અનિત્ય – નીતિન મહેતા
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2014
અનિત્ય એટલે ક્ષણિક. શબ્દનો કોઈ અર્થ કાયમી નથી, સમયે સમયે, યુગે યુગે,ભાવકે ભાવકે, એ બદલાયા કરે છે અને કવિ, એ જાગૃતિ સાથે જ સર્જન કરે છે. નીતિન મહેતાએ આ સંગ્રહના નિવેદનમાં નોંધ્યું છે, ‘કોઈ કવિતા સંપૂર્ણ હોતી નથી, જો હોત તો બીજી-ત્રીજી કવિતા તે લખે જ શા માટે? કવિતા આમ તો કવિનાં મનોયત્નો હોય છે. કવિતા એકવચનમાં જ હોય.’ આ મનોયત્નોમાં, આ શોધમાં વાચક/ભાવક, કવિનો સાક્ષી બનતો હોય છે. એ કવિ સાથે થોડાં ડગલાં ચાલે છે. ક્યારેક એને છોડી પણ દે છે.’ કવિના આ શબ્દો જ અનિત્યનો અર્થ ઉઘાડી આપે છે.
આધુનિક કવિતાનું ભારણ અને અનુઆધુનિક કવિતાની મુક્તતાની વચ્ચે નીતિન મહેતાની કવિતા નિજી મુદ્રા ઉપસાવે છે. બે કાવ્યસંગ્રહો પૈકી પ્રથમ ‘નિર્વાણ’ કાવ્યસંગ્રહનું પ્રકાશનવર્ષ 1988, અને આ બીજો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘અનિત્ય’ 2014માં. ચાર વિવેચનસંગ્રહ. આધુનિક-અનુ આધુનિક વિચારણાની સ્પષ્ટ સમજ સાથે પાશ્ચાત્ય વિચારણામાં થતાં પરિવર્તનો તેમના વિવેચનમાં ઉલ્લેખ પામતાં રહ્યા છે. બીજી તરફ કવિતા સંપૂર્ણપણે અંગત અનુભૂતિનું ક્ષેત્ર છે. નીતિન મહેતાની કવિતાના શબ્દો આંતરિક સમૃદ્ધિનો અનુભવ કરાવે છે.
ભાષા, રજૂઆત, બાનીની સાહજિકતા,તિર્યક્તા, તીવ્રતા, ઉપાલંભ, વીરત્વ, સત્યની નજીક લઈ જતી વાસ્તવિકતા – એવા સાહિત્યપદાર્થથી આ કાવ્યસંગ્રહનું સંરચન થયું છે. સંગ્રહની કુલ 40રચનાઓ પૈકી 11નું શીર્ષક ‘એક કાવ્ય’ છે. અર્થવિસ્તારની શક્યતાઓ અને આભાસી સરળતાની આરપારનું વિશ્વ એમાં આલેખાયું છે. આ કાવ્યોને આપણે ત્રણ મુખ્ય વિષયોમાં જો વિભાજિત કરીએ તો એક સૂર નગરસંદર્ભનાં કાવ્યોનો છે. આ કાવ્યો નગરજીવનની સ્વાનુભૂતિનાં કાવ્યો છે. નગરમાં રહેલો માણસ પોતાની પસંદગીથી મુંબઈમાં નથી રહેતો. પસંદગી વગર જ રહેવા મળેલું નગર અહીંથી નિર્વાસિત થવાના પ્રયત્નોમાં સફળ નથી થવા દેતું,છોડી દીધા પછી પણ અહીં પાછાં આવવું પડે છે અને અહીંના જીવનનો સ્વીકાર કરવો પડે છે. અને સાથે સંભળાય છે અનેક અવાજો, જે આપણી આજુબાજુ સતત છવાયેલા હોય છે, કવિએ સમૃદ્ધ નગરના આવા કેટલાક અવાજોને આલેખ્યા છે:
‘ના પાડી હતી તો પણ ગયો ને/જોયું, પાછા આવવું પડ્યું ને/મૂંગો રહ્યો…’ (પૃ. 1)
મુંબઈની શેરીમાંથી, ભીડમાંથી, ટ્રેનમાંથી, બસમાંથી, કળાપ્રદેશોમાંથી અને અતીતનાં કેટલાંક દૃશ્યોમાંથી, કેટલાંક અંગત સ્મરણોમાંથી આ શબ્દોએ પસાર થઈ નગરને વ્યક્ત કર્યું છે. નગર, નગર-જીવન, કળા-સાહિત્ય, વિધ-વિધ સ્તરના માનવ-જીવનનાં શબ્દચિત્રો કવિએ આલેખ્યાં છે. સમન્વય અને વિરોધની ગતિ અહીં સમાંતરે ચાલે છે. મુંબઈનો દેખીતો સમકાલીન સમય અને વિવિધ પ્રયુક્તિઓ, પ્રતીકો અને વિચારતંત્રોનાં અનેક સ્તરો પર ચિત્રિત થયાં છે. કાવ્યાંતે સ્વીકારનો વિષાદ અને નરી વાસ્તવિક ક્ષણ જુઓ,
…ફરી સવારે હસતાં હસતાં/અરીસામાંથી બહાર આવું/સૂરજની સામે આંખ માંડી,/રસ્તા પર ચાલું/પગલાં છેકાતાં જાય/હું આગળ ને આગળ/માત્ર હું/હમણાં અહીં (7)
કવિતામાં આલેખાયેલાં શબ્દ-ચિત્રો ભાવને ઉદ્ઘાટિત કરે છે. સંવાદ રૂપે આવતી ભાષા વાંચીને સાવ સરળતા અને સહજતાનો ભ્રમ થાય, પણ ધ્વનિ-કાકુની તીવ્રતા છૂપી રહેતી નથી. મુંબઈના જીવનને કવિએ બહુ નિકટતાથી આલેખ્યું છે:
‘કેમ ફાવી ગયુંને, સેટ થઈ ગયા ને….( 8)
જરા સાઇડમેં રહીએ/આપકો દાદર ઉતરના હૈ ક્યા… /દેનેવાલે કા ભી ભલા/બીચમેં કાયકું/ખાલીપીલી ખડા…. (9)
નિરંજન ભગતની પુચ્છ વગરની નગરી કવિના કણેકણમાં વર્તાય છે. છતાં એ અપ્રતિમ રહે છે અને એની સહજતા સંકુલતાના ભોગે નથી આવી. બીજા એક મહત્ત્વના સૂરમાં અંગત અનુભૂતિનાં કાવ્યો, અંગત સ્વજનોનો-મિત્રોનો ઉલ્લેખ આવે છે. સાહિત્યિક મિત્રો અને તેમની કૃતિનો ઉલ્લેખ કાવ્યપદાર્થના ભાગ રૂપે જ આવે છે.
સુરેશ જોષી,રાવજી, શેખ, લાભશંકર/સિતાંશુ, દિલીપ ને મારા સમકાલીનો/પ્રશ્નો પૂછી પૂછી/મને સતત મૂંઝવે/આમ તો આ ઓરડો ઘણો નાનો/ને ઘડિયાળ/મોટું ને મોટું થતું જાય ….(58)
રમણીય રસવ્યાપાર અને કૃતિની સમસ્તતા અહીં ક્યાંય જોખમાઈ નથી –
‘મેં તમારી કવિતા ઝાઝી વાંચી નથી/એમ જ કોઈ વાર બીજા પાસે તમે વાંચતા હો તો સાંભળું ખરો./સાચું પૂછો તો એમાં મને ઝાઝો રસ પડતો નથી/કે નથી પડતી એવી કોઈ ખાસ સમજ..’ ….(55)
આ શબ્દો પુત્રના છે, પિતા પુત્ર રૂપે લખે છે, જે એ પુત્ર વિશે વિચારે છે. ‘ચૂપચાપ’ શબ્દ બે પેઢી વચ્ચેના સંવાદનો ચલિત બને છે. બંને વચ્ચે કોઈ સંવાદ નથી અને છતાં પણ બંને એકબીજાની હાજરીની પૂરતી નોંધ લે છે. એક મૂંગો,શબ્દરૂપે સ્ફુટ ન થયેલો સંવાદ જુઓ:
‘તમારા રૂમના ખાટલાની ધાર પર/તમે આંખ મીંચીને બેઠા છો ચૂપચાપ/આ હું મારા રૂમના બંધ બારણામાંથી/જોઈ શકું છું ચૂપચાપ….’ (56)
આ સંવાદ બોલકો, પ્રગલ્ભ લાગવા છતાં મામિર્ક છે. પુત્ર અને પિતાની પસંદગી ભિન્ન છે. પિતાનું મૂંગું વર્તન, પુત્રની સંવેદનાને આર્દ્ર કરે છે. ભાષા વિનાના સમયમાં શબ્દો વગરની સમજ વિસ્તરે છે, આ કાવ્ય સાદગીપૂર્ણ અને સંકુલ બન્યું છે.
નગર, આત્મિક સંબંધો ઉપરાંત સંગ્રહમાં ત્રીજો એક સૂર મૃત્યુવિષયક કાવ્યોનો છે. પોતાના પ્રવાસનો થાક લાગે તોય વ્યક્ત ન કરતા કવિસ્વભાવને માંદગીની પરાધીનતા ગમતી નથી. કવિનું વીરત્વ આ ડોકટરો, માંદગી અને ઇન્જેકશનથી થાકી ગયું છે. આમ તો પોતે જ પોતાને ‘ફોશી’ કહેતા કવિ પાસે મક્કમ અને સ્થિર અવાજ છે. પણ એમને આધારિત જીવન સ્વીકાર્ય નથી,દવાની શરતોનું જીવન સ્વીકાર્ય નથી. 2010માં કવિએ આ દુનિયા છોડી અને 2005માં નીચેનું આ કાવ્ય પ્રગટ થયું હતું.
‘બસ જવું જ છે?/રોકાઈ જાને?/ના. ઘણું રહ્યો/દિલાસા/દવાઓ ને/દાકતરોએ બહુ થીંગડથાગડ કર્યા….’ (89)
સહુને આવજો કહેતા કવિ અંતે કવિતાને આવજો નથી કહેતા. બધા જ સાથે નિર્લેપ ભાવ કેળવી લીધો હોય એમ બધું જ છોડી, ચાલી જવા નિર્ભર થઈ તૈયાર બેઠા છે. અક્ષર કે શબ્દો સિવાય કવિને કોણ લલચાવશે? માંદગીના થાકથી જીવનને સમેટવાની ખુલ્લેઆમ કરેલી તૈયારી વાચકથી પકડાઈ જ નહીં. કવિના શબ્દોની સિદ્ધિમાં ભાવક એવો ખોવાઈ ગયો કે એ કાવ્યરસને માણવામાં મસ્ત હતો જયારે કવિની અંદર એક પડછાયો વિસ્તરી રહ્યો હતો જેની સાથે કવિનો પ્રવાસ ચાલુ જ હતો,
‘લખાયેલા શબ્દોમાં/ખાલીપણું/ચૂપચાપ પેસી ગયું છે/હવે આ છેલ્લી ચાલમાં/ભલે કોઈ સાથી નથી/માત્ર મારે જ ચાલવાનું છે… (71)
મોટાભાગની કવિતા સંવાદ સાથે સહજતાથી શરુ થાય છે, વ્યવહારગત ભાષાના અંગત અનુભવની શૈલી સાથે ભાવક પોતાની અનુભૂતિની સંલગ્નતા અનુભવે છે. માતા હયાત નથી પણ અનુભૂતિમાં છે અને કવિને સંભળાય છે,એ સૂચનો, જે જગતની મોટાભાગની માતાઓ પોતાનાં સંતાનોને રોજેરોજ કહેતી હોય પરંતુ એ સ્મરણ અને અડધો ગ્લાસ પાણી પીવાની ક્રિયા અને પછી માતાની ગેરહાજરીની વાસ્તવિક ક્ષણ બાકીના અર્ધા ગ્લાસ પાણી સાથે સ્વીકારાય છે. બે સમયને જોડવાની કોઈ જ વેવલી અનુભૂતિ વગરની તીવ્ર ઉત્કંઠા અને વાસ્તવિકતાનો શાબ્દિક કોલાજ કળામય બન્યો છે. વ્યંજનાનો કલાત્મક અભિનિવેશ ક્યાંક તિર્યક તો ક્યારેક લાગણીમય બની વર્તમાનમાં જીવાડે છે.
કવિને મન મહત્ત્વનું એ છે કે પોતાના એકાંત સાથે સંવાદ સાધવો, પોતાનો અવકાશ રચવો, પોતે સિદ્ધ કરેલા આકારોને ઉદ્ઘાટિત કરવા. ઊગેલી ફોડલી પર ફરતો હાથ,પગમાં પડેલું ચાઠું, તૂટેલી ચપ્પલ, ધૂંધળા ચિત્ર જેવી સામગ્રીનો કાવ્યરચના માટે ઉપયોગ કરવો એ એક વિલક્ષણ પ્રયોગ છે. સમકાલીન સમયમાં વ્યક્ત થતો આ અવાજ, ચમત્કારિક લાકડી ફેરવી પ્રકાશ રેલાવતી જ્ઞાનવાણી નથી. આ ઉચાટ,અજંપો, દ્વંદ્વ આ શબ્દો દ્વારા ભાવકદેહમાં પ્રવેશે છે અને ભાવક પોતાના ‘અનિત્ય’ને આકારિત કરે છે, એ જ આ કાવ્યકૃતિની સિદ્ધિ.
ભાષાબાનીની જુદી તરહો ઉપસાવતી આ કવિતા ભાવકની કવિતા છે. ‘ભાવક-પ્રતિભાવ’ સિદ્ધાંતમાં માનતા નીતિન મહેતા, ભાવક-અવકાશનો પૂરો આદર કરતા કવિની કવિતા ભાષા, બાની, લય, ક્રીડા દ્વારા ઝળહળાં પ્રદેશનો અનુભવ કરાવે છે. બહુ સંદર્ભોની જયારે આપણે વાત કરતાં હોઈએ ત્યારે કવિતાના આરંભમાં આવતાં અંગ્રેજી અવતરણો ઉપરછલ્લાં લાગવાને બદલે ગળાઈને આવતાં હોય એવો સ્વાભાવિક અનુભવ થાય છે. નીતિન મહેતાની કવિતા તેમના દ્વારા પામી જવાયેલાં સત્ય, તરસ અને દ્વંદ્વની કવિતા છે. કવિએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું જ છે કે છેકભૂંસ, વિકલ્પો, દ્વંદ્વ, વાસ્તવ, જીવન, મનમાં ન સમજાતા વિશ્વમાં સર્જકની આવજા ચાલ્યા કરતી હોય છે.
0
સંગ્રહનું શીર્ષક ‘અનિત્ય’ – કશું જ શાશ્વત નથી – એક બીજી રીતે પણ સૂચક બની ગયું છે એ કમનસીબ છે. પુસ્તકમાં મુદ્રણ અને નિર્માણની ઘણી ખામીઓ રહી ગઈ છે. જોડણીભૂલો, વિગતદોષ, ક્યાંક તો એક જ કૃતિનું બે વાર મુદ્રણ, એવી ઘણી જ ભૂલો રહી ગઈ છે. નીતિન મહેતાએ તો ધ્યાનપૂર્વક – નિવેદનસમેત – સંગ્રહની અંતિમ હસ્તપ્રત તૈયાર કરેલી હતી. દરમ્યાન એમનું અવસાન. ભૂલો સર્જકની ગેરહાજરીને કારણે થઈ, એવું સહજ પ્રતીત થાય. લખાયેલા શબ્દનું આયુષ્ય કદાચ અનિત્ય હોય. પણ જે સંગ્રહરૂપે લાંબા સમય સુધી જાળવવાનું હોય, તે સંગ્રહ પ્રત્યેની રહી ગયેલી બેકાળજી અનિત્યનો વધુ અનુભવ કરાવે છે. કવિ તો તૂટેલા અંગૂઠાવાળી ચંપલ પહેરી, દર વખતની જેમ પરવાનગી પણ લીધા વગર પોતાના મનની મક્કમતા સાથે ચાલી નીકળ્યા છે. આ વખતે તો ઘરે પણ પાછા નથી ફરવાના. આપણી પાસે માત્ર ‘અનિત્ય’નું વિશ્વ છે.
*
સેજલ શાહ
વિવેચક.
ગુજરાતીનાં અધ્યાપક,મહિલા કોલેજ, મુંબઈ.
મુંબઈ.
sej_5874@yahoo.com
98215 33702
*