મૃત્યુશાસ્ત્રવિનોદ – પ્રવીણસિંહ ચાવડા

Nothing to be Frightened of – Julian Barnes
Vintage Books, London, 2008

જુલિઅન બાર્ન્સ મુખ્યત્વે નવલકથાકાર અને વાર્તાકાર તરીકે જાણીતા છે. તે ઉપરાંત એમણે નિબંધ અને ચિંતનાત્મક ગદ્યનાં પણ એક કરતાં વધારે પુસ્તકો આપ્યાં છે. એમની નવલકથા ‘The Sense of an Ending’ને 2011નું મેનબૂકરપ્રાઇઝ મળ્યું; તે અગાઉ અન્ય ત્રણ નવલકથાઓ – Flaubert’s Parrot (1984), England, England (1998) તથાArthar and George (2005) આ પારિતોષિક માટે શોર્ટલિસ્ટ થઈ હતી. Cross Channel, Lamon Table અને Pulse એમના જાણીતા વાર્તાસંગ્રહો છે.

પુસ્તકનો વિષય છે મૃત્યુ. વધારે ચોકસાઈથી કહેવામાં આવે તો મૃત્યુનો ભય (Thanatophobia). એ નિમિત્તે ધર્મ, ઈશ્વરનું અસ્તિત્વ અને આત્માનું અમરત્વ જેવા આનુષંગિક વિષયો પણ અનિવાર્યપણે આવે છે. આ સંદર્ભમાં પુસ્તકના શીર્ષકને તપાસવું રસપ્રદ બનશે. સામાન્ય રીતે કહેવાય છે કે એનો (મૃત્યુનો) ભય રાખવાની જરૂર નથી (There’s nothing to be frightened of). આ જ વાક્યને,એક શબ્દ પર ભાર મૂકીને ફરીથી બોલવામાં આવે (There’s NOTHING to be frightened of) તો અર્થ ઉલટાઈ જાય છે. મનુષ્યને ભય લાગે છે NOTHINGનો, મૃત્યુ પછી અનંત સુધી વિસ્તરતા શૂન્યનો.

પુસ્તક લખાયું લેખકની ઉત્તરાવસ્થામાં, પરંતુ તેનું આયોજન વીસેક વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું. મૃત્યુના ભીષણ સ્વરૂપની પ્રતીતિ તો નાનપણમાં, તેર-ચૌદની વયે થઈ હતી. પરિણામે વૃદ્ધાવસ્થા, માંદગી અને મૃત્યુ એમની વાર્તાઓ, નવલકથાઓમાં વારંવાર આવે છે. Lamon Table વાર્તાસંગ્રહના નામનો જ અર્થ થાય છે મૃત્યુ: ચીનમાં લીંબુ એ મૃત્યુનું પ્રતીક ગણાય છે. The Sense of an Ending લેખકના કિશોરવસ્થાના એક મિત્રના જીવન પર આધારિત છે. શાળાના દિવસોને યાદ કરતાં લેખકે એલેક્સ બ્રિલિઅન્ટ (Alex Brilliant) નામના સહાધ્યાયીનો ઉલ્લેખ કર્યો છે. વર્ગમાં એ બધાંથી જુદો હતો. સાહિત્ય, કલા, ધર્મ, મૃત્યુ – આ એનું ભાવવિશ્વ. સોળ વર્ષની વયે કવિતા લખે, વિટગનસ્ટેઇન (Wittgenstein) વાંચે. નીચી (Nietzsche)એ ઈશ્વરના મૃત્યુની ઘોષણા કરી (God is dead) તે સમાચાર આપણા લેખક સુધી પહોંચાડનાર આ છોકરો. નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો;સ્કોલરશિપ મળી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ગયો તે પછી બે મિત્રો વચ્ચે સંપર્ક રહ્યો નહીં, પરંતુ એનું ભાવિ ઊજળું હતું તે વિશે શંકા હતી નહીં. લેખકને છેક પચાસ વર્ષની ઉંમરે કોઈની મારફત જાણવા મળ્યું કે એલેક્સ બ્રિલિઅન્ટે તો વીસેક વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી; કારણ પ્રેમસંબંધમાં વૈફલ્ય.

નવલકથામાં આ મિત્રની કથા સહેજ જુદા દૃષ્ટિબિંદુથી કહેવામાં આવી છે.

ચિંતન, કુટુંબકથા, સ્મરણકથા (memoir) – આ પુસ્તકોને કોઈ એક ખાનામાં મૂકી શકાય તેમ નથી. (પ્રકાશકે એનું વર્ગીકરણ Biography તરીકે કેમ કર્યું હશે તે સમજાતું નથી; જીવનચરિત્ર તો એ છે જ નહીં) લેખક પોતે સ્પષ્ટતા કરે છે, આ મારી આત્મકથા નથી (This is not my autobiography), પરંતુ મર્યાદિત અર્થમાં એ આત્મકથા પણ છે : સમગ્ર જીવનનો અહેવાલ નહીં પરંતુ ચેતનામાં સતત વહેતા એક પ્રવાહની કથા.

સંદર્ભ બદલાયો છે, પરિભાષા જુદી છે, પણ આ છે ઉપનિષદ, પશ્ચિમના આધુનિક મનુષ્ય દ્વારા લખાયેલું મૃત્યુનું ઉપનિષદ. પોતાને એક અજ્ઞેયવાદી (agnostic) તરીકે ઓળખાવે છે. ધર્મ એને માટે એક રૂપકડું જૂઠાણું (a beautiful lie) ઈશુની જીવનકથાની સરખામણી એ હોલીવુડની ફોર્મ્યુલા ફિલ્મો સાથે કરે છે. (a tragedy with a happy ending). સંશયાત્મા પાસે પ્રશ્નો છે, ઉત્તરો નથી, પરંતુ એની મથામણ ચાલ્યા કરે છે.

આ નિર્ભ્રાન્ત નચિકેતા કયા યમરાજના દ્વારે જઈને ઊભો રહે?

*

‘I don’t believe in God, but I miss him’ (હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ મને એની ખોટ સાલે છે) : આ શબ્દો સાથે પુસ્તકનો આરંભ થાય છે. પોતાના આ વિધાન વિશે એ મોટા ભાઈનો અભિપ્રાય માગે છે, તો મોટો એક જ શબ્દમાં એનો છેદ ઉડાડી દે છે : ‘soppy.’ (વેવલું.) મોટો તો વ્યવસાયે જ ફિલસૂફ છે; ઓક્સફર્ડ અને જીનિવામાં તત્ત્વજ્ઞાનનો અધ્યાપક રહી ચૂક્યો છે. નાનો ભાઈ નવલકથાકાર–વાર્તાકાર, મોટો ફિલસૂફ : સામસામા છેડા જેવા. પરિણામે કોઈ તાત્ત્વિક મુદ્દા પર સંમતિ સધાતી નથી અને આખા પુસ્તકમાં બેની વચ્ચે વિવાદ ચાલ્યા કરે છે. શાસ્ત્રાર્થ કહો, ઝઘડો કહો; એનું એક માનવીય પાસું પણ છે. ફિલસૂફ વયમાં ત્રણ-ચાર વર્ષ મોટો,તેથી નાનાને દબાવી દેવાનો, ચૂપ કરી દેવાનો અધિકાર પણ ધરાવે છે; નાનો ચૂપ નથી થતો તે જુદી વાત થઈ.

આ છે લોહીનો સંબંધ.

મોટા ભાઈ પછી તરત કુટુંબનાં અન્ય બે પાત્રો, માતામહ અને માતામહીનો પ્રવેશ થાય છે. અને પ્રથમ એક જ પાનામાંથી વાચકને આટલી માહિતી મળે છે : દાદીમા લગ્ન પહેલાં શ્રોપશરની એક નિશાળમાં ભણાવતાં હતાં. દાદાજી વ્યવસાયે શિક્ષક પરંતુ મગજ મિકેનિકનું; શિક્ષણ કરતાં પણ કદાચ વધારે રસ યંત્રોમાં. એ જમાનામાં મોટરસાઇકલની નવાઈ; શોખીન શિક્ષક સાઇડકારવાળી મોટરસાઇકલ દોડાવે. કાળક્રમે મોટરકાર આવી. લેખક જે તે મોડેલનાં નામ પણ આપે છે. પ્રથમ હતી લેન્કેસ્ટર, નિવૃત્તિ પછી સ્પોર્ટ્સ કાર, ટ્રાયમ્ફ રોડસ્ટર! લખનારનો જીવ છે વાર્તાકારનો. ‘કાર’ – એટલું કહેવાથી ન ચાલે. વિગતો આપવી પડે. આ રીતે, કોઈ પણ પાત્ર કે પ્રસંગમાં લેખક ઝીણીઝીણી વિગતો આપે છે.

કવિતાને કોઈએ વિગતોની દેવી કહી છે (Poetry is a Godess of detail.)!

નિવૃત્તિ પછી દાદાદાદી પુત્રીના ઘેર રહેવા આવી ગયાં હતાં; પરિણામે લેખકના બાળપણના કૅન્વાસમાં એ બે વૃદ્ધો ઠીક ઠીક જગ્યા રોકે છે. વૃદ્ધાવસ્થા, માંદગી, મૃત્યુ – રાજમહેલની સાંકડી અને સુરક્ષિત દુનિયા છોડીને રાજકુમાર સિદ્ધાર્થ બહાર નીકળ્યા અને જોવા મળ્યું તે સઘળું બાળકને ઘેરબેઠે મળ્યું. આંગળામાંથી વીંટી કાઢવી હોય તો દાદીને સાબુનો ઉપયોગ કરવો પડતો : કારણ અવસ્થા. વેઢા ફૂલીને જરઠ બની ગયા હતા; તેમને સાબુના ફીણથી ફોસલાવવાં પડે. પગના સાંધાનો દુખાવો રહેતો. તેથી બંનેને નિયમિત રીતે પાદચિકિત્સક (Chiropodist)ની મુલાકાત લેવી પડી. દાંતનો વારો આવ્યો; એ કામ સરળ હતું. એ જમાનામાં દંતચિકિત્સકો જાદુગર જેવા હતા. ડોસા કે ડોસીને દાંતની સમસ્યા શરૂ થાય તો એક જ બેઠકે બધા દાંત ખેંચી કાઢી બખોલમાં નવીનકોર બત્રીસી ગોઠવી દેતા.

રાત્રે, સૂવાના ઓરડામાં પલંગ પાસેના ટેબલ ઉપર પાણીનો ગ્લાસ અને એમાં દાંતનું ચોકઠું : આ દૃશ્ય બે દોહિત્રોને કેવું લાગતું? લેખકે શબ્દ પ્રયોજ્યો છે, Ribald (અશ્લીલ, બિભત્સ).

પ્રથમ ફકરામાં ઈશ્વરના અસ્તિત્વ વિશે ટૂંકો સંવાદ અને પછી તરત જ દાદા-દાદીની વૃદ્ધાવસ્થા, પગનો દુખાવો, દાંતનું ચોકઠું : ના, વિષયાંતર નથી થયું. લેખકને વાત કરવી છે મૃત્યુની, પણ તે એક અમૂર્ત વિચાર તરીકે નહીં, ઠોસ હકીકત તરીકે. સ્વજનની માંદગી, પછી મૃત્યુ, જેને પોતે પ્રત્યક્ષ જોયું છે, તીવ્રતાથી અનુભવ કર્યો છે.

દાદા-દાદી પછી વારો આવ્યો પિતા અને માતાનો.

*

પૂર્વજોનો બીજો પણ એક વર્ગ છે – લેખકો, કવિઓ, સંગીતકારો, ફિલસૂફો – જેમને લેખક પોતાના ખરેખરા પૂર્વજો ગણાવે છે (They are my true bloodline). આ યાદી ઘણી મોટી છે – સોક્રેટિસ, પ્લેટો, વોલ્ટેર, મોન્ટેઈન, જુલે રેનાં, ફલોબે, એમિલ ઝોલા,તુર્ગનેવ, વિટ્ગનસ્ટેઇન, સમરસેટ મોમ, ફિલિપ લાકિર્ન… લેખક ક્યાંક કોઈનું વિધાન ટાંકે છે, ક્યાંક નાનકડો પ્રસંગ (anecdote) મૂકે છે. થોડી ગંભીરતા, થોડી રમૂજ, કોઈ કોઈ કિસ્સામાં રમૂજ માત્ર શબ્દચાતુર્ય બની રહે કે વિતંડાવેડામાં સરી પડે ત્યારે વાંચનારને કઠે, પરંતુ એકંદરે એનાથી વૈવિધ્ય આવે છે અને રસ જળવાઈ રહે છે.

1920ના અરસામાં ફિનલૅન્ડના શહેર હેલસિન્કીમાં કોફીહાઉસ જેવી એક વિશિષ્ટ પ્રકારની મંડળી (club) અસ્તિત્વમાં આવી હતી : કેટલાક લેખકો, કવિઓ, ચિત્રકારો અને વકીલો એના સભ્યો. એક રેસ્ટોરાંમાં નિયમિત રીતે મળે. એ અવૈધિક સંસ્થાને નામ આપવામાં આવ્યું હતું. ‘લેમન ટેબલ’ (Lamon Table) ઉપર સ્પષ્ટતા કરી તે પ્રમાણે લીંબુ એ મૃત્યુનું પ્રતીક છે. કોફીહાઉસ અને લેમન ટેબલમાં ફેર એટલો કે અહીં ભેગા મળતા ધીમંતો માટે ચર્ચાનો વિષય એક જ : મૃત્યુ.

કાવ્યશાસ્ત્રવિનોદ નહીં પરંતુ મૃત્યુશાસ્ત્રવિનોદ.

એના થોડા દસકા પહેલાં પેરિસમાં પણ નિરીશ્વરવાદીઓ અને અજ્ઞેયવાદીઓની આવી જ મંડળી કાર્યરત હતી, જેના સભ્યો હતા ફલોબે, ઝોલા અને તુર્ગનેવ જેવા મહારથીઓ. સંસ્થાનો મુદ્રાલેખ આપતા હોય એમ ફલોબે કહે છે : હતાશા એ અમારો ધર્મ (religion of despair). એ ધર્મમાં પણ દર્શનનો મહિમા હતો, જેને નામ અપાયું હતું pit-gazing. પગ આગળ શૂન્યની ભીષણ ખાઈ છે. એને મીટ માંડીને જોયા કરવી, એના વિવિધ આયામોનું ચિંતન કરવું, સ્વર્ગ અને અમરત્વ જેવી મધુર કલ્પનાઓમાં રાચવું નહીં. મૃત્યુનો ભય ખરો, પરંતુ શાહમૃગવૃત્તિ નહીં. વાઘની સામે આંખોથી આંખો મિલાવી ત્રાટક કરવું.

કોઈ કોઈ વિચક્ષણ મહાપુરુષોએ તાત્ત્વિક ચર્ચા કરીને સંતોષ લીધો નહીં; વ્યવહારમાં એનો અમલ પણ કર્યો અને ખાઈદર્શનની આ રમતને એના અંતિમ છેડા સુધી લઈ ગયા. 1777માં સ્વિટ્ઝરલૅન્ડના એક ડોક્ટરે મૃત્યુ નજીક આવ્યું ત્યારે આ પ્રયોગ કર્યો: પાસે એક ડોક્ટર મિત્ર હાજર હતા છતાં પોતે જ પોતાની નાડી પકડીને બેસી રહ્યા. એમના છેલ્લા શબ્દો હતા : ‘My friend, the artery ceases to beat.’ (મિત્ર, નાડી તો ધબકતી બંધ થઈ ગઈ.) સાદું વિધાન : વાક્યના છેડે ઉદ્ગારનું ચિહ્ન પણ નથી!

છેલ્લી ક્ષણ સુધી જાગૃતિ : આને સ્થિતપ્રજ્ઞતા જ કહેવી પડે.

પોમ્પોનિઅસએટિકસ (Pomponiusatticus)નામના એક રોમનનો પ્રયોગ ખરેખર અદ્ભુત છે. એને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો. વૈદો ઘણું મથ્યા પણ કોઈ ઔષધિ કારગત નીવડી નહીં અને થાકીને એટિકસે એ યાતનામાંથી છૂટકારો મેળવવા માટે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. અન્નનો ત્યાગ કર્યો. મરણાસન્ન માણસ, એનાં સ્વજનો અને ખુદ વૈદરાજ માટે પણ હવે એક જ કામ રહ્યું : અંતની પ્રતીક્ષા. એમને ખબર નહોતી કે જીવનની જેમ મૃત્યુને પણ રમત કરતાં આવડે છે. એણે રમૂજ કરી : થોડા દિવસ પછી શ્રીમાન એટિકસ તો સાજા થવા લાગ્યા. ચહેરા પર સુરખી આવી, રોગ ગાયબ! વૈદો નહોતા જાણતા પરંતુ અસાધ્ય માનેલા એ રોગ માટે ઉપવાસ જ એકમાત્ર ઉપચાર હતો.

સ્વજનોના આનંદનો પાર નહીં. ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ.

ત્યાં વળી બીજો અપેક્ષાભંગ થયો. એક ગમ્મત મૃત્યુએ કરી; હવે વારો આવ્યો મનુષ્યનો. એણે હસીને ઊંહું કર્યું! સ્વજનોને કહ્યું : આટલે સુધી પહોંચ્યા પછી શીદ પાછા વળવું? માટે આપણા ઉપવાસ ચાલુ રહેશે. હે રસિકડાં, તમારે શોક કરવો હોય તો કરો; હું તો આ ચાલ્યો!

*

‘આધુનિક મૃત્યુ’ – તે વળી શું હશે? કેવાં કેવાં પુણ્ય કર્યાં હોય તો તે પ્રાપ્ત થતું હશે?

કવિઓ, ફિલસૂફો, સંગીતકારો – પોતાના માનસપૂર્વજો પાસે ડોકિયું કરીને લેખક વારંવાર સ્વજનો પાસે પાછો આવે છે. પિતાનું મૃત્યુ? માતાનું મૃત્યુ? એના વિસ્મયનો પાર નથી. ‘મૃત્યુ’ – એવા એક શબ્દથી ચાલે એમ નથી;તેથી ક્યાંક ક્યાંક એ અવનવાં, અણધાર્યાં વિશેષણો અને ક્રિયાવિશેષણોનો વિનિયોગ કરે છે.

પિતાના મૃત્યુ વિશે એ કહે છે : He died a modern death.

મૃત્યુ પહેલાં પિતા ઘણા સમયથી હોસ્પિટલમાં હતા. માતા છેલ્લે મળવા ગયાં હશે એને પણ કેટલાક દિવસ થયા હતા. પરિણામે અંતિમ ઘડી આવી ત્યારે શય્યા પાસે હાજર હતી માત્ર એક નર્સ; પત્ની, પુત્ર, મિત્ર – કોઈ નહીં. આપણને પ્રશ્ન થાય : જો આ આધુનિક મૃત્યુ છે તો,પોતાના ઘરમાં સગાં-સ્નેહીઓ અને પડોશીઓની હાજરીમાં થતા મૃત્યુને શું કહીશું – જૂનવાણી મૃત્યુ? પછાત મૃત્યુ? ગામડિયું મૃત્યુ?

Hard death. અઘરું મૃત્યુ, વસમું મૃત્યુ.

પિતા પછી પાંચેક વર્ષે માતાએ વિદાય લીધી. આ બે અનુભવોને સરખાવતાં એ લખે છે : પિતા સાથે વધારે માયા હતી, તેથી મેં માની લીધું હતું કે એમનું મૃત્યુ મારે માટે વધારે વસમું બનશે. (hard death); પરંતુ બન્યું એનાથી ઊલટું. માતાનું મૃત્યુ, જેને lesser death (ગૌણ મૃત્યુ?) માન્યું હતું તેની પુત્ર પર વધારે ઘેરી અસર થઈ. હવે એને સમજાય છે કે પિતાનું મૃત્યુ તે એમનું એકલાનું મૃત્યુ હતું. જ્યારે માતાનું મૃત્યુ તો બંનેનું મૃત્યુ હતું. (His death was just his death; her death was their death). સંતાન માટે માતાપિતા (parents)તે એક ઘટક.

સ્વજનના મૃતદેહને જોવો જોઈએ કે નહીં? આ મુદ્દા પર વળી બે ભાઈઓના મત જુદા પડે છે. ફિલસૂફ તોછડાઈથી ના પાડી દે છે – ‘Good God, no!’ (વિડંબના : નાસ્તિકના હોઠ પર ઈશ્વરનું નામ!) આપણો લેખક એકલો હોસ્પિટલમાં જાય છે. એક હોલના ખૂણામાં ટ્રોલી ઉપર પડેલા દેહને જુએ છે. કપાળે હોઠ અડાડે છે. મા કેવાં લાગ્યાં? એ કહે છે, Very dead. (She seemed, well, very dead.)વળી ગુજરાતી પર્યાય શોધવાની સમસ્યા. અત્યંત મૃત? મૃત્યુની પણ માત્રા હોઈ શકે – કોઈ ઓછું મરેલું, કોઈ વધારે મરેલું?

આપણે સમજીએ છીએ : આ પ્રેમની ભાષા છે.

*

મૃત્યુ પછી પાછળ રહેલાં માટે આવે મૃત્યુનો વહીવટ. મહાસફાઈનું અભિયાન. કબાટો, માળિયાં, પેટીઓ, ટેબલનાં ખાનાં ફેંદો. રાખવા જેવું લાગે તે રાખો, બાકીનાનો નિકાલ કરો.

સ્મરણો, સ્મરણો.

બે ભાઈ બેઠા ભાગ પાડવા.

સંભારણા તરીકે લેખકે કેટલુંક પોતાની પાસે સાચવી રાખ્યું છે – જન્મ, લગ્ન, મૃત્યુનાં પ્રમાણપત્રો, પાસપોર્ટ, રેશનકાર્ડ, નોટબુકો, ડાયરીઓ. પોતાનાં સ્કૂલ વખતનાં પ્રમાણપત્રોમાંથી થોડી વિગતો લેખકે નોંધી છે. લાંબા કૂદકામાં પહેલું ઇનામ મેળવ્યું હતું! સૌથી વધારે માર્ક્સ ગણિતમાં,ઓછામાં ઓછા અંગ્રેજીમાં. નિબંધમાં તો પચાસમાંથી માત્ર પચીસ.

ઠોઠ વિદ્યાર્થી; ભવિષ્યમાં મોટો સાહિત્યકાર બને એવાં કોઈ લક્ષણો દેખાતાં નથી!

જૂના ફોટોગ્રાફ ઉપરાંત પત્રોનું મોટું બંડલ છે – 1930થી 1980સુધીનાં પોસ્ટકાર્ડ. દાદાએ પહેલા વિશ્વયુદ્ધમાં સેવાઓ આપી હતી તો પિતાનો વારો બીજા વિશ્વયુદ્ધમાં આવ્યો. જર્મનીથી, ઓસ્ટ્રિયાથી એ પત્ની ઉપર પત્રો લખે છે. આપણને વિશેષ રસ પડે એવા પત્રોમાંનો એક આ છે : ‘Richie Barness 1944 Allahabad!’ યુદ્ધ દરમિયાન અમુક સમય માટે એમને ભારતમાં મૂકવામાં આવ્યા હતા. સ્વદેશ ગયા ત્યારે થોડાં સ્મૃતિચિહ્નો પોતાની સાથે લઈ ગયા હતા. : પિત્તળની ટ્રે,હાથીદાંતનું ચપ્પુ, સુંદર ચિત્રકામવાળાં બે હોલ્ડર (dip-pen).

આ મથામણ શાની છે? સાઇઠ-બાસઠની વયે આ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શા માટે ભૂતકાળને ખંખોળ્યા કરે છે. એ કહે છે : મારે જોવું છે,સમજવું છે કે મૃત સ્વજનો ખરેખર કેટલાં મૃત છે– (trying to work out how dead they are.)

એણે ઉત્તર આપ્યો નથી પરંતુ આપણે કહી શકીએ કે શોક કરીશ મા; તારાં સ્વજનો હજુ તારામાં જીવે છે.

*

લેખકે ચૌદ વર્ષની વયે ભણવા માટે ઘર છોડ્યું તે પછી કુટુંબના બધા સભ્યો ક્યારેય સાથે રહી શક્યા નથી. તો પણ સંબંધના તંતુ નબળા પડ્યા હોય એવું લાગતું નથી. બે ભાઈઓ વસે છે એકબીજાથી દૂર, કાર્યક્ષેત્ર જુદાં, બૌદ્ધિક સ્તરે મતભેદ, છતાં એકબીજા વગર ચાલતું નથી. મોટાની ભાષામાં રુક્ષતા દેખાય છે,પરંતુ એણે માનવીય સંબંધોમાં શ્રદ્ધા ગુમાવી નથી. વારંવાર સ્મરણોના ચોપડા ઊઘડે છે અને બે ભાઈઓ સાંભરે રે, કેમ વિસરે રે – એવી ગોઠડી માંડે છે.

કવિઓ, સંગીતકારો તથા ચંતિકોને લેખકે પોતાના સાચા પૂર્વજો ગણાવ્યા, પરંતુ એ વિધાન માત્ર શાબ્દિક સ્તરે રહી જાય છે અને વાચકને કંઈક જુદી જ પ્રતીતિ થાય છે. જ્ઞાનીઓની ભીડ વચ્ચેથી જગ્યા કરીને કેટલાંક સામાન્ય મનુષ્યો સહજ રીતે આગળ આવી જાય છે. લેખકની સર્જનશક્તિ (creative energy)નો પ્રવાહ એમની દિશામાં વહે છે. પરિણામે, મૃત્યુનું શાસ્ત્ર ગૌણ બની જાય છે અને વાચકને, થોડી અલંકારિક ભાષા વાપરીને કહીએ તો, જીવનનું કાવ્ય જોવા મળે છે.

*

પ્રવીણસિંહ ચાવડા
વાર્તાકાર.
અંગ્રેજીના પૂર્વ-અધ્યાપક, સુરત;
પાઠ્યપુસ્તકમંડળના પૂર્વ-નિયામક, ગાંધીનગર.
અમદાવાદ.
chavdapr@gmail.com
99792 30039

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.