The Rise And Fall of Nations – Ruchir Sharma
Allen Lane, U.K. 2016
આ પુસ્તકનું શીર્ષક The Rise and Fall of Nations: Ten Rules of change in the Post-Crisis World (રાષ્ટ્રોની ચડતી અને પડતી: કટોકટી પછીના વિશ્વમાં પરિવર્તન માટેના દસ નિયમો) આર્થિક પ્રશ્નોના અભ્યાસી ન હોય એવા વાચકોને ગેરમાર્ગે દોરનારું છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની એક મહાસત્તા તરીકે ચડતી થઈ અને બ્રિટનની એક મહાસત્તા તરીકે પડતી થઈ કે અઢારમી સદીથી બે-અઢી સદી સુધી ભારતની બધી રીતે પડતી થઈ – એવા રાષ્ટ્રોની ચડતી-પડતીના અર્થમાં આ પુસ્તકના શીર્ષકને સમજવાનું નથી. અહીં લેખકને રાષ્ટ્રોની આર્થિક ચડતી-પડતી જ અભિપ્રેત છે. દેશમાં જીડીપી વધવાનો વાષિર્ક દર 6ટકા કે તેનાથી વધારે હોય અને એ ઊંચો દર દસેક વર્ષ ટકી રહે – તો એ દેશની ચડતી ગણાય. એનાથી ઊલટું, દેશની જીડીપીનો વૃદ્ધિદર બે ટકાથી ઓછો કે ઋણ થઈ જાય અને એ લાંબો સમય ચાલુ રહે તો તે દેશની પડતી ગણાય: એવી વ્યાખ્યા કરીને લેખકે રાષ્ટ્રોની ચડતી અને પડતી માટેના દસ નિયમો આપ્યા છે. અર્થશાસ્ત્રની રૂઢ પરિભાષામાં ચડતીને તેજી અને પડતીને મંદી કે હળવી મંદી કહેવામાં આવે છે.
અમેરિકામાં 2008માં ગંભીર નાણાંકીય કટોકટી સર્જાઈ હતી. એ કટોકટીના પગલે વિશ્વના મોટાભાગના દેશોમાં હળવી મંદી પ્રસરી ગઈ હતી. હજી વિશ્વના ઘણા દેશો આ મંદીમાંથી બહાર આવી શક્યા નથી. પુસ્તકના પેટાશીર્ષકને સમજવાનો આ સંદર્ભ છે.
પુસ્તકના શીર્ષકમાં રાષ્ટ્રો વચ્ચે કોઈ ભેદ પાડવામાં આવ્યો નથી, પણ લેખકે રાષ્ટ્રોની ચડતીની જે વ્યાખ્યા કરી છે તે મુખ્યત્વે વિકાસશીલ દેશોને લાગુ પડે છે. વિકસિત દેશો માટે જીડીપીનો છ ટકા વૃદ્ધિદર હાંસલ કરવાનું અપવાદરૂપે જ શક્ય બને. (આ એક ટકાવારીનો ગાણિતિક પ્રશ્ન છે.) એ દેશોમાં છ ટકાનો વૃદ્ધિદર પાંચ વર્ષ પણ ટકાવવાનું મુશ્કેલ છે. તેથી આ પુસ્તકમાં ઊભરતાં બજારો તરીકે ઓળખાતા વિકાસશીલ દેશો પર ચર્ચા કેન્દ્રિત થયેલી છે. અલબત્ત, તેમાં અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોના ઉલ્લેખો આવે છે ખરા.
આર્થિક ક્ષેત્રે ચડતી કે પડતી કાયમી નીવડતી નથી એ પાયાના ગૃહિત પર લેખકે રચેલા દસ નિયમો તેમણે તેમના બહોળા અનુભવાશ્રિત સંશોધનના આધારે તારવ્યા છે. આ પ્રશ્નના અભ્યાસમાં તેમણે અર્થશાસ્ત્રમાં કરવામાં આવતી સૈદ્ધાંતિક ચર્ચાને અવ્યવહારુ ગણીને બાજુ પર મૂકી છે. પ્રશ્ન તત્ત્વત: આર્થિક છે પણ તેમણે જે દસ નિયમો તારવ્યા છે તેમાં કેટલાક નિયમો રાજકીય સ્વરૂપના પણ છે. આ નિયમો અનુભવાશ્રિત હોવાથી દરેકમાં શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નિયમો મુજબ કાર્યકારણનો સંબંધ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. પુસ્તક આમ પત્રકારત્વની શૈલી અને અભિગમથી લખાયું છે.
પુસ્તકના લેખક ભારતીય છે. મૂડીરોકાણનું વ્યવસ્થાપન કરતી અમેરિકાની મોર્ગન સ્ટેનલી ઊભરતાં બજારો તથા વૈશ્વિક વ્યૂહ વિભાગના અધ્યક્ષ છે. કયા દેશોમાં મૂડીરોકાણ કરવા જેવું છે અને કયા દેશોમાંથી મૂડીરોકાણ પાછું ખેંચવા જેવું છે તેની આગોતરી જાણ થાય એ લેખકની અને તેમની કંપનીની એક વ્યાવસાયિક જરૂરિયાત છે. લેખક ‘વોલ સ્ટ્રીટ જર્નલ’, ‘ફાયનાન્સિયલ ટાઇમ્સ’, ‘ફોરિન અફેર્સ’ જેવાં પ્રતિષ્ઠિત સામયિકોમાં લખતા રહે છે. 2015માં એમની ગણના’બ્લૂમબર્ગ માર્કેટ’ના ખૂબ જ પ્રભાવક 50વિચારકોમાં કરવામાં આવી હતી. આ અગાઉ તેમનું 2012માં પ્રગટ થયેલું પુસ્તક, ‘બ્રેકઆઉટ નેશન્સ: ઇન પર્સ્યૂટ ઓવ્ ધ નેક્સ્ટ ઇકોનોમિક મિરેકલ્સ’ આંતરરાષ્ટ્રીય ‘બેસ્ટ સેલર’ બન્યું હતું. પ્રસ્તુત પુસ્તક પણ એવું જ ‘બેસ્ટ સેલર’ બનવાની ગુંજાશ ધરાવે છે.
અહીં બધા નિયમોનો વિગતે પરિચય કરાવવાનો અવકાશ નથી. પ્રથમ નિયમનો થોડો વિગતે પરિચય કરાવ્યો છે. જેથી નિયમોની કેવા વ્યાપમાં લેખકે ચર્ચા કરી છે તેનો વાચકને ખ્યાલ આવે. અન્ય નિયમોની કેટલીક નોંધપાત્ર બાબતો જ નોંધી છે. દરેકમાં નિયમ જેવું પણ કંઈ નથી એ સ્પષ્ટ કરવું જોઈએ.
પ્રથમ પ્રકરણમાં વસ્તીનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. પ્રકરણની શરૂઆત આ રીતે કરવામાં આવી છે: 2008માં શરૂ થયેલી મંદી પછી કોઈ પણ દેશમાં જીડીપીનો વૃદ્ધિ દર 2008ની પહેલાંની સપાટી પર પહોંચ્યો નથી. અર્થશાસ્ત્રના પરંપરાગત ખુલાસા પ્રમાણે માંગની કમી એના માટે જવાબદાર ગણાય. પણ અમેરિકામાં 2015સુધી માંગ 2008પૂર્વેની સપાટી પર પહોંચ્યાના સબૂત સાંપડતા હતા; દા.ત. કારનું વેચાણ નવી ઊંચાઈ પર પહોંચ્યું હતું. જીડીપીમાં થઈ રહેલા વધારાની તુલનામાં રોજગારી ઊંચા દરે વધી રહી હતી. પણ જીડીપીનો વૃદ્ધિદર પહેલાંની સપાટી પર પહોંચ્યો નહોતો. લેખકે પ્રશ્નને જુદી રીતે વિચાર્યો. એમણે પુરવઠાની બાજુનો વિચાર કર્યો અને શ્રમના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમેરિકામાં ઉત્પાદનપ્રવૃત્તિમાં સામેલ થઈ શકે એવી વયની (15થી 64વર્ષની) વસ્તીનો – શ્રમિકોનો વધવાનો દર ઘટી ગયો છે. 2005પહેલાંના પાંચ દસકામાં અમેરિકામાં શ્રમિકો વધવાનો વાષિર્ક દર 1.7ટકા હતો, 2005પછી એ દર ઘટીને 0.5થઈ ગયો. અમેરિકાની જીડીપીનો વૃદ્ધિદર ઘટવાનું કારણ લેખકે શ્રમિકોના વૃદ્ધિદરમાં એક ટકાના ઘટાડામાં જોયું છે. શ્રમિકોની વૃદ્ધિનો દર ઘટવાનું કારણ વસ્તી વધવાના દરમાં થયેલો ઘટાડો છે. આમ દેશમાં જીડીપી કેટલા દરે વધશે તેનો એક આધાર દેશમાં વસ્તી કયા દરે વધી રહી છે તેના પર છે.
તેમના આ નિયમના સમર્થનમાં લેખકે 56વિકાસશીલ(ઊભરતા બજારના) દેશોનો અનુભવ ટાંક્યો છે. એ દેશોમાં ઓછામાં ઓછા એક દસકા દરમિયાન જીડીપીનો વાષિર્ક વૃદ્ધિદર છ ટકા કે તેનાથી વધારે રહ્યો હતો. એ દેશોમાં ભૂતકાળમાં વસ્તીવૃદ્ધિના ઊંચા દરને કારણે શ્રમિકોની સંખ્યા વર્ષે 2.7ટકાના દરે વધી હતી. આમ એ દેશોની આર્થિક ચડતી માટેનું એક નિર્ણાયક પરિબળ દેશમાં શ્રમિકો વધવાનો ઊંચો દર છે. અલબત્ત, 56માંથી 14જેટલા દેશોમાં શ્રમિકોની સંખ્યા બે ટકાથી ઓછા દરે વધી હોવા છતાં તેમની જીડીપી છ ટકાથી ઊંચા દરે લાંબા સમય સુધી વધતી રહી હતી; પણ ‘એ પ્રત્યેક કિસ્સા માટે વિશિષ્ટ સંજોગો જવાબદાર હતા.’ લેખકે પોતાના આ નિયમના ટેકામાં યુરોપિયન કમિશનના સંશોધન-આધારિત મતને ટાંક્યો છે: ‘ઇતિહાસમાં ક્યારેય વસ્તીવૃદ્ધિ વિના આર્થિક વૃદ્ધિ થઈ નથી.’ દુર્ભાગ્યે, આમાંથી એવું ફલિત થતું નથી કે દેશમાં વસ્તીવૃદ્ધિ ઊંચા દરે થતી હોય તો આર્થિક વૃદ્ધિ પણ ઊંચા દરે થાય.
લેખકના નિયમમાંથી એક મહત્ત્વનો પ્રશ્ન ઊઠે છે: દુનિયાના મોટાભાગના દેશોમાં 1990પછી વસ્તી વધવાનો દર ઘટી ગયો છે. હવે એ દેશો આર્થિક વૃદ્ધિનો ઊંચો દર હાંસલ નહિ કરી શકે? ના, એ અનિવાર્ય નથી. દેશની વસ્તી વધતી અટકી જાય એ પછીયે દેશમાં શ્રમિકોની સંખ્યા વધારવા માટેના કેટલાક સ્રોતો છે. પણ સ્થળ-સંકોચને કારણે એ રસપ્રદ ચર્ચા અહીં આપણે નહીં કરી શકીએ.
દેશની નેતાગીરીની માનસિકતા અને રાષ્ટ્રના લોકોની આર્થિક સુધારાનું સમર્થન કરવાની તૈયારી બીજા પ્રકરણની ચર્ચાનો મુદ્દો છે. તેમાં અનેક દેશોના નેતાઓની ચર્ચા કરવામાં આવી છે. નવા આવેલા નેતાઓ સુધારા કરવાનો જુસ્સો ધરાવતા હોય છે પણ આર્થિક વૃદ્ધિનો દર ઊંચી સપાટી પર પહોંચી જાય એ પછી તેઓ સંતુષ્ટ થઈ જાય છે અને સુધારા કરવાનું બંધ કરે છે. ભારતમાં નરસિંહરાવ અને મનમોહનસિંઘે 1991માં સત્તા પર આવ્યા પછી દેશમાં પ્રવર્તતી આર્થિક કટોકટીનો લાભ લઈને આર્થિક સુધારા કર્યા. પણ જીડીપીનો વૃદ્ધિદર ઊંચી સપાટી પર પહોંચ્યા પછી સુધારા કરતા અટકી ગયા. રશિયામાં પુટિને પણ એ જ ઢબે કામ કર્યું. ઇંગ્લેન્ડમાં થેચરે અને ચીનમાં ડેંગ ઝીઓપીંગે સમાજવાદ દૂર કર્યો અને ચીનને મૂડીવાદી વ્યવસ્થા માટે ખુલ્લું કરી નાખ્યું. આ બધા દાખલાઓમાં નવા નેતા પાયાના આર્થિક સુધારા માટેનો ઉત્સાહ ધરાવતા માલૂમ પડે છે, પણ દરેક દાખલામાં નવા નેતા મોટા આર્થિક સુધારા કરશે જ એમ કહી શકાતું નથી. 2014માં ભારતને મળેલા નવા નેતા એનું ઉદાહરણ છે.
આ ચર્ચામાં લેખકે નેતાઓને બે વર્ગોમાં વહેંચ્યા છે: સફળ નેતા વિ. લોકપ્રિયતાવાદી નેતા – ડેમેગોગ. ડેમેગોગ એટલે લોકોનાં પૂર્વગ્રહ, લાગણી, ઉશ્કેરીને પોતાનો હેતુ પાર પાડતો નેતા. સફળ નેતા આમજનતાનો ટેકો મેળવે અને આર્થિક સુધારા વિશેની સ્પષ્ટ સમજ અથવા નિષ્ણાતોને તે માટે સત્તા સોંપવાની તૈયારી બતાવે. આની વિરુદ્ધ લોકપ્રિયતાવાદી નેતા લોકોમાં પ્રિય થઈ પડે એવાં પગલાં ભરે અને રાષ્ટ્રવાદને તેની સાથે સાંકળીને રાજકીય રીતે સફળ થાય પણ દેશ માટે તે હોનારત સર્જતા હોય છે.
ત્રીજા પ્રકરણમાં આર્થિક અસમાનતાનો પ્રશ્ન ચર્ચવામાં આવ્યો છે. આર્થિક અસમાનતા આર્થિક વૃદ્ધિ માટે ભયજનક છે? પ્રશ્ન રાજકીય છે, અર્થશાસ્ત્રીય નથી. લગભગ બધા જ દેશોમાં અસમાનતા વધી રહી છે. વૈશ્વિક ધોરણે ટોચનાં એક ટકા કુટુંબો પાસે2008માં દુનિયાની 44ટકા સંપત્તિ હતી, જે વધીને 2014માં 48ટકા થઈ. તેમની સંપત્તિનું મૂલ્ય 263હજાર અબજ ડોલર હતું. લેખકે આર્થિક અસમાનતા તપાસવા માટે દેશમાં અબજપતિઓની સંખ્યા, તેમની પાસેની સંપત્તિ વગેરે બાબતો ધ્યાનમાં લીધી છે. દુનિયામાં 2009થી 2014નાં વર્ષો દરમિયાન અબજપતિઓની સંખ્યા 1011થી વધીને 1826થઈ. આ અબજોપતિઓને કેન્દ્રમાં રાખીને લેખકે એક નિયમ આપ્યો છે: દેશમાં ટોચના 10અબજપતિઓ પાસે રહેલી સંપત્તિ જીડીપીના દસ ટકા જેટલી હોય ત્યાં સુધી એ આર્થિક વૃદ્ધિ માટે ભયજનક નીવડતી નથી; એ 15ટકા પર પહોંચે ત્યારે ભયજનક બને છે. ભારતમાં 2010માં ટોચના દસ અબજપતિઓની સંપત્તિ જીડીપીના 12ટકા હતી, જ્યારે ચીનમાં એ પ્રમાણ એક ટકા જેટલું હતું.
લેખકે અબજપતિઓને સારા અને ખરાબ એવા બે વર્ગોમાં વહેંચ્યા છે. ઉત્પાદક રોજગારી સર્જતા તથા નવી નવી ચીજો પેદા કરતા અબજપતિઓ લોકોને સ્વીકાર્ય બને છે, પણ રાજકારણીઓ સાથેના મેળાપીપણાનો ઉપયોગ કરીને ખાણો, જમીન વગેરેના ઉપયોગના પરવાના તથા સરકારી કોન્ટ્રેક્ટ મેળવીને અબજપતિ થતા માલેતુજારો લોકોની નજરે ચડે છે. આ સ્થિતિમાં આવકની અસમાનતા ઘટાડવા માટેની, એટલે કે ગરીબો માટેના કાર્યક્રમો માટે માંગ ઊઠે છે. આવા કાર્યક્રમોને લેખકે સમાજવાદી ગણ્યા છે. અને તે ઊંચા આર્થિક વૃદ્ધિદર માટે, એટલે રાષ્ટ્રની ચડતી માટે હાનિકારક છે. એવો મત લેખકને અહીં અભિપ્રેત છે. આ મતને થોડા કઠોર શબ્દોમાં મૂકીએ: આર્થિક વૃદ્ધિ મુખ્યત્વે સમાજના ઉપલા વર્ગો માટે છે, પણ તે ટકી રહે તે માટે તેનો થોડો લાભ નીચલા વર્ગો વચ્ચે વહેંચાવો જોઈએ, જેથી બહુજન સમાજ સંતુષ્ટ રહે અને રસ્તા પર ન આવી જાય.
ચોથા પ્રકરણનો વિષય અર્થતંત્રમાં રાજ્યના હસ્તક્ષેપનો છે. આ અંગે ત્રણ પ્રશ્નો તપાસવાના છે. એક,જીડીપીના ટકારૂપે રાજ્ય કેટલું ખર્ચ કરે છે? વિશ્વબેંકે દુનિયાના દેશોને ઊંચી, મધ્યમ, નીચી આવક ધરાવતા દેશોમાં વહેંચ્યા છે – તે જૂથમાં રાજ્યના સરેરાશ ખર્ચને એક માપદંડ ગણ્યો છે. રાજ્ય એનાથી વધારે ખર્ચ કરતું હોય તો તેને આર્થિક વૃદ્ધિ માટે પ્રતિકૂળ ગણ્યું છે. બીજું, રાજ્યની કંપનીઓ અને બેંકોનો રાજકીય હેતુ માટે દુરુપયોગ કરવામાં આવે છે? ભારતમાં સરકારી બેંકોનો દુરુપયોગ કરવામાં આવે છે તે ખરાબ લોનોના ઊંચા પ્રમાણમાં જોઈ શકાય છે. ત્રીજું, ખાનગી કંપનીઓને વિકસવા માટે રાજ્ય છૂટ આપે છે? પ્રજાના આર્થિક કારોબારમાં રાજ્યના ન્યૂનતમ હસ્તક્ષેપોને લેખક ઇષ્ટ લેખે છે તે આ પ્રકરણમાં કરવામાં આવેલી ચર્ચામાંથી સ્પષ્ટ થાય છે. અમેરિકામાં બેંકોનાં અનિયંત્રિત ધિરાણોમાંથી 2008માં ઉદ્ભવેલી વિત્તીય કટોકટી અને તેનાં પરિણામોથી નાણાપ્રથાને બચાવી લેવા માટે રાજ્યે ભરેલાં પગલાંની ચર્ચાને લેખકે ટાળી છે.
પાંચમા પ્રકરણનો પ્રશ્ન છે: દેશ તેને મળેલા સ્થાન (location)નો મહત્તમ લાભ ઉઠાવે છે? આમાં આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ મુખ્ય છે. એના સંદર્ભમાં ભારત માટે એક મહત્ત્વનો મુદ્દો ચર્ચાયો છે. મુદ્દો એ છે કે ભારત તેની ઝડપી આર્થિક વૃદ્ધિ માટે નિકાસો પર આધાર રાખી શકે તેમ નથી. 2008પછી વિશ્વવેપાર વધવાનો દર ઘટી જવા પામ્યો છે. લેખકના મતે વેપાર વધવાના દરનો આ ઘટાડો લાંબાગાળા માટેનો છે. લેખકનો આ મત સાચો નીવડે તો ભારતે પોતાના દેશના બજાર પર જ આધાર રાખીને આર્થિક વૃદ્ધિ સાધવી પડે.
છઠ્ઠા પ્રકરણમાં મૂડીરોકાણને લગતા બે નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આર્થિક વૃદ્ધિ અને અર્થતંત્રમાં અસ્થિરતા માટે મૂડીરોકાણ એક નિર્ણાયક પરિબળ છે. જે વિકાસશીલ દેશમાં જીડીપીના 25થી 35ટકા જેટલું મૂડીરોકાણ થતું હોય તેમાં આર્થિક વૃદ્ધિ ઊંચા દરે થાય છે. વિકસિત દેશોમાં 20ટકા જેટલું મૂડીરોકાણ થતું હોય છે. મૂડીરોકાણ કયાં ક્ષેત્રોમાં થાય છે એ પણ એટલું જ અગત્યનું છે. લેખકના મત પ્રમાણે વિકાસશીલ દેશોમાં ઉદ્યોગોમાં વધુ મૂડીરોકાણ થાય અને ઉદ્યોગોનું ક્ષેત્ર ઝડપથી વિકસે તે દેશમાં ગરીબી દૂર કરવા જરૂરી છે. ચીન, દક્ષિણ કોરિયા, મલયેશિયા વગેરે વિકાશીલ દેશોનો ઝડપી વિકાસ તેમના ઝડપી ઔદ્યોગિક વિકાસને આભારી છે.
વિકાસશીલ દેશોમાં ભારત અપવાદરૂપ દેશ છે. 2000પછીનાં વર્ષોમાં ભારતમાં 30ટકા જેટલું મૂડીરોકાણ થતું રહ્યું છે. પણ જીડીપીમાં ઉદ્યોગો (મેન્યુફેકચરિંગ)નો હિસ્સો 15ટકા પર સ્થગિત રહ્યો છે. આ સાપેક્ષ સ્થગિતતા માટે લેખકે વિવિધ કારણો દર્શાવ્યાં છે: બંદરો, વીજળી, જમીનમાર્ગો વગેરે પાયાની સગવડોમાં પૂરતું રોકાણ કરવાની રાજ્યની નિષ્ફળતા, જમીન સંપાદન અંગે રાજ્ય વ્યવહારુ કાયદો કરી શક્યું નથી, એ જ રીતે મજૂરકાયદાઓ સુધારવાનું રાજ્યે ટાળ્યું છે. જેને સેવાક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે ઉદ્યોગોનો વિકલ્પ બની શકે નહીં એવો લેખકનો સ્પષ્ટ મત છે. સેવા ક્ષેત્રો એટલે ભારતમાં હવે નિકાસો પર આધારિત ઉદ્યોગોનો ઝડપી વિકાસ મુશ્કેલ બન્યો છે. બાંગ્લાદેશ અને વિયેટનામ જેવા દેશોમાં ઉદ્યોગો વિકસ્યા હોવાથી નિકાસોમાં ભારતમાં હરીફો વધ્યા છે.
સાતમા પ્રકરણમાં ફુગાવાની (ભાવવધારાની) ચર્ચા કરવામાં આવી છે. લેખકના મતે ફુગાવાના ઊંચા દર સાથે તેજી લાંબો સમય ટકતી નથી. લેખકના નિયમ પ્રમાણે ભાવવધારાનો દર ત્રણ ટકા કે તેનાથી ઓછો હોય તો આર્થિક વૃદ્ધિનો ઊંચો દર લાંબો સમય ટકી શકે. લેખકનો આ નિયમ બધા દેશોને લાગુ પાડી શકાય તેમ નથી.
આઠમા પ્રકરણમાં ચર્ચવામાં આવેલા શાસ્ત્રીય મુદ્દાને સરળ શબ્દોમાં સમજાવી શકાય તેમ છે. અખબારોમાં ‘ડોલર સામે રૂપિયો મજબૂત થયો’ કે ‘નબળો પડ્યો’ એવા સમાચાર પ્રગટ થતા હોય છે. એક ઉદાહરણ દ્વારા પણ આ મુદ્દાને સમજીએ. કેટલાક વખતથી અમેરિકાના એક ડોલરની કિંમત રૂ 67-68ની આજુબાજુ રહે છે. ડોલરની કિંમત ઘટીને 64કે 65થાય તો રૂપિયો મજબૂત એટલે કે ‘મોંઘો’ થયેલો ગણાય. પણ ડોલરની કિંમત રૂ. 70કે 71થાય તો અખબારી ભાષામાં રૂપિયો નબળો પડેલો ગણાય, ‘સસ્તો’ થયો કહેવાય. દેશનું ચલણ મજબૂત થાય એને દેશ માટે ગૌરવની ઘટના ગણવામાં આવે છે. તેને દેશનું અર્થતંત્ર મજબૂત હોવાનો સંકેત માનવામાં આવે છે. પણ આ એક મોટી ગેરસમજ છે. દેશની જીડીપી ઊંચા દરે વધે તે માટે દેશનું ચલણ સસ્તું અને સ્પર્ધાત્મક સપાટી પર રહે તે જરૂરી છે. તેનાથી દેશની નિકાસોને પ્રોત્સાહન મળે છે, આયાતો ઓછી વધે છે, વિદેશી મૂડી દેશમાં આકર્ષાય છે અને દેશની મૂડી વિદેશમાં જતી અટકે છે. દેશનું ચલણ મજબૂત બને તેનાં ઉપર વર્ણવ્યા છે તેનાથી વિપરીત પરિણામો આવે છે. તેથી જે દેશ પોતાના ચલણને મજબૂત રાખે છે તે પડતી પામે છે.
નવમા પ્રકરણમાં વધુ પડતાં ધિરાણો અપાવાથી સર્જાતી નાણાકીય કટોકટીની ચર્ચા કરવામાં આવી છે. અમેરિકામાં 2007-08માં જે નાણાકીય કટોકટી સર્જાઈ હતી તેના મૂળમાં ધિરાણો(લોન) આપનારા અને લેનારાઓમાં પ્રસરેલો ઉન્માદ હતો. દેશમાં ખાનગી અને સરકારી એમ કુલ દેવાનું પ્રમાણ અર્થતંત્રના ભાવિ માટે અગત્યનું છે, પણ દેવું વધવાની ઝડપ નાણાકીય કટોકટી સર્જાવા માટે નિર્ણાયક નીવડે છે. થાઇલેન્ડ જેવા થોડા દેશોના અનુભવોના આધારે લેખકે નિયમ તારવ્યો છે: એક વર્ષ જેવા ટૂંકાગાળામાં દેશના કુલ દેવામાં 40ટકાવારીનો વધારો વિત્તીય કટોકટી સર્જવામાં નિર્ણાયક નીવડે છે.
દસમા પ્રકરણમાં સમૂહ માધ્યમોના ઉન્માદને સ્પર્શતો એક ‘નિયમ’ રજૂ કર્યો છે. 1989માં વિશ્વમાં જાણીતાં કેટલાંક સમૂહ માધ્યમો જાપાનની આર્થિક વૃદ્ધિને બહેકાવીને રજૂ કરી રહ્યાં હતાં. જાપાનમાં શૅરોનો ભાવ અતિશય વધ્યા હતા, જાપાનની કંપનીઓ અમેરિકાનાં બજારો પર કબજો જમાવી રહી હતી, જાપાન જગતની એક આર્થિક સત્તા તરીકે ઊભરી આવ્યું હતું. પણ બે વર્ષ પછી જાપાનમાં મંદી આવી, જે એક દસકા સુધી ટકી રહી. આનાથી ઊલટું એશિયાના અન્ય કેટલાક દેશોની બાબતમાં બન્યું. સમૂહ માધ્યમોમાં લખતા પંડિતોએ 1950થી ‘70માં દક્ષિણ કોરિયા, તાઇવાન, સિંગાપુર વગેરે દેશો પર ધ્યાન આપ્યું નહિ અને એ દેશો ઝડપથી વિકસ્યા! આમ જે દેશના વિકાસને ‘ટાઇમ’, ‘ન્યૂઝ વીક’ જેવાં આંતરરાષ્ટ્રીય સામયિકો ઉન્માદપૂર્વક રજૂ કરે છે તેની પડતી થાય છે! એનાથી ઊલટું આ સામયિકો જે દેશો પરત્વે દુર્લક્ષ કરે છે તેમની ચડતી થવાની સંભાવના વધી જાય છે! આમાં લેખકે લંડનના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’નો અપવાદ સ્વીકાર્યો છે. શુકન-અપશુકનની લોકમાન્યતા પ્રકારના તેમના આ ‘નિયમ’ને બુદ્ધિગમ્ય બનાવવા માટે એક તર્ક લેખકે રજૂ કર્યો છે.
સમૂહ માધ્યમો કેવળ વર્તમાનને જ નજર સમક્ષ રાખે છે અને તે સ્થિતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એમ માની લે છે. લેખકના મતે મૂડીરોકાણ કરનારાઓ ભવિષ્યનો વિચાર કરે છે. પણ લેખકનો આ તર્ક વિવાદાસ્પદ છે. માત્ર સમૂહ માધ્યમો જ નહીં, ઘણા નિરીક્ષકો અને આમજનતા પણ આશાવાદી બનીને વર્તમાન સારો કાળ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવું માનતા થઈ જાય છે. અમેરિકામાં 1920થી ‘30ના દસકાને ‘સુવર્ણ વીસી’ તરીકે ઓળખવામાં આવ્યો હતો અને અમેરિકા હવે સમૃદ્ધિના નવા યુગમાં પ્રવેશ્યું છે એવી માન્યતા વ્યાપક બની હતી. 1929માં શરૂ થયેલી મહામંદીની કોઈએ કલ્પના પણ કરી નહોતી. મૂડીરોકાણ કરનારાઓ ભવિષ્યનો વિચાર કરે છે એવો લેખકનો મત પણ વિવાદાસ્પદ છે. અગાઉ લેખકે ધિરાણો લેવા-આપવામાં સર્જાતા ઉન્માદની ચર્ચા કરી છે. ધિરાણો લેનારાઓ મૂડીરોકાણ કરવા માટે જ ધિરાણો લેતા હોય છે. સમૂહ માધ્યમોની જેમ તેઓ પણ તેજીની વર્તમાન સ્થિતિ ભવિષ્યમાં ચાલુ રહેશે એમ માનીને જ રોકાણ કરતા હોય છે. મૂડીરોકાણો ‘એનિમલ સ્પિરિટ’થી થાય છે એવો કેઇન્સનો મત જાણીતો છે.
છેલ્લા પ્રકરણમાં લેખકે દુનિયાના વિવિધ દેશોમાં આગામી દસકામાં આર્થિક ગતિવિધિ કેવી રહેશે તેની તેમણે ‘પ્રેક્ટિકલ આર્ટ’ની મદદથી આગાહી કરી છે, પણ ભારત માટે તેઓ કશું નિશ્ચિત રીતે કહી શક્યા નથી. તેમના મતે ‘ભારતની સ્થિતિ આશાવાદીઓ તેમજ નિરાશાવાદીઓ માટે એક સરખી ગૂંચવાડાભરી છે.’ 2014માં ભારતમાં નવા નેતા આવ્યા છે, તેઓ ભારે લોકપ્રિયતા ધરાવે છે અને છતાં તેઓ મોટા આર્થિક સુધારા કરવાથી દૂર રહ્યા છે. નવા લોકપ્રિય નેતાની બાબતમાં પોતાની અપેક્ષા આ દાખલામાં કેમ ખોટી પડી છે તેની ચર્ચા કરવાનું લેખકે ટાળ્યું છે.
પુસ્તકનું પ્રયોજન આર્થિક પરિવર્તનોને અગાઉથી જાણી શકાય એવા નિયમો શોધવાનું છે, પણ જો અનિશ્ચિતતા ભવિષ્યનો પર્યાય હોય તો તેના વિશે આગાહી 1980સુધી કોણ કરી શક્યું હતું? રશિયા અને અન્ય દેશોમાં સામ્યવાદનું પતન થશે એવી આગાહી 1980માં પણ ક્યાં કોઈ કરી શક્યું હતું?
*
રમેશ બી. શાહ
વિચારકેન્દ્રી લેખન.
અર્થશાસ્ત્રના પૂર્વઅધ્યાપક,
અમદાવાદ.
પૂર્ણેશ્વર ફ્લેટ્સ, આંબાવાડી, અમદાવાદ.
94272 26858
*