નરસિંહ-વૈભવનો પૂર્ણ આલેખ – અન્યભાષીઓ માટે – રમણ સોની

Narsinh Mehta of Gujarat – Neelima Shukla-Bhatt

Oxford University Press, New York, 2015

નરસિંહ મહેતા વિશે અંગ્રેજીમાં થયેલો આ સ્વાધ્યાય નરસિંહના કવિતા-વૈભવ ઉપરાંત, વિશેષે તો, ચોમેર પ્રસરેલી અને વિવિધ માધ્યમોમાં રજૂ થયેલી નરસિંહની કવિભક્ત-પ્રતિમાના વૈભવને ઘણા મોટા વ્યાપથી નિરૂપે છે. Narsinh Mehta of Gujarat નામના, મોટા કદનાં 350 ઉપરાંત પાનાંના આ પુસ્તકનું પેટાશીર્ષક છે – ‘A Legacy of Bhakti in Songs and Stories.’ એમ નરસિંહના ભક્તિ-વારસાને લેખકે અંગ્રેજી વાચકવિશ્વ સામે પૂરાં શ્રમ, ઉત્સાહ અને ખંતભર્યા સ્વાધ્યાયથી રજૂ કર્યો છે. એમનો આ સંશોધન-પ્રબંધ એમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંપન્ન કરેલો છે.

અમેરિકાની વેલેસ્લી કોલેજ, માસેચ્યુસેટ્સમાં વર્ષોથી અધ્યાપન કરતાં નીલિમા શુક્લ-ભટ્ટે એ પૂર્વે ગુજરાતની કોલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન કરેલું. ગુજરાતના પરિવાર-સંસ્કાર અને સાહિત્ય-સંસ્કાર એમને નરસિંહને પામવા-સમજવામાં – અને એમને વિશે કામ કરવામાં – સ્વાભાવિક જ પ્રેરક બનેલા છે. નરસિંહ-પરંપરાના આ જન્મપ્રાપ્ત પ્રભાવને એમણે અમેરિકી સંશોધન-પરંપરાની પદ્ધતિથી રજૂ કરેલો છે.

0

લેખકે પુસ્તકનું આયોજન ઉત્તમ રીતે – કંઈક લાક્ષણિક રીતે પણ – કર્યું છે. Prefaceમાં એમણે, પુસ્તકનાં ત્રણ લક્ષ્યો બતાવવા પૂર્વે, એક કલ્પિત પ્રવાસીને ગુજરાતમાં ફેરવ્યો છે – વ્યાપક નરસિંહ-પ્રભાવના પરિચય માટે. ‘The traveller would soon note that Narsinh Mehta is a cultural icon in Gujarat.’ (p. xi). લોકકંઠમાં, પાઠ્યપુસ્તકોમાં, ગાંધીજીવનમાં, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં નરસિંહપ્રભાવના પ્રસરણની; કવિતામાંનાં કલ્પનોની ને લયમાધુર્યની, માત્ર ભક્તિની જ નહીં પણ સાંસ્કૃતિક વ્યાપકતાની એ પ્રવાસીને પ્રતીતિ થાય એ માટે.

લેખકનું પહેલું લક્ષ્ય છે ‘….to introduce the Narsinh Tradition in all its richness to readers in the English language (p. xiii).’ બીજું લક્ષ્ય ‘ભક્તિ-રસ’ને, પ્રેમ-ભક્તિ-જ્ઞાન અને નીતિમૂલ્ય-બોધમાં રસ-સૌંદર્યબોધને નિરૂપવાનું, નરસિંહ-ચરિત્ર ઉપસાવવાનું તથા ત્રીજું લક્ષ્ય નરસિંહનું જીવન-કવન સામ્પ્રત ગુજરાતી સમાજ-જીવન માટે કોઈ રચનાત્મક ‘એજન્ડા’ (કાર્યપ્રારંભક) બની શકે કે કેમ એની (ટૂંકી) વિચારણા રજૂ કરવાનું.

પ્રવેશક ભૂમિકા ‘(Introduction’)માં લેખકે પૂરો નકશો રજૂ કર્યો છે – પ્રત્યેક પ્રકરણમાંની ચર્ચ્ય સામગ્રીના નિર્દેશો સાથે. વળી ભૂમિકામાં જ એમણે પેટાશીર્ષકો કરીને નરસિંહ-પરંપરા, ગુજરાત અને એની પૂર્વકાલીન ભાષાભૂમિકાઓ, નરસિંહ જીવન અને સમય, એનું રસવિશ્વ, એના કર્તૃત્વના પ્રશ્નો, ‘ભક્તિ-રસ’નું ભક્તિમૂલ્ય અને રસમૂલ્ય – એ બધાં દ્વારા નરસિંહની સ્પષ્ટ પીઠિકા પણ રચી આપી છે. એક ગુજરાતી તરીકે નરસિંહની કવિતાના ગાન-શ્રવણના અને વાચન-આસ્વાદનના પૂર્વસંસ્કારોને, તથા 2001માં આ સંશોધન માટે કરેલા ગુજરાત પ્રવાસ દરમ્યાન એકત્રિત કરેલી પુષ્કળ મૌખિક-લિખિત સંદર્ભસામગ્રીને, તથા એ રીતે કરેલા નરસિંહવિશ્વના પુનરનુભવને – લેખકે પોતાની સામગ્રી-સજ્જતાનાં મહત્ત્વનાં પરિબળો ગણાવ્યાં છે.

બે ખંડોનાં સાત પ્રકરણોમાં નીલિમા શુક્લ-ભટ્ટ (હવેથી નીલિમા) પોતાના આ સ્વાધ્યાયને ઢાળે છે. પહેલા ખંડ Devotion and Asthetics in the Narsinh Traditionમાં લેખક નરસિંહની કૃષ્ણપ્રીતિની કવિતાને (પ્રકરણ–1) અને જ્ઞાન-પ્રબોધની કવિતાને (પ્ર. 2) વર્ણવવા-તપાસવા ઉપરાંત (પ્ર. 3માં) નરસિંહ વિશેનાં કાવ્યોમાં પ્રગટ થતા નરસિંહના સંત-ભક્ત જીવનને તથા નરસિંહ-પરંપરાના વિસ્તરણને આલેખે છે, અને (પ્ર. 4માં) લોકસંગીત અને અર્વાચીન સુગમ સંગીતમાં થયેલા નરસિંહ-કવિતાના આવિષ્કારને વર્ણવે છે.

વિદેશી/અન્યભાષી વાચકને ગુજરાતીની મધ્યકાલીન કાવ્યપરંપરાની કોઈ વિગત વણજાણી કે અસ્પષ્ટ રહી ન જાય એની પૂરી તકેદારી રાખીને લેખકે સગુણ-નિર્ગુણ ભક્તિમાર્ગોની માહિતી આપી છે, નરસિંહનાં કેટલાંક પસંદગીનાં પદોના અંગ્રેજી ગદ્ય-અનુવાદ આપવા સાથે એનાં અર્થો-સમજૂતીઓ (ને નોંધો (notes)માં ટિપ્પણીઓ, સંદર્ભો) આપ્યાં છે, તથા પૌરાણિક સંદર્ભો સ્પષ્ટ કર્યા છે.

પહેલાં બે પ્રકરણો કાવ્ય-કૃતિ-ચર્ચાનાં છે એમાં લેખકની પદપસંદગી મહદંશે તો કાવ્યમૂલ્યના ધોરણને સામે રાખીને થઈ છે, તેમ છતાં એમનો ઝુકાવ કાવ્યોમાંના કથા-અંશોને, એ રીતે ભક્તિપ્રેમ અંગેની કુતૂહલ-પ્રેરકતાને આગળ રાખવા તરફ રહ્યો છે. આ બે પ્રકરણોમાંનો – આમ તો આખા પુસ્તકમાંનો – નરસિંહસ્વાધ્યાય બહુઆશ્લેષી અને વિગતપ્રચુર રહ્યો છે.

નરસિંહના જીવન વિશેના મૌખિક-લિખિત સ્રોતોનું વિગતે નિરૂપણ કરતા પ્રકરણ–3માં કિંવદંતીઓમાં તેમજ નરસિંહ-વિષયક કાવ્યોમાં પ્રચલિત થતા રહેલા નરસિંહચરિત્રને ઉપસાવવા ઉપરાંત નીલિમાએ શોધપ્રવાસ દરમ્યાન અભ્યાસીઓ, ભજનિકો, અને વળી ભાવિક ભક્તજનો સાથે કરેલી મુલાકાતોની વિગતોને પણ, નરસિંહ-મહિમા માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લીધી છે. ગુજરાતના સંસ્કાર-જીવન-પટ પર અનેક રૂપે પ્રસરતી રહેલી નરસિંહની સ્મરણમૂતિર્ને એમણે આ રીતે રજૂ કરી છે: Narsih’s memory is so intigrally embedded in the cultural landscape of the region – in songs by other saint-poets, in wall paintings in public buildings, on calanders, on television programs, in school prayers, and so on – that numerous contexts in everyday life offer an opportunity for recalling a story about him (p. 100)

નરસિંહનાં પદોની ગાન-પરંપરાને આલેખતા પ્રકરણ–4માં પદોની સંગીતક્ષમતાની વાત કરતાં લેખકે રાગ, તાલ, ઢાળ ઉપરાંત ગરબી, ધોળ, પ્રભાતિયાં એવી રૂપ/સ્વરૂપ-સંજ્ઞાઓની પણ માહિતી-સમજૂતી આપી છે અને એમ ગુજરાતી મધ્યકાલીન કાવ્ય-પરંપરાનો ઠીકઠીક પરિચય સંપડાવ્યો છે. ભજનિકોનાં ભજનો દ્વારા, સુગમ-સંગીત-ગાન અને નૃત્ય દ્વારા થતી આ રજૂઆતો (peroformances)માં પદોના કાવ્યપ્રભાવનો – ‘ભક્તિ-રસ’માંના ‘રસ’ તત્ત્વનો ફાળો છે એ નોંધવાનું નીલિમા ચૂક્યાં નથી.

પુસ્તકના ઉત્તર ખંડ (ખંડ–2)માં લેખક નરસિંહનો આ સમૃદ્ધ વારસો નરસિંહ પછીની ને અર્વાચીન સમયની ધર્મ-પરંપરાઓમાં તેમજ લોકપ્રિય સંસ્કૃતિ-પરિવેશ (popular culture)માં કેવાં રૂપે વિસ્તર્યો છે એની વાત ત્રણ પ્રકરણોમાં માંડે છે. પ્રકરણ–5 અગ્રણી સંત-ભક્ત અને આદિ કવિ ‘(The saint of threshold, the first of Poets’) વિશે છે. એમાં નરસિંહ પછીના ભક્તિમાર્ગો – પુષ્ટિ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય–ની ભૂમિકા કરીને ગુજરાતી સાહિત્યના ઇતિહાસોમાં નરસિંહના આદિ’કવિ’ તરીકેના સ્થાનની ચર્ચા-વિગતો સારી રીતે મૂકી છે. નરસિંહ-વારસાની વાત કરતાં, ગાંધીજીના ઘડતરમાં નરસિંહનો ફાળો ‘(A saint-poet in the making of a Mahatma’)ને નીલિમાએ, 30 પાનાંનું એક આખું પ્રકરણ આપ્યું છે (પ્ર. 6). એમાં ગાંધીજીના પ્રિય પદ ‘વેષ્ણવજન તો…’ના પ્રભાવ અને પ્રસારની વાત હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ ગાંધીજીએ લાંબા સમયગાળાનાં એમનાં વક્તવ્યો/લખાણોમાં નરસિંહનાં પદોના, વ્યક્તિત્વના, મહત્તાના, પ્રભાવના ઉલ્લેખો ક્યાં ક્યાં કેવી રીતે, કયા સંદર્ભે કરેલા છે એની અનેક વિગતો, અન્ય લેખકોનાં લખાણોને આધારે તેમજ સ્વતંત્ર રીતે પણ તારવી આપી છે (મુખ્યત્વે Collected Works of Mahatma Gandhi’ – ગ્રંથોમાંથી સંદર્ભો ટાંકીને) એમાં નીલિમાનો અથાક શોધ-શ્રમ દેખાઈ આવે છે.

એવું જ વિસ્તૃત વિગતો આપતું – મોટું માહિતી/દસ્તાવેજી મૂલ્ય ધરાવતું – પ્રકરણ (છેલ્લું, 7મું) છે: ‘Songs and the Saint in modern Media: Narsinh Mehta in popular culture.’ ઈ. 1930થી લઈને રેડિયો, ફિલ્મ, ઓડિયો કેસેટ્સ અને સીડી, ટેલિવિઝન, અને પછી You Tube જેવો વીજાણુ-સંગ્રહ – એ સર્વ માધ્યમોમાં નરસિંહનાં પદો અને એમના જીવનસંદર્ભોનો કેવો ગંજાવર ને માતબર પ્રસાર થયો છે એ અસંખ્ય ને ઝીણી વિગતો આપીને એનો બહુવ્યાપી ચિતાર આપ્યો છે. એ અન્યભાષી વાચકોને તો ખરો જ, ગુજરાતી વાચકોને પણ પ્રભાવિત કરે એવો વિગત-સમૃદ્ધ છે.

અંતે, ઉપસંહાર (Concluding Remarks) નામના દસેક પાનાંના લખાણમાં નીલિમાએ એક ચંત્યિ મુદ્દો નિરૂપ્યો છે. ભૂમિકા–પ્રકરણમાં, 2002ની ગોધરા-કાંડ-પ્રેરિત કોમી હિંસાના સંદર્ભમાં એમણે એક સૂચન કર્યું છે કે, નરસિંહનાં કવિતા અને સંતજીવન, આવી ઘટનાઓમાં, સર્વસમભાવ અને સંવાદ સ્થાપવામાં મહત્ત્વનો ઉપાય/ઇલાજ બની શકે – જો એનો સમજીને ઉપયોગ થાય તો. (I suggest that Narsinh’s songs and sacred biography provide a valuable resource for the promotion of harmony if used meaningfully (p. 30). એ વાત ઉપસંહારમાં એમણે 2002નાં હુલ્લડો, એ પછી સ્વૈચ્છિક સેવાસંગઠનો (NGOs)ના પ્રયત્નો, કેટલાંક મંતવ્યો, વગેરેની વાત કરીને નરસિંહ-પ્રતિમા એમાં કોઈ ઉપકારક ભૂમિકા ભજવી શકે એની શક્યતાની ચર્ચા મૂકી છે – એ કંઈક દૂરાકૃષ્ટ અને વધુ તો અપ્રસ્તુત જણાય છે. નરસિંહ, કબીર, સૂફી સંતોનો, ભક્તો-કળાકારો તરીકેનો, સભ્યતાના તંતુએ, એક સર્વસાધારણ માનવીય પ્રભાવ એ જુદી વાત છે ને આવો સમસ્યાકેન્દ્રી (issue based) નિરાકરણ-પ્રભાવ બીજી વાત છે. પુસ્તકમાં 2002ના કાંડના ઠીકઠીક ઉલ્લેખો છે. અલબત્ત, ઉપસંહારનું (ને પુસ્તકનું) છેલ્લું વાક્ય એમના વિચારને ઘટનાનિરપેક્ષ એવા એક વ્યાપક બિંદુએ લાવી મૂકે છે, એ પ્રતીતિકર છે. નીલિમા કહે છે, As rasa, bhakti has immense potential to bind people in love and joy – p. 256 (રસની જેમ ભક્તિમાં પણ માનવસમુદાયને પ્રેમ અને પ્રસન્નતાથી જોડતી એક વિરાટ આંતરશક્તિ બનવાની ક્ષમતા હોય છે.)

2

પરંતુ આ સ્વાધ્યાય એના ગુજરાતી વાચકોને, એકબે મહત્ત્વની બાબતોમાં, કેટલાક અસંતોષો આપવાનો. નરસિંહ મહેતાના કવિ-ભક્ત માનસના પરિચયનો, એક આદરણીય દૃષ્ટાંતરૂપ વૈષ્ણવ તરીકેના એમના વ્યક્તિત્વના મહિમાનો, અને વર્તમાન માધ્યમોમાં ઝિલાયેલી એમની છબીનો – વ્યાપ અહીં અલબત્ત મોટો છે, પણ નરસિંહની કવિતામાંનાં મામિર્ક ઊંડાણોનો પૂરો તાગ અહીં મળતો નથી.

પહેલાં બે પ્રકરણોમાં ઠીક ઠીક પદોના અંગ્રેજી અનુવાદો અને એનાં ચર્ચા-સમજૂતી એમણે આપ્યાં છે એમાં કેટલાંક આસ્વાદદર્શી વિવરણો (જેમકે ‘જળકમળ…’ અને ‘વૈષ્ણવજન તો…’નાં) સારાં છે. વળી કૃષ્ણ’લીલા’ ચમત્કારિક હોવા કરતાં માનુષી પ્રેમના શરીરી ઉલ્લાસની વાત વિશેષ છે. (The Lila is not only devine, it is equally human p. 44) – એ મહત્ત્વની બાબત પણ લેખક ચીંધે છે પરંતુ, તેમ છતાં, નરસિંહની કવિતાના લીલા-સૌંદર્યને તથા એનાં મર્મસ્થાનોને ખોલવાનું અહીં ઓછું બન્યું છે. પ્રીતિભાવનાં પદોમાં ‘મેહુલો ગાજે’, ‘આજની ઘડી રળિયામણી’, ‘હળવે હળવે હળવે હરજી’, વગેરે તથા રતિભાવનાં પદોમાં ‘ગોરી તારાં નેપૂર રે’, ‘સફલ રજની હવી’ જેવાં અને (જયદેવના ‘ગીતગોવંદિ’ના પ્રભાવના ઉલ્લેખો કર્યા છતાં) ‘જુવતિવદન ચંદ્ર’ અને ‘સુંદરીરત્ન મુખચંદ્ર’ જેવાં ભાવ-ભાષા બંનેની વિશેષતાવાળાં પદો રહી ગયાં છે. ને સમાન ભાવ-મર્મવાળાં કેટલાંક પદોની ચર્ચા પ્રવેશી ગઈ છે, એટલું જ નહીં, ‘ચાતુરીઓ’નો આ પુસ્તકમાં નિર્દેશસરખો નથી. એવું સમજાય છે કે રતિભાવનાં કાવ્યો – જેમાં લય-પ્રાસ-કલ્પન-લીલાનું અને કાવ્યમર્મનું સૌંદર્ય ભરપૂર છે એવાં ધ્યાનાર્હ પદો પણ – એમની રુચિની બહાર રહ્યાં છે. પુસ્તકના બીજા ખંડમાં એક જગાએ એમણે લખ્યું છે કે, અતિશૃંગારિક પદો હસ્તપ્રતોમાં મળે છે ખરાં પણ જનસામાન્યની એમાં સંમતિ નથી, એથી વિવેચકોએ પણ એ અમાન્ય કર્યાં છે. (The explicit eroticism of a large number of lyrics found in manuscripts has not met with popular approval and has been censored by critics (p. 163) – એ દલીલ તર્કનિષ્ઠ નથી. એમણે, કયા વિવેચકોએ અમાન્ય કર્યાં છે એ બતાવ્યું નથી તેમજ, ફૂટનોટમાં લખ્યું છે એમ, શૃંગારનાં પદો જાહેર કાર્યક્રમોમાં સાંભળ્યાં ન હોય (…. are never heard in performances – જ્રn. 38, p. 277) એથી, કાવ્યલેખે એને ચર્ચાબહાર રાખવાનો તર્ક પણ બરાબર નથી. જનસામાન્ય-સંમતિને જ ધોરણ ન બનાવી શકાય – સંશોધન-સ્વાધ્યાયમાં તો નહીં જ.

નરસિંહ જેવાની કવિતાનો અંગ્રેજી ગદ્ય-અનુવાદ પણ મુશ્કેલ બલકે દુષ્કર બને એ સમજી શકાય એવું છે. અને કહેવું જોઈએ કે નીલિમાએ કેટલાંકના અનુવાદો બરાબર કર્યા છે. ‘(નિરખને ગગનમાં….’ના અનુવાદમાં skyને બદલે space શબ્દ કેમ યોજ્યો એની સમજૂતી પણ સરસ, પ્રતીતિકર છે) પરંતુ જ્યાં કાવ્યમર્મ લેખકથી બરાબર પકડાયો નથી ત્યાં અનુવાદ સપાટ-નિર્જીવ, અને ખોટા પણ, બન્યા છે. ઉદાહરણ લેખે, ‘ગ્રંથ ગરબડ કરી’ (the books created confustion), ‘ઊગરે એક ઉદ્વેગ ધરવો’ (only the one who knows this saved), અને એવાં બીજાં સ્થાનોએ મૂળ મર્મ (પહેલાં બેમાં તો ક્રિયાનો કર્તા સુધ્ધાં) એમનાથી પકડાયો નથી. ‘દૂબળા ઢોરનું કુશકે મન ચળે’થી શરૂ થતી પંક્તિઓમાં રૂઢિપ્રયોગ-દૃષ્ટાંતને સપાટ કરી દેતો શબ્દાનુસારી અનુવાદ થયો છે ત્યાં કશું હાથમાં આવતું નથી – ગુજરાતી વાચકને તો ઘણી તકલીફ પહોંચે છે.

જ્ઞાન-ભક્તિનાં પદોની ચર્ચામાં પસંદગીની તેમજ એના મૂળ કવિવિશેષની મુશ્કેલીઓ પણ વધુ દેખાય છે. ‘સ્વામીનું સુખ હતું’, ‘હું ખરે, તું ખરો’ જેવાં નરસિંહની તત્ત્વ’કવિતા’નાં ચાવીરૂપ ઉત્તમ પદોની ચર્ચા સામેલ કરાઈ નથી. નરસિંહની જ્ઞાનલક્ષી કવિતામાં એમની પ્રીતિ-સાયુજ્યની કવિતાનું એક વિશેષ અનુસંધાન છે – પ્રીતિકાવ્યોનાં કલ્પનો યોજીને તત્ત્વદર્શન અને તત્ત્વાનુભવને, કવિ લેખે સ્ફૂટ કરતી નરસિંહી લાક્ષણિકતા આ ચર્ચામાં ગેરહાજર છે. ‘નિરખને નૌતમ નિત્ય કેલિ’ જેવા સંદર્ભા અને ‘વસ્તુરૂપ થાશે રે વસ્તુ પોતે’ જેવી સંકુલતાઓ, એથી, ઊપસ્યાં નથી.

સંશોધન-પદ્ધતિને આમ તો બરાબર અનુસરતાં આ લેખકે, જે જે પદોના અનુવાદો મૂક્યા છે તે દરેકની શરૂઆતમાં, પદના આરંભના ગુજરાતી શબ્દો લિપ્યંતરથી કેમ નથી દર્શાવ્યા એ આશ્ચર્ય છે – માત્ર Vaishanvajan to પદ પૂરતું જ એ સીમિત રહ્યું છે. પદ-નામ-નિર્દેશ કરીને તરત સંદર્ભ સંપડાવે એવી પદ્ધતિનો આ અભાવ વાચકને અગવડરૂપ બને છે.

સંશોધન-સ્વાધ્યાય લેખે એક બીજી બાબત પણ ખૂંચે એવી છે. લેખકે 2001ના શોધપ્રવાસ દરમ્યાન ગુજરાતના મધ્યકાલીન સાહિત્યના સંશોધકો-અભ્યાસીઓ ઉપરાંત ભજનિકો, સુગમ સંગીતના ગાયકો, ફિલ્મકારો એ બધાંની મુલાકાતો લીધી હતી. (I spoke with numerous people […] and found them enthusiastic about responding. p. 130) – એમાંથી મેળવેલી-નોંધેલી પુષ્કળ સામગ્રી (તથા જે કોઈ પુસ્તકો મળ્યાં એમાંથી લીધેલી સામગ્રી) જે રીતે અહીં ઊતરી છે એ જોતાં લાગે છે કે અભ્યાસો-મંતવ્યો-ઉદ્ગારોમાં કયા અધિકૃત ગણાય ને કયા ન ગણાય એવો ચુસ્ત સ્વીકાર-અસ્વીકાર-વિવેક પૂરો જળવાયો નથી. વિમર્શ વિના ઘણું સીધું જ ઠલવાયું છે. ઉદાહરણ તરીકે, મીરાંની કહેવાતી (અનધિકૃત ઠરેલી) કૃતિ ‘નરસિંહજી રો માહ્યરો’ની વાત તેમ જ નરસિંહ વિશેનાં સંપાદનોમાં નથી એવાં પદોની વાત, ભજનિક-ભક્તોની ભાવાર્દ્ર કથનીઓ – એ બધું કેવળ નરસિંહ-મહિમામાં ઉમેરો કરવા ખાતર એમણે કરવા જેવું ન હતું. સામગ્રી-ચયનનું જરૂરી શોધનિયંત્રણ થયું નથી. નરસિંહના ઉત્તમ ને વ્યાપક પ્રદાન માટેનો લેખકનો ભાવાત્મક પ્રેમાદર શોધલક્ષી સ્વાધ્યાયની કેટલીક નાજુક રેખાઓને ઓળંગી ગયો છે.

3

ગુજરાતીના વિદગ્ધ વાચકની આવી અપેક્ષાઓને બાજુએ રાખીએ તો આ સ્વાધ્યાય નિ:શંકપણે અન્યભાષી વાચકો સામે નરસિંહને અને નરસિંહ-વારસાને પ્રભાવક રીતે ખોલી આપે છે. આ અધ્યયન, સંશોધનના દસ્તાવેજી મૂલ્યની રીતે તો લગભગ સર્વગ્રાહી અને બેનમૂન છે.

સાત પ્રકરણો અને ભૂમિકા-ઉપસંહારનાં બે પ્રકરણોમાં વિશદ અને વિવિધપરિમાણી અભ્યાસ આપતા આ પુસ્તકમાં, એ ઉપરાંત લેખકે 30 જેટલાં ચિત્રો-છબીઓ (illustrations) મૂક્યાં છે એમાં હસ્તપ્રતોનાં મહત્ત્વનાં પાનાં, નરસિંહનાં અર્વાચીન કળાકારોએ આલેખેલાં ચિત્રો, ફોટોગ્રાફ, નરસિંહની ટપાલટિકિટો, નરસિંહવિષયક ફિલ્મોમાંની, નૃત્યકારો ને ગાયકોની છબીઓ – રજૂ કર્યાં છે એ નરસિંહ-વારસાના પ્રસારણના ચાક્ષુષ દસ્તાવેજો છે. વળી, લેખકે પુષ્કળ સંદર્ભસામગ્રીના હવાલા/નિર્દેશો આપતી ભરપૂર નોંધો મૂકી છે (સાત પ્રકરણોની થઈને આવી અંત્ય નોંધો (end notes) 700 જેટલી જવા થાય છે.) પરિશિષ્ટમાં એમણે 100 જેટલા ચાવીરૂપ શબ્દાર્થો, પારિભાષિક શબ્દો અને પૌરાણિક સંજ્ઞાઓ વિશેનો સંક્ષિપ્ત-પરિચય-કોશ(Glossary) મૂક્યો છે અને સ્રોતસંદર્ભ-નોંધો(Bibliography)માં અંગ્રેજી-ગુજરાતીના 600 જેટલા ગ્રંથો, ને એ ઉપરાંત, ઉપલબ્ધ દૃશ્યશ્રાવ્ય સામગ્રીની, વેબ-સાઇટ્સની, યૂ-ટ્યૂબના સ્રોતોની ઘણી જ વિગતો નિર્દેશ પામી છે એ બતાવે છે કે સ્વાધ્યાય કેટલો ખંત-પરિશ્રમ-કેન્દ્રી (meticulous) અને બહુઆશ્લેષી છે.

આટલા મોટા પાયા પરના વ્યાપક સ્વાધ્યાય છતાં, નિવેદન (preface)ના છેલ્લા વાક્યમાં એક સંશોધક તરીકેની નમ્રતા અને વિદ્યા-પરંપરા-નિષ્ઠ અપેક્ષા એમણે વ્યક્ત કરી છે – ‘નરસિંહની કવિતાના રસ-સૌંદર્યને સ્પર્શતાં બીજાં [અલબત્ત, અંગ્રેજીમાં લખાનાર] વિદ્યાકાર્યોની હું રાહ જોઉં છું.’ (I await other works from scholars touched by its rasa – p. xiv)

ગુજરાતીની મધ્યકાલીન સાહિત્યપરંપરા અને સર્જકો વિશે અંગ્રેજીમાં સ્વલ્પ લખાણો થયાં છે ત્યારે – અને સ્વતંત્ર રીતે પણ – નીલિમા શુક્લ-ભટ્ટનો નરસિંહ મહેતા વિશેનો આ જ્ઞાનકોશવત્ (encyclopaedia) ગ્રંથ એક મહત્ત્વનો પ્રબંધ બની રહે છે.

*

રમણ સોની

વિવેચક, સંપાદક.

ગુજરાતીના પૂર્વ-અધ્યાપક,

મ. સ. યુનિવર્સિટી, વડોદરા.

વડોદરા.

ramansoni46@gmail.com

92282 15275

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.