અમેરિકન વિવેચન – મધુસૂદન કાપડિયા

ટૂંકાં અવલોકનો

[પુસ્તકની વિગતે પરિચય-સમીક્ષા કરી આપતા લેખોની સાથે, એ ઉપરાંત, અન્ય પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય સંપડાવી આપતાં કે એના કોઈ મહત્ત્વના પાસાને 500-600 શબ્દો સુધીમાં ઉપસાવી આપતાં અવલોકનો પણ કેટલાક સમીક્ષકમિત્રો પાસેથી ઇચ્છ્યાં હતાં. એ ટૂંકાં અવલોકનો અહીં પ્રગટ કર્યાં છે.

સંક્ષિપ્ત પરિચયોનો પણ એક બૃહદ સંપાદન-ગ્રંથ કરી શકાય એવાં ઇંગિતો એમાં પડેલાં છે. –સંપાદક]

અમેરિકન વિવેચન

 

The Hatred of Poetry – Ben Learner,  New York, 2016

બેન લર્નરને ફુલબ્રાઇટ, ગુગનહાઈમ અને મેક આર્થર ફેલોશીપ મળી છે. તેમની બે નવલકથાઓ Leaving the Atocha Station અને 10.04ને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે: The Lichtenberg Figures, Angle of Yaw અને Mean Free Path. હાલ તેઓ બ્રૂકલીન કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે.

આ નાનકડું (86 પાનાંનું) પુસ્તક લર્નરની અવળવાણી છે. કવિતાના તિરસ્કારને નામે આ તેમનો કવિતા માટેનો અગાધ પ્રેમ છે. લોકો કવિતાની ઉપેક્ષા કરે છે, ટીકા-નિન્દા કરે છે; માત્ર સામાન્ય લોકો જ નહિ, ખુદ કવિઓ પણ કવિતાનો અણગમો વ્યક્ત કરે છે. અરે, આ પુસ્તકનું પહેલું વાક્ય છે જાણીતી કવયિત્રી મેરીએન મૂરનું: ‘I, too, dislike it’ (મને પણ કવિતા નથી ગમતી.) પણ મેરીએન મૂર પણ લર્નરની ટોળીમાં જ ભળી જાય છે. આ કંડિકા ‘I too dislike it’ એ કાવ્યપંક્તિ છે! અને પછીની ત્રણ પંક્તિઓમાં કવયિત્રી કહે છે કે સંપૂર્ણ અનાદર સાથે કવિતા વાંચવાની શરૂઆત કરવા છતાં અંતે તો કાવ્યમાંથી કંઈક અસલી ચીજ મળી આવે છે! લર્નર પણ કહે છે કે ‘કવિતા અને કવિતાનો તિરસ્કાર એમાં મને કોઈ આંતરવિરોધ નથી દેખાતો કારણ કે મારા માટે બન્ને એકબીજા સાથે ગૂંથાઈગૂંચાઈ ગયાં છે.’

લર્નર કવિતાનો જોરદાર બચાવ નથી કરતા. એને બદલે કેટકેટલા લોકોને કવિતાએ નિરાશ કર્યા છે તેનાથી તે શરૂ કરે છે, પ્લેટોથી આજ સુધી. એક વાત નિશ્ચિત છે કે લર્નર કવિતાને ચાહે છે. કવિતા લોકપ્રિય નથી એનું કારણ એની પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે છે. કવિતા વચન આપે છે કે તે તારાઓ-ગ્રહો-ઉપગ્રહોનું સંગીત સંભળાવશે પણ પછી રીતસર કાવ્યો હાથમાં લઈએ ત્યારે તો હાથમાં આવે છે અપૂર્ણ મનુષ્યોએ સર્જેલા તૂટીફૂટી ભાષાના ટુકડાઓ. લર્નરના શબ્દોમાં ‘કવિતા ક્ષણિકતા અને ઐતિહાસિકતાથી પર જવાની ઇચ્છામાંથી ઉદ્ભવે છે અને અપાથિર્વ અથવા દિવ્યને પામવા મથે છે… પણ જ્યારે આ ભાવનાથી તમે કવિતાને હાથમાં લો ત્યારે અનંતનું સંગીત શબ્દોની સીમામાં મર્યાદિત થઈ જાય છે. સ્વપ્નમાં કાવ્યો કાળને નાથી શકે… પણ જ્યારે તમે જાગો ત્યારે મનુષ્યની દુનિયાના જડ નિયમો અને તાકિર્કતામાં પાછા આવી જાઓ છે.’

કવિતાને ધિક્કારનારા ખરેખર તો આદર્શવાદી છે. કવિતા કવિના અંતરની તીવ્ર લાગણીઓને યેનકેનપ્રકારેણ બુદ્ધિગ્રાહ્ય અને સર્વતોમુખી બનાવે એ તેમનું પ્રયોજન છે. કવિતા તેમાં ઉત્તમોત્તમ સ્વરૂપે જે આશાઅપેક્ષા જગાડે છે તેમાં ઉંબરાને પણ તે ઓળંગી શકતી નથી. કવિતા જ નહિ કોઈ પણ મંત્રતંત્ર પણ એ ન કરી શકે.

લર્નર પુસ્તકનો અંત આણે છે કાવ્યાત્મક શબ્દોમાં અને કાવ્યના અપ્રતિમ સૌન્દર્યના પ્રભાવમાં. લર્નર કવિતાને સરખાવે છે વાદળમાંથી પસાર થતી જળની કે હિમકણોની પગદંડી સાથે, જે જમીન પર પહોંચતાં પહેલાં લુપ્ત થઈ જાય છે. કવિતા વર્ષા છે જે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેના અંતરને દૂર કરવામાં સ્હેજ માટે રહી જાય છે. કોઈક ધન્ય પળે આપણે એ જળકણોનો પડદો સ્હેજ ખસેડી શકીએ છીએ, અને લગભગ કશુંક ગ્રહણ કરી શકીએ છીએ, અથવા ફરી ક્યારેક ગ્રહણ કરી શકીશું. ઓછામાં ઓછું એ ‘શક્ય’ છે. તે શક્યતા જ ગમી જાય તેવી નથી?

છેલ્લે બર્નરના એક કાવ્યની કડીથી વિરમીએ:

‘There must be an easier way to do this/ I mean without writing.’

(કાવ્યસર્જનનો વધારે સ્હેલો કોઈ રસ્તો હોવો જોઈએ/મને અભિપ્રેત છે લેખન વિના સર્જન.) કાશ, આ શક્ય હોત.

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.