મૂળસોતાં ઊખડેલાં લોકોની વાત – સ્વાતિ જોશી

Mornings of Jenin – Susan Abulhava

Bloomsbery publications, USA, 2010

‘મૂળસોતાં ઊખડેલાં’ એ કમળાબેન પટેલનું ભારતના ભાગલા વખતે વિસ્થાપિત થયેલી સ્ત્રીઓના અનુભવનું આલેખન કરતું પુસ્તક છે. ઇતિહાસમાં જ્યારે જ્યારે કોઈ દેશ કે પ્રદેશનું વિભાજન થાય છે ત્યારે ત્યારે અમુક સમૂહના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે અને એમનું જીવન હંમેશને માટે બદલાઈ જાય છે.

‘જેનિનની પ્રભાતો’ ‘(મોનિર્ગ્ઝ ઇન જેનિન’) એ 1948માં ઇઝરાયેલની એક રાષ્ટ્ર તરીકે સ્થાપના થઈ ત્યારે અરબ પ્રજાને પોતાના વતનમાંથી કેવી રીતે વિસ્થાપિત થવું પડ્યું હતું એ વિશેની પેલેસ્ટિનિયન-અમેરિકન લેખક સુઝન અબુલ્હાવાની નવલકથા છે. અબુલ્હાવા લેખક ઉપરાંત એક કર્મશીલ પણ છે. એ પેલેસ્ટાઇનમાં વસાહતોમાં રહેતાં બાળકો માટે રમવાનાં મેદાન બનાવે છે અને પેલેસ્ટાઇન વિશે તેમ જ ભેદભાવની પરિસ્થિતિ વિશે ઘણું લખે અને બોલે છે.

‘જેનિનની પ્રભાતો’ એ અબુલ્હેજા કુટુંબની ચાર પેઢીના પોતાના વતનમાં થયેલાં ઉથલપાથલ અને હિંસાના અનુભવની વાત છે. ઓલિવ ઉગાડતા ખેડૂતોના શાંત ગામડા આયન હોડમાં આ કુટુંબનાં ઊંડાં મૂળ છે. 1948માં જ્યારે ઇઝરાયેલનું રાષ્ટ્ર સ્થાપિત થાય છે ત્યારે આયન હોડની શાંતિ કાયમ માટે છિનવાઈ જાય છે. આખી ને આખી વસ્તીને જેનિન નામના ગામમાં શરણાર્થીઓની છાવણીમાં જઈને રહેવાની ફરજ પડે છે. એક જુવાન માતા તરીકે ડાલિયા અબુલ્હેજા પોતાના પુત્રોને અંધાધૂંધીના વાતાવરણમાં ઉછેરે છે. એના નાના બાળક ઇસ્માએલને એક ઇઝરાયેલી સૈનિક એના હાથમાંથી ઝૂંટવી લે છે અને ડેવિડને નામે મોટો થતાં એ એક ઇઝરાયેલી સૈનિક તરીકે અજાણતાં પોતાના જ લોકોને આવનારાં યુદ્ધોમાં મારે છે.

જેનિનમાં ડાલિયા અને હસન અબુલ્હેજાની અમાલ નામની પુત્રીનો જન્મ થાય છે. અમાલ વહેલી સવારે અગાશીમાં પોતાના પિતાના ખોળામાં બેસીને અરબ કવિતા સાંભળતાં અને એનો આનંદ લૂંટતાં મોટી થાય છે. જેનિનની આ પ્રભાતો એના જીવનનું ભાથું બને છે. પરંતુ 1967ના યુદ્ધમાં એના પિતા હસન અચાનક ગાયબ થઈ જાય છે અને એનો ભાઈ યુસુફ પેલેસ્ટિનિયન લિબરેશન આર્મીમાં જોડાય છે. એની મા ડાલિયા મગજનું સંતુલન ગુમાવી બેસે છે અને અમાલ પોતે પણ એક શેલ્ટરમાં અઠવાડિયું છુપાઈને માંડ બચે છે. પિતાની ઇચ્છા હતી કે પોતે ભણે – એ ઇચ્છા પૂરી કરવા અમાલ જેનિન છોડીને જેરૂસલેમ, અને પછી અમેરિકા ભણવા જાય છે. 1982માં જ્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે તંગદિલી ચરમ સીમાએ પહોંચે છે. ત્યારે અમાલ જેને ખૂબ જ ચાહે છે – પતિ, ભાઈ યુસુફની સગર્ભા પત્ની અને દીકરી – એ બધાંને ગુમાવે છે. અમેરિકામાં અમાલ પોતાની દીકરી સારાને ઉછેરે છે. વતન, કુટુંબ અને પ્રેમ ગુમાવી બેઠેલી અમાલ પોતાના દુ:ખને સ્વીકારીને જીવતી હોય છે ત્યાં એનો ખોવાયેલો ઇઝરાયેલી ભાઈ ડેવિડ એને મળવા આવે છે, જે પોતાની ઓળખની ખોજમાં છે. 2002માં અમાલ, ડેવિડ અને સારા જેનિનમાં પાછાં ફરે છે. અમાલ પીંખાઈ ગયેલું વતન સારા સાથે ફરીથી શોધે છે – જે હંમેશને માટે બદલાઈ ગયું છે. જેનિનમાં સારાને બચાવવા જતાં એક હુમલામાં અમાલ મૃત્યુ પામે છે. નવલકથાનું આ ટૂંકું કથાવસ્તુ.

0

‘જેનિનની પ્રભાતો’ આપણા સમયના એક ખૂબ જ કઠોર સંઘર્ષની પાછળ રહેલી માનવતાનું દર્શન કરાવે છે, જે યુદ્ધ અને હિંસાની વચ્ચે ટકીને પણ પોતાનાં વતન, લોકો, સુરક્ષા અને શાંતિની સર્વવ્યાપી ઝંખના કરે છે. અને એથી જ ઇતિહાસની ઊંડી સમજ આપતી આ નવલકથામાં લાગણીઓનું પણ અદ્ભુત ઊંડાણ જોવા મળે છે. એના સૂરમાં કોઈ પ્રકારનો દ્વેષ નથી, પરંતુ સચ્ચાઈનો રણકો જરૂર છે અને કવિતાનો જાદુ તો છે જ. ચાર પેઢીઓ અને લગભગ છ દાયકામાં પથરાયેલી આ નવલકથાનું ખાસ પાસું એ છે કે તે પોતાના વતનમાં સદીઓથી સ્થાયી થયેલા એક કુટુંબનો ચિતાર આપે છે કે યુદ્ધ અને હિંસાના હુમલાઓ વેઠતાં કેવી કેવી પરિસ્થિતિઓમાંથી આ કુટુંબનાં સભ્યો પસાર થાય છે; એમના માનવસંબંધો પર આ પરિસ્થિતિઓની કેવી અસર પડે છે; એ સંબંધો કટોકટીની ક્ષણોમાં કેવા વિકસે છે અને જિવાય છે અને કેવા અચાનક બીજી જ ક્ષણે વેરવિખેર થઈ જાય છે; યુદ્ધ અને હિંસાના પડકારો આ લોકો કેવી રીતે ઝીલે છે, કેવી રીતે એનો સામનો કરે છે; કેવી રીતે ચારેકોર વિનાશની ક્ષણોમાં જીવતા રહેવાની શક્તિ પામે છે અને અંતે આ બધી વિપત્તિઓ દરમ્યાન વધારે સારી દુનિયાની આશા તેઓ કેવી રીતે ટકાવી રાખે છે. રાષ્ટ્રો વચ્ચે થતાં યુદ્ધોનો ઇતિહાસ સાક્ષી છે. પરંતુ એ ઇતિહાસ કેવળ તારીખો, સ્થળો તેમજ નેતાઓનાં નામોમાં સમેટાઈ જતો નથી. એ તારીખો અને સ્થળો સાથે અસંખ્ય લોકો સંકળાયેલાં હોય છે જેમને સત્તા-ભૂખ્યા નેતાઓ સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ એમના નિર્ણયો એ લોકોની જિંદગી ઓળખી કે સમજી પણ ન શકાય એટલી હદે બદલી દે છે. આ લોકો એ ઇતિહાસનાં ખરાં સાક્ષી છે અને એમની યાતનાઓ અને મૃત્યુથી એ ઇતિહાસ ખરડાયેલો છે. અબુલ્હેજા કુટુંબની વાત – ચાર પેઢીઓ દરમ્યાન કુટુંબમાં કેવાં પરિવર્તનો આવ્યાં એનો હૃદયદ્રાવક હેવાલ – જેનિનમાં શરણાર્થીઓની છાવણીમાં જન્મેલી અમાલના શબ્દોમાં કહેવાઈ છે. છેવટે અમાલની પુત્રી સારા એ અન્યાયની વાત દુનિયા સામે મૂકવાનો નિર્ણય કરે છે.

ઇતિહાસની કૂચ એમના પર્વતો પર ફરી વળી અને એમનાં વર્તમાન અને ભવિષ્યને એમની જમીન ખૂંચવીને પીંખી નાખ્યાં તે પહેલાં હાફિયાની પૂર્વમાં આયન હોડ નામના નાના ગામડામાં યેહ્યા અબુલ્હેજા અને એની પત્ની બાસીમા એમના દીકરાઓ હસન અને દરવેશ સાથે શાંતિથી રહેતાં હતાં અને ઓલિવની ફસલનો આનંદ માણતાં હતાં. હસન અને એનો યહૂદી મિત્ર પાર્લસ્ટાઇન જેરુસલેમના બજારમાં સાથે બેસીને પોતાનો સામાન વેચતા. યુરોપમાં નાઝીવાદને પગલે અરબ અને યહૂદી લોકોમાં વધતાં જતાં અંતર વચ્ચે એમની મિત્રતા જન્મી હતી. જુવાન હસન અલગારી અને ખુમારીવાળી ચૌદ વર્ષની જિપ્સી છોકરી ડાલિયાથી આકર્ષાઈને એને પરણે છે. ત્યાં અચાનક એક વર્ષે, ઓલિવ વૃક્ષો રંગ બદલી રહ્યાં હતાં ત્યારે નજીકમાં જ બોમ્બનો ધડાકો થયો. સદીઓથી જે જમીન પર કુટુંબો રહેતાં હતાં તેમને પોતાનું ગામ છોડવાની ફરજ પડી. 1948માં ઇઝરાયેલનો રાષ્ટ્ર તરીકે જન્મ થયો. યુરોપની રાખમાંથી એક યહૂદી રાષ્ટ્રનો જન્મ થયો જ્યાં અરબોને એમનાં ઘરો લૂંટીને, એમના પર હુમલાઓ કરીને, હડસેલી મૂકવામાં આવ્યા અને દુનિયાભરમાંથી યહૂદી લોકો ત્યાં આવીને વસ્યા. ‘[અરબ] લોકો વગરનો પ્રદેશ’, એ ‘[યહૂદી] લોકો માટેનો પ્રદેશ’ બન્યો. અબુલ્હેજા કુટુંબ બીજા ગામલોકો સાથે ગામ છોડીને જેનિનની એક વસાહતમાં આવીને રહ્યા. આઠ સદીઓ અને ચાલીસ પેઢીઓથી જે જમીનમાં એમનાં વંશજોનાં મૂળ હતાં એ છોડીને એમને ભાગવું પડ્યું. ગામ છોડીને જતાં રસ્તામાં અચાનક એક ઇઝરાયેલી સૈનિકે ડાલિયાના હાથમાંથી એનો પુત્ર ઇસ્માઈલ ઝૂંટવી લીધો.

શું આ એક સ્વપ્ન હતું? કે પછી દુ:સ્વપ્ન? જેનિનમાં યેહ્યા અને હસન હજી પણ માનતા હતા કે આ સ્થળાંતર કામચલાઉ હતું. ટૂંક સમયમાં જ બધાં ‘ઘેર’ પાછાં ફરી શકશે. પરંતુ યેહ્યા જ્યારે પોતાના વતન જવા પ્રયત્ન કરે છે અને પાછો નથી આવતો ત્યારે બધાંને સમજાય છે કે તેમને ધીરે ધીરે દુનિયામાંથી, ઇતિહાસમાંથી અને એના ભવિષ્યમાંથી ભૂંસવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. હસન કહે છે, ‘જો નિરાશ્રિત તરીકે રહેવાનું જ છે તો કૂતરાની જેમ નહીં રહીએ.’ જેનિનમાં હસને શિક્ષણની વ્યવસ્થા કરી, પોતાની પુત્રી અમાલને વહેલી પરોઢે રૂમી, ખલીલ જીબ્રાન, અબુ-હયાન વગેરેની કવિતાઓ સંભળાવી. અમાલ કહે છે, ‘મારું બાળપણ જાદુઈ હતું, કવિતા અને પરોઢથી અંજાયેલું.’

1967ના યુદ્ધમાં સ્વાભિમાનથી જીવવાની ઇચ્છાની જગાએ સ્વરક્ષણનો પ્રશ્ન મુખ્ય બન્યો. હસને અને બીજાઓએ હાથમાં હથિયાર લીધાં. આ પરિવર્તન એવું આવ્યું કે જીવનમાંથી હાસ્ય, કવિતા, જમીન સાથેનો સંબંધ, બધું જ અચાનક અદૃશ્ય થઈ ગયું. બંદૂકની ગોળીઓનો બેફામ હુમલો, લોહીથી ખરડાયેલા લોકોનાં મૃત કે જીવતાં શરીરો, ચારે બાજુ સૂમસામ સન્નાટો, આ બધું હવે એમની નવી દુનિયા હતી. 1967માં લશ્કરે કબજો લીધો ત્યારથી એક જાણીતી દુનિયાનો અંત અને એક ભયાનક દુનિયાની શરૂઆત થઈ. કુટુંબના તૂટવાની પણ આ શરૂઆત હતી. હસન અચાનક ગાયબ થઈ ગયો. દીકરો યુસુફ પેલેસ્ટિનિયન લિબરેશન ઓર્ગેનાઈઝેશનમાં આઝાદી માટે જંગ લડવા જોડાયો. મા ડાલિયા તો ઇસ્માઇલના ઝૂંટવાઈ જવાની ક્ષણથી જ ભાંગી ગઈ હતી તે હવે માનસિક અસંતુલનનો શિકાર બની અને છેવટે એકલતાના ભારથી મૃત્યુ પામી. અને અનાથ અમાલ, પિતાના સ્વપ્નને સાકાર કરવા, ભણવા અમેરિકા ગઈ, પોતાનું બાળપણ અને જેનિનને પાછળ મૂકીને; પિતાની ધૂમ્રપાનની પાઇપ, માતાનો ફિક્કો પડી ગયેલો રેશમી રૂમાલ, બેનપણીએ આપેલો કૂકો વગેરે યાદગીરીઓને એક કપડામાં વીંટાળીને.

0

અમાલ 1967ના યુદ્ધને કેવી રીતે જુએ છે? ‘અંત વગરનું જાણે એક ભયાનક સ્વપ્નું… અમે હરતાં ફરતાં હતાં પરંતુ ક્યાંય પહોંચતાં ન હતાં.’ કેવું વેધક વાક્ય! ‘હવે અમારી પ્રતીક્ષા સ્વતંત્રતા માટે હતી. ઘેર પાછા ફરવાની મૂળ આશા હવે મૂળભૂત અધિકાર માટેની માગણી બની.’ અંતરની ઇચ્છાઓ રાજકીય હક માટે લડવાની સભાનતામાં ફેરવાઈ ગઈ. યુસુફનું પરિવર્તન એ એક જુવાન અરબનું અન્યાય સામે લડનાર એક યોદ્ધા તરીકેનું પરિવર્તન છે. એનામાં કૈંક જ્વલંત હતું, જે તૂટવાનો ઇનકાર કરે છે અને લડવાનો નિર્ધાર કરે છે. એ માટે તે પ્રેયસી ફાતિમા અને કુટુંબને છોડે છે. યુસુફનું પાત્ર દર્શાવે છે કે કઠોરતા કેવી રીતે માણસના હૃદયમાં સ્થાન જમાવે છે; કેવી રીતે સામનો કરવાની દૃઢતા અને તાકાત તેમ જ સહનશીલતા શરણાર્થીઓની જિંદગીની ઓળખ બને છે.

જેરૂસલેમના અનાથાશ્રમમાં અમાલે જે બીજી અનાથ છોકરીઓ સાથે મિત્રતા કેળવી તે ટકી રહેવાની અને કુટુંબ માટેની એકબીજાની જરૂરિયાતમાંથી જન્મી હતી અને એમની જિંદગીની એકલતા અને કંટાળાને જીતવાનો એક રસ્તો હતો. આ મિત્રતા અમાલના નવ-યૌવનની સૌથી મીઠી યાદો હતી. એમના સૌની સહિયારી, જીવતા રહેવાની અણકહી પ્રતિબદ્ધતામાંથી આ મૈત્રીની ગાંઠ બંધાઈ હતી. આ ગાંઠ એ એક ભાષા હતી જેમાંથી નિરાધાર છોકરીઓએ પોતાનું એક ‘ઘર’ ઊભું કર્યું હતું જે નિર્દય દુનિયામાં એમને માટે પ્રેમનું એક સ્થાન હતું.

પેલેસ્ટિનિયન શરણાર્થીઓને સાથ આપનારા સંપન્ન અરબ-અમેરિકન લોકો દ્વારા અપાતી સ્કોલરશીપ અમાલને મળતાં એ આગળ ભણવા અમેરિકા ગઈ. મૂળમાંથી ઊખડેલી અને અજાણ અમાલ પશ્ચિમી-અરબની નવી મિશ્ર ઊપજમાં રૂપાંતર પામી. અહીં યુદ્ધ ન હતું; અહીં ધમકીઓ મળતી ન હતી. પણ વંશવાદનો તફાવત જરૂર હતો. અમાલને શરમનો અનુભવ થયો કે એણે વતનને, કુટુંબને, પોતાને દગો દીધો હતો. છતાં એ પણ સત્ય હતું કે એનું કોઈ ન હતું, પાછા ફરવાની કોઈ જગ્યા ન હતી. અને ખરેખર તો એને અમેરિકન બનવું હતું. ભૂતકાળનો ભાર અને કરુણ યાદો ફેંકી દઈને એને અમાલમાંથી એમી બનવું હતું. પાંચ વર્ષમાં એણે એમ.એ.ની ડિગ્રી મેળવી.

0

અચાનક એક દિવસે ભાઈ યુસુફનો ફોન આવતાં અમાલે ભાઈના કુટુંબને મળવા 1982માં લેબેનોન જવાનું નક્કી કર્યું. એરપોર્ટ પર જુવાન ડોક્ટર માજીદ એને લેવા આવ્યો હતો. લાંબા સમય પછી ફરીથી એક કુટુંબ થવાનો એને મોકો મળ્યો હતો. શરણાર્થી છાવણી જેને ઇઝરાયેલે ‘આતંકવાદના ઉછેરનું સ્થાન’નું નામ આપ્યું હતું ત્યાં અમાલને અઢળક પ્રેમનો અનુભવ થયો. આ શરણાર્થીઓએ બધી જ માનવીય લાગણીઓ ઊંડાણમાં અનુભવી હતી. એમનો આક્રોશ પશ્ચિમના લોકો સમજી શકે એમ ન હતું. એમનું દુ:ખ પથ્થરોને પણ પીગળાવી દે એવું હતું. અને પ્રેમ? એ પ્રેમ એ જ જાણી શકે જેનું જીવન બોમ્બની વર્ષાથી અને શરીરમાંથી પસાર થતી ગોળીઓથી બચ્યું હોય. યુદ્ધના સમયમાં આ પ્રેમનાં સ્વરૂપ અને અનુભવ છે. યુસુફ અને ફાતિમાએ આ પ્રેમ અનુભવ્યો હતો.

અને આ જ પ્રેમ અમાલે માજીદ માટે અનુભવ્યો. 1967ની લડાઈમાં યુસુફે એને બચાવ્યો હતો. એ યુસુફનો જિગરી દોસ્ત હતો. રોજ વહેલી સવારે તે અમાલને મળવા આવતો – એ વહેલી સવારો જે અમાલના બચપણની જાદુઈ ક્ષણો હતી. નવલકથામાં વહેલી સવારો એ આશા, જિંદગી અને પ્રેમનું પ્રતીક બને છે. એ પ્રભાતો અમાલની જિંદગીની શ્રેષ્ઠ ક્ષણો હતી. આ સમય હતો હસવાનો અને વાતો કરવાનો, જાણે આખી જિંદગી બધાં સાથે જ હતાં; યુદ્ધની વચ્ચે પસાર થતી આ નાજુક ક્ષણો જીવનની, આનંદની. પ્રેમની, સ્વપ્ન સાકાર થયાની ક્ષણો હતી. માજીદ હવે અમાલનાં મૂળિયાં બન્યો અને એનો દેશ બન્યો.

પરંતુ એક ક્ષણમાં બધું જ ખલાસ થઈ ગયું. ઇઝરાયેલે 1982ની 6 જૂને લેબેનોન પર હુમલો કર્યો. સગર્ભા અમાલ તરત અમેરિકા પાછી ફરી. ટૂંક સમયમાં માજીદ અને યુસુફના કુટુંબને ત્યાં બોલાવી લેવાની તજવીજ કરવા લાગી. પરંતુ હુમલામાં ઘેટાની જેમ અનેક નિર્દોષ સ્ત્રીઓ અને બાળકોની કતલ થઈ. ફાતિમાનું પેટ ચીરીને ગર્ભમાં રહેલા બાળકને હુમલાખોરોએ મારી નાખ્યું. માજીદ, ફાતિમા અને એની દીકરી માર્યાં ગયાં. અમાલનાં બધાં જ સ્વપ્નો રાખ રાખ થઈ ગયાં. હજુ કેટલું સહન કરવાનું હતું? કેટલું ગુમાવવાનું હતું? અમાલે પોતાની આસપાસ એક કવચ વણી લીધું જેથી પોતાનાં દુ:ખ અને આક્રોશ એની દીકરી સારાને ન સ્પર્શે. એના ભાઈ યુસુફ પર લેબેનોનના અમેરિકન દૂતાવાસ પર હુમલો કરવાનો જૂઠો આક્ષેપ મૂકવામાં આવ્યો. અમાલની અમેરિકન પોલિસે તપાસ કરી અને પીછો કર્યો. દિલ પર પથ્થર મૂકીને નિગ્રહી થઈને એ જીવતી હતી. દીકરી સારા પેલેસ્ટાઇન માટે ન્યાયના એક કર્મશીલ ગ્રુપની સભ્ય બની.

ત્યાં અચાનક એને શોધતો એનો ભાઈ ઇસ્માઇલ અમેરિકા આવે છે. એ બંનેનું મિલન બંનેના જીવનમાં એક નવું પરિમાણ ઉમેરે છે. બંને એક અપરિપૂર્ણ વારસાના બચેલા અવશેષો છે. ચોરાઈ ગયેલી ઓળખ અને કઠોર સંદિગ્ધતા બંનેને એક કરે છે. સારાની પોતાની ઓળખ શોધવાની ઇચ્છા 2002માં ત્રણેને પાછા જેનિન લઈ જાય છે. જેનિનમાં હજુ શરણાર્થીઓની છાવણી છે. ભીડ વધી છે. યહૂદી સૈનિકોના હુમલાઓ હજુ થાય છે. સતત બોમ્બમારો થાય છે લોકો મરે છે. જુવાન અરબ છોકરાઓ સંઘર્ષમાં જોડાય છે. અમાલ અકળાઈ ઊઠે છે: ‘દુનિયા આ ચાલવા દઈ ન શકે.’ અમાલ માને છે કે પરિસ્થિતિ બદલાશે. ઇઝરાયેલ આ હિંસાને ઢબૂરી નહીં શકે. દુનિયા છેવટે બધું જાણશે. જીવન અને મૃત્યુને એક સાથે અનુભવતી અમાલ દીકરી સારાને સૈનિકની ગોળીથી બચાવવા જતાં ઘાયલ થઈ મૃત્યુ પામે છે. મા અમાલના મૃત્યુની ક્ષણમાં સારા પોતાના પ્રશ્નોનો, જીવનનાં ધ્યેયનો જવાબ શોધે છે. એની માતાની જિંદગીની છેલ્લી દસ મિનિટ એ ક્યારેય ભૂલી શકતી નથી. એ એના મનમાં ઘોળાયા કરે છે અને દુનિયા જાણી શકે એ માટે પોતાની વેબસાઇટ પર પોતાની મૃત માને પત્રો લખીને વિગતો નોંધે છે. શું પેલેસ્ટિનિયન હોવું એ આ રીતે મરવું એ છે? એની દીકરીની આંખોમાં અમાલે છેવટે પોતાનું સ્થાન મેળવ્યું. સારાને પાછી અમેરિકા જવું પડ્યું, એની વેબસાઇટને લીધે એનું નામ ‘સલામતી માટે ભયરૂપ’ ગણાતા લોકોમાં હતું. જ્યાં પડછાયા પણ મૂળમાંથી ઊખડી જાય છે એ દેશમાં છુપાવાનું કોઈ સ્થાન ન હતું. પરંતુ સારાનું હૃદય ક્યારેય જેનિન છોડી શક્યું નહીં.

નવલકથાના અંતમાં સારા, ડેવિડ ઉર્ફે ઇસ્માઇલનો દીકરો જેકબ અને અમાલની બાળપણની સખી હુડાનો દીકરો મન્સૂર અમાલના પેન્સિલવેનિયાના ઘરમાં ભાઈ-બહેનની જેમ ભેગાં રહે છે. સારા પેલેસ્ટિનિયન-અમેરિકન અરબ છે, જેકબ ઇઝરાયેલી યહૂદી છે; અને મન્સૂર પેલેસ્ટિનિયન અરબ છે. પરંતુ માનવતા અને પ્રેમની દોરે એ બંધાયેલાં છે. યુદ્ધનો આ વિકલ્પ છે. સત્તા અને પ્રદેશ માટે હિંસા અને યુદ્ધ દ્વારા લોકો પર અત્યાચાર ગુજારતા, એમને મારતા અને એમના વતનમાંથી હાંકી મૂકતા અને અંતે એ લોકોને રાષ્ટ્રો અને મહાસત્તાઓ સામે અન્યાયની વિરુદ્ધ લડવા માટે મજબૂર કરતા સત્તાધીશો સામે આ નવલકથા એક મોટો વિરોધનો સૂર ઉઠાવે છે. રવીન્દ્રનાથ ટાગોરે પણ એમનાં ‘રાષ્ટ્રવાદ’ પરનાં પ્રવચનોમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની ટીકા કરી છે, માનવવાદનો મહિમા કર્યો છે. ‘જેનિનની પ્રભાતો’ પણ માનવવાદની, એક દુનિયાની, આશા સાથે પૂરી થાય છે. જેનિનની પ્રભાતો એ કવિતા, સ્વપ્નો, પ્રેમ અને આનંદનું પ્રતીક છે. યુદ્ધ અને હિંસાથી ઘેરાયેલા લોકોની જિંદગીમાં આવી ક્ષણો ખૂબ ઓછી હોય છે. પરંતુ સંઘર્ષની વચ્ચે જીવતાં હોવા છતાં પણ ક્યારેક શરણાર્થીઓની માનવતા અને ગૌરવ મરતાં નથી. અન્યાયની સામે લડતાં પેલેસ્ટિનિયન લોકોનું આ કદાચ આગવું લક્ષણ છે જે નવલકથામાં બારીકાઈથી છતું થયું છે.

માજીદના મૃત્યુ પછી ખલિલ જીબ્રાનના પુસ્તક ‘ધ પ્રોફેટ’માંથી અમાલ કેટલીક પંક્તિઓ વાંચે છે: ‘અલવિદા, તને અને તારી સાથે વિતાવેલી જવાનીને./કાલે જ તો આપણે એક સ્વપ્નમાં મળ્યાં હતાં…. અને તારી ચાહતનો મેં આકાશમાં એક મહેલ રચ્યો હતો./ પણ આપણી નીંદ હવે ઊડી ગઈ છે અને આપણું સ્વપ્ન હવે પૂરું થયું છે, અને હવે પ્રભાત રહ્યું નથી… આપણે હવે છૂટા પડવું પડશે… જો યાદદાસ્તોના ઝાંખા અજવાળામાં આપણે ફરી એક વાર મળવાનું થાય… અને જો આપણા હાથ બીજા કોઈ સ્વપ્નમાં કદાચ મળે, તો આપણે/આકાશમાં બીજો એક મહેલ બાંધીશું.’

*

સ્વાતિ જોશી

અંગ્રેજીનાં પૂર્વ-અધ્યાપક,

દિલ્હી યુનિવર્સિટી, દિલ્હી.

દિલ્હી.

svati.joshi@gmail.com

97255 17119

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.