભંડોળ કે એની તટસ્થતા નડતાં નથી, ઊલટું, આ ‘અવાજ’ની મર્યાદાઓ કથાકથનને નિખારે છે, એને અણધાર્યો વેગ આપે છે અને કૃતિના વહેણની દિશા ગોપિત રાખવામાં મહત્ત્વનો ફાળો આપે છે. એ નોંધે છે,

‘Prime numbers are what is left when you take all the patterns away. I think prime numbers are like life. They are very logical but you can never work out the rules even if you spent all your time thinking about them.’ (દરેક ભાત હટાવી લો ત્યારે બચે એ અવિભાજ્ય આંકડા. મને લાગે છે કે અવિભાજ્ય આંકડા જીવન જેવા છે. (એમનો ક્રમ) તર્કબદ્ધ છે પણ તમે ક્યારેય એના નિયમોને કળી ન શકો, ભલેને આખો વખત એના વિશે વિચાર્યા કરો.) અને ‘Metaphors are lies.’ (રૂપકો જુઠ્ઠાણાં છે.) આ ઉપરાંત, ‘ફક’ જેવો શબ્દ પંદર વરસનો છોકરો વાપરે, તેવી જ નિખાલસતાથી ક્રિસ્ટોફર પણ પોતાની ડાયરીમાં વાપરે છે – જેના કારણે નાટ્યરૂપની શિક્ષિકા દર વખતે ખાસી મૂંઝાય છે.

દુનિયાની અંધાધૂંધીનું માનવચેતના – જેવી હોય તેવી – દ્વારા થઈ રહેલું (ખરા અર્થમાં) અર્થઘટન: આવી સૂક્ષ્મ પ્રક્રિયાને ધંધાદારી રંગભૂમિ પર પ્રેક્ષણીય તેમ જ સફળ બનાવવી,એ આ નાટકની અનન્ય સિદ્ધિ છે.

ટ્રેનયાત્રામાં પ્રેક્ષક ક્રિસ્ટોફરના મન સાથે એકાકાર છે: તખ્તા પર અચાનક ટ્રેનના પાટા, સિગ્નલો, સ્ટેશનો, ટ્રેનો અને ધક્કામુક્કીનું વિશ્વ ખડું થાય છે. આ બધામાં માણસો સાચુકલા છે, બાકી બધું બાળકોની રમતના ટ્રેન-સેટથી ખાસું મોટું પણ ખરેખરી ટ્રેનો કરતાં ઘણું નાનું છે. પ્રેક્ષક સ્પષ્ટ નથી કે આ કોઈ બિહામણી રમત છે કે હકીકત. ક્રિસ્ટોફર જેમ તેમ લંડન પહોંચી ભીડથી બચવા જ્યારે લપસીને પ્લૅટફોર્મ અને પાટા વચ્ચેના ખાંચામાં પડી જાય છે અને એના પરથી ખરેખરી લાગતી વિશાળકાય ટ્રેન પસાર થાય છે ત્યારે એવી અરેરાટી છૂટે છે જાણે પ્રેક્ષક પોતે પ્લૅટફોર્મ પર ઊભો ઊભો આ દૃશ્ય જોતો ન હોય! ટ્રેન પસાર થયા પછી કેટલીક પળે ક્રિસ્ટોફર ઊભો થાય છે ત્યારે પ્લૅટફોર્મ પરના પ્રવાસીઓ એને ઊંચકી લેવા હાથ આપે છે. એ ક્ષણે રમૂજ-કરુણા-અનુકંપાની છોળો પ્રેક્ષકને ભીંજવી નાખે છે.

મધ્યાંતરમાં જ પોણાબસો પાઉન્ડનો ટિકિટ ભાવ આકરો ન લાગ્યો. નાટકના કેફમાં થિયેટર કાફેમાં વેચાતો પાંચ પાઉન્ડનો આઇસક્રીમ કોન પણ વાજબી લાગ્યો. ભલે ખૂબ ગમ્યું હોય છતાં, આ નાટક અનેક કારણોસર ગુજરાતીમાં બનાવવું શક્ય નથી એની ખાતરી થતાં,નિરાંતે, નર્યા પ્રેક્ષકરૂપે ઉત્તરાર્ધ માણવા ગોઠવાયો.

લંડનમાં ક્રિસ્ટોફરનું મા જ્યુડી સાથે હૃદયદ્રાવક/ખડખડાટ હસાવતા પુનમિર્લનથી શરૂ થઈ ઉત્તરાર્ધની યાત્રા ઘેરે પિતા એડ સાથે કંઈક એવા જ પુનમિર્લન સુધી પહોંચાડે છે. કૃતિનો અંત પ્રેક્ષકને તૃપ્ત કરે છે. પણ કૃતિના અંતની બાજી નાટ્યકાર મારી જાય છે: નાટકને સ્ટૅન્ડંગિ ઓવેશન મળ્યા બાદ, કર્ટન કોલ બાદ, પ્રેક્ષકો બેઠક છોડવાની શરૂઆતમાં હોય છે ત્યાં તો તખ્તા પર ક્રિસ્ટોફર ફરી દેખાય છે અને ગણિતની પરીક્ષામાં પુછાયેલો અઘરો દાખલો એણે કેવી કોઠાસૂઝ દાખવીને ઉકેલ્યો એ વાત ત્રણેક મિનિટમાં કહે છે. ક્રિસ્ટોફરનો દાખલો-સાચો-પડ્યો-નો ઉત્સાહ એવો ચેપી છે કે થિયેટરની બહાર નીકળતા પ્રેક્ષકોના ચહેરા પર આનંદ-આનંદ છવાયેલો હોય છે.

0

લાંબા ગાળાથી રંગકર્મી હોવાને લીધે છેલ્લા દોઢ-બે દાયકાથી મારા માટે નાટકો માણવાં અઘરાં થતાં જાય છે. ભજવણી કરતાં ભૂલો વધુ દેખાય છે, અભિનય કરતાં કૃત્રિમતા વધુ જણાય છે, સંવાદો કરતાં નાટ્યલેખનના આશયો વધુ સંભળાય છે. રીઢા નાટક વખોડનારને ફરી ભાવક બનાવી શકનાર ‘કૂતરાનો કિસ્સો’ મેં દેશ-વિદેશમાં જોયેલાં સેંકડો નાટકોમાંનાં શ્રેષ્ઠ પાંચની યાદીમાં ઠસ્સાથી પોતાનું સ્થાન ગ્રહણ કરે છે.

0

1962માં ઇંગ્લન્ડ ખાતે જન્મેલા માર્ક હૅડનની લેખનયાત્રા બાળસાહિત્યથી થઈ (ગિલ્બર્ટ્સ ગોબસ્ટોપર, 1987). આ પછી તેમણે ઘણાં પુસ્તકો બાળવાચકો તેમ જ શાળામાં ભણતાં તરુણો માટે પ્રગટ કર્યાં. મોટા ભાગે આ પુસ્તકોમાં ચિત્રો એમનાં પોતાનાં હોય છે. એમની ‘એજન્ટ ઝેડ’ની સાહસકથાઓની શ્રેણી તરુણ વાચકોમાં વિશેષ આવકાર પામી. ‘એજન્ટ ઝેડ એન્ડ ધ પેન્ગવિન ફ્રોમ માર્સ’ પુસ્તકની બી.બી.સી. પર ટીવી સીરીઝ તરીકે 2004માં રજૂઆત થઈ.

2003માં ‘ક્યુરિયસ ઇન્સિડન્ટ’ને ‘વ્હાઇટબ્રેડ બુક ઓફ ધ યર’ નવલકથાવર્ગમાં એનાયત થયો, બાળસાહિત્ય વર્ગમાં નહીં. પ્રથમ પુસ્તક વર્ગમાં એ વર્ષે ‘કોમનવેલ્થ રાઇટર્સ પ્રાઇઝ’ પણ મળ્યું કારણ કે આ પુસ્તક હૅડનનું પુખ્ત વયના વાચકો માટે પહેલું હતું. રસપ્રદ વાત એ છે કે પ્રકાશકોએ આ પુસ્તકની, લખાણમાં ફેરફાર સાથે, બે આવૃત્તિ એક સાથે પ્રગટ કરેલી: એક તરુણ વાચકો માટે અને એક પુખ્ત વયનાઓ માટે.

પુખ્ત વાચકો માટે લખાયેલી એમની બીજી નવલકથા ‘અ સ્પોટ ઓફ બોધર’ 2006માં પ્રગટ થઈ. (માહિતીસૌજન્ય: વિકિપિડિયા)

0

નાટકની કેટલીક દૃશ્યરચના વિશે નોંધ:

1. લંડનની અંડરગ્રાઉન્ડ લોકલ ટ્રેનના એસ્કેલેટરથી ભયભીત ક્રિસ્ટોફર દાદરા ઊતરવાનું પસંદ કરે છે.

ભજવણીના અવકાશની તુલના આપણાં થિએટર્સ સાથે કરવા જેવી છે. આપણા મોટાભાગના તખ્તાઓ પર ઝાલર (ફ્લાઇઝ) દસથી બાર ફૂટની ઊંચાઈએ હોય. પ્રકાશસ્રોત ઝાલર પાછળ એ રીતે ગોઠવાય કે પ્રેક્ષકની આંખમાં આવી એને આંજી ન દે. અહીં ઝાલર ગેરહાજર છે. અવકાશની ઊંચાઈ ત્રીસેક ફૂટ જેટલી છે. પહોળાઈ પણ – આપણા ત્રીસેક ફૂટની તુલનામાં – ચાલીસેક ફૂટની છે. તખ્તાનું ઊંડાણ – આપણા પંદરેક ફૂટની તુલનામાં – ચાલીસેક ફૂટ જેટલું છે. મુંબઈનું હોમી ભાભા થિએટર શહેરનો એકમાત્ર રંગમંચ છે જે આવડું કદ ધરાવતો હોય. દર્શાવેલા દાદરા પર પાત્રો ચડ-ઊતર કરે તેટલા સમય પૂરતો દાદરો સંનિવેશની પાછલી દીવાલમાંથી ડોકાય છે, બાકીના સમયે ગુમ થઈ જાય છે.

2. ક્રિસ્ટોફર અચાનક જડેલા માના પત્રો વાંચવા બેસે છે.

મુખ્ય પાત્રની અભિવ્યક્તિ સીમિત છે. આવા પાત્રના મનમાં થતા ધરતીકંપને વ્યક્ત કરવા દિગ્દર્શક વૃંદ પાસે અભિનય કરાવી પાત્રના મનમાં થતી ઉથલપાથલ પ્રેક્ષક સુધી પહોંચાડે છે. ક્રિસ્ટોફર ભાવશૂન્ય હાલતમાં એક પછી એક પત્ર મનમાં વાંચતો રહે જ્યારે વૃંદનો એક સભ્ય એ પત્ર વાંચી સંભળાવે અને અન્ય સભ્યો ક્રિસ્ટોફરના મનમાં ઊપજતા ભાવોની રજૂઆત કરે. આખા નાટકમાં વિવિધ પ્રકારની ટ્રાન્સફરન્સ – એક પાત્રના ભાવજગતનું ચિત્રણ બીજા પાત્રના અભિનય દ્વારા થવું – કેન્દ્રમાં રહે છે. અનુકંપા ન ધરાવતા પાત્રની કથા એ ‘જુદા હોવા વિશે’ની કૃતિ. આની ભજવણીના દરેક દૃશ્યમાં સૂર અનુકંપાનો લાવી દેખાડવો એ નાટ્યાંતરકાર-દિગ્દર્શકની સહિયારી સિદ્ધિ છે.

3. ક્રિસ્ટોફર પોતાના પાડોશીઓની પૂછપરછ કરવાનો નિર્ણય લે છે.

નાટકની પ્રકાશ રચનામાં વિવિધ પ્રકારની લાઇટ્સ વપરાય. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર એક નાટક માટે ત્રીસેક લાઇટથી વધુ વાપરવી ન પોસાય કારણ કે થિએટર્સની માલિકીની લાઇટ્સ ઓછી હોય અને મોટા ભાગની ભાડેથી મંગાવવી પડતી હોય છે. લંડનની રંગભૂમિ પર આપણી જેમ નાટકો એક થિએટરથી બીજે લઈ જવાનો રિવાજ નથી, બલ્કે દરેક નાટક એક થિએટરમાં મહિનાઓ સુધી – ક્યારેક તો વર્ષો સુધી – ભજવાય છે. આને લીધે નિર્માતાને લાઇટ્સ ખરીદવા પોસાય અને અટપટી પ્રકાશરચનાનું કમ્પ્યુટર દ્વારા નિયંત્રણ શક્ય બને. આ નાટકમાં મારા ગણિત મુજબ ઓછામાં ઓછાં પાંચસો લાઇટ્સ [સાધનો] વપરાયાં હશે. આ દૃશ્યમાં વિવિધ ‘ગોબોઝ’નો – લાઇટના બિલોરી કાચને પહેરાવેલાં મહોરાંનો – કલાત્મક ઉપયોગ કરીને ક્રિસ્ટોફરનો આખો પાડોશ ઊભો કર્યો છે.

4. લંડન-પ્રવાસની કલ્પનામાત્રથી ગભરાયેલો ક્રિસ્ટોફર.

ગુજરાતી રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં ભજવણીના અવકાશમાં ઊંચાઈનો ઉપયોગ ઓછો થાય છે કારણ કે થિએટરના બાંધકામની ભૌતિક મર્યાદા નડે છે. છતાં લેવલ્સ, પગથિયાં, નિસરણી વગેરેથી અવારનવાર થતો હોય છે. આ દૃશ્યમાં ઊંચાઈ દ્વારા પાત્રની માનસિકતા દર્શાવાઈ છે: આ વિશાળ વિશ્વમાં ક્રિસ્ટોફર પોતાને કેટલો નાનકડો ગણે છે! ચોમેર ફેલાયેલા બાળકોની રમતના ટ્રેન-સેટથી ઘેરાઈને ક્રિસ્ટોફર ગણિતજ્ઞ બનવાના સપનાને કડડભૂસ થતું અનુભવે છે. એકાધિક ડિજિટલ પ્રોજેક્ટર્સથી ફેંકાયેલા, જુદી જુદી દિશામાં ડોલતા આંકડા અને અક્ષરો, ફાડેલી ડાયરીનાં પાનાં અને માના અસંખ્ય પત્રોની ચોમેર ઊડાઊડ વચ્ચે એ ટુંટિયું વાળીને પડ્યો એ પ્રવાસ આદરવાની હિમ્મત શોધે છે.

5. અન્ય પ્રવાસીઓ સાથે ટ્રેનની રાહ જોતો ક્રિસ્ટોફર.

ધ્વનિરચના સાઉન્ડડિઝાઇન – ભજવાતા નાટકને પ્રેક્ષક માટે ‘નવી દુનિયામાં પ્રવેશનો અનુભવ’ – ઇમસિર્વ એક્સપિરિઅન્સ – બનાવવામાં મોટો ફાળો આપે છે. (પાર્શ્વ સંગીતનો ફાળો વળી જુદો.) મૂક અભિનયથી કોઈ અભિનેતા અદૃશ્ય બારણું ખોલે અને સાથે ખૂલતા બારણાનો ક-ડ-ડ-ડ અવાજ પણ સંભળાય તો પ્રેક્ષકને બારણું ‘દેખાવા’ લાગે. બંગાળના બાદલ સરકારે તો ‘જુલૂસ’ નાટકમાં અભિનેતાઓ પાસે ક-ડ-ડ-ડ જેવા ઉદ્ગારો બોલાવીને પણ ધારી અસર મેળવી છે. મુંબઈનાં જૂજ થિએટર્સમાં સારી સાઉન્ડ સિસ્ટમ છે: હોમી ભાભા, સેન્ટ એન્ડ્રુઝ અને પૃથ્વી. બાકી ક્યાંય સારી ધ્વનિ રચના દર્શાવવી હોય તો સિસ્ટમ નિર્માતા ભાડે લાવે. ગિલગુડ થિએટરમાં બસોથી વધુ સ્પીકર્સ બેસાડ્યાં છે. ક્રિસ્ટોફર પાટા પર પડી જાય પછી અદૃશ્ય ટ્રેન જ્યારે ખરેખર આવે છે અને થોભ્યા વિના સડસડાટ નીકળી જાય છે, ત્યારે કેવળ પ્રકાશ-આયોજન અને ધ્વનિરચના આ ઘટનાને વાસ્તવિક અને ચોટદાર બનાવે છે. પ્રેક્ષકને એવું લાગે છે, જાણે આખેઆખી ટ્રેન એના માથા પરથી નીકળી ગઈ!

*

નૌશિલ મહેતા

નાટ્યલેખક, દિગ્દર્શક.

મુદ્રણ-વ્યવસાય, મુંબઈ.

મુંબઈ.

naushilm@gmail.com

93231 99322

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.