વાચનની વાસરી અને વાચકાત્મકથન – સંજય શ્રીપાદ ભાવે

વાચણાર્યાચી રોજનિશી – સતીશ કાળસેકર

લોકવાઙમય પ્રકાશન, મુંબઈ, 2010

સતીશ કાળસેકરના ‘વાચણાર્યાચી રોજનિશી’ એવું સૂચક નામ ધરાવતા પુસ્તકમાં ડિસેમ્બર 2003થી જાન્યુઆરી 2009ના સમયગાળા દરમિયાન બે મરાઠી સામયિકોમાં દર મહિને એક લેખ મુજબ લખાયેલા સાઠ લેખો છે (વચ્ચે બે મહિનાની તૂટ છે). દરેક લેખમાં જે-તે સમયગાળાની આસપાસ લેખકના વાંચવામાં આવેલાં મરાઠી, અંગ્રેજી અને હિન્દી પુસ્તકો અને સામયિકો વિષે માહિતી, ટિપ્પણી અને ચિંતન મળે છે. અહીં એક પણ પુસ્તકનું અવલોકન નથી, પણ આવકાર અનેક પુસ્તકોનો છે. એ રીતે આ પુસ્તક લેખકના પાંચ વર્ષના વાચનની વાસરી છે.

અમૃતે પહોંચેલા સતીશ કાળસેકર સામાજિક નિસબત ધરાવતા વિદગ્ધ વાચક અને સંપાદક છે. તેમને ‘વાચણાર્યાચી રોજનિશી’ માટે 2013નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે. ‘ઇન્દ્રિયોપનિષદ’, ‘સાક્ષાત’ અને ‘વિલંબિત’ એવા મૌલિક કાવ્યસંગ્રહ અને ‘કવિતા લેનિનસાઠી’ (1977)નામે અનુવાદિત કાવ્યોનો સંગ્રહ તેમણે આપ્યા છે.

કાળસેકરના આ પુસ્તકમાં વાચન માટેનું તેમનું અસાધારણ પૅશન, કસબાની શાળાથી લઈને શરૂ થયેલું તેમનું વાચક તરીકેનું ઘડતર, તેમની વાચનપ્રક્રિયા, ઓછી આવક વચ્ચે પણ તેમણે વિકસાવેલો ગ્રંથસંગ્રહ, પુસ્તકપ્રેમી મિત્રો, સંસારી મુંબઈકર તરીકેની ઘરસંસારની વિટંબણાઓ અને વાચક તરીકેની તેમની સમસ્યાઓ – આ બધાનું સરસ વર્ણન છે. એ અર્થમાં આ પુસ્તક એક સમૃદ્ધ વાચકાત્મકથન છે.

પુસ્તકની સામગ્રીને રજૂઆતની સરળતા માટે ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એક, લગભગ તમામ પ્રકારનાં પુસ્તકો અને સામયિકો; બે, મુદ્રિત સાહિત્યને જ્યારે વાચકવર્ગ સાથેના સંબંધ સંદર્ભે મૂકવામાં આવે ત્યારે તેમાંથી રચાતી વાચન-સંસ્કૃતિ; અને ત્રણ, પ્રગતિશીલ સમતાવાદી સમાજ અને તેના ઘડતર સાથેનો વાચનનો સંબંધ. ત્રણેય વિભાગની સામગ્રી પરસ્પર પૂરક છે અથવા એકબીજામાં ભળતી રહે છે. લેખનનું એકંદર સ્વરૂપ વાચનની દુનિયામાં સ્વૈરવિહારનું છે તેથી લેખો સુગ્રથિત બનતા નથી. વળી,આવા પ્રકારના પુસ્તકમાં ખૂબ જરૂરી એવી સૂચિને અભાવે અભ્યાસીને મુશ્કેલી પડે છે.

ઉપર્યુક્ત વિભાગોમાંથી પહેલા વિભાગમાં મૂકી શકાય તેવી સામગ્રી આ મુજબ છે: સાહિત્યકૃતિઓ, સંચયો, સંપાદનોનાં નવાં-જૂનાં પુસ્તકો, અનુવાદો, સામયિકોના દિવાળી અંકો તેમ જ વિશેષાંકો, ખાસ વાંચવા જેવા લેખોના ઉલ્લેખો. બીજા, એટલે કે વાચનસંસ્કૃતિના વિભાગમાં મૂકી શકાય તે છે: પુસ્તકનિર્માણ અને પ્રકાશન, પુસ્તકભંડારો, પુસ્તકપ્રાપ્તિ, ગ્રંથાલયો, પુસ્તકસંગ્રાહકો, વિસરાતો ગ્રંથવારસો, અનુવાદપ્રવૃત્તિ, કોશ તેમ જ સૂચિકાર્ય, પુસ્તકો વિશેનાં પુસ્તકો, સંગીત અને સિનેમા. પુસ્તકની સામગ્રીનો એક સર્વસામાન્ય, સર્વસ્પર્શી ઘટક એ પ્રગતિશીલ માનવતાવાદી મૂલ્યો છે. તેની સાથે સંબંધિત સામગ્રી જે વિષયોને લગતી છે તેમાંથી કેટલાક આ ત્રીજા વિભાગમાં મૂકી શકાય. જેમ કે, લોકશાહી, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય, માનવ-અધિકાર, એકાધિકારવાદ, શોષણ, આંબેડકરવાદ, ગાંધી, સામાજિક ચળવળો,આંતરરાષ્ટ્રીય તણાવો, દલિત-સાહિત્ય, ઉપેક્ષિતોનું સાહિત્ય અને અન્ય. આખા પુસ્તકમાંથી લેખકના વાચન ઉપરાંત મહારાષ્ટ્રની ઘણી સમૃદ્ધ પ્રકાશનપ્રવૃત્તિ અને સાહિત્ય-સંસ્કૃતિની ઝલક પણ મળતી રહે છે.

બસો બાણું પાનાંની આ ‘રોજનિશી’ વાચનસામગ્રીથી છલકે છે અને તેની વાચકને મળતી છાલક બહુ પ્રફુલ્લિત કરી દેનારી છે. તેનું કારણ એ છે કે વાચનમાંથી મળેલાં આનંદ અને સમજને બીજા વાચકો સુધી પહોંચાડવાનો આશય પુસ્તકમાં સારી રીતે જળવાયો છે. લેખક વાચક સાથે લાગણીભર્યો સંબંધ બાંધે છે. તે શરૂઆતમાં જ કહે છે: आपण सर्व आहात म्हणूनच हे लेखन धडून आले. काही चांगले वाचनात आले, काही चांगले पहाता आले की ते कोणाशी तरी बोलावे आणि तो आनंद वाटून ध्यावा असे नेहमीच वाटते (7) (આપ સહુ છો એટલે જ આ લેખન થઈ શક્યું. કંઈક સારું વાંચવામાં આવે,કંઈક સારું જોવા મળે, કંઈક સારું સાંભળવા મળે એટલે એ કોઈકને કહેવું અને એ આનંદ વહેંચવો એવું હંમેશા લાગતું હોય છે.) ‘આપ’ એટલે કે વાચકને અભિપ્રેત રાખીને વ્યક્ત થયેલો આ ઉદ્દેશ શબ્દફેરે પુસ્તકમાં અનેક જગ્યાએ વાંચવા મળે છે. જેમ કે,वांगमय वृत्तच्या माध्यमातून मे गेले काही महिने आपल्याशी संवाद साधण्याचा सहेतूक प्रयत्न करतोय. वाचन माझ्या स्वत:च्या तर पावचीचलाच पुजल्यासारखे आहे. ते तुमच्यापर्यंत न्यावे. सगळेच बोलता आले नाही तरी अगदीच उत्कटतेने काही वाचनाविषयी बोलता आले नाही तरी अगदीच उत्कटतेने काही वाचनाविषयी बोलता आले तर बोलावे. तुम्हाला ते वाचायला लावावे आणि तुम्हीही मला काही माहित नसलेले सांगावे आणि आपला संवाद सुरू रहावा. (43) ‘ગયા કેટલાક મહિના ‘વાઙ્મય વૃત્ત’ [અને ‘સાપ્તાહિક સાધના’]ના માધ્યમથી હું આપની સાથે સંવાદ સાધવાનો સહેતુક પ્રયત્ન કરી રહ્યો છું. વાચન તો મારા છઠ્ઠીના લેખ છે. એ બધું તમારા સુધી લઈ જાઉં એમ મને થાય. બધું જ ન કહી શકું તોય એમાંથી કેટલુંક ઉત્કટતાથી તમારા સુધી પહોંચાડું. તમને કંઈક વાંચતા કરું, હું જાણતો ન હોઉં એવું કંઈક તમે પણ મને કહો, અને આ સંવાદ ચાલુ રહે.’

કેન્દ્રવર્તી વિચાર તો આ છે: आपणास ग्रंथांकडं वळवावे हे मी माझे मिशन मानतो.(167) ‘…આપને ગ્રંથો તરફ વાળવા એને હું મારં મિશન માનું છું.’ કાળસેકરના વાચન-અભિમુખતા-મિશનમાં વાચનસામગ્રીનો સમાવેશ ક્યારેક યાદૃચ્છિક તો ક્યારેક નૈમિત્તિક છે. તે પુસ્તક, અવતરણ, નોંધ, ભાષ્ય એવા કોઈ રૂપે હોઈ શકે છે. સર્વકાલીન વાચન તરીકે તુકારામના અભંગો, સાને ગુરુજીનાં પુસ્તકો, આંબેડકરનાં લખાણો,ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’, ફિડેલ કૅસ્ટ્રોની આત્મકથા, એ લેખોમાં ડોકાતાં રહે છે. કોલંબિયાના મોટા નવલકથાકાર ગાર્સિયા માર્ખે(ર્ક્વે)ઝની આત્મકથાનો પહેલો ભાગ ‘લિવિંગ ટુ ટેલ ધ ટેલ’ બજારમાં આવે તે નિમિત્તે કાળસેકર લગભગ આખો લેખ તેમના આ પ્રિય લેખકનેં પુસ્તકો વિશે લખે.

નોબેલ સન્માન મેળવનારા તુર્કિશ સર્જક ઓરહાન પામુકના પુરસ્કાર પ્રતિભાવ વ્યાખ્યાનના અને પોર્તુગિઝ જુઝે સારામાગુની ‘પેરિસ રિવ્યૂ’એ લીધેલી મુલાકાતના અંશો લેખક ટાંકે છે. હિંદી લેખક ઉદય પ્રકાશ, દુનિયાનું જ્ઞાન વાચનીય રીતે મરાઠીમાં લાવનાર અચ્યુત ગોડબોલે, ઉપેક્ષિત મરાઠી કવિ અરુણ કોલાટકર જેવાની વાત એક કરતાં વધુ વખત આવે છે. હિંદી સાહિત્યના પ્રેમચંદ, સાંકૃત્યાયન, ધૂમિલ જેવા પૂર્વસૂરીઓ અને અત્યારના નાગાર્જુન, શમશેર,રાજેશ જોશી મંગેશ ડબરાલને લેખકે ઠીક વાંચેલા છે. પુણે શહેરનું વર્ણન કરતું 1868ની સાલનું પુસ્તક, મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદનો 1969માં બહાર પડેલો ઇતિહાસ, ચિત્ર-સંગીત-સિનેમા-તમાશા-નૃત્ય પરનાં પુસ્તકો, ગોવા વિશ્વચરિત્ર સંશોધન કેન્દ્રે બહાર પાડેલા વ્યક્તિચિત્ર કોશનાં કુલ ચારેક હજાર પાનાંના ચાર ખંડો, મરાઠી જ્ઞાનકોશના રચયિતા શ્રીધર વ્યંકટેશ કેતકરનો લેખસંગ્રહ જેવાં પુસ્તકોની યાદી ઘણી એટલે ઘણી લાંબી થઈ શકે.

કેટલાક વાચકોને ખબર ન હોવાની સંભાવના હોય તેવી ભારતીય અને વિશ્વસાહિત્યની નીવડેલી કૃતિઓ વિશે કાળસેકરે ટાંચણો કર્યાં છે. મરાઠી અને હિન્દી સામયિકો વિશે પણ કાળસેકરે પુષ્કળ માહિતી આપી છે. ભારતમાં લઘુસામયિકો કહેતાં વિચારપત્રો અર્થાત્ ‘લિટલ મૅગેઝિન્સ’ની જે ચળવળ ચાલી તે વર્ષોમાં લેખકના વાચન-ઘડતરનો શરૂઆતનો તબક્કો હતો.

વિચારપત્રો અને સર્વસામાન્ય સામયિકો ઉપરાંત દિવાળી અંકો એ મરાઠી ભાષાના ખૂબ સમૃદ્ધ વિભાગની નોંધ કોઈપણ વાચનપ્રેમી ન લે તો જ નવાઈ. ડિસેમ્બર 2005ના લેખમાં કાળસેકર નોંધે છે કે તેમને વીસ સારા દિવાળી અંકો મળ્યા છે,જેમાં ત્રણેક હજાર પાનાંનું વાચન છે, અને બીજા એટલા અંકોની એમને પ્રતીક્ષા છે. દરેક વર્ષના લેખોમાં ઓછામાં ઓછા બે લેખો એવા હોય છે કે જેમાં કાળસેકરે દિવાળી અંકની નીવડેલી વાચનસામગ્રી તરફ આંગળી ચીંધી હોય. અલબત્ત દિવાળી અંક એક ‘ઉદ્યોગના સ્તરે’ પહોંચેલી પ્રવૃત્તિ છે એમ નોંધીને તેમાં થતા ‘ભરતાડ’ એટલે કે ઊતરતી કક્ષાના લેખન વિશે એ બેખબર નથી.

આ લખનારને મન ‘રોજનિશી’માં આવતો સહુથી રસપ્રદ અને ગુજરાતી માટે નોખો વિષય છે તે ‘પુસ્તકો વિશેનાં પુસ્તકો’. પુસ્તકને અંતે લેખક આવાં છવ્વીસ મરાઠી (અત્યારે તેમાં બીજાં દસ ઉમેરી શકાય) અને છેંતાળીસ અંગ્રેજી પુસ્તકોની યાદી આપે છે. તેના પહેલાંની એક નોંધમાં તે કહે છે: ‘મારું આ પુસ્તક ‘પુસ્તકો વિશેનાં પુસ્તકો’ પ્રકારમાં મૂકી શકાય તેવું છે… પુસ્તકો અને તેમનું વાચન એવા વિષયને કેન્દ્રમાં રાખીને લેખક,પ્રકાશક, પુસ્તક વેચનારા અને કેવળ વાચકોએ આત્મકથાઓ લખી છે અને આ વિષયની ગૂંથણીથી નવલકથાઓ સુધ્ધાં લખાઈ છે. માત્ર પુસ્તકો વિશેનાં પુસ્તકો વેચનારી અને પ્રકાશિત કરનારી ઓક નોલ બુક્સ સંસ્થા પણ છે.’

લેખકે પુસ્તકમાં જે બુક્સ ઓન બુક્સની વાત કરી છે તેમાં સહુથી અનોખું છે ‘હાઉસ ઓફ પેપર’(2004).સ્પૅનિશ લેખક કાર્લોસ મારિઆ ડોમિન્ગે (Carlos Maria Dominguez)ની આ ‘ગ્રંથોના ક્ષેત્રની રહસ્યકથા’. ગ્રંથો પાછળ ગાંડો એવો તેનો નાયક ઉરુગ્વેના દરિયા કિનારે જે ઘર બનાવે છે તેનો આલેખ આ પુસ્તકમાં છે. વિશિષ્ટ રેખાંકનો સાથેનાં સો પાનાંની આ લઘુનવલના ગદ્યનો અને તેના નાયક કર્લોસ બાવરના માનસનો નિર્દેશ પણ કાળસેકરે કર્યો છે.

લેખકે નોંધેલું બીજું એક પુસ્તક તે આર્જેન્ટિનાના લેખક આર્તુરો પેરેઝ-રિવેસ્તે (Arturo Perez-Reverte)નું The Club Dumas (1993). લેખક કહે છે: ‘રહસ્યકથાને મળતી આવતી આ નવલકથાને સલામ કરવા માટે મને ‘અફલાતૂન’એવો એક જ શબ્દ સૂઝે છે. ગ્રંથસંગ્રહ, તે અંગેની ઝીણીઝીણી બાબતો, સૂક્ષ્મતાઓ અને જેને અદ્ભુતના વર્ગમાં મૂકી શકાય તેવી ગ્રંથસંગ્રાહકોની આખી દુનિયા અહીં વિગતવાર આલેખાઈ છે. આ કથા વાંચવાની શરૂ કરો એટલે બાજુ પર રાખી જ શકાય નહીં. Ceniza Bros. Bookbinding and Restoration એ આ પુસ્તકનું એક ખાસ પ્રકરણ છે. આપણા મગજને ચકરાવે ચઢાવે તેવાં, પુસ્તક-બાંધણીનાં વિલક્ષણ કૌશલ્યો અને એમાંની ખાનદાની વ્યવસાય-કુશળતા.

મરાઠીમાં થયેલા આ વર્ગના લેખન વિશે કાળસેકર ન લખે તો જ નવાઈ. જાણીતા પત્રકાર અને દલિત લેખક ઉત્તમ કાંબળેની આત્મકથા ‘વાટ તુડવતાના’ પર લેખક વારી ગયા છે. એને લેખક ‘વાંચનારી આત્મકથા’ કહીને તેની અર્પણનોંધ આખી વાચકો સમક્ષ મૂકે છે: ‘હું રાહ ખૂંદતો નીકળ્યો છું… આ રસ્તે મને ક્યારેક મા-બાપ રૂપે તો ક્યારેક શિક્ષક તો ક્યારેક મિત્ર તો ક્યારેક તત્ત્વવેત્તાઓના રૂપે મળેલા અસંખ્ય ગ્રંથોને હું આ નાનકડો ગ્રંથ અર્પણ કરું છું… ગ્રંથો માણસોને ઘડે છે એવા પાક્કા વિશ્વાસ સાથે’.

અનુવાદ એ પુસ્તકમાં વારંવાર આવતી બાબત છે. સ્પૅનિશ કવિ સેઝાર બાય્યેહો (Cesar Vallejo)ની સમગ્ર કવિતાના અંગ્રેજી અનુવાદક ક્લેટન એશલમેન (Clayton Eshleman)એ પુસ્તકમાં લખેલી વીસ પાનાંની પ્રસ્તાવનાની બાબતે એ લખે છે: ‘અનુવાદકે એના અનુવાદ-પ્રવાસનો આખો નકશો જ તમારી સામે ખોલી આપ્યો છે. તેમાંના અવરોધો,અકસ્માત અને તેની પર મહાત કરીને અનુવાદની કાચી પ્રતમાં સત્તર-સત્તર વખત કરેલાં પરિષ્કરણો આ બધું ધ્રુજાવી દેનારું છે. અનુવાદ વિષયમાં લેખકે આપેલી સહુથી ઉત્તેજનાત્મક અને વિરલ માહિતી એટલે ડો. નારાયણ રણસુભેનો ‘અનુવાદ, વર્ણવ્યવસ્થા આણિ મી’ નામનો ગ્રંથ. મરાઠી-હિન્દી અનુવાદક રણસુભેનું આ પુસ્તક ‘અનુવાદકના આત્મચરિત્ર જેવું છે’.

પુસ્તકનિર્માણ, પ્રકાશન, વેચાણ, સુલભતા જેવી બાબતોને આવરી લેતા એકંદર ગ્રંથવ્યવહારની ચર્ચા કાળસેકર વારંવાર કરે છે. એમાં કેટલાંક મહત્ત્વનાં નિરીક્ષણો આપે છે. જેમ કે, ‘આજ સુધીનો મોટા ભાગનો પ્રકાશનવ્યવહાર ગ્રંથપ્રકાશન તરફ સામાજિક જવાબદારી તરીકે જોતો આવ્યો છે’, પણ હવે તેમાં સમયની માંગ પ્રમાણે ‘વ્યાવસાયિકતા પ્રવેશી છે’. જો કે ‘પુસ્તકોનાં પ્રકાશનની ઝડપ અને દરજ્જો’ બંને સતત જાળવી રાખનારા પદ્મગંધા પ્રકાશનના અરુણ જાખડેની પ્રશંસા કરવાનું પણ કાળસેકર ચૂકતા નથી.

લોકવાઙ્મય પ્રકાશનગૃહના સંપાદક-પરામર્શક કાળસેકર લખે છે: ‘લેખક, પ્રકાશક, વિતરક, વાચક અને ફરીથી લેખક એવી સાંકળના અંકોડા એકબીજા થકી આગળ વધતા હોય છે અને તેમાંથી સમાજમાં ગ્રંથવ્યવહાર કાર્યરત થતો હોય છે. એમાંનો એક અંકોડો બીજા પર આક્રમણ કરે તો સંતુલન બગડી જાય છે.’ લેખક બીજો મુદ્દો છેડે છે તે સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા પણ ગ્રંથસ્થ ન થવાને કારણે લગભગ ખોવાઈ જતા લેખો. દિલીપ ચિત્રે અને અશોક શહાણેના લેખોના દાખલા આપીને કાળસેકર પૂછે છે: ‘આમાં દોષ કોનો – પ્રકાશકોએ તત્પરતા ન બતાવી એનો, લખીને પછી એને પુસ્તક તરીકે લાવવામાં ઉદાસીનતા દાખવનાર લેખકનો કે પછી વાચકોએ માગણી ન કરી એનો…?’

પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર 2004ના વર્ષની શરૂઆતમાં નાતજાતના હીન રાજકારણના કારણોસર હુમલો થયો હતો. તેના થોડાક સમય પછી લેખકના હિન્દી કવિમિત્ર અરૂણ કમલ પ્રાચ્યવિદ્યાવિદ્ રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરના સમગ્ર લેખનના 1933માં બહાર પડેલા બે ખંડો લેવા માટે સંસ્થામાં ગયા અને એમને એ ન મળ્યા. એટલે એમણે કાળસેકરને લખ્યું: ‘ભાંડારકર સંસ્થામાંથી આવા ગ્રંથો ન મળવા એ સંસ્થા પર થયેલા કોઈપણ ભૌતિક આક્રમણ કરતાં વધારે હિંસક છે.’ આગળ તે ન્યાયમૂર્તિ રાનડેના લખાણોનો સાહિત્ય અકાદમીએ બહાર પાડેલો સંચય કેવી ધૂળ ખાતો રહ્યો એની વાત કરે છે. પછી એ લખે છે: ‘સરકારી પ્રકાશનો, યુનિવર્સિટીઓનાં પ્રકાશનો, નૅશનલ બુક ટ્રસ્ટ, એન.સી.ઈ.આર.ટી.નાં પુસ્તકો નોંધપાત્ર છે પણ એમના વિતરણમાં ઉત્સાહ નથી, વ્યાવસાયિક દૃષ્ટિ નથી,પુસ્તકવિક્રેતાઓને મદદ કરવાની વૃત્તિ નથી. મારા પુસ્તકપ્રેમને ખાતર મેં આવી અનેક ધૂળભરી જગ્યાઓ જોઈ છે.’

પ્રકાશનવ્યવસાયનાં મહત્વનાં અંગો એટલે કે પુસ્તકનું મુદ્રણ અને નિર્માણ લેખકની નજર બહાર નથી. સો વર્ષથી વધુ સમય પહેલાં બહાર પડેલાં બે ઘણાં સુઘડ ટકાઉ પુસ્તકોનાં સહેજ વિગતવાર વર્ણન લેખક આપે છે. પછી તે પુસ્તકનિર્માણની આજની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરે છે. તેમાં પોતાના પ્રકાશનગૃહનાં પુસ્તકોને પણ ‘શુદ્ધિપત્રક’નું થીગડું લગાડવું પડતું હોય છે એ કબૂલે છે. તે માને છે કે ‘શુદ્ધિપત્રક ખરેખર તો પુસ્તકની શરૂઆતમાં જ મૂકવું જોઈએ, એમાં શરમાવું જોઈએ નહીં’. પાદટીપોને પ્રકરણ કે પુસ્તકને અંતે આપવાને બદલે દરેક પાનાંને અંતે આપવી એ કેમ વધુ ઇચ્છનીય છે એ પણ લેખક સમજાવે છે. સંપાદકની સભાનતા અને જવાબદારીના તેમ જ અને લેખકના સારા સંપાદનકાર્ય તરફના નમ્ર ભાવના મુદ્દાને પણ લેખક સ્પર્શે છે.

સામાજિક નિસબત ધરાવતું સાહિત્ય વાચકોની સામે મૂકવું અથવા સાહિત્યકારનો સમાજ સાથેનો સંબંધ ઉઘાડી આપવો એ ‘રોજનિશી’નું એક બહુ જ નોંધપાત્ર પાસું છે. અગ્રણી બૌદ્ધિક નોમ ચોમ્સ્કી,તેમ જ પ્રતિબદ્ધ સાહિત્યકારો મહાશ્વેતાદેવી અને અરુંધતી રોયનાં,એકંદર પ્રગતિશીલ માનવતાવાદી વિચારો અંગેનાં, રૅડિકલ ઝૂકાવવાળાં, વ્યાખ્યાનોના અંશો લેખકના ભાષ્ય સાથે વાંચવા મળે છે.

ઉર્મિલા પવારની આત્મકથા ‘આયદાન’ નિમિત્તે આત્મકથનો લખનાર અનેક દલિત લેખકોનો ઉલ્લેખ આવે છે.

જૂન2006ના લેખમાં કાળસેકર મુંબઈની મીઠી નદી અને ગુજરાતની નર્મદા નદીને લગતી સમસ્યાઓ વિશે લખે છે. એમને મતે નર્મદા યોજના માટેના ‘નરેન્દ્ર મોદીના ઉપવાસ શુદ્ધ બકવાસ છે. આ માણસને પાણી માટે રઝળપાટ કરતી ગુજરાતની જનતા સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.’ આ ટીકાનો સંદર્ભ છે અભિનેતાઓ અતુલ કુલકર્ણી, રાહુલ બોઝ અને આમીર ખાને ‘મોદીના દાંભિક ઉપવાસ’નો કરેલો વિરોધ તેમ જ એ અંગે અતુલ કુલકર્ણીએ ‘લોકસત્તા’ અખબારમાં લખેલો પત્ર.

 ‘રોજનિશી’માંથી કેટલીક નોખી માહિતી મળે છે. જેમ કે, લેખક એક એવા પીઢ અભ્યાસી વાચકને જાણે છે કે જે પુસ્તક ખરીદ્યા પછી તેનાં બધાં પાનાં છૂટાં પાડતા, દરેક પાના સામે એક કોરો કાગળ નોંધો કરવા માટે જોડતા અને પછી પુસ્તક ફરીથી બંધાવતા. ‘પુરુષસ્પંદન’ના દિવાળી અંકમાં એક લેખ છે ‘ગાળોમાંની પુરુષપ્રધાનતા’. કિન્નરો વિશે દામોદર પ્રભુએ ચાળીસેક વર્ષ પહેલાં કવિતા લખી હોવાનું કાળસેકરને સાંભરે છે. જયરામ પથવે નામના એક પુસ્તકપ્રેમી પટાવાળાએ લખેલા લેખનો અંશ લેખક ટાંકે છે: નોકરીમાં જોડાયે સત્તર વર્ષ થયાં. મારા શરીર પર સારાં કપડાં નહીં દેખાય, પણ હાથમાં નવું પુસ્તક હોય જ. નજીવા પગારવાળા મારા જેવા પટાવાળાના સંગ્રહમાં પચાસ હજાર રૂપિયાનાં પુસ્તકો છે… સમાજકાર્યમાં સામેલગીરી, સમાજસુધારા માટે વાચનસંસ્કૃતિનું જતન થાય એ માટે શાળા, કોલેજો, છાત્રાલયોનાં બાળકોને,બીજા સમાજના લોકોને હું વિનામૂલ્યે સેવા આપું છું.’

આવી માહિતીમાં લેખકની વ્યક્તિગત વાતો પણ ભળે છે. જેમ કે લેખક એક જમાનામાં રસ્તા પર ચાલતાં ચાલતાં પણ પુસ્તક વાંચતા. ‘વાંચવાનું ન થાય તો તેની અસર સીધી લોહીનું દબાણ વધવામાં દેખાય છે.’ અન્યત્ર એ કહે છે: ‘દા’ડો થયે હું કંઈક તો વાંચતો હોઉં જ છું. એક વાર હોસ્પિટલના અતિદક્ષતા વિભાગ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં રાજન ગવસની નવી નવલકથા વાંચતો હતો ત્યારે નર્સે મને ખખડાવ્યો હતો.’

કાળસેકરનું વધુ આત્મલક્ષી ગંભીર ચંતિન પણ જોવા મળે છે. પહેલા જ લેખમાં એ કહે છે: ‘હવે જિંદગીનો ઢોળાવ શરૂ થયો છે, અને જિંદગી તો એકમાત્ર. ખરેખર તો એમ થાય છે કે ગ્રંથોના વાચન માટે આપણને અનેક પુનર્જન્મ મળવા જોઈએ, મુક્તિ તો આપણે જોઈતી જ નથી.’

લેખક એક સાથે ત્રણ-ચાર પ્રકારનાં પુસ્તકો સાથે કામ પાડતા હોય છે, જેમાં મરાઠીનાં વધુ અને બીજી ભાષાનાં ઓછાં હોય છે. તેમાંય વાર્તાઓ અપવાદે જ આવે છે. નવલકથા, કવિતા હોય છે,અધિકતર આત્મકથાઓ. પ્રવાસ, પ્રકૃતિ, સામાજિક વિજ્ઞાન,તત્ત્વજ્ઞાન. ફિલ્મ મહોત્સવોમાં જોયેલી વિશ્વની ઉત્તમ ફિલ્મોની વાત પણ બે લેખોમાં છે. તે કહે છે: ‘મારા માટે ગ્રંથો સહુથી વધુ નિકટના છે. પણ છતાં સંગીત, સિનેમા અને ચિત્રકલાની સામે હું હંમેશા આસ્થા અને આદરથી ઊભો રહું છું.’

અંગ્રેજી સાથે મથામણ કરીને વિશ્વસાહિત્ય માણતા થનાર કાળસેકરના વાચનનો એક નમૂનારૂપ આલેખ આ ફકરામાં મળે છે: ‘મિલાન કુંદેરાનું ‘ટેસ્ટામેન્ટ્સ બિટ્રેડ’ વાંચવા માટે લેવું, એ વાંચતાં વાંચતાં એમે સેઝારની ‘રિટર્ન ટુ માય નેટિવ લૅન્ડ’ હાથમાં લેવી, ત્યાંથી એડવર્ડ સઈદના ‘ઓરિએન્ટાલિમ’ તરફ વળવું, મૅક્સિમ ગોર્કીની ‘મધર’ અને પોલ રોબ્સનની આત્મકથા વાંચતાં વાંચતાં આડાઊભા સંદર્ભો માટે ‘ક્રોસિંગ ધ ડેન્જર વોટર’ એ મહાગ્રંથમાં પેસવું. એમાંથી આગળ વધતાં વધતાં પાબ્લો નેરુદાનો ચોક્કસ સંદર્ભ મળે તે માટે એની કવિતાઓ તરફ વળવું, તેનાં હજારેક પાનાંમાંથી ‘કૅન્ટો જનરલ’ના બરાબર જે જોઈએ તે પાના પર,તે પંક્તિ પર જવાનું થાય. પછી કૅન્ટો જનરલની પ્રદીર્ઘ પ્રસ્તાવના વાંચવામાં સમય આનંદમાં વીતે. આવા ચારેકોર ફેલાયેલા વાચનનો આનંદ તો અદ્ભુત જ હોય. ગ્રંથો હૈયે, હાથે, છાજલીએ, કબાટમાં ખુશીથી એકબીજામાં ખોવાયેલાં હોય છે. પણ બરાબર જોઈએ એ પળે કેવા પાછાં મળી જાય છે…!’

જો કે કાળસેકર માટે વાચન એ સુખસગવડે થયું નથી. બહુ જ સાધારણ આર્થિક પરિસ્થિતિ, મુંબઈમાં બેંકની સામાન્ય નોકરી, પૈસાની ખેંચ વચ્ચે તે પુસ્તકો વસાવતા રહ્યા છે. પુસ્તકો માટે ઘર નાનું પડતું રહ્યું. એટલે એમણે બીજું ઘર લીધું તે મુંબઈથી ત્રણેક કલાકના અંતરે આવેલા આંબેઘર નામના આદિવાસી પાડામાં. ત્યાં વીજળી અને પાણીની મુશ્કેલી. ‘બિલકુલ ડુંગરમાં’ આવેલા આ ઘરમાં અને મુંબઈના ઘરમાં હજારો પુસ્તકો-સામયિકો-કતરણોને સમાવવાની મુશ્કેલીઓનો એ અરધી સદીથી વધુ સમય સામનો કરતા આવ્યા છે. ‘ગ્રંથ નજરમાં ન હોય ત્યાં સુધી ઊંઘ આવતી નથી.’ પોતે આંબેઘરમાં તો પુસ્તક મુંબઈમાં હોય, અને આના કરતાં ઊલટું પણ હોય તેવી ખેંચતાણ થતી રહી છે. આ બધાં વિશે તેમણે બહુ જ વાચનીય રીતે લખ્યું છે.

કાળસેકરે વાંચવા માટે અને વસાવવા માટે પુસ્તકો કેવી રીતે મેળવ્યાં તે રસપ્રદ છે. ‘એ જમાનામાં સ્ટ્રૅન્ડ બુક સ્ટોલની ઓસરીમાં આદરણીય શાનબાગનો દિલાસો આપનારો હાથ ખભે રહેતો. ન્યૂ એન્ડ સેકન્ડ હૅન્ડ બુક સ્ટોલનાં પુસ્તકોથી ઢંકાયેલી દીવાલોમાંથી શ્રી માનકામેની નજર કંઈક સૂચવતી રહેતી. પુસ્તકઘેલા પુસ્તકવિક્રેતાઓ એમના વ્યવસાયમાં અમારી સાથે હતા. ફૂટપાથ પર પોતાના ઘરસંસારનાં પાથરણાં પાથરીને ભરીભરીને ગ્રંથો આપનારા રામ અને શ્યામ જેવા પુસ્તકોના આશિકો હતા.’

વાચનની અસરની વાત કાળસેકર અનેક વખત કરે છે. એક લેખમાં કહે છે: ‘આપણે જ્યારે વાચનના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે સમય પસાર ન થતો હોવાથી કરેલા વાચન વિશે વાત કરતા નથી. વાચન આપણા માટે ફુરસદની પળોનો વેપાર નથી. વાચન માટે આપણે આપણને મળેલી એક અને માત્ર એક જ જિંદગીનો અમૂલ્ય સમય આપતા હોઈએ છીએ. કદાચ તો આપણે વાંચીએ તેમાંનો મોટા ભાગનો સમય આપણે આપણા મનને ત્રાસ જ આપતા હોઈએ છીએ. આપણે જે પુસ્તકો વાંચતા હોઈએ તેના પ્રકાશમાં પોતાની જિંદગીને તપાસતા હોઈએ છીએ. અને પુસ્તક થતી જિંદગીની થતી આવી તપાસમાં આપણે ભાગે આવે છે એ વિવિધ અનુભવોની ક્ષણો. આશા, નિરાશા, ઉમેદ ઉત્સાહ અને ખિન્નતા પણ.’

અલબત્ત, ‘વાચણાર્યાચી રોજનિશી’ પુસ્તક ખિન્નતાનો નહીં બલ્કે ખુશીનો અનુભવ કરાવે છે. પુસ્તકોની દુનિયાની મિરાત વાચકને બતાવીને આપણને વધુ સભાન વાચક બનાવે છે. દરેક ભાષામાં સામાજિક સભાનતા ધરાવનારા આવા રસિક અને પ્રબુદ્ધ વાચકો હોય છે.

*

સંજય શ્રીપાદ ભાવે

અનુવાદક, નિબંધલેખક.

અંગ્રેજીના અધ્યાપક,અમદાવાદ.

અમદાવાદ.

sanjaysbhave@yahoo.com

98797 31551

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.