The Sellout – Paul Beatty
One world Publication, London, 2016
અમેરિકન નવલકથાકાર પોલ બીટ્ટી આફ્રિકન મૂળના વ્યક્તિ તરીકે અમેરિકામાં જન્મેલા અને ઊછરેલા લેખક અને કવિ છે. ભારતીય સાહિત્યમાં જેમ દલિત સર્જકોની બાબતમાં બને છે તેમ, પોલ બીટ્ટીના કથાસાહિત્યમાં પણ આત્મકથનાત્મક અંશો સતત વણાતા રહ્યા છે. અશ્વેત અમેરિકન ઓળખનો અર્થ સમજવાની સતત મથામણ, એક આગવો બળુકો અવાજ અને સર્જનાત્મક સંવેદન બીટ્ટીને અન્ય બ્લેક અમેરિકન લેખકો કરતાં જુદા તારવી આપે છે. અત્યંત ગંભીર વિષયને હળવાશથી, હાસ્યલેખનની શૈલીમાં રજૂ કરીને તીવ્ર કટાક્ષમાં પણ કડવાશ ઉમેર્યા વિના એમણે દલિત ચેતનાનો ઉન્મેષ ‘ધ સેલઆઉટ’માં વ્યક્ત કર્યો છે – તેના કારણે તેમને 2016ના વર્ષના ધ મૅન બુકર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એવોર્ડની પસંદગી-સમિતિમાંના એક ઓલિવિયા વિલીઅમ્સ નોંધે છે કે પોલના સર્જનમાં સ્વિફ્ટની કટાક્ષશૈલી અને સૂક્ષ્મ-અવલોકનયુક્ત હાસ્યનું આગવું મિશ્રણ જોવા મળે છે. અલબત્ત, ભારતીય દલિત સાહિત્યમાં ક્વચિત જ દેખાતા અપશબ્દોની સરખામણીએ અહીં fucking અને motherfucker જેવા શબ્દોની ભરમાર જણાશે, પણ હકીકત તો એ છે કે એક વર્ગવિશેષની ભાષાનું તે ઓળખચિહ્ન ગણાયું છે.
નવલકથાના આરંભે નાયક બોનબોન અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં છે. તેની ઉપર આરોપ છે કે તેણે ગુલામી પ્રથા ફરીથી અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે તથા તેના વતન લોસ એન્જેલસના એક પરા ડિકન્સમાં વર્ણભેદ-આધારિત ‘સેગ્રેગેશન’(વાડાબંધી) ઊભી કરવાની કોશિશ કરી છે. કટાક્ષનો કાકુ નવલના પ્રથમ વાક્યથી જ સંભળાય છે. This may be difficult to believe, coming from a black man, but I’ve never stolen anything. (તમને કદાચ માન્યામાં ન આવે, ખાસ તો એક અશ્વેતના મોઢે સાંભળીને, પણ મેં જિંદગીમાં ક્યારેય ચોરી નથી કરી.)
આમ તો નવલકથા ઘટનાપ્રધાન નથી, એટલે કથાવસ્તુનો તંતુ પકડવો મુશ્કેલ છે. (પરંપરાગત ટીકાકારોએ તેથી જ આ કૃતિને ‘લુઝ્લી સ્ટ્રક્ચર્ડ એપિસોડ્ઝ ઓવ સ્ટેન્ડ અપ કોમેડી’ પણ કહી છે.) નાયકની એકોક્તિ કહો કે તેનું સ્વગત ચાલતું કથન, તેના મનોવ્યાપારને પ્રગટ કરતું જાય છે. એ રીતે પાત્ર પ્રગટ થતું જાય છે, અને તેની મન:સ્થિતિ કથાના કેન્દ્રસ્થાને રહીને વિવિધ ઘટનાઓ ઇંગિત કરતી જાય છે. છતાં પરિચયાત્મક સમીક્ષા માટે આવશ્યક સમજીને કહીએ તો કથાવસ્તુ આવું છે:
કથક (અને કથાનાયક), એકલા પિતાનું એકલું સંતાન, અશ્વેત ‘ઘેટો’ એવા પરા વિસ્તાર ડિકન્સમાં ઊછરે છે. તેના પિતા સહેજ તરંગી સ્વભાવના સમાજશાસ્ત્રી છે. પોતાના બાળકને તે સામાજિક મનોવિજ્ઞાનના પ્રયોગોનું પ્યાદું બનાવે છે. પિતાના પ્રયોગો વિશેનાં બોનબોનનાં સ્મરણો જેવાં જ વિચિત્ર સ્મરણો તેના શાળાજીવનનાં પણ છે. I was the ‘diversity’ the school trumpeted so loudly in its glossy literature, but there wasn’t enough financial aid in the world to get me to suck the gristle from a leg bone in front of the entire freshman class. (હું એ વિવિધતા હતો જેના વિષે શાળાના પ્રચાર-સાહિત્યમાં બણગાં ફૂંકવામાં આવતાં હતાં. જોકે પ્રથમ વર્ષના સહાધ્યાયીઓ સાથે પૌષ્ટિક ખાણું લઈ શકું એટલી નાણાંકીય સહાય તો મળતી નહોતી.)
ડિકન્સ એક અશ્વેત વસતી છે, પણ સાવ ઝૂંપડપટ્ટી નથી. નગર-આયોજન સમયે ગ્રીન બેલ્ટ તરીકે રાખેલો, શાકભાજી ઉગાડવાના મોટા પ્લોટ વાળો એ વિસ્તાર. જોકે આયોજનનો અભાવ અને કચરાના ઢગ. બોનબોન પોતાના અભ્યાસ માટે ખેતીવાડીની વિદ્યાશાખા પસંદ કરીને હવે ચોરસ તરબૂચ અને એવા પાક ઉગાડે છે. મુખ્ય રસ્તા પર ‘ડમ ડમ ડોનટ’ નામનું એક બાર હતું, તેમાં બોનબોનના પિતા અને બીજા થોડું ઘણું ભણેલા અશ્વેત નાગરિકો સપ્તાહમાં એક વાર મળે. તેને વળી ‘ઇન્ટેલેકચ્યુઅલ્સ ક્લબ’ એવું નામ આપે. એમાં બોનબોનના પિતાએ જે વાતો કરી હોય, તેને પોતાના નામે ચડાવીને ફોય ચેશાયર સંશોધનપત્ર છપાવે અને આગળ જતાં ટીવી સિરિયલ રચીને પૈસા બનાવે. કથાનક મુખ્યત્વે અશ્વેત પુરુષચેતના પર કેન્દ્રિત રહે છે. જો કે કથાના મધ્ય ભાગમાં બોનબોન અને તેની અશ્વેત પ્રેયસી મારપેસા, જે સિટીબસની ડ્રાઇવર છે, તેની કથની અશ્વેત નારીનું ચિત્રણ પૂરું પાડે છે.
કથાનકની બે નોંધપાત્ર ‘ઘટનાઓ’ ગણાય 1) કથકના પિતાનું અવસાન, અને 2) વિદ્રોહ તરીકે નાયક દ્વારા ડિકન્સની પુન:સ્થાપના કરવાનો પ્રયાસ. બાલ્યાવસ્થા દરમિયાન પિતાએ કરેલા પ્રયોગોની વાતો પરથી એવું લાગે કે નાયક પોતાના પિતાને ધિક્કારે છે. પણ કથાનક ઊઘડતું જાય તેમ તેમ જણાય છે કે હાસ્ય-કટાક્ષને પડછે નાયક પોતાની ઓળખ પામવાની કોશિશના ભાગ રૂપે પોતાને પિતાની સાથે ગહન સ્તરે જોડાયેલો અનુભવે છે. પિતાની વિચારપૂર્વક કહેવાયેલી વાતોને સિદ્ધાંત કક્ષાએ રજૂ કરીને તેમના મિત્ર ફોય ચેશાયર નામ અને નાણાં કમાય છે તેની સભાનતા દર્શાવે છે કે નાયકને પિતાની બુદ્ધિમત્તા વિષે ફરિયાદ નથી. અને છતાં જે ધારદાર કટાક્ષ સાથે પિતાનો ઉલ્લેખ થતો રહે છે તે અશ્વેત વ્યક્તિત્વની કરુણ વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ કારુણ્યની ચરમ સીમા આવે છે પિતાના મૃત્યુપ્રસંગમાં. નાયકના પિતાનું મૃત્યુ પોલીસની ગોળીથી થાય છે. તેનો દોષ એટલો જ કે તે અશ્વેત હોવા છતાં કાર ડ્રાઇવ કરતા હતા. સમાચાર મળતાં નાયક ઘટનાસ્થળે પહોંચે છે. પરિસ્થિતિ બરાબર સમજે છે, પણ પોલીસ સામે થવાને બદલે પિતાના શબને પોતાના ઘોડા પર લાદીને ઘેર લઈ જાય છે. એક અશ્વેત નાગરિક, જે જીવનભર સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે, એટલું જ નહિ પણ જેની વાતોમાં સામાજિક મનોવિજ્ઞાન ક્ષેત્રની ઊંડી સમજ હોય છે, તેના જીવનનો અંત છેવટે તો રંગભેદપ્રેરિત હત્યા જ બની રહે છે. પરંતુ પોલ બીટ્ટી તેને જે રીતે કથાનકમાં રજૂ કરે છે તેમાં આવી કોઈ ચર્ચા નથી. કથાનકમાં તો ઘોડા પર નીકળતી શબયાત્રા એક સરરિયલ અનુભવ જેવી બની રહે છે.
બીજી ઘટના છે ડિકન્સની પુન:સ્થાપનાની. પ્રથમ તો નાયક પોતાના બાળપણ-સમયનું ડિકન્સ સમયના વહેણમાં ખોવાઈ ગયું હોવાની વાત કરે છે. પણ પછીના તબક્કે પોતાની ઓળખ પામવાના ભાગ રૂપે પોતાના ખોવાયેલા વતનની યાદ ઊભરી આવે છે. અને જાણે પોતાની ઓળખ સ્થાપવાના ભાગ રૂપે હોય તેમ નકશા પરથી અને હકીકતમાં અદૃશ્ય થઇ ગયેલા ડિકન્સને પુન:જીવિત કરવા પ્રયત્નશીલ બને છે. તે જૂના ડિકન્સની સીમારેખા ચૂના વડે દોરવાનો પ્રયત્ન કરે છે. તે ડિકન્સ જે રીતે જીવતું હતું, જેમાં અશ્વેત માટે ‘નિગર’ એવો શબ્દ શ્વેત પ્રજાજનો (અને અશ્વેત લોકો પણ) કશા દંભ વગર વાપરતા હતા, તે સ્થિતિ નાયકને વધુ સારી જણાય છે.
નાયક ડિકન્સની સીમારેખા દોર્યા પછી કહે છે: I have to confess that, in the days after I painted it, I, too, was hesitant to cross the line, because the jagged way it surrounded the remnants of the city reminded me of the chalk outline the police had needlessly drawn around my father’s body. But I did like the line’s artifice. The implication of solidarity and community is represented. (મારે સ્વીકારવું રહ્યું કે એ સીમારેખા દોર્યા પછીના દિવસોમાં હું પોતે પણ તેને ઓળંગતાં અચકાતો હતો, કારણ કે એ વાંકીચૂકી રેખા મને યાદ અપાવતી હતી પોલીસે મારા પિતાના મૃતદેહની આસપાસ ચોક વડે દોરેલી અનાવશ્યક રેખાની. પણ મને સીમારેખાની આકૃતિ ગમતી હતી. તેનાથી એક સમૂહ- ભાવના અને પ્રતિબદ્ધતા ઊભી થતી હતી.)
આ તબક્કે, બોનબોન સાથે સંમત થતો તેનો સાથી હોમીની ફરીથી અશ્વેત ગુલામ તરીકે જીવવાની જીદ પકડે છે અને તે રીતે રહેવાનું શરૂ કરે છે. હોમીની વારંવાર જણાવે છે કે તેને પોતાની ગુલામ તરીકેની ઓળખ વધુ સાચુકલી લાગે છે.
Homini, you’re not a slave and I’m definitely not your master.
Massa, he said, the smile evaporating from his face, and shaking his head in that pitiable way people who you think you’re better than do when they catch you thinking that you’re better than them., sometimes we just have to accept who we are and act accordingly. I’m a slave. That’s who I am. It’s the role I was born to play. ( હોમીની, તું કોઈ ગુલામ નથી, અને હું કંઈ તારો માલિક તો નથી જ. ‘માલિક’, તેણે કહ્યું, ત્યારે તેના ચહેરા પરથી હાસ્ય ઊડી ગયું અને તેણે એવા ભાવથી માથું ધુણાવ્યું જાણે કે આપણે જેના કરતાં પોતાને વધુ સારા ગણતા હોઈએ તે આપણને એવું વિચારતા પકડી પાડે ત્યારે ધુણાવતા હોઈએ છીએ. ‘ક્યારેક તો આપણે આપણી વાસ્તવિકતા સ્વીકારવી જ પડે, અને તે પ્રમાણે વર્તવું પડે. હું એક ગુલામ છું. હું એ જ છું. મારો જન્મ એ પાઠ ભજવવા માટે જ થયો છે. )
તો આ રીતે ડિકન્સની પુન:સ્થાપનાનો ઉપક્રમ અને હોમીનીનું ગુલામ તરીકે જીવવાનો પ્રયત્ન બન્ને અશ્વેત ઓળખને સમજવાની પ્રક્રિયાના ભાગ રૂપે જોઈ શકાય છે, અશ્વેત ઓળખને પામવાની મથામણ બની રહે છે. અલબત્ત, કરુણતા એ છે કે આમ કરવા માટે નાયકને સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડે છે.
સુપ્રીમ કોર્ટનાં દૃશ્યોમાં પણ શૈલી તો એવી જ – વાચકને આઘાત આપીને ઝકઝોળી દેવાની સભાન કોશિશ જેવી. નાયકના વકીલની દલીલ અત્યંત ગંભીર પ્રશ્નને આ રીતે રજૂ કરે છે. In addition to Genet, many rappers and black thinkers have weighed in. An early rap quintet of puerile white poseurs known as Young Black Teenagers asserted that ‘Blackness is a state of mind.’ My client’s father, the esteemed African-American psychologist F. K. Me (may the genius motherfucker rest in peace), hypothesized that black identity is formed in stages. (જેનેત ઉપરાંત, ઘણા અશ્વેત ચિંતકો અને રેપ સંગીતકારો પણ કહે છે. અગાઉના સમયનું એક રેપ જૂથ, જેનું નામ યંગ બ્લેક ટીનેજર્સ હતું, તેના મત અનુસાર ‘અશ્વેતપણું એક મન:સ્થિતિ છે’. મારા અસીલના પિતા જે એક પ્રતિષ્ઠિત આફ્રિકન-અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા (પ્રભુ તેની માદરચોદ પ્રતિભાને શાંતિ બક્ષે) એમની એવી અવધારણા હતી કે અશ્વેત ઓળખનું સર્જન તબક્કાવાર થાય છે. )
લગભગ સરરીયલ જણાય તેવાં પ્રસંગચિત્રો, અશ્વેત પાત્રોની ભાષાના ઓળખચિહ્ન સમા અપશબ્દોની ભરમાર, દંભી સમાજવ્યવસ્થા વચ્ચે અશ્વેત ચેતનામાં સતત ઘૂંટાતો અન્યાયનો અહેસાસ, હાસ્યાસ્પદ ઘટનાઓને પડછે રચાતી કરુણ પરિસ્થિતિ – આ છે ‘ધ સેલઆઉટ’નું કથાવિશ્વ. તેની રચનારીતિ માટે એવું નોંધાયું છે કે તેમાં ‘ફ્યુગ’નો વિનિયોગ થયો છે. ઇટાલિયન મૂળના ‘ફ્યુગ’ શબ્દની બે અર્થચ્છાયાઓ છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રે તેનો અર્થ થાય છે પ્રાસંગિક સ્મૃતિલોપ અને તેના પરિણામે ઉદ્ભવતી ચિત્તભ્રમ જેવી સ્થિતિ, અને સંગીતશાસ્ત્રની દૃષ્ટિએ તેનો અર્થ થાય છે બે કે વધુ વાદ્યો અથવા સંગીત-પરંપરાઓના સૂરોથી રચાતી સંકુલ સિમ્ફની. ‘ધ સેલઆઉટ’ના સંદર્ભે આ બન્ને અર્થચ્છાયાઓ સ્વીકાર્ય છે. અશ્વેત ચેતનાનું સંવેદનશીલ નિરૂપણ કરવાની લેખકની મથામણ દર્શાવે છે તેમ, આફ્રિકન મૂળની આ પ્રજા તેના અમેરિકન અવતારમાં પોતાના મૂળને ભૂલે છે અને છતાં તેનાથી સાવ વિખૂટી પડવાનું શક્ય નથી, તેથી એક વિચિત્ર એવી આંશિક સ્મૃતિલોપની અવસ્થામાં આવી પડી છે. વળી અશ્વેત અમેરિકન બોલી અને શુદ્ધ અંગ્રેજી ભાષા, હાસ્ય-કટાક્ષ માટે આવશ્યક એવું અસમાન તત્ત્વોની સહોપસ્થિતિ સર્જતું કથાનક, અને વિશેષ તો માન્ય સંસ્કૃતિના માપદંડો સામે વિદ્રોહ રચતું દલિત ઓળખ સ્થાપવા મથતું સૌંદર્યશાસ્ત્ર – એવી એક સંકુલ સિમ્ફની રજૂ કરે છે આ અશ્વેત કહેતાં દલિત ચેતનાની નવલકથા.
*
રાજેન્દ્રસિંહ જાડેજા
વિવેચક.
અંગ્રેજીના પૂર્વ-અધ્યાપક, સ. પ. યુનિવર્સિટી, વિદ્યાનગર.
આણંદ.
rs.jadeja@gmail.com
93750 31402
*