ચિત્રલેખા – અરુણ શર્મા. ગરિયસી (અસમિયા સામયિક), 2008
અંગ્રેજી અનુ. ચિત્રલેખા – અનુ. રૂમા ફૂકન. Indian Literature 280, 2014
વિશ્વરંગભૂમિ દિને (27 માર્ચ 2017ના રોજ) અવસાન પામેલા, અનેક પુરસ્કારો મેળવનાર આસામના વિખ્યાત નાટ્યકાર અરૂણ શર્મા લિખિત ‘ચિત્રલેખા’ નાટક, ચિત્રલેખા પ્રિયદશિર્ની નામની એક નૃત્યાંગનાની હૃદયસ્પર્શી કથા આલેખે છે. તેની શિષ્યા અનુરાધા, અર્ણવ ચલિથા નામના એક યુવાન ઇજનેરના પ્રેમમાં પડે છે. અર્ણવ જ્યારે પોતે અનુરાધા સાથે લગ્ન કરવા ઇચ્છે છે એવું ચિત્રલેખાને જણાવે છે ત્યારે ચિત્રલેખા પોતાની અંગત ડાયરી અર્ણવને આપે છે. ડાયરી વાંચવાથી અર્ણવને જાણ થાય છે કે ચિત્રલેખા પોતે ચાના બગીચાઓના માલિક બન્જીત બરૂઆ અને વિખ્યાત અભિનેત્રી પ્રિયદશિર્નીનું અનૌરસ સંતાન છે જેને કારણે તેના પ્રિયતમ અનિરુદ્ધે તેને તરછોડી દીધી હતી. ચિત્રલેખાએ તે પછી પોતાનું શેષ જીવન નૃત્યને સમર્પી દીધું. સમાજથી તરછોડાયેલી નિમ્ન વર્ગની કન્યાઓ માટે તેણે એક અલાયદી શાળાની સ્થાપના કરી, તેમને શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપી કલાક્ષેત્રે મોખરાનું સ્થાન અપાવ્યું. અનુરાધા આવી જ કન્યાઓ પૈકીની એક છે તે જાણીને અર્ણવને આઘાત લાગે છે અને તે પણ અનુરાધા સાથે લગ્ન કરવાની ના પાડે છે. પુરુષોની આવી અનૈતિકતા અને મિથ્યાભિમાન સામે બંડ પોકારતા નૃત્ય સાથે નાટકનું સમાપન થાય છે.
કથાનકની દૃષ્ટિએ ખાસ કોઈ નવીનતા નથી પણ જે રીતે કથા કહેવાઈ છે તેને લીધે નાટક નોંધપાત્ર બની શક્યું છે. વળી નાટકમાં આવતી ચિત્રલેખા-ઉષા-અનિરુદ્ધની કથા, ઉષા-અનિરુદ્ધની પૌરાણિક સંસ્કૃત કથાનું, અને પછી ‘ઓખાહરણ’ નામે જાણીતાં આખ્યાનોની કથાનું પણ ઇંગિત કરે છે. નાટકમાં પણ ચિત્રલેખા, પોતાની સાવકી બહેન ઉષાને તેનો ભાવિ પતિ અનિરુદ્ધ કે જેને એણે જોયો નથી એ દેખાવે કેવો હશે તે જણાવવા તેનું ચિત્ર દોરે છે. પણ એ તો પોતાનો જ પ્રિયતમ હતો! પણ દિલ ઉપર પત્થર મૂકી પોતાનો પ્રિયતમ તેને સોંપી દે છે. આ સિવાય આ પુરાકથા સાથે નાટકનું અન્ય કશું સામ્ય નથી. નાટકની કથા કેવી આગવી રીતે કહેવાઈ છે તે તપાસીએ.
દ્રુત લયમાં વાગતા સંગીતના ધ્વનિ વચ્ચે પડદો ઊપડે છે અને રંગમંચ ઉપર 22-23 વર્ષની ચાર નૃત્યાંગનાઓ પોતપોતાના સ્થાને શાસ્ત્રીય નૃત્ય કરી રહેલી નજરે પડે છે. તેની સમાપ્તિ પછી નૃત્યાંગનાઓ પ્રેક્ષકોનું અભિવાદન ઝીલે છે અને તે સાથે નેપથ્યમાંથી આવતો ઉદ્ઘોષકનો સ્વર કાને અથડાય છે.
ઉદ્ઘોષક: આપ સૌ માણી રહ્યા હતા અનુરાધા, મધુમિતા, શર્વરી અને પ્રયાશી દ્વારા પ્રસ્તુત શાસ્ત્રીય નૃત્ય. હવે મંચ ઉપર સાદર આમંત્રિત છે તેમનાં ગુરુ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્ય-શિરોમણિ ચિત્રલેખા પ્રિયદશિર્ની….
રંગમંચ ઉપર આધેડ વયની સોહામણી કાયા પ્રવેશે છે. આ નૃત્યાંગનાઓ ચિત્રલેખા પ્રિયદશિર્નીના નિર્દેશનમાં તેમની સંસ્થા ‘નૃત્યરંગ’ના નેજા હેઠળ છેલ્લા ચાર દિવસથી શાસ્ત્રીય નૃત્યો પ્રદશિર્ત કરી રહી છે. આવતી કાલે નૃત્ય પ્રદર્શનનો છેલ્લો દિવસ છે. થોડી ક્ષણો પછી ઉદ્ઘોષકનો સ્વર ફરી એક વાર કાને પડે છે, ‘નમસ્તે, નિહાળો આજનું નાટક ચિત્રલેખા.’ તે સાથે મંચ ઉપર પ્રકાશ પથરાય છે અને રંગમંચના એક ખૂણે સોફા ઉપર અર્ણવ બેઠેલો દેખાય છે. એ કોઈની પ્રતીક્ષામાં છે. થોડીવાર પછી ઊભો થઈ આગળ આવે છે અને પ્રેક્ષકોને ઉદ્બોધતાં કહે છે:
અર્ણવ: આ છે અમારી કંપનીનું વિશાળ ગેસ્ટ હાઉસ. અમારી મલ્ટીનૅશનલ પેટ્રોકેમિકલ કંપની છે. અત્યારે કંપનીની આસામ બ્રાન્ચ ખાતે મૅનેજર રૂપે કાર્યરત છું. કંપનીએ ઘર ફાળવ્યું નથી ને હજી હું કુંવારો છું એટલે આ વિશાળ ગેસ્ટહાઉસના એક સ્યુટમાં રહું છું.
આમ, પોતાનો પ્રાથમિક પરિચય આપ્યા પછી અર્ણવ નાટકના કથાનકની માંડણી કરે છે. ‘નૃત્યરંગ’નાં કલાકારો આ ગેસ્ટ હાઉસમાં રોકાયાં છે. શહેરના અનાથાલય માટે તેમનો કાર્યક્રમ કંપનીએ સ્પોન્સર કર્યો હોઈ તેમના આતિથ્યની સઘળી જવાબદારી અર્ણવને સોંપાઈ છે. નૃત્યમંડળીના કલાકારો સાથે તેનો ઘરોબો કેળવાયો છે, ખાસ કરીને અનુરાધા સાથે. એક દિવસ એવું કંઈક બન્યું જેને લીધે અર્ણવ અનુરાધાની વધારે નજીક આવ્યો ‘અનુરાધા….’ અર્ણવના મુખમાંથી સરી પડેલા આ ઉદ્ગાર સાથે અનુરાધા મંચ ઉપર પ્રવેશે છે. મેકઅપ લૂછતાં લૂછતાં તે પ્રેક્ષકો સાથે સીધી વાત કરે છે, અનુરાધા: અમને લાગણીના તાંતણે બાંધનાર એ પહેલી ઘટના થોડી નાટ્યાત્મક હતી અને થોડી સનસનાટી ભરી, સાથે સાથે ખતરનાક પણ…
‘આ વખતે પણ –’ એમ કહીને અનુરાધા અટકી જાય છે અને વાતને આગળ લઈ જતાં અર્ણવ પ્રેક્ષકોને અનુરાધા સાથે રચાયેલા ‘તારામૈત્રક’ વિશે વાત કરતાં કરતાં પ્રથમ પ્રેમની કથા કહે છે: પહાડી વિસ્તારમાં કારને નાનો અકસ્માત સર્જાયો. એને માથામાં સહેજ ઈજા થવાથી અનુરાધાને સ્થાનિક હોસ્પિટલમાં રાત્રિરોકાણ કરવું પડેલું ત્યારે અર્ણવે તેની જે કાળજી લીધી તેને લીધે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયેલાં.
અને ત્યાં રંગમંચ ઉપર ચિત્રલેખા પ્રવેશે છે. અનુરાધાના સંદર્ભમાં તેમની આ મુલાકાતનું દૃશ્ય યોજાયું છે. પોતે અનુરાધાને ચાહે છે અને વર્ષોથી ચિત્રલેખા જેવી ગુરુમાની જે શિષ્ય રહી હોય તેના માટે આનાથી વધારે કશું જાણવાનું હોય નહીં, એમ કહી અર્ણવ ચિત્રલેખા આગળ અનુરાધાના હાથની માગણી કરે છે. આ સાંભળી ચિત્રલેખા સોંસરવો પ્રશ્ન પૂછે છે, ‘તમે મારા વિશે કેટલું જાણો છો?’ અને અર્ણવના હાથમાં ડાયરી પકડાવતાં કહે છે, આ છે મારા જીવનની કહાણી, સંઘર્ષની ગાથા. જે માણસ અનુરાધાને ચાહતો હોય અને પરણવા ઇચ્છતો હોય તેણે અનુરાધા વિશે જાણતાં પહેલાં મને જાણવી પડે. ને યાદ રાખજો આ ડાયરી વાંચનારા તમે પહેલા માણસ છો.’ ચિત્રલેખાના કહ્યા મુજબ, અર્ણવ એ રાતે જ ડાયરી વાંચવાનું શરૂ કરે છે અને ચિત્રલેખાના જીવનનાં પૃષ્ઠો રંગમંચ પર દૃશ્યમાન થવા માંડે છે. મંચ ઉપર શિશુ વયની ચિત્રલેખાને ઓડિસી નૃત્યની પ્રેક્ટિસ કરતી આપણે નિહાળીએ છીએ. મા પ્રિયદશિર્ની સાથેના તેના સંવાદો દ્વારા ખબર પડે છે કે આવતીકાલે ચિત્રલેખા સ્કૂલમાં પહેલી વાર દાખલ થવા જવાની છે. તેની સખી ઉષા પણ પહેલી વાર શાળામાં પગ મૂકવાની છે. અંકલ – ઉષાના પિતા-ની મોટી ગાડીમાં બંને સાથે જવાનાં છે. ઉષા કોણ? અંકલ કોણ? પ્રેક્ષકને તેની જાણ કરવા પ્રિયદશિર્ની મંચના અગ્ર ભાગમાં આવે છે. પ્રિયદશિર્નીનું લાંબું ઉદ્બોધન નાટકના કથાનકને આગળ લઈ જાય છે. બન્જિત બરૂઆના જીવનમાં ‘બીજી સ્ત્રી’ તરીકે પોતાનો કેવી રીતે પ્રવેશ થયો તેની પ્રેક્ષકોને તે માંડીને વાત કરે છે, ને ત્યાં 55 આસપાસના આધેડ બન્જિત બરૂઆને મંચ ઉપર પ્રવેશતા આપણે નિહાળીએ છીએ. ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ’ માટે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. એ શાલ અને ગુલદસ્તો પ્રિયદશિર્નીને આપવા જાય છે જે લેવાનો તે ઇન્કાર કરે છે.
પ્રિયદશિર્ની: લઈ જાવ અહીંથી અને આપજો તમારી રમોલાને… શરૂ શરૂમાં હું માનતી હતી કે હું તમારા સામાજિક જીવનનો એક હિસ્સો છું. તમારી ઉપલબ્ધિઓ બદલ હું ગર્વ અનુભવતી અને એ ગૌરવની લાગણી જાહેરમાં ખુલ્લંખુલ્લા વ્યક્ત કરવામાં હું કોઈ સંકોચ પામતી નહીં… પણ થોડા જ સમયમાં મને સમજાઈ ગયું કે સમાજે એ બધો હક્ક કોઈ બીજી સ્ત્રીને આપ્યો છે. આ બંધિયાર ઘરની ચાર દીવાલોમાં જ હું તમારા સહવાસની હકદાર છું. તમારા માનસન્માનમાં ભાગીદાર બનવાનો, તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ભાગ પડાવવાનો મને કોઈ હક નથી. રખાતને તે વળી હક્ક કેવા?
પ્રિયદશિર્નીને ‘ભોગવવી’ છે ખરી પણ તેને કોઈ સામાજિક દરજ્જો આપવો નથી. બરૂઆ જેવા પુરુષોની આવી ભ્રમરવૃત્તિને નાટ્યકારે અહીં વેધક રીતે ઉપસાવી આપી છે. એડમિશન ફોર્મમાં ‘ચિત્રલેખાના પિતાનું પૂરું નામ લખવા જણાવવામાં આવ્યું છે’ એમ કહીને પ્રિયદશિર્ની બરૂઆને ફોર્મ આપે છે ત્યારે જાણે કશી સૂઝ પડતી ન હોય તેમ એ પ્રિયદશિર્ની પાસે સૂચકપણે કહેવડાવે છે:
પ્રિયદશિર્ની: ચાલો એનો પણ કોઈ પ્રશ્ન નથી. તમારે એ વિશે જરાય ચિંતા કરવાની જરૂર નથી. (ફોર્મ બરૂઆના હાથમાંથી પાછું લઈ લે છે.) હું સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપાલને કહીશ, ‘ચિત્રલેખા મારી અનાથાશ્રમમાંથી ગોદ લીધેલી દીકરી છે.’ હું એની ‘સિંગલ પેરેન્ટ’ છું. તમને ખબર છે હું શું વિચારું છું?… સરનેઇમ માટે રાખવામાં આવેલી જગ્યામાં હું મારું નામ લખીશ ‘પ્રિયદશિર્ની’. હવેથી એનું નામ છે, ચિત્રલેખા પ્રિયદશિર્ની.
મંચ ઉપર ધીરે ધીરે અંધારું થવા માંડે છે. પુન: પ્રકાશ થતાં આપણે મંચ ઉપર 20 વર્ષની યુવાન ચિત્રલેખાને નિહાળીએ છીએ. થોડી વાર નૃત્યની ગતિ દર્શાવી તે મંચના અગ્રભાગમાં આવી પ્રેક્ષકોને સંબોધીને વાત કરવા માંડે છે:
ચિત્રલેખા પ્રિયદશિર્ની મારું નામ છે. મારી મા પ્રિયદશિર્ની એક જમાનાની મશહૂર અભિનેત્રી. પણ મને ‘અભિનય’ માટે ક્યારેય પ્રોત્સાહિત કરી નહીં. નાનપણથી જ હું ડાન્સ શીખી છું અને પેઇન્ટંગિ માટેની મારી નૈસગિર્ક પ્રતિભાને બાળપણથી જ માએ ખિલવી છે. અને મારા પિતા? જવા દો એ વાત. મારો કોલેજ જવાનો સમય થઈ ગયો છે.
નાટકનાં મુખ્ય પાત્રો વારાફરતી મંચના આગળ ભાગે આવી પ્રેક્ષકો સાથે સીધી વાત કરે અને કથાનકને આગળ લઈ જાય એ પ્રકારે વસ્તુની ગૂંથણી નાટકને એક વિશિષ્ટ સ્વરૂપ આપે છે. પાત્રોનાં લાંબા ઉદ્બોધનોને બને એટલાં ‘નાટ્યાત્મક’ બનાવી નાટકને નિરસ બનતું અટકાવવામાં નાટ્યકારને ખાસ્સી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં આકાશવાણી સાથેનો તેમનો વર્ષોનો સંબંધ ઉપકારક નીવડ્યો છે. કથાનક આગળ વધે છે. ચિત્રલેખા અને (બરૂઆની દીકરી) ઉષા કોલેજમાં સાથે ભણે છે. બંનેને એકબીજા પ્રત્યે લગાવ છે. બરૂઆ પોતાની 45મી લગ્નતિથિ ઊજવી રહ્યા હોય છે ત્યારે ચિત્રલેખા દોડતી આવીને એકાંતમાં બરુઆને કશુંક પૂછવા ઇચ્છે છે. ચિત્રલેખાને પોતાની સખીઓ આગળ પોતાના પિતાનું એક કાલ્પનિક ચિત્ર ઊભું કરેલું એટલે ઉષા આશ્ચર્યચકિત થઈને પૂછેલું ‘ચિત્રા, તારા પિતા?’ આથી ભાવવિભોર બનેલી ચિત્રલેખા બરૂઆ પાસે દોડી આવી પૂછે છે, ‘શું હું મારાં મિત્રોને કહી શકું કે તમે, બન્જિત બરૂઆ મારા પિતા છો?’ આ સાંભળી બરૂઆ ત્રાડ પાડે છે, ‘ના, ક્યારેય નહીં… અમારા પરિવારમાં બધા તને દીકરી જેવી જ ગણે છે. એટલે જ હું તને ઉષા જેટલી ચાહું છું. એનો અર્થ એ નહીં કે તું ગમે તેવા તુક્કા લગાવે, હવાઈ કિલ્લા બાંધે.’ આ સાંભળી ચિત્રલેખાને ડૂમો ભરાઈ આવે છે. કહે છે, ‘I am sorry uncle. મારે પિતા નથી.’ તમને વચન આપું છું. એક શબ્દ પણ નહીં બોલું, ક્યારેય નહીં, ક્યારેય નહીં.’ ચિત્રલેખાની લાગણી દુભવવા બદલ બરૂઆને વસવસો થાય છે. પ્રિયદશિર્ની આગળ તે કબૂલ પણ કરે છે પણ પ્રિયદશિર્ની સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, ‘આ ઘટના બાબત ચિત્રા સાથે હવે કોઈ વાત કરવાની તમારે જરૂર નથી. કારણ કે એ ખરેખર જાણે છે કે તમે જ એના પિતા છો. એ હોશિયાર છે અને ભાવુક પણ. તમારા મારી સાથેના સંબંધ વિશે તે અજાણ કેવી રીતે રહી શકે? પણ એક વાતની ખાતરી રાખજો કે ચિત્રા તમારા માટે કોઈ મુસીબત ઊભી નહીં કરે, ક્યારેય નહીં.’ એક બીજી ઘટના પણ છે જે બરૂઆના હૃદયને કોરી ખાય છે. બરૂઆ પાસેથી નકસલવાદીઓએ કરોડો રૂપિયાની ખંડણી માગી છે અને તેઓ હરગીજ આપવાના નથી એટલે તેમને દીકરી ઉષાનું ગમે ત્યારે અપહરણ થઈ શકે છે એવી ગુપ્તચરોએ આપેલી માહિતીને કારણે બરૂઆ કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. એટલે પરીક્ષા પતી જાય નહીં ત્યાં સુધી ઉષાને તેઓ ઘરમાં જ પૂરી રાખવા માંગે છે. ઉષા ઘરમાં એકલી રહી ન શકે. બરૂઆ ઇચ્છે છે કે ચિત્રા પણ નવ મહિના સુધી તેના ઘરે ઉષાની સાથે રહે. બરૂઆના પ્રસ્તાવને પ્રિયદશિર્ની કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના સ્વીકારી લે છે કારણ ‘પોતાના પિતા અને પોતાની બહેન માટે ચિત્રા કંઈ પણ કરવા તૈયાર છે.’ નાટ્યકારે અહીં બંને ઘટનાઓને જોડાજોડ મૂકી બરૂઆની સ્વાર્થવૃત્તિ અને પ્રિયદશિર્નીનો સમર્પણ-ભાવ અત્યંત વેધક રીતે ઉપસાવી આપ્યાં છે.
ચિત્રલેખાનું હવે પછીનું ઉદ્બોધન કથાનકને આગળ લઈ જાય છે. તે મદ્રાસની સંગીત-નૃત્યસંસ્થામાં દાખલ થાય છે ને ત્યાં તેની મુલાકાત આઈઆઈટીના વિદ્યાર્થી અને વાયોલિનવાદનનો શોખ ધરાવતા અનિરુદ્ધ સાથે થાય છે. બંને વચ્ચે પ્રેમ જાગે છે. નાટકમાં નિરૂપાયેલા દૃશ્ય પ્રમાણે ચિત્રલેખા અનિરુદ્ધનું પોટ્રેટ બનાવી રહી છે ત્યાં અનિરુદ્ધ વાયોલિન સાથે પ્રવેશે છે. આખી રાત જાગીને બનાવેલું પોટ્રેટ તે અનિરુદ્ધને ભેટ ધરે છે. તેથી ભાવુક બની ગયેલો અનિરુદ્ધ કહે છે:
ચિત્રલેખા તું મારા જીવનમાં આવી ને મારું જીવન સાર્થક બની ગયું. મારું જીવન જાણે આકાશ, વાયુ, વાદળ અને ચંદ્રકિરણ; અંધકાર, વર્ષા, ઝાકળ અને સૂર્યકિરણ; શરદ, ગ્રીષ્મ અને વસંત… મેદાનો, પહાડો, નદીઓ અને સમુદ્ર સૌ સાથે જાણે એકાકાર થઈ ગયું. યૌવનના આસવે અને પ્રેમની પાંખે મેં તને પ્રાપ્ત કરી પ્રિયે….
ચિત્રલેખા પણ જાણે તેના પ્રેમનો પડઘો પાડે છે. અનિરુદ્ધ બેંગ્લોર ખાતે મલ્ટીનૅશનલ કંપનીમાં જોડાવાનો છે. જતાં પહેલાં એ પ્રેમનો એકરાર કરી લગ્નનો કોલ આપવા માંગે છે પણ ચિત્રલેખા એ માટે તૈયાર નથી. તેનું કારણ આપતાં તે કહે છે:
હું લગ્નબાહ્ય સંબંધની પેદાશ છું. એક પુરુષ અને તેની રખાતનું અન્ઔરસ સંતાન.
અનિરુદ્ધ આ સાંભળી અવાક્ થઈ જાય છે. તે વાયોલિન વગાડવા ચાહે છે પરંતુ ચિત્રલેખા, ‘તું લય અને તાલ નહીં જાળવી શકે અને બેસૂરો થઈ જઈશ.’ એમ કહી તેને વારે છે. અનિરુદ્ધ પોતાના પોટ્રેટની માગણી કરે છે. ચિત્રલેખા ‘કાલે સવારે એરપોર્ટ ઉપર મૂકવા આવીશ ત્યારે આપીશ’ એમ જણાવી પોટ્રેટ પોતાની પાસે રાખે છે. અનિરુદ્ધ જવા જાય છે ત્યારે તેને પાછો બોલાવી ચિત્રલેખા કહે છે:
ના અનિરુદ્ધ, ના. જે કાંઈ થયું તે ભૂલી જજે. અપરાધ-ભાવ અનુભવતો નહીં. જાણે આપણે નાટક ભજવી રહ્યાં હતાં એમ માનજે. આપણે તો કેવળ સંવાદ બોલતાં હતાં. આકાશ, વાયુ, ચંદ્રકિરણ, અંધકાર વગરે કેવળ શબ્દો હતા, કોરા શબ્દો, જે થકી આપણે પ્રણયનું દૃશ્ય ભજવી નાખ્યું. એટલે ગિલ્ટી થવાની જરૂર નથી. ના જરાયે નહીં. જા, જતો રહે નહીં તો હોસ્ટેલના દરવાજા બંધ થઈ જશે.
અનિરુદ્ધના ગયા પછી થોડો સમય તેના પોટ્રેટ સામે તાકી રહી, ચિત્રલેખા તેના ટુકડે ટુકડા કરી નાંખે છે. આંસુ છલકતી આંખે તીવ્ર ગતિથી નૃત્ય કરવા માંડે છે ત્યાં દૃશ્ય પૂરું થાય છે. તરછોડાયેલી નારીની વેદના અહીં વેધક રીતે નિરૂપાઈ છે.
પછીના દૃશ્યમાં ઉષા, તેનો ભાવિ પતિ તેને મળવા આવવાનો હોઈ, ખૂબ ખુશ છે અને પહેલી મુલાકાત હોઈ તેણે એ મુલાકાત ચિત્રલેખાના ઘરે ગોઠવી છે. તેણે સાંભળ્યું છે કે તેનો ભાવિ પતિ અત્યંત રૂપવાન, ને બેંગ્લોરની મલ્ટીનૅશનલ કંપનીમાં કામ કરતો કુશળ એન્જિનિયર છે; નામ છે, ‘અનિરુદ્ધ ચલૈયા.’ ઉષાએ તેનો જોયો નથી એટલે ચિત્રલેખા, પેલી પુરાકથામાં આવતી ચિત્રલેખાની જેમ પોતાની કલ્પનાથી (?) તેનું ચિત્ર બનાવવા માંડે છે… પછી તો ઉષા અનિરુદ્ધને પરણી જાય છે અને ચિત્રલેખા ચિત્રકારીની દુનિયામાં પોતાની જાતને પરોવી દે છે. મા પ્રિયદશિર્ની પણ એક દિવસ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તે સાવ એકલી પડી જાય છે… એકલતાની એ અંધારી ખાઈમાંથી મને બહાર કાઢી શકે એવો એક હાથ… માત્ર એક જ હાથ હું ખોળતી હતી અને ત્યાં તો મને દેખાયા અસંખ્ય… અસંખ્ય… અસંખ્ય હાથ… ડાયરીનાં હવે પછીનાં પાનાં કોરાં હતાં. ચિત્રલેખાના ઉપરોક્ત કથન સાથે જાણે તેની જીવનકહાણી સમાપ્ત થઈ જતી હતી. નાટકના અંતે ચિત્રલેખા અર્ણવની ઉત્સુકતાનું શમન કરતાં, એ અધૂરી રહી ગયેલી ડાયરીની વાતો આગળ લંબાવતા કહે છે:
ચિત્રલેખા: માતાના મૃત્યુ પછી હું સાવ એકલી પડી ગઈ હતી. એકલતાની એ અંધારી ખાઈમાંથી મને બહાર કાઢી શકે એવો એક હાથ… માત્ર એક જ હાથ હું ખોળતી હતી ને ત્યાં તો મને દેખાયા અસંખ્ય હાથ… નાના, નાના… કોમળ, કોમળ… અસંખ્ય હાથ. અને હું તેમના તરફ ધસવા લાગી. માના પૈસા મને મળેલા એમાંથી NGO શરૂ કરી. કન્યાઓ માટેની તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન આધુનિક શાળા શરૂ કરી. આસપાસની ઝૂંપડપટ્ટીમાં વસતી છોકરીઓ – જેમાંની કેટલીક તો બાપના નામની હકદાર નહીં એવી વેશ્યાપુત્રીઓ પણ હતી – તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. નૃત્ય અને ચિત્રકારીની તાલીમ આપી તેમને ભદ્ર વર્ગની કન્યાઓની જેમ સંસ્કારી પણ બનાવી ને ‘નૃત્યરંગ’ની સ્થાપના કરી તેમને આલા દરજ્જાની કલાકાર પણ બનાવી. અર્ણવ, તમને ખાતરી છે કે તમારાં લગ્ન અનુરાધા સાથે અવશ્ય થશે?
અર્ણવ: શા માટે, શા માટે નહીં, ગુરુ મા?
ચિત્રલેખા: કેમકે અનુરાધા એક વેશ્યાનું સંતાન છે… એક ધનવાન ઉદ્યોગપતિ અને એની રખાતનું સંતાન! તેની સાથે લગ્ન કરવું તમને ગમશે, અર્ણવ?… વુડલેન્ડ રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ માટે અનુરાધાને લઈ જશો ખરા? (અર્ણવ મૂંગે મોંઢે ત્યાંથી જવા જાય છે તેને રોકીને) જુઓ એ બધી ધમાલ કરવાની કોઈ જરૂર નથી. અનુરાધા અને અમે કાલે સવારની ફ્લાઇટમાં જતાં રહીશું.. પરમ દિવસે હૈદરાબાદમાં અમારો શો છે.
રંગમંચ ઉપરનો પ્રકાશ ઝાંખો થવા માંડે છે. એ ઝાંખા પ્રકાશમાં મંચ ઉપર ત્રણ આકૃતિઓ ઊપસી આવે છે. પહેલાં બન્જિત, પછી અનિરુદ્ધ ને છેલ્લે અર્ણવ. દરેકના હાથમાં મ્હોરું છે. વારાફરતી તેઓ પોતાના ચહેરા ઉપર મ્હોરું લગાવે છે. ચિત્રલેખા અને તેમની શિષ્યાઓ તેમને ઘેરી વળી તીવ્ર લયમાં The Blazing Fires નામક નૃત્ય રજૂ કરે છે અને આખાય રંગમંચને જાણે સ્વાહા કરવા તત્પર એવી અગ્નિની ભભૂકતી જ્વાળાઓ વચ્ચે પરાકાષ્ઠાએ પહોંચતા તેમના નર્તન સાથે પડદો પડે છે.
0
નાટ્યકારે ‘કવિન્યાય’ કાજે, અર્ણવ દ્વારા અનુરાધાનો સ્વીકાર સૂચવતો એક વૈકલ્પિક (સુખદ) અંત પણ યોજ્યો છે. પરંતુ તે સ્વીકૃત બને એવું જણાતું નથી, પ્રથમ દૃષ્ટિએ નાટકનાં ત્રણેય સ્ત્રી-પાત્રો – પ્રિયદશિર્ની, ચિત્રલેખા અને અનુરાધા – પુરુષની અનૈતિકતા સામે કોઈ પણ પ્રકારનો વિદ્રોહ નહીં કરનારાં અને ચૂપચાપ સહ્યે જવાની ‘બુર્ઝવા’ માનસિકતા ધરાવતાં અવશ્ય લાગે. પણ નાટ્યકારને તે અભિપ્રેત નથી. આ સ્ત્રીઓ પ્રગટ વિદ્રોહ નથી કરતી તો અસહ્ય વેદનાથી ભાંગી પણ નથી પડતી. કલાને પૂર્ણપણે સમપિર્ત આ નારીઓ પોતાની નૃત્યસાધના વડે ટકી રહેવાનું બળ પ્રાપ્ત કરે છે ને તેથી જ નાટ્યકારે નાટકના આરંભે તેમજ અંતે નૃત્યના આવિષ્કારને ગૂંથ્યો છે અને તે પણ કલાત્મક રીતે. એ જ આ નાટકની મહત્તા છે.
*
મહેશ ચંપકલાલ
નાટ્યવિવેચક, સંશોધક.
પૂર્વ-અધ્યાપક,પરફોમિર્ંગ આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા.
mchampaklal@yahoo.com
94267 63663
*