તુમિ શુધુ નીરવ ચિત્કાર – શંખ ઘોષ
સિગ્નેટ પ્રેસ, કોલકાતા, 2015
શંખ ઘોષનો જન્મ ચાંદપુર (બાંગ્લાદેશ)માં 1932માં થયો હતો. ભારત વિભાજન પછી 1948માં એમનો પરિવાર કોલકાતા આવી ગયો. પોતાનાં સ્વાધ્યાય અને લેખનસાતત્યના બળે શંખ ઘોષ સાહિત્યસર્જન, સાહિત્યિક પત્રકારત્વ અને અધ્યાપનના ક્ષેત્રમાં ખ્યાત થયા. ‘બાબરેર પ્રાર્થના’ માટે 1977માં એમને સાહિત્ય અકાદેમી(દિલ્હી)નો પુરસ્કાર મળેલો. તાજેતરમાં એ જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત થયા છે.
બંગાળી કવિતામાં શંખ ઘોષ એક અનોખા કવિ છે. એમની કવિતામાં વ્યક્તિચેતના અને સમાજચેતના બંનેનું યુગપત્ આલેખન છે. તેઓ એકી સાથે પ્રેમ અને પ્રતિવાદ બંનેના કવિ છે. અહીં પ્રેમનો અર્થ વિશ્વપ્રકૃતિ સાથેનું કવિનું સાયુજ્ય અને એમની નિરંતર જીવન-જિજ્ઞાસા, પ્રતિવાદનો અર્થ છે સામાજિક અન્યાય અને અત્યાચારની રોજિંદી ઘટનાઓ સામેનો એમને આક્રોશ. તેઓ જેટલા ‘ગાંધર્વ કવિતા’-ગુચ્છના કવિ છે એટલા જ ‘લાઈનેય છિલામ બાબા’ (હું કતારમાં જ હતો, ભાઈ!)-ના પણ કવિ છે.
0
આ માટે આપણે એમના નવીનતમ કાવ્યસંગ્રહ ‘તુમિ શુધુ નીરવ ચિત્કાર’ (સાંભળુ છું કેવળ નીરવ ચિત્કાર)ની કવિતા વિશે વાત કરીશું.
કવિએ સંગ્રહનાં કાવ્યોને બે પર્વો કે ચરણોમાં વિભાજિત કર્યાં છે – એક સાથે બે ભિન્ન પ્રકૃતિનાં કાવ્યો. એના પ્રથમ પર્વનું શીર્ષક છે – ‘એ એમન સમય જેખન’ (એક એવા સમયમાં, જ્યારે –). એમાં છેલ્લાં દસ વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં થયેલી અભૂતપૂર્વ રાજકીય ઉથલપાથલના પરિપ્રેક્ષ્યમાં લખાયેલાં 27 કાવ્યો સમાવિષ્ટ છે. દ્વિતીય પર્વ ‘આમાર ધર્મેર કથા’ (મારા ધર્મની વાતો)માં વર્તમાન જીવન સાથે જોડાયેલા રસબોધનાં 32 કાવ્યો સમાવિષ્ટ છે.
પહેલા પર્વની પહેલી કૃતિનું શીર્ષક છે. ‘ઇટલીમાં કવિ.’ આ કાવ્ય એક રીતે સમગ્ર સંગ્રહની નાન્દી જેવું છે. એમાં ફાસીવાદના સમયમાં ઈટલીમાં રવીન્દ્રનાથના ભ્રમણ નિમિત્તે કોઈ પણ દેશ અને કાળના સ્વેચ્છાચારી કુશાસનનાં ઘૃણાસ્પદ લક્ષણો તરફ અંગુલિનિર્દેીના એક ઇશારે નેતાગણ ખુલ્લે આમ/ઘુંટણિયે પડી જાય છે/એવા સમયમાં/નર્યા ચિત્કારભર્યા શબ્દોમાં કોઈ અધમ જૂઠ પણ સુભાષિતનું સત્ય બની જાય છે.’
વિશેષ આલોચનાને અવકાશ ન હોવાથી અહીં હું આ પર્વનાં બે વિશિષ્ટ કાવ્યો વિશે વાત કરીશ.
પહેલું કાવ્ય – ‘નૈશ સંલાપ-2007’ [રાત્રિસંવાદ-2007]. સૌ જાણે છે કે નંદીગ્રામના નરસંહાર પછી તત્કાલીન શાસક પક્ષ વામપંથના વિરોધમાં થયેલા બુદ્ધિજીવીઓના આંદોલનનું નેતૃત્વ શંખ ઘોષે લીધેલું અને એનાથી જ પશ્ચિમ બંગાળમાં રાજકીય પરિવર્તનનો પ્રારંભ થયેલો. આ કાવ્યનો જન્મ પણ 2007માં જ થયો. એમાં કવિ અને વામપંથના સમર્થક એવા એમના એક ઘનિષ્ઠ મિત્ર વચ્ચેની અંતરંગ વાતો સચ્ચાઈપૂર્વક નિરૂપાઈ છે. એ મિત્રનું કહેવું હતું –
તમે તો અમારી વિરુદ્ધમાં/સામસામે આવી ગયા આમ ખુલે આમ/જોવા પડ્યા છેવટે આ દિવસો પણ?
કવિએ જવાબ આપ્યો –
વિચારો તો જરા, ક્યાંથી ક્યાં ઊતરી આવ્યા/તમે બધા આમ?/શું હતા ને શું થઈ ગયા શું…/આજે પણ એ સમજી શક્યા નથી તમે સૌ/એક દિશાભ્રષ્ટ રાજ્યે તમને એ જાણવા જ ન નથી દીધું./ભીતર ને ભીતર હાવી થતો રહ્યો લુમ્પેન સમાજ.
આ કાવ્યમાં વ્યક્ત ભવિષ્યવાણી પશ્ચિમ બંગાળમાં ડાબેરી દોરના અંત સાથે જોડાઈ ગઈ. ખરું જોતાં તો આ કાવ્ય સ્પષ્ટરૂપે એક રાજનૈતિક સાહેદી જ તો છે.
+ સામાન્ય રીતે લોકો પર હાવી થઈ જતાં વિકૃત કે વિઘાતક તત્ત્વો માટે લુમ્પેન સંજ્ઞા વપરાય છે. – રમણીક
બીજું એક કાવ્ય ‘શિરા-ઉપશિરા’ પણ પૂર્વવર્તી વાર્તાલાપની એક ઉત્તરવર્તી આવૃત્તિ જ છે. અહીં પણ રાજકીય બદલાવ પછી, કંઈક જુદા જ દુદિર્નમાં, કવિતાની અને કોમરેડ (બિરાદર) સાથેની વાતોનું વિવરણ છે. સાતત્યભર્યા દુખદ દિવસોની વેદના. કોમરેડની સામે જ આ ફેંસલો સંભળાવાય છે –
મન થાય છે આજે એ જાણવાનું કે/જેને તું અચાનક, અને જાણે અનાયાસ,/’લુમ્પેન’ કહીને બોલાવે છે/એ આજ સુધીમાં ક્યાં અને ક્યારે પેદા થઈ ગયા!/ક્યાંથી આવી ટપક્યા એ બાહોશ મોટર-સાઇકલ-સવાર!/શું એ બધા જ, આ વચગાળામાં,/તારા ગોપનીય ભીતરની નસેનસમાં જ/દોડી રહ્યા નહોતા?
મને આશા છે કે કવિએ નિર્મમ દૃષ્ટિથી કહેલી આ વાત સાથે આપણે સૌ સહમત થઈશું.
એક બાબત અહીં ધ્યાનાર્હ છે. ‘પ્રતિવાદી પર્વ’નાં આ કાવ્યો રૂપરચનાની દૃષ્ટિએ એકદમ સાદગીભર્યાં છે – સાવ નિરાભરણ, અનલંકૃત. નિ:શંકપણે બધાં જ કાવ્યો ‘સ્ટેટમેન્ટ’-ધર્મી (વિધાનાત્મક) છે. રૂઢિ-પ્રયોગોના વિનિયોગ માટે જાણીતા આ સિદ્ધ કવિએ જાણે આ કાવ્યોમાં તમામ અલંકરણો ત્યજી દીધાં છે. એમની વાણીમાં નિવિર્કાર સરળતાની સાથે એક નિ:સંગ સ્વગતોક્તિનો સૂર વ્યંજિત થઈ ઊઠ્યો છે.
હવે બીજા પર્વ – ‘આમોર ધર્મેર કથા’-ની વાત કરું.
આ પર્વમાં કવિ શંખ ઘોષ એક પ્રાણવાન પુરુષ જેવા સતેજ અને પોતાની વિશિષ્ટ કાવ્યભાષા સાથે અડીખમ ઊભા છે. એમના વિશે એવું કહેવાયું પણ છે કે એમની કાવ્યભાષાની વહેતી ધારા ખૂબ જ માયાવી છે – જેના બન્ને કિનારાઓ પર ગદ્ય ઉપસ્થિત છે. પણ એ નજરે નથી ચડતું. આ પર્વનાં કાવ્યોમાં કેવળ પ્રેમ જ નહીં, પરંતુ મૈત્રીને પણ એક મહત્ત્વપૂર્ણ વિષયવસ્તુ તરીકે જોઈ શકાય – ‘વ્રત’, ‘આમાર ધર્મેર કથા’, ‘મુક્ત વેણી’, ‘તોમાર અધુનામુખ’ કાવ્યોમાં એનાં દૃષ્ટાંતો મળી રહે છે.
‘કોઈ પણ સમૂહ (સંઘ) એક દાયકામાં તૂટી જાય છે.’ – એવી પ્રસિદ્ધ ઉક્તિના આ કવિએ જીવનભર એ જોયું છે કે મતભેદ અને વળી મનભેદને પરિણામે મૈત્રી પણ ડગલે ને પગલે કેવી તૂટી જતી હોય છે! આ ભગ્ન મૈત્રીનું વર્ણન એમણે આ પંક્તિઓમાં કર્યું છે:
જો કે આવતું રહે છે કોઈ કોઈ,/એટલું જ નહીં, હસી હસીને વાતો પણ કરે છે./પણ એ વાતો કે એવી કોઈ પણ વાતનું/નથી મળતું કોઈ પગેરું, કોઈ અતીત….
(તોમાર અધુનામુખ)
આ પર્વનાં કાવ્યોમાં જોઈ શકાય છે કે પ્રેમની બાબતમાં શંખ ઘોષ હજુ કેટલા આક્રમક છે! એ કાવ્યોમાંથી ત્રણ ઉદાહરણ અહીં ક્રમાનુસાર મૂકું છું –
તારું અંતિમ આલિંગન/તું આપી ગઈ છે પથ્થરની કાયાને/પથ્થરો પર ફૂટી નીકળ્યાં છે ફૂલ/તારું મુખ જોવાની આશામાં/બેઠો છે એ મીટ માંડીને. ‘(અભિજ્ઞાન’)
0
વચ્ચે વચ્ચે હિમખંડોથી છવાયેલો છે/પહાડોનો દેહ./સાંજનો સમય અને આ સાગરજળ/આપણે બંને છીએ પાસપાસે/કંઈક એ રીતે કે આ સમય પણ/સ્તબ્ધ બની થંભી ગયો છે/દૂર પંથ પર જઈ રહ્યા છે કેટલાક ફકીર-સંન્યાસી/ક્યાં જઈ રહ્યા છે એ –/એક કાળથી બીજા કાળને કિનારે!
‘(ગ્લેશિયર’)
0
તું કેવળ તું છે/માત્ર તારી બે આંખો જ નહીં/આખું શરીર છે પદ્મજાત.
‘(પદ્મિની’)
શંખ ઘોષનાં આ પ્રેમકાવ્યોની પ્રત્યેક પંક્તિ એમની આત્મ-સમીક્ષા દ્વારા સુબદ્ધ અને સમૃદ્ધ છે. એ સાથે જ એમનાં પ્રેમકાવ્યોની પૃષ્ઠભૂમાં એમની પ્રતિવાદી ચેતના પણ જાગ્રત રહે છે. ખરેખર તો, પ્રેમ અને પ્રતિવાદનો દ્વંદ્વ જ એમની જીવન-ચેતનાનું મૂળ સૂત્ર છે. આ પર્વનાં કાવ્યોમાં પણ આપણને એ વાતનાં પ્રમાણો મળી રહે છે.
હવે હું, આ સંગ્રહના એક વિશિષ્ટ કાવ્યનો ઉલ્લેખ કરું. એ કાવ્યનું શીર્ષક છે – ‘ભસ્મમુખ’. એક ભિખારણના અટૂલા મોત વિશેનું એ કાવ્ય છે. એમાં શંખ ઘોષે સ્વકેન્દ્રી અને નિષ્ઠુર નગરજીવનનું મર્મસ્પર્શી અને ગ્લાનિસભર ચિત્ર કંડાર્યું છે જે એમના કાવ્યોના કેન્દ્રીય વિષયવસ્તુ સાથે સંબદ્ધ છે –
એના દિવસો ઊગતા/તે બસ નષ્ટ થવા માટે,/અને રાતો રહેતી નિરાધાર./આંખો – એનું ભિક્ષાપાત્ર/ભર્યું હતું જે કેવળ ખાલીપાથી./હતી શું એ કોઈ ગાંડી-ઘેલી,/કે પછી કોઈ પ્રતિભાવાન સ્ત્રી?/ક્યારેક ક્યારેક એણે ઇચ્છ્યું હતું/પોતાની જાતની જ ભીખ આપી દેવાનું./હસવું એનું નહોતું હસવું,/કે રડવું એનું નહોતું રૂદન./બળવું એનું નહોતું બળવું/એ જ લથપથ હતી આગથી!/આપણા સૌની અસહાય હથેળીઓમાં/આતુરતાપૂર્વક પણ વિનીત ભાવે/આપી દઈને ભીખરૂપે પોતાની જ જાતને/પડી છે એ ઝાડ નીચે ચિર સ્થિર/કંઈક સૂકી ડાળીઓ/ઝૂકી છે એના મસ્તક પર/અને ઈશ્વરનું અંતિમ કિરણ/પડી રહ્યું છે એના ભસ્મમુખ પર.
બેહદ ભયાવહ છે આ કાવ્ય. આમ તો જોકે હું પણ કોઈને ભીખ આપતો નથી. પરંતુ આ ભિખારણ મને જે ભીખ (શીખ) આપવા માગે છે – એને હું કદી સમજી શક્યો નથી અને આ કાવ્ય વાંચીને હું જે કંઈ સમજ્યો છું, તેનાથી હું એકદમ ભાવવિહ્વળ બની ગયો છું. કવિએ તો એમ પણ કહ્યું છે કે, મૃત ભિખારણના મુખ પર ‘ઈશ્વરનું અંતિમ કિરણ’ પડી રહ્યું છે. સામાન્ય રીતે શંખ ઘોષની કવિતામાં ‘ઈશ્વર’ શબ્દ જોવા મળતો નથી. તેથી અહીં એવું સ્પષ્ટ થાય છે કે કવિની ઊંડી વેદનામાંથી જ આ ભાવસઘન કલ્પન ઊપસી આવ્યું છે. જેના માધ્યમથી ઈશ્વરનાં ક્રોધ અને કરુણાનું તેમજ આપણા સૌ માટે દંડ અને વિનાશનું આછું દર્શન કવિ અહીં કરાવે છે.
શંખ ઘોષનાં કાવ્યો આવી જ નિષ્કંપ આંતરદૃષ્ટિથી રચાયાં છે. એમનું કવિહૃદય પૂરી સક્રિયતાથી આ સૃષ્ટિની મર્મવેદનાનું સંધાન કરે છે તે નિરંતર એ વેદનાના સ્રોત-સંધાન અને ઉપશમનના આલેખક રહ્યા છે. એમનો આ નવો કાવ્યસંગ્રહ પણ એ જ વેદનાનો નીરવ ચિત્કાર છે અને એના ઉપશમનના પ્રયાસમાં રહેલો છે એમના અંતહિર્ત પ્રેમનો મુખર સંકલ્પ.
*
રણજિત દાસ[1]
બંગાળીના કવિ, વિવેચક.
પૂર્વ સરકારી અધિકારી આસિસ્ટંટ કમિશનર, એગ્રીકલ્ચર, કોલકાતા.
ranjit_das2007@yahoo.co.in
97489 76712
*
- રણજિત દાસે મૂળ બંગાળીમાં લખેલી આ સમીક્ષાનો, હિંદીના લેખક-સંપાદક રણજિત સાહા(નવી દિલ્હી; 09811262257)એ હિંદી અનુવાદ કરી મોકલેલો. એનો ગુજરાતી અનુવાદ કવિ-અનુવાદક રમણીક સોમેશ્વરે(વડોદરા; 9429342100) કર્યો છે. મૂળ બંગાળી કાવ્યપંક્તિઓના શ્રી સાહાના હિંદી કાવ્યાનુવાદોના ગુજરાતી કાવ્યાનુવાદો શ્રી સોમેશ્વરના છે. ↵