પ્રિય બાબુઆણ્ણા – નંદા પૈઠણકર
પોપ્યુલર પ્રકાશન, મુંબઈ, 2013
મરાઠી સાહિત્યરસિકો માટે પ્રતિષ્ઠિત વાર્તાકાર, નવલકથાકાર જી. એ. કુલકર્ણી (1923–1987) એટલે એક રહસ્યમયી વ્યક્તિ. એમનું લેખન અતિ ગૂઢ અને એ ગૂઢ લેખન જેટલું જ એક ગંભીર વલય તેમના નામની આસપાસ દોરાયું હતું. એમની વાર્તાઓનાં અનેક પાસાંનો તાગ લેવામાં આવતો પણ મરાઠી વાચકોને એનું બહુ કુતૂહલ રહેતું કે તેઓ પ્રત્યક્ષમાં કેવા હશે! કારણ કે ‘જી. એ.’ ક્યારેય કોઈને પોતાની નજીક આવવા દેતા નહીં,તેમણે પોતાની આસપાસ એક અભેદ્ય કવચ ઊભું કર્યું હતું. તેથી એમની સાથે વાત કરવામાં દરેક જણ ખચકાતો ને ડરતો. એક તો એ ખાસ બહાર નીકળતા નહીં અને નીકળે તો એમની આંખ કાળાં ચશ્માંની આડશે સતત સંતાયેલી રહેતી! એમના નામની ફરતેની કાંટાળી વાડની બહાર ઊભા રહીને તેમને જેટલા જોઈ શકાયા તે સાચું! એ કહેતા: ‘મને શોધવો છે તો મારા લખાણમાંથી શોધો ને!’
સાહિત્યકાર અરુણા ઢેરે તેમના માટે કહે છે તેમ એક માણસ તરીકે તેમના ભાગે એક નીચલા મધ્યમવર્ગીયની જેમ ઘણું સહેવાનું આવ્યું. ગરીબી અને કમનસીબીએ એમને ઘણા ડંખ દીધા. માસિયાઈ બે બહેનો સિવાય પોતાનું એવું કોઈ રહ્યું નહીં. સ્વમાનપૂર્વક હાલત સામે ઝઝૂમતી વખતે પોતાની અંદરની માણસાઈ અને સંવેદનશીલતાને જાળવી રાખવા માટે તેમણે તેની ફરતે અલિપ્તતાથી એક સંરક્ષક કવચ ઊભું કર્યું, એ કવચ વખત આવ્યે કઠોરતાથી એમને જ જખમી કરી મૂકે એટલું કાંટાળું હતું. જેમને આ વાતની
જાણ થઈ તેઓ હચમચી ગયા પણ તેમની વેદના જાણવા માટે કોઈ તેમની નજીક આવે એ એમને મંજૂર નહોતું.
આ ચરિત્રનાં લેખક નંદા પૈઠણકર લખે છે: 1923માં જન્મેલા ‘જી. એ.’ કર્ણાટકના બેલગામ(બેળગાંવ)ના, પણ નોકરી અર્થે એમનો વસવાટ ધારવાડનો. નાનપણમાં માતાપિતાનો દેહાંત થઈ ગયો, એક બહેન લગ્ન પહેલાં અને બીજી બહેન લગ્ન કરીને ગુજરી ગઈ અને સાવ એકલા પડી ગયેલા ‘જી. એ.’! તેઓ ધારવાડની જે. એસ. એસ. કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા.
નંદાતાઈનાં માતાપિતા ગુજરી જતાં એ ત્રણે બહેનોને મામાને ત્યાં બેલગામ રહેવાનું થયું. નંદાતાઈ (પૈઠણકર) ‘જી. એ.’નાં માસીની દીકરી. ‘જી. એ.’ અર્થાત્ બાબુ ધારવાડથી રજાઓમાં બેલગામ આવતા, પોતાનું ઘર હતું પણ એ મોટા સાવકા ભાઈને આપી દીધેલું અને પોતે ભાડાની ઓરડી લઈને રહેતા. પણ પોતાના મામાને ત્યાં જતા, મામાનાં બાળકો અને પોતાની નમાઈ માસિયાઈ બહેનોને મળવા માટે જતા; જતી વખતે બાબુઆણ્ણા[મોટાભાઈ] તેમના માટે સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો અને એમને ગમતી નાનીમોટી ચીજવસ્તુ લઈ જતા.
બેલગામનાં મામી ગુજરી ગયાં અને એમની દીકરીઓનાં લગ્ન થઈ ગયાં. પછી મામાએ બહેનની ત્રણ દીકરીઓને માથે ગુજારવામાં કશું બાકી રાખ્યું નહીં. ત્રણમાંની વચલી ઉષાને બીજા મામા એમના ઘરે લઈ ગયા;સોળેક વર્ષની મોટી પ્રભાને ટીબી થવાથી તેને કર્ણાટકના ઘટપ્રભા નામના હવા ખાવાના સ્થળે ‘જી. એ.’ એ સારવાર માટે મૂકી. મામા સાથે બાકી રહી એકલી નાની નંદા, એ નવમા ધોરણમાં ભણે. મામાનો ત્રાસ વધ્યો એે ન જોવાતાં ‘જી. એ.’ નંદાને પોતાને ત્યાં ધારવાડમાં લઈ ગયા અને નંદા એના તેર વર્ષના જીવનમાં પહેલી વાર આનંદિત થઈ. થોડા મહિનામાં પ્રભાને પણ સેનેટોરિયમમાંથી ‘જી. એ.’ ધારવાડ લઈ આવ્યા અને શરૂ થયો ભાઈબહેનોનો અનોખો સંસાર! બાબુઆણ્ણાએ પિતાની જગ્યા લીધી.
*
માંડ દોઢસો પાનાંના આ પુસ્તકમાં આવા દોહ્યલા માણસ બાબુઆણ્ણાને સમાવવાનો નાની બહેન નંદાએ સ્તુત્ય પ્રયાસ કર્યો છે. બાબુઆણ્ણા નમાઈ બહેનોનાં મા અને બાપ બન્ને થઈને રહ્યા. લેખિકા કહે છે કે હું ‘જી. એ.’ની વાત કરવા નથી બેઠી, એ લખવાની મારી હેસિયત પણ નથી પણ ‘જી. એ.’નું જે પારિવારિક પાસું છે એવા મારા બાબુઆણ્ણાની આ વાત છે, એ ભાઈની વાત કે જેણે પોતાની નોંધારી બન્ને માસિયાઈ બહેનોની જવાબદારી પ્રેમે ઉપાડી, જીવન જીવવાની રીત શીખવાડી અને અંત સુધી એને સુપેરે નિભાવી.
આ પુસ્તકના અર્પણમાં લેખિકા કહે છે: હું અહીં પૂણે આવી ત્યારે તમને પત્ર લખવામાં અઠવાડિયું થઈ જતું તો તમે કેટલા ઊંચાનીચા થઈ જતા અને તાર મોકલતા. તો એ હિસાબે અત્યારે તો મારી સામે તારનો ડુંગર થઈ જવો જોઈતો હતો. પણ એમ ન થયું. પછી તો મારા પત્રો અને તમારા તાર બધું બંધ થઈ ગયું. તમે એટલા લાંબા પ્રવાસે નીકળી ગયા છો કે મારો પત્ર જ તમને મળે નહીં, તો પછી તમારા તાર પણ મને ક્યાંથી મળે?
પ્રસ્તાવનામાં લેખિકા કહે છે કે બહાર ‘જી. એ.’ તરીકે જાણીતા મારા ભાઈના વ્યક્તિત્વ અને સ્વભાવનાં જે વિવિધરંગી પાસાં જોયાં છે એ વિશે મારે લખવું છે પણ અતિ ઊંચા શિખરે બિરાજેલા, એક ધ્યાનસ્થ તપસ્વીની સામે હું એક અદની ઠીંગણી એેમના સુધી કેમનીક પહોંચી શકું! ભાઈના સાન્નિધ્યમાં મને એ જેટલા સમજાયા તેટલા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
પોતાના ભાઈનું પોરસાઈને વર્ણન કરનારી નાની બહેન લખે છે: મારો ભાઈ તો સ્ફટિક જેવો નિર્મળ, ફૂલ જેવો કોમળ અને સંવેદનશીલ. તેની પ્રતિભા પ્રદીપ્ત સૂર્ય જેવી તેજસ્વી હતી, એ કોઈથી દબાનારા નહોતો. એકાંતવાસ એમને વહાલો. કોઈને પોતાને ત્યાં બોલાવતા નહીં અને કોઈને ત્યાં ખાસ જતા નહીં પણ એ માણસગંધારા જરાયે નહોતા; પણ જેટલાયને એ મળ્યા તેમની સાથે કલાકોના કલાકો ગોષ્ઠિ ચાલતી અને રૂબરૂ ન મળ્યા હોય તોયે તેમની સાથે પત્રવ્યવહારમાં એ કેવા ખીલે છે તે એમના પત્રસંગ્રહ પરથી જણાશે. ‘(જી. એ.’ એ આવેલા પત્રોના લખેલા જવાબોના, ત્રણસો જેટલાં પાનાંના ચાર ખંડો પ્રકાશિત થયા છે; એમાં પહેલો ખંડ આખો સુનીતાતાઈ દેશપાંડે પરનો છે.)
અન્યને જે વાતનું આકર્ષણ હોય તેનાથી તેઓ દૂર રહેતા, તેઓ હંમેશાં ગોગલ્સ વાપરતા. પોતાની કોલેજ, પોતાનું લેખન, પોતાની બહેન – બસ, આટલું જ એમનું વર્તુળ; રોજ સાંજે ક્લબમાં જતા પણ એ રમવા પૂરતું. ઘરોબો કોઈ સાથે નહીં,દેખાવે અતિ રૂઆબદાર, વચ્ચે સેંથો પાડીને, ક્રીમ લગાડીને સરસ ઓળેલા વાળ; ભવ્ય કપાળ, ઇસ્ત્રીબંધ કપડાં,ધોળું કે કાળું પૅન્ટ, આછા રંગનો બુશકોટ કે ટીશર્ટ, જમણે કાંડે ‘ફાવરલુબા’નું ઘડિયાળ. એ આવે એટલે ટેલ્કમ પાવડરની મંદ સુવાસ ફરી વળે. એમનું મનગમતું કામ એટલે શાકભાજી લાવવી, શાકભાજીની સાથે અમ બહેનો માટે સેવંતી-સુરંગી-સોનચંપાનાં ફૂલો ને વેણી લાવવાનું ક્યારેય ભૂલે નહીં. પછી એમ નહીં કે શાકભાજીના થેલા એમ અમારા હાથમાં પકડાવી દીધા. એકેક શાક છૂટું પાડે, ફૂલવેણી છૂટાં પાડે; જાણે પ્રદર્શન જોઈ લો, આ પણ એક ઉત્સવ બની જતો. બેલગામમાં ચૂલે રાંધતાં અમ બહેનોના થતા હાલ જોઈને એમણે અમને એક પ્રાયમસ લાવી આપેલો. સ્વાદિષ્ટ રસોઈ જમવાના બડા સ્વાદિયા!
અમારી ઇચ્છાઓ એ પૂરી કરતા, હું કહું કે મારે સંગીતશાળામાં જવું છે તો તરત જ એની ફી ભરી આવે. એન.સી.સી.માં પણ મારું નામ એમણે નોંધાવેલું. મોટી બહેન પબાક્કા (પ્રભાવતી)ના દવાદારૂના પૈસા પણ એ આપતા જાય.
મેં એકવાર ચીકી માટે પબાક્કાના ખાનામાંથી એને પૂછ્યા વિના એક આનો લીધેલો અને મારી આઈ ગુજરી ગયા પછી હું નાહીને તરત જ રમવા જતી રહેલી. પછી મને સતત ખૂંચતી આ બે વાત મેં જ્યારે બાબુઆણ્ણાને કહી ત્યારે એણે મને વહાલથી સમજાવતાં કહ્યું કે આપણે ચિત્રકામમાં આપણને મનગમતા ચોરસ, ગોળ આકારો દોરી શકીએ છીએ તેમ જિંદગીમાં દોરી શકાતા નથી. માની લે કે જિગસો પઝલમાં એકાદો ટુકડો ખોટી જગ્યાએ લાગી ગયો. એ તો તું નાની હતી તેથી તું ખોટું કામ કરી બેઠી.
એક વાર દિવાળીમાં બેલગામમાં હું શક્કરપારા કરવા બેઠેલી, આણ્ણા આવી ચઢ્યા ને હું રડવા લાગી કારણ કે મારા સક્કરપારા તળતી વખતે ફૂટી જતા હતા. તો આણ્ણાએ કહ્યું કે એમાં રડવાનું શું! ખાંડ વધારે પડી ગઈ છે;એમ કર થોડો મેંદો નાખ, તું વણી આપ ને હું તળી નાખું. એ નાસ્તો અમે પબાક્કાને ઘટપ્રભા જઈને આપી આવેલાં. આણ્ણા અમારા માટે સાડી લઈ આવેલા.
*
નવમા ધોરણમાં મામાનો ત્રાસ હદ બહાર વધી ગયો એટલે પરીક્ષા પછી બાબુઆણ્ણા બેલગામ આવીને મને ધારવાડ લઈ ગયા, થોડા વખત પછી પબાક્કા પણ ત્યાં આવી ગઈ. ત્યારે એમણે અમને કહ્યું કે હું મારી રીતે તમને બન્નેને સુખી રાખવાનો પ્રયત્ન કરીશ, કોઈ વાતે મણા રાખીશ નહીં પણ હું તમારા માબાપની ભૂમિકા નહીં નિભાવી શકું; તે માટે મને માફ કરશો. – આમાં જ એમની મોટાઈ, અસામાન્યત્વ અને એમના વ્યક્તિત્વની ઊંચાઈ સમાયેલી છે.
અને શરૂ થાય છે ધારવાડનો સુવર્ણકાળ! આણ્ણાના ઘરમાં પેસતાં જ મારો અત્યાર સુધીનો બધો થાક ઓસરી ગયો, એમણે મારી સામે જોયું, મને રાજી જોઈને એ પણ રાજી થયા. મારા આવતાં પહેલાં એમણે બિસ્કિટ-ચેવડા જેવો નાસ્તો લાવી રાખેલો. ઘર એકદમ વ્યવસ્થિત, રસોડું પણ ચોખ્ખુંચણાક. અહીં આવીને મેં જાણ્યું કે અણ્ણા ઓઇલ પેઇન્ટંગ્ઝિ પણ કરતા. એમની એક સાઇકલ હતી (પાછળથી વેસ્પા સ્કૂટર આવેલું). ઉપર હોલમાં રેડીઓ હતો, આણ્ણાની વાર્તા ‘બાધા’, એમણે પોતે જ વાંચેલી એ ધારવાડ આકાશવાણી પરથી પ્રસારિત થઈ તે દિવસે એમણે રેડીઓ લીધેલો; ચાલો, બિનાકા ગીતમાલા સાંભળવા મળશે. હોલની બાજુમાં બાબુઆણ્ણાનો ઓરડો, નર્યાં પુસ્તકો અને એક મોટ્ટી પેન! કેમ? તો કહે કે વારેઘડીએ શાહી ભરવી ન પડે ને!
બપોરની ચા પછી એ ક્લબમાં જતાં પહેલાં એના રૂમની આરામખુરશી પર બેસીને હીરાબાઈ બડોદેકર, સરસ્વતી રાણે, ભીમસેન જોશી, કુમાર ગંધર્વ, પ્રભા અત્રેની રેકોર્ડસ સાંભળતા બેસે; મરાઠી ગાયિકા જ્યોત્સ્ના ભોળેનું એક ગીત: ‘મારે તે મહિયર જા રે પારેવડા’ – એના વિશે જાણીતાં સાહિત્યકાર વિજયા રાજાધ્યક્ષને પત્રમાં લખેલું કે આ ગીત સાંભળ્યા પછી ક્યાંયે સુધી કંઈ સૂઝતું નથી. પુ. લ. નાં પુસ્તકો અને લખાણ તો મને પ્રિય છે જ પણ તેમાંય તેમણે આ ગીતને આપેલો ઢાળ (સંગીતદિગ્દર્શક તરીકે), એનું તે શું કહેવું!
ત્યાં ઘટપ્રભામાં હવે પબાક્કાને ફેફસાનું ઓપરેશન કરાવવાનું થયું, ઓપરેશન મોંઘું હતું પણ આણ્ણાએ એની વ્યવસ્થા કરાવી અને ઓપરેશન થઈ ગયું. પાછળથી જાણેલું કે એ વખતે તેમને એક શિષ્યવૃત્તિને લીધે અમેરિકા જવાનું હતું પણ એમણે એ નકાર્યું અને પબાક્કાના આ ઓપરેશન માટે અંગ્રેજીનાં થોડાં પુસ્તકોનાં ભાષાંતરનું કામ સ્વીકાર્યું હતું.
અમારું રોજનું જમણ પણ એક તહેવાર જ હોય! જમતી વખતે એ અમને કેટકેટલી વાતો કહે, ‘નેશનલ જ્યોગ્રોફી’ એનું ગમતું માસિક, એમાંથી બધું અમને કેટકેટલું જણાવે. એક વારે એમણે કહેલું કે લોકો જેટલી નિષ્ઠાથી ‘વિષ્ણુસહસ્રનામ’ વાંચે એટલી જ નિષ્ઠાથી હું આ ‘નેશનલ જ્યોગ્રોફી’ વાંચું છું.
પબાક્કાએ ઘર સંભાળી લીધું, હવે આણ્ણા નિરાંતે સુંદર ઓઇલ પેઇન્ટંગ્ઝિ કરતા, એમને ‘શંકર્સ વીકલી’માં ઘણા પુરસ્કારો પણ મળેલા. એ કોતરકામ પણ કરી લે, એક નાનકડા પથ્થર પર એમણે બુદ્ધ કોતરેલા.
એ ઓરડાનું બારણું બંધ કરીને લખ્યા જ કરે, અમારે ઉપર નહીં જવાનું, ચા-પાણી ને જમવાના સમયે એ ઉપરથી અચૂક આવી જાય. ત્યારે એમને કેટકેટલા દિવાળી અંકો માટે લેખન કરવાનું રહેતું!
મારે કોલેજમાં જવાનું થયું તો મને એમની કોલેજમાં નહીં પણ કર્ણાટક કોલેજમાં એડમિશન અપાવ્યું. કેમ? તો કહે કે ના, મારી કોલેજમાં કોઈ મને કહી જાય કે બહેન તરફ વધુ ધ્યાન આપે છે કે મારા લીધે એને વધુ સુવિધા મળે છે – એ મને નહીં પોસાય. અહીં પણ તકલીફ તો હતી જ કે પહેલેથી બધા જ વિષયો અંગ્રેજીમાં ભણાવે તો ત્યાં પણ બાબુઆણ્ણા મારી વહારે હતા જ.
એક વાર મેં આણ્ણાને કહ્યું કે હું તમારી કોલેજમાં તમારા વર્ગો ભરવા આવું? તો એમણે ઘસીને ના પાડી. આ બાબતે એમની કોલેજમાં ભણતી મારી બહેનપણીઓ કહે કે તું તારે આવ ને, તારા ભાઈ તો છોકરીઓની સામે જોતા જ નથી, એટલે તારા આવવાની કંઈ ખબર નહીં પડે. થયું એવું જ કે હું આણ્ણાનો વર્ગ ભરીને પાછી બહાર નીકળી ગઈ પણ એમને કંઈ ખબર પડી નહીં!…
એ જોતા કે પબાક્કા ઘર માટે કેટલાં વૈતરાં કરે છે તો એને પાણી ગરમ કરવા બંબો લાવી આપેલો. એક વાર એમણે મરાઠીના એક કવિવર્ય ગ્રેસને પત્રમાં લખેલું: ‘મારી આ બહેન (પ્રભાવતી) મારા કરતાં કેટલી નાની પણ મારી મુશ્કેલીના ટાણે મારો છાંયો બની રહી, મારા માટે અનેક વ્યાવહારિક તાપ સહન કરનારી, હું વાંચતો-લખતો હોઉં તો મને ઉપર ખલેલ ન પડે તે માટે નીચે વાસણ પણ સાવ ધીમેકથી – અવાજ ન થાય તેમ ચઢાવે! એના માટેની મારી કૃતજ્ઞતાને માટે મારી પાસે કોઈ શબ્દો નથી.’ પબાક્કાએ પણ ‘મારા ભાઈ જી. એ.’ નામના એક લેખમાં લખ્યું છે: ‘ક્યારેય, ક્યાંયે પાછા ન પડનારા,દુ:ખ કે સંકટના સમયે અમને છાના રાખનારા, કોઈ પણ ઘડીએ ઢાલની જેમ ઊભા રહી જનારા અને ગરુડની જેમ પાંખ પસારીને સતત માયાનો છાંયો ધરનારા…!’
દીવાળીના આકાશદીપ પોતે બનાવે. ભાઈબીજ તો બહેનોનો મોટો ઉત્સવ! બન્ને બહેનોની વર્ષગાંઠ પણ હોંશે ઊજવાતી. એમને ક્યાંયે સુધી આણ્ણાની વર્ષગાંઠની ખબર નહોતી પણ કોઈના આવેલા કાર્ડ પરથી ખબર પડી તો બહેનોએ ગભરાતાં અચકાતાં નાને પાયે, એમને ગમે તે રીતે ઊજવવાની શરૂ કરી. આણ્ણાને ભાવે તે બનાવવાનું, તે દિવસે પહેલી ચા પણ એમને રૂમમાં અર્થાત્ બેડ-ટી તરીકે ધરવાની. એમની ફેવરીટ, ‘ગોલ્ડ ફ્લેક’ સિગરેટ અને ભાવતું પાન ધરવાનું.
એમના વિદ્યાર્થીર્ઓ એમને જન્મદિવસે મળવા આવે તે તેમને ગમતું નહીં, પગે લાગે તો ક્ષોભ પામીને કહેતા કે હું તમારા જેવો જ છું, મને પગે લાગશો નહીં; તમારા માતાપિતાને પગે લાગો કે જેમણે તમને પેટે પાટા બાંધીને ભણાવ્યા છે.
ગુડી પડવો હતો (મરાઠીઓનું બેસતું વર્ષ). પબાક્કાએ જમવાનું બધું તૈયાર કરી રાખેલું પણ લીંબુ નહોતાં અને છેલ્લે હું દોડતી લેવા ગઈ પણ ન મળ્યાં અને આણ્ણાને ખબર તો પડી ગઈ. એમણે જમતી વખતે અમને કહ્યું કે ગઈ કાલથી જ આપણી બધી તૈયારી હોવી જોઈએ. યાદ ન રહે તો લખી રાખવું જોઈએ. મોળીદાળ-ભાત પર લીંબુ ન હોય તો સુંદર મોઢા પર કંકુ ન હોય તેવું લાગે. દસ વસ્તુ ન બનાવો પણ બે વસ્તુ સરખી બનાવો તો થયું. તે પડવે અમારું જમણ જામ્યું નહીં. મને થઈ આવ્યું કે એક દિવસ લીંબુ ન હોય તો શું થઈ ગયું?
લગ્ન માટે તેઓ ચૂપ રહેતા, એમ તો પહેલાં એમની સાથે એક બે વાર અમે કન્યા જોવા ગયેલાં પણ કોણ જાણે કેમ વાત ત્યાં જ બંધ થઈ ગઈ. એક વાર મેં આ બાબતે પૂછેલું તો એમણે કહેલું કે તું ઘણી નાની છે. મેં નાનપણથી જ ઘણાં દુ:ખો જોયાં છે, આવનારી પર હું મારાં એ દુ:ખો લાદવા માગતો નથી. હવે પછી ફરી મને આ બાબતે કંઈ પૂછીશ નહીં.
*
માંદી રહેતી પબાક્કાનાં તો લગ્ન થઈ શક્યાં નહીં, નાની આ નંદા ભણીને મુંબઈ નોકરી કરવા ગઈ; આણ્ણાને ઓછું ગમ્યું પણ પછી એમને મનાવી લીધા અને મુંબઈમાં જ નંદાના લગ્નનું ગોઠવાઈ ગયું.
તેમના ‘કાજળમાયા’ વાર્તાસંગ્રહને સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળેલો, બહેનોના આગ્રહથી જી. એ. દિલ્હી પણ જાય છે, પુરસ્કાર સ્વીકારે છે, પછી એ પુસ્તક માટે વાદવિવાદ થાય છે અને જી. એ. ભાડાભથ્થા સાથે પુરસ્કારની રકમ પાછી કરે છે.
જી. એ.ને છેલ્લાં થોડાં વર્ષોથી આંખની અને પેટના દુખાવાની તકલીફ રહેતી હતી તે વધી હતી. એ જ અરસામાં તેઓ રીટાયર્ડ થયા. પછી મુંબઈ બે વર્ષ સારવાર અર્થે રહ્યા, ત્યાં જ સાલ 1984માં તેમનું નિધન થયું.
એમના ગયા પછી એમની પાછળ ‘પ્રિય જી. એ. સન્માન’ નામનો પુરસ્કાર આપવાનું શરૂ થયું. પહેલો પુરસ્કાર સુનીતા દેશપાંડેને મળ્યો, ત્યાર બાદ ડો. લાગુ, કવિ ગ્રેસ, વાર્તાકાર મોનિકા ગજેન્દ્રગડકર તેમજ એલકુંચવાર, વગેરેને મળ્યો છે.
બેલગામના ગ્રંથાલયમાં ‘પ્રિય જી. એ. સ્મૃતિખંડ’ની સ્થાપના થઈ છે.
પૂના ખાતેના જી. એ.ના ઘર પાસેના રસ્તાને ‘જ્યેષ્ઠ વાર્તાકાર જી. એ. કુલકર્ણી માર્ગ’ એવું નામકરણ પુ. લ. દેશપાંડેના હસ્તે થયું. ત્યારે તેમનો હાથ જી. એ.ના નામની તકતી સુધી પહોંચતો નહોતો અને તરત જ પુ. લ. બોલી ઊઠેલા: અરે, એમના નામની તકતી સુધી આપણો હાથ પહોંચી શકતો નથી તો એમના સાહિત્યની ઊંચાઈ સુધી તો આપણે કઈ રીતે પહોંચવાના?
*
પોતાની વાર્તાઓમાંથી માનવજીવનની સંદિગ્ધતા અને સમસ્યાઓના ગૂંચવાડા રજૂ કરનારા શ્રેષ્ઠ કથાકાર જી. એ. કુલકર્ણીની ફરતે વીંટાયેલા ગૂઢતાના ધુમ્મસના વલયને એમની બહેન નંદાએ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. જી. એ.માં રહેલા નીતર્યા માણસનું, એમની માણસાઈનું વિલોભનીય દર્શન આ પુસ્તકમાં થયું છે.
આ પુસ્તક વાંચતી વખતે આંખ કેટલીયે વાર ભીની થઈ આવી ને ખાસ તો સતત મને જૂના જમાનાનું ચિત્રપટ સાંભરી આવ્યું: ‘છોટી બહન’ જેમાં નંદા અને અશોકકુમાર હતાં; ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના.’
જી.એ.નું શબ્દચિત્ર નંદાતાઈએ અત્યંત ભાવસભરતાથી દોર્યું છે, એની ભાષા પ્રવાહી છે, સૂક્ષ્મ નિરીક્ષણો તેમજ રસળતી શૈલીને લીધે પુસ્તક હાથમાંથી મૂકવાનું મન થતું નથી. જી. એ. પ્રેમીઓ માટેની એક મોંઘામૂલી ભેટ એટલે ‘પ્રિય બાબુઆણ્ણા!’
*
અરુણા જાડેજા
અનુવાદક.
શિક્ષક, અનુવાદક.
અમદાવાદ.
arunataijadeja@gmail.com
81604 79238
*