નિકટવર્તી નહીં પણ હવે દૂરવર્તી વાચન – હર્ષવદન ત્રિવેદી

Distant Reading – Franco Moretti

Verso Books, U.K., 2013

આધુનિકતાના યુગમાં નવ્ય વિવેચનની Close Reading (સઘન/ઘનિષ્ઠ/નિકટવર્તી વાચન)ની બોલબાલા હતી. સાહિત્યના શિક્ષણના એક ઉપકરણ તરીકેની તેની ઉપયોગિતા આજે પણ યથાવત્ છે. ક્લીન્થ બ્રૂક્સ, રોબર્ટ પેન વોરેને સંપાદિત કરેલી Understanding Poetry, Understanding Fiction વગેરેની શ્રેણીએ તો અનિવાર્ય પાઠ્યપુસ્તકોનું સ્થાન લીધું હતું. એ પછી નવ્ય વિવેચકોના કૃતિ પરના વધારે પડતા ભારથી અકળાયેલા નવ્ય ઇતિહાસવાદીઓએ કૃતિના ઐતિહાસિક અને સામાજિક સંદર્ભ પર ભાર મૂક્યો. અને હવે સાહિત્યવિવેચનના વૈશ્વિક મંચ પર ફ્રાન્કો મોરેત્તિનું આગમન થયું છે. મોરેત્તિએ કૃતિવિશ્લેષણ અંગેના પોતાના રૂઢિભંજક વિચારો અને અદ્યતન ટૅક્નોલોજીના ઉપયોગ દ્વારા વિવેચનજગતને હચમચાવી નાખ્યું છે.

ઈટાલીયન વિદ્વાન ફ્રાન્કો મોરેત્તિ એ ઝાક દેરિદા પછીનું મોટું નામ હાલમાં ગણાય છે. સંરચનાવાદ અને ઉત્તરસંરચનાવાદે કૃતિ અને કર્તા અંગેના આપણા પરંપરાગત વિચારોને પડકાર્યા તો મોરેત્તિએ વાચન અંગેના આપણા વિચારોને એક તીવ્ર આંચકો આપ્યો છે.

અત્યાર સુધી આપણે માત્ર વૈયક્તિક કૃતિ પર જ ભાર મૂકતા હતા. કૃતિબાહ્ય સંદર્ભોનો પરિહાર કરીને કૃતિના ગાઢ કે સઘન અધ્યયનને મહત્ત્વ આપતા હતા. આ વાચનપદ્ધતિ નવ્ય વિવેચકોએ વિકસાવી હતી. જેને તેઓ Close Reading – નિકટવર્તી વાચન કહેતા હતા.

કૃતિ કેવી રીતે વાંચવી તે આપણે નવ્ય વિવેચકો અને તેમના અભિગમો પાસેથી શીખ્યા. હવે તેનાથી ઉફરા કેવી રીતે જવું કે એ જૂની ટેવમાંથી કેવી રીતે છૂટવું તે મહત્ત્વનો મુદ્દો છે.

દૂરવર્તી વાચનમાં જે તે સમયની સેંકડો, હજારો કૃતિઓનો ડેટા તારવીને તેનું વિશ્લેષણ, એ પણ કમ્પ્યુટર દ્વારા થાય છે. આથી તેનાં તારણો વધુ આધારભૂત રહેવાની શક્યતા છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે, ‘નિકટવર્તી’ વાચન એ એક વાચનપદ્ધતિ હોવા કરતાં ય કૃતિવિશ્લેષણ અંગેનો એક અભિગમ કે દૃષ્ટિકોણ છે. વાચનને ‘નિકટવર્તી’, ‘સઘન’ કે ‘ઘનિષ્ઠ’ એવું વિશેષણ લગાવીએ છે ત્યારે તેનો અર્થ એવો થશે કે વાચન આપણે વિશેષ સાવધાનીથી, વધારે ધ્યાન આપીને, તમામ વિગતોને ધ્યાનમાં લઈને કરવાના છીએ. વળી જે કૃતિનું વાચન કરવાનું છે તે જે વિષય કે ક્ષેત્રને લગતી હોય તેની આપણને પર્યાપ્ત જાણકારી પણ હોય છે. આમ સઘન, ઘનિષ્ઠ, નિકટવર્તી વગેરે વ્યાકરણની ભાષામાં કહીએ તો – ‘Intensifier’છે. આપણે કોઈને સૂચના આપીએ કે આ કામમાં બરાબર ધ્યાન આપજો. એવો જ અહીં ભાવાર્થ છે. Closeનો અનુવાદ ‘નિકટવર્તી’ કરતી વખતે ઘણાંના માનસમાં એવું ચિત્ર પણ ઊપસતું હશે કે અભ્યાસી ચોપડીનાં પાનાંની લગોલગ પોતાનું મોઢું લઈને બિલોરી કાચ વડે વાંચવાની કોશિશ કરે છે. ‘દૂરવર્તી વાચન’ વિશે પણ આવી જ કલ્પના થઈ શકે કે, અભ્યાસીઓ ટેલિસ્કોપની મદદથી દૂર પડેલા કૃતિઓના ગંજનો અભ્યાસ કરી રહ્યા છે. એટલે નિકટવર્તી અને દૂરવર્તી આ બંને શબ્દોને અભિધામાં નહીં પણ લક્ષણામાં લેવાના છે.

મોરેત્તિની મુખ્ય દલીલ એવી છે કે સમાજવિદ્યાઓની કાર્યપદ્ધતિ વૈજ્ઞાનિક હોવાથી સાહિત્યના અભ્યાસો કરતાં એક વિદ્યાશાખા તરીકે તેમની પ્રતિષ્ઠા વધારે ઊંચી છે. સાહિત્યના અભ્યાસની પદ્ધતિ સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓ જેવી વૈજ્ઞાનિક નથી. મોરેત્તિને સાહિત્યના વૈજ્ઞાનિક અભ્યાસમાં રસ છે. આથી જ તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં સાહિત્યના અધ્યયન માટે કોઈ કેન્દ્ર કે સેન્ટર નથી સ્થાપ્યું પણ લિટરરી લેબોરેટરી સ્થાપી છે. અહીં ‘લેબોરેટરી’ કે પ્રયોગશાળા એ શબ્દ પર ધ્યાન આપવાનું છે. મોરેત્તિ પદાવલી, અલંકાર, છંદરચના, વસ્તુસંકલ્પના, કલ્પનો, પ્રતીકો આદિનું વિવરણ આપવાને બદલે કોઈ નવલકથાનાં પાત્રો વચ્ચેનો સંબંધ કેવો છે એ સમજાવવા માટે આકૃતિઓ દોરવી કે એક જ સમયગાળાની નવલકથાઓમાં પ્રતિબિંબિત જનજીવનની વિગતોની યાદીઓ તૈયાર કરવી અને પછી તેમનું આંકડાકીય વિશ્લેષણ કરવું – એવી બાબતોમાં વધુ રસ લીધો છે.

આમાં મોરેત્તિની જે છબિ ઊપસે છે તે રવિવારની સાંજે લેંઘો અને બુશકોટ પહેરીને વરંડામાં કે ઓસરીમાં આરામખુરશીમાં પડ્યા પડ્યા ચોપડી વાંચતા વાચકની નહીં પણ હાથમાં રબરનાં મોજાં ચઢાવીને સફેદ કોટ પહેરીને કસનળીઓ કે બકનળીઓમાં રંગબેરંગી પ્રવાહી હલાવતા કે માઈક્રોસ્કોપના લેન્સ વડે નિરીક્ષણ કરતા ટેકનિકલ નિષ્ણાતની છે.

મોરેત્તિ પોતાના અભિગમને ‘distant Reading કે દૂરવર્તી વાચન કહે છે.

મોરેત્તિએDistant Reading પુસ્તકના conjectures on world Literature (વિશ્વસાહિત્ય અંગે અટકળો) નામના લેખના પ્રારંભે એક શીર્ષ-નોંધ (head-note) મૂકી છે. તેમાં તેણે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. શરૂઆતમાં તો તેણે closeના વિરોધે distant એવી સંજ્ઞા મજાકમાં જ પ્રયોજી હતી. પણ જ્યારે વાચકો અને વિવેચકોએ આ સંજ્ઞાને ગંભીરતાથી લઈને તેના વિશે પોતાના પ્રતિભાવો આપ્યા એટલે તેણે પણ distantસંજ્ઞાને ગંભીરતાપૂર્વક અપનાવી લીધી.

આ કોઈ સળંગસૂત્ર પુસ્તક નથી પણ તેમાં 10લેખો સંગ્રહાયા છે. આરંભમાં જ લેખકે એક નોંધ મૂકીને આ લેખો લખવાનાં નિમિત્તો અને પ્રેરક બળોનો ઉલ્લેખ કર્યો છે. સાહિત્યના અધ્યયન પરત્વેના સંગણકીય અભિગમો (computational approaches) તરફનો મોરેત્તિનો પક્ષપાત આ પુસ્તક તેમજ તેનાં અન્ય લખાણોમાં ઠેરઠેર જોવા મળે છે.

મેથ્યુ એલ. જોકર્સે (Matthew L. Jockers) Macroanalysis (University of Illinois Press, 2013) નામના પુસ્તકમાં નિકટવર્તી-દૂરવર્તી વાચનના વિવાદનો ઉલ્લેખ કર્યો છે. તેના ત્રીજા પ્રકરણ Traditionમાં તેણે આ બંને વાચનપદ્ધતિઓને એકબીજાની પૂરક ગણાવી છે. આ માટે તેણે ફોટોગ્રાફીના ક્ષેત્રની ઝૂમંગિ ટેકનિકનું રૂપક પ્રયોજ્યું છે. કૅમેરાના લેન્સને Zoomકરવાથી જેનો ફોટો લેવાનો હોય એ પદાર્થના બોધનમાં ફેરફારો થાય છે. zooming in કરીએ તો દૃશ્યપટ સંકોચાશે. જ્યારે zooming out કરીએ તો દૃશ્યપટ વિસ્તરશે. Zoomingના કારણે કૃતિવિશ્લેષણની આ બંને પદ્ધતિઓ એકબીજાની પૂરક બને છે.

કૃતિનું ‘સઘન’ કે ‘નિકટવર્તી’ વાચન કરવું એ Zooming in છે. જ્યારે દૂરવર્તી વાચનમાં Zooming out થતું હોય છે. નિકટવર્તી વાચનમાં આપણે બહુ ઓછી સંખ્યામાં ડેટા લઈએ એ વખતે એટલે કે બહુ ઓછી કૃતિઓને હાથ પર લઈને તેની સંરચના, પદાવલી વગેરેનો અભ્યાસ કરીએ છીએ. એ પણ જે તે સમયના રાજકીય, સામાજિક, આર્થિક પ્રવાહો અંગે અમુક તારણો કાઢીએ છીએ. અહીં મુશ્કેલી એ છે કે ડેટાની સેમ્પલ સાઇઝ અત્યંત નાની હોવાથી આ તારણોની ચોકસાઈ વિશે શંકા રહેશે.

અત્યાર સુધી આપણે સાહિત્યિક Canonના વિચારમાં શ્રદ્ધા ધરાવતા આવ્યા છીએ. કેનન એટલે સાહિત્યની માનક કે પ્રતિનિધિરૂપ કૃતિ. પણ મોરેત્તિને તેમાં રસ નથી. તેને તો આ Canonની વિભાવના સામે જ વાંધો છે. તેનું કહેવું છે કે નિકટવર્તી વાચન કરીએ એટલે કૃતિ અને તેના કેન્દ્ર સિવાય બીજે ક્યાંય આપણી નજર પહોંચતી નથી. આપણે એક નાના વર્તુળમાં જ આંટાફેરા મારીને સંતુષ્ટ થઈ જઈએ છીએ. આ વર્તુળની બહારનું વિશ્વ કેવું અને કેટલું મોટું છે તેની જાણ આપણને થતી નથી. તે કહે છે કે અમુક કૃતિને કેનન બનાવાવનું કામ વાચકોએ કર્યું છે. હા, આધુનિકતાવાદ અને આવાં ગાર્દના સમયની રચનાઓને આ વાત લાગુ પડતી નથી.

મોરેત્તિ ડિજીટલ યુગના વિદ્વાન છે. તેમને અંકીય માનવિકી (Digital Humanities)માં રસ છે. હવે ઈ-બુક્સ, કિન્દલ, ડિજીટલાઇઝડ્ ગ્રંથો વગેરેનો વ્યાપ વધી રહ્યો છે. ઘણાં લોકોને એવી ધાસ્તી લાગે છે કે આનાથી લાયબ્રેરીઓનો મૃત્યુઘંટ વાગી જશે. પણ મોરેત્તિને આ વાતનો કોઈ અફસોસ નથી, બલકે તેઓ તો આમાં રાજી છે.

તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંની પોતાની લેબોરેટરીમાં યુરોપની 19મી સદીની આશરે 3500જેટલી નવલકથાઓ ડિજીટલ સ્વરૂપમાં ભેગી કરી છે. આ તેમનો ડેટાબેઝ છે. તેમાં તે જાતજાતના પ્રયોગો કરે છે. દા.ત. એક વખત તેણે 100જેટલી જુદીજુદી નવલકથાઓના પહેલા ફકરાની તુલના કરી હતી અને તે પણ માત્ર 12.2સેકન્ડમાં! મોરેત્તિના અભિગમ કે પદ્ધતિની આ જ મજા છે. જરા વિચારો કે, 19મી સદીમાં ગુજરાતમાં ધારો કે જુદાજુદા વિષયની 1000ચોપડીઓ બહાર પડી છે. આ બધી તો આપણે મર્યાદિત સમયમાં વાંચી શકવાના નથી. અહીં કમ્પ્યુટર મદદે આવશે. આ પુસ્તકોનો ડેટાબેઝ બનાવીને તેનું ધારો એ પ્રમાણે વિશ્લેષણ કરી શકાશે.

દૂરવર્તી વાચન માટે આંકડાશાસ્ત્ર, Topic modelling, quantitative analysis જેવી સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તથા અન્ય વિદ્યાશાખાઓમાં પ્રયોજાતી પદ્ધતિઓ-ઉપકરણોની જરૂર પડે છે

મોરેત્તિનાં પુસ્તકોના પ્રકાશન બાદ દૂરવર્તી વાચનનો અભિગમ એ માનવવિદ્યાઓમાં આવેલા વીજાણુ-વળાંક(digital turn) તરીકે ઓળખાય છે. અગાઉ linguistic turn કે structuralist turn જેવા turn આવી ચૂક્યા છે. ડેટાબેઝનાં ચશ્માંથી સાહિત્યકૃતિઓનું વાચન એdigital turnની વિશેષતા છે.

શરૂઆતમાં મોરેત્તિએ યુરોપીયન સાહિત્યમાં શૈલી, સ્વરૂપ અને પ્રકાર (genres)માં આવેલાં પરિવર્તનોની ચર્ચા કરવા માટે મનોવિજ્ઞાનના ઉત્ક્રાન્તિ સિદ્ધાંત (evolutionary theory)ની મદદ લીધી પણ તેમાં તેને જણાયું કે આ થિયરી જે તે યુગના સામાજિક સંઘર્ષો, તનાવો આદિના વ્યવસ્થિત ખુલાસાઓ આપી શકતી નથી કે તેનું વ્યવસ્થિત વિશ્લેષણ કરી શકતી નથી. આથી તેણે ઉત્ક્રાન્તિની થિઅરીનું મોડેલ પડતું મૂક્યું.

તે કોઈ નવા વિકલ્પની શોધમાં હતો. ત્યાં જ તેનું ધ્યાન વિવિધ સંસ્થાઓમાં ચાલી રહેલી વિવિધ કૃતિઓના જથ્થાબંધ વીજાણુકરણ (digitization) તરફ ગયું. આજે ઇન્ટરનેટ પર સંસ્કૃત, હિન્દી જેવી ભારતીય ભાષાઓથી માંડીને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન જેવી પશ્ચિમાત્ય ભાષાઓની ઢગલાબંધ કૃતિઓ ડિજીટાઈઝ થઈ છે. ગુજરાતીમાં પણ આવી કામગીરી ચાલુ થઈ ગઈ છે. આટલી મોટી સામગ્રી ઉપલબ્ધ થવાથી મોરેત્તિનું કામ સરળ બન્યું.

મોરેત્તિ આ માટે નેટવર્ક થિઅરીનો ઉપયોગ કરે છે. ઘનિષ્ઠ વાચનના હિમાયતીઓ માને છે કે – કૃતિમાં અર્થનાં અનેક સ્તરો હોય છે. તેમને ઉખેળવા માટે કૃતિને નિકટથી વાંચવી, તેનો સઘન અભ્યાસ કરવો જરૂરી છે.

આધુનિકતાના સમયમાં સાહિત્યનું વિજ્ઞાન રચવાના પ્રયાસો થયા હતા. પણ તે વિભાવનાના સ્તરે અથવા તો સૈદ્ધાન્તિક કક્ષાએ થયા હતા. જ્યારે મોરેત્તિ વિજ્ઞાનની વિશ્લેષણ પદ્ધતિઓ કે ઓજારોને કામે લગાડીને અર્થઘટન, વિશ્લેષણને વિજ્ઞાનની કક્ષાએ લઈ જવા માગે છે. નિકટવર્તી વાચનમાં વાચકોને ગણીગાંઠી કૃતિઓનું અધિપત્ય સ્વીકારવું પડે છે. આટલી મર્યાદિત સામગ્રીના આધારે જે તે યુગ સંબંધી તારણો નીકળશે તે એટલાં અધિકૃત નહીં ગણાય. દા.ત. 1960 થી 1980ના દાયકાઓમાં બહાર પડેલી અમુક ગણીગાંઠી નવલકથાઓના આધારે આપણે નવી નવલકથા કે વાર્તાનાં લક્ષણો બાંધીને તેમનું પ્રવાહદર્શન કરવાનો પ્રયાસ કરીશું તો તેની પ્રમાણભૂતતા શંકાસ્પદ રહેશે. કેમકે આપણો સામગ્રીસંચય(Data) મર્યાદિત છે. (ડેટા ભેગો કરવાની પદ્ધતિઓ અને તેમનાં વિશ્લેષણો હંમેશા શંકાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યાં છે. એવું જ સેમ્પલ સાઇઝનું સમજવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું માપ કાઢવા માટે આપણે દાખલા તરીકે10,000 લોકોનાં મંતવ્યોની સેમ્પલ સાઇઝ નક્કી કરીએ પણ આ લોકો કયા વિસ્તારના છે તેના પર એ સર્વેનાં તારણોનો આધાર રહેશે. દાખલા તરીકે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સર્વે કરીશું અને જુહાપુરા વિસ્તારમાં સર્વે કરીશું તો સેમ્પલ સાઇઝ સરખી હોવા છતાં પરિણામો સામસામા છેડાનાં કે ચોંકાવનારાં આવશે.) એટલે આ દાયકાઓ દરમિયાન બહાર પડેલી 90ટકાથી વધુ નવલકથાઓને કે વાર્તાઓને ધ્યાન પર લેવાય તો જ કંઈક વ્યવસ્થિત તારણ પર પહોંચી શકાય.

આજે અંકીય માનવિકી (digital humanities) નામની એક અલગ વિદ્યાશાખા અસ્તિત્વમાં આવી છે. સાહિત્યવિવેચનમાં પણ તેનો ઉપયોગ થવા માંડ્યો છે. સંરચનાવાદ અને ઉત્તરસંરચનાવાદ પછી આ એક મહત્ત્વનો અભિગમ બન્યો છે. મોરેત્તિ આ અંકીય માનવિકી પર મહેરબાન છે. એ કૃતિઓના અભ્યાસમાં અને આકલનમાં વિજ્ઞાનની પદ્ધતિઓ અને કમ્પ્યુટરોનો ઉપયોગ કરે છે. અહીં કૃતિને પ્રેયસી ગણીને તેની સાથે પ્રેમાલાપ કરવાનો નથી કે સરસ્વતીચંદ્ર કે કુમુદસુંદરી કેટલાં સોહામણાં કે સંસ્કારી છે તેની ચર્ચા પણ કરવાની નથી. અહીં કૃતિને ડેટા કે ડેટાબેઝ ગણવાની છે. અહીં કૃતિ સાથેનો સાક્ષાત્કાર લાયબ્રેરીમાં નહીં પણ લેબોરેટરીમાં કરવાનો છે.

પુસ્તકો સાથેનો આપણો સંબંધ વિશિષ્ટ રહ્યો છે. તેમને આપણે ગુરુ, સખા અને ઘણીવાર તો પ્રેયસીરૂપ પણ ગણ્યાં છે. પુસ્તકને પૂંઠાં ચડાવવાથી માંડીને તેને કબાટમાં ગોઠવીને રાખવા જેવાં અનેક લાડ પણ આપણે તેને લડાવીએ છીએ. પણ અંકીય માનવિકીમાં એવા લાગણીસંદર્ભને સ્થાન નથી. આપણે તો એક નિશ્ચિત સમયગાળામાં પ્રકાશિત હજારો પુસ્તકો વાંચવાનાં નથી પણ તેમાંથી પસાર થઈ જવાનું છે. જે તે જમાનાનો વિસ્તૃત ડેટા ભેગો કરીને તેના વિશ્લેષણ દ્વારા એક વ્યાપક ચિત્ર આલેખવાનું છે.

અમુક શબ્દ કે અમુક અભિવ્યક્તિ જે તે સમયગાળાની રચનાઓમાં કેટલી વાર પ્રયોજાઈ?

સરસ્વતીચંદ્રના યુગમાં કથાસાહિત્યનાં પુસ્તકોનાં શીર્ષકો કેવાં હતાં – મુખ્ય પાત્રના નામ પર આધારિત કે વિષયનિર્દેશ કરતાં શીર્ષકો? ટૂંકાં શીર્ષકો કે લાંબાં? ‘સરસ્વતીચંદ્ર’માં સરસ્વતીચંદ્ર અને કુમુદ વચ્ચે કેટલીવાર પ્રત્યક્ષ સંવાદ થાય છે? તેમાં સ્નેહભીના શબ્દો તેઓ કેટલી વાર પ્રયોજે છે? સમગ્ર નવલકથામાં કયાં પાત્રો એકબીજાની સામે સૌથી વધુ વાર રહે છે અને કયાં પાત્રો એકબીજાની સામે આવતાં જ નથી? આવો ડેટા ભેગો કરવા માટે વિજ્ઞાન અને કમ્પ્યુટરની જ મદદ લેવી પડશે.

દૂરવર્તી વાચનનું આ કાર્ય કોઈ યુનિવર્સિટીનો વિભાગ જેની પાસે કમ્પ્યુટર, જરૂરી સોફ્ટવેર, સહાયકોની ટીમ વગેરે હોય એ કરી શકે. મેજર રિસર્ચ પ્રોજેક્ટ પણ બની શકે.

મોરેત્તિ અને અંકીય માનવિકીના હિમાયતીઓના વિચારોથી સાહિત્યના સનાતનીઓ છળી ઊઠ્યા છે.

Distant Reading પુસ્તકને National Book Critics Circleનો વિવેચનના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

1990ના દાયકામાં મોરેત્તિએ તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ હાથ ધર્યો હતો. એ અનુભવના આધારે જ તેમને સંગણનાત્મક અભિગમ તેમના કામ માટે વધુ ઉપાદેય જણાયો હતો. 2011માં તેમણે બીજા અભ્યાસીઓની સાથે મળીને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં સ્ટેફોર્ડ લિટરરી લેબની સ્થાપના કરી હતી.

અત્યાર સુધીના અભ્યાસનાં પોતાનાં તારણોમાં મોરેત્તિ સ્વીકારે છે કે, ડિજિટલ ડેટાબેઝના આધારે કૃતિ કે કૃતિ-સમુચ્ચય અંગે પોતે કોઈ નવી સ્થાપના કરી શકશે એવી તેને આશા હતી. પણ તે વ્યર્થ નીવડી છે. કેમકે, ‘હેમ્લેટ’ નાટકનું quantitative analysis (સામગ્રીમૂલક વિશ્લેષણ) કર્યા બાદ છેવટે તો તેને હેમ્લેટની વસ્તુસંકલના (plot)ના qualitative analysis(મૂલ્યકેન્દ્રી વિશ્લેષણ)નો આશરો લેવો પડ્યો હતો.

શું કમ્પ્યુટરો વિવેચકોનું સ્થાન લેશે?

અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે પ્રશિષ્ટ કૃતિઓના અભ્યાસ વિના સાહિત્યનું જ્ઞાન અધૂરું છે અને આ અભ્યાસ પણ કેવી રીતે કરવો? તો તેના માટે નિકટવર્તી-સઘન-ઘનિષ્ઠ વાચન કરવું પડશે. આ ‘નિકટવર્તી’ સંજ્ઞા અને તેની છાપ જાણે કે હંમેશાં કોઈ ગૂઢ વિદ્યા હોય એવી રહી છે. નિકટવર્તી વાચનની મર્યાદા એ છે કે એ ઘણી મર્યાદિત કૃતિઓની સામગ્રીના આધારે મોટી મોટી થિઅરીઓ રચે છે. જ્યારે દૂરવર્તી વાચનમાં ડેટા વિશાળ હોય છે. અને તેમનું વિશ્લેષણ પણ તે વિવિધ રીતે કરે છે. પણ તેમાં કૃતિનો સંદર્ભ બરાબર ઊપસતો નથી જે નિકટવર્તી વાચનમાં ઊપસે છે.

મોરેત્તિ ઇટાલીની રોમ યુનિવર્સિટીમાં આધુનિકતાવાદના યુગમાં ભણ્યા હતા. એટલે કમ્પ્યુટરોના ઉપયોગ છતાં તેમનું વિશ્લેષણ સાવ યાંત્રિક બન્યું નથી. વળી, મોરેત્તિના પક્ષે એટલું કહેવું જોઈએ કે તેમની પદ્ધતિમાં તેમને કોઈ ખામી જણાય તો તેનો સ્વીકાર કરતાં તેઓ ખચકાતા નથી. તેમના જ એક વિદ્યાર્થીએ અમુક ત્રુટિ તરફ તેમનું ધ્યાન દોર્યું તો તેઓ પોતાનો આખો પ્રોજેક્ટ પડતો મૂકવા તૈયાર થઈ ગયા હતા.

હવે ઘણા વિદ્વાનોને ચિંતા એ વાતની છે કે મોરેત્તિ છે ત્યાં સુધી તો વાંધો નથી પણ ટેકનોલોજીની ઝાકઝમાળ વચ્ચે ઊછરેલી નવી પેઢી મોરેત્તિના માર્ગે ચાલશે ત્યારે શું થશે,વિવેચકનું સ્થાન રોબોટ તો લઇ લેશે નહીં ને?

મોરેત્તિએ નવલકથાનો ઉદય, કોન્ટિનેન્ટલ યુરોપમાં ટ્રેજિક ડ્રામાનો પ્રસાર, ગોથિક નવલકથાઓનાં શીર્ષકોમાં ડેફિનેટ અને ઈનડેફિનેટ આર્ટિકલ્સનો રેશિયો – એેવી બાબતોનું વિશ્લેષણ કર્યું છે. પહેલી નજરે એમ લાગે કે આ બધી કસરતનો શો અર્થ? પણ કૃતિ પરત્વેના નવા નવા અભિગમો, વિશ્લેષણનાં નવાં ઓજારો શોધવાના મોરેત્તિના ઉત્સાહ તરફ લક્ષ આપીશું તો જૂની ટેવોના બંધિયારપણા અને જાતે પોતાની પર લાદેલા comfort zone (સુખાળવા પ્રદેશ)માંથી બહાર આવ્યા પછીની તાજગી જરૂર અનુભવાશે.

*

હર્ષવદન ત્રિવેદી

વિવેચક.

પત્રકાર, અમદાવાદ.

અમદાવાદ.

harsht8@yahoo.com

78783 65242

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.