ગહન વિષયનું હળવી શૈલીમાં નિરૂપણ – સંધ્યા ભટ્ટ

કાર્વાલ્હો – કે. પી. પૂર્ણચંદ્ર તેજસ્વી

અનુ. કાર્વાલ્હો(Karvalho) – ડી. એ. શંકર, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી, 2014

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કન્નડ મહાકવિ કુવેમ્પુ (કે. વી. પુરપ્પા)ના જ્યેષ્ઠ પુત્ર પૂર્ણચંદ્ર તેજસ્વીએ વિદ્યાર્થી-અવસ્થાથી જ કવિતા, વગેરે લખવાનું શરૂ કર્યું હતું. કર્ણાટકના શિમોગા જિલ્લાના કુપલ્લી નામના નાના ગામમાં 1938માં તેમનો જન્મ. યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં એમ.એ. કર્યું. અનુસ્નાતક થયા બાદ અધ્યાપન કે સિવીલ સવિર્સમાં પડવાને બદલે તેમણે ખેતી કરવાનું પસંદ કર્યું. કોફી અને તેના જેવા બીજા પાક લીધા પછી તેઓ આજીવન પ્રકૃતિપ્રેમી જ બની રહ્યા અને ફોટોગ્રાફી, પર્યાવરણ, પર્યટન તથા વિજ્ઞાન જેવાં બિનસાહિત્યિક ક્ષેત્રોનું તેમને ઘેલું લાગ્યું. તેમને તત્ત્વચંતિનમાં પણ ઊંડો રસ હતો.

ઈ.સ.1973માં પોતાના એક વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે, સમકાલીન લેખકોએ આધુનિકતાથી દૂર જવાનો સમય આવી ગયો છે. તેમનું માનવું હતું કે જુદા જુદા વાદો અને લેખનની સંકુલ ટૅકનિકને કારણે આપણે મૂળ મુદ્દાથી ઘણે દૂર ચાલ્યા ગયા છીએ. પોતાની ટૂંકી વાર્તાઓમાં તેમણે પ્રબુદ્ધ ભારતીયનો ગ્રામ્ય જીવનની વાસ્તવકિતા સાથેનો સંબંધ કઈ રીતે તૂટી ગયો છે તે વર્ણવ્યું છે. ગામડા અને શહેર વચ્ચેનું અંતર બતાવવાની આ જ વાત પ્રસ્તુત નવલકથા ‘કાર્વાલ્હો’માં વિસ્તરે છે. વ્યક્તિ, સમાજ, માન્યતાઓ, અંધશ્રદ્ધા અને કુદરતી તથા માનવસજિર્ત પર્યાવરણીય પાસાંને ઊંડળમાં લેતી આ નવલકથા પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી છે જેમાં કથક પોતે જ એક પાત્ર પણ છે.

અઠ્ઠાણું પાનાંની આ લઘુનવલકથા કર્ણાટકની હરિયાળી પૃષ્ઠભૂમિના એક નાના ગામ મલ્નાડનો પરિવેશ ધરાવે છે. તે પ્રદેશ, ત્યાંનું જંગલ,ખેતી અને મધઉછેરના કામ સાથે સંકળાયેલા ત્યાંના લોકો અને તેમનું માનસ, તેમની માન્યતાઓ અને રિવાજો – એમ સમગ્ર પરિવેશમાંથી પસાર થવાનો આનંદ આ નવલકથા આપે છે.

નવલકથાની શરૂઆત ફિલ્મમેકીંગ સાથે સંકળાયેલો કથક મધ ખરીદવા માટે Bee-keepers Co-operative societyમાં જાય છે ત્યાંથી થાય છે. મધ લઈને જીપમાં ઘરે પાછા ફરતી વખતે તેઓ ભારે વરસાદમાં ઘેરાઈ જાય છે અને પેટ્રોલ ખલાસ થઈ જવાને કારણે જીપ પણ બંધ થઈ જાય છે. મધની સુગંધથી ખેંચાઈને મધમાખીનું મોટું ઝુંડ ત્યાં આવે છે ત્યારે કથકને બચાવવા માટે બે રાહદારીઓ આવે છે પણ તેઓ પણ મધમાખીઓના હુમલાથી અસર પામે છે. ફિલ્મ મેકીંગના કામમાંથી વેકેશન લઈને કથક પોતાનાં પત્ની-પુત્ર સાથે અહીં પોતે રાખેલી જમીનમાં ખેતી કરવાના ઇરાદે આવેલા છે. મધની ખરીદી નિમિત્તે તેમની ઓળખાણ મેંડેન્ના સાથે થાય છે. નવલનાં બે મહત્ત્વનાં પુરુષપાત્રો કાર્વાલ્હો અને મેંડેન્ના છે. મેંડેન્ના મધઉછેરનું કામ કરે છે અને ગમાર છે. ગામના લોકોને મન મેંડેન્ના નગણ્ય છે પણ વનસ્પતિશાસ્ત્રી અને કીટવિજ્ઞાની કાર્વાલ્હોની દૃષ્ટિએ, મેંડેન્નામાં કુદરતી રીતે જ પ્રકૃતિસંશોધકનાં લક્ષણો છે અને તેમાં યે તેની નિરીક્ષણશક્તિ અદ્ભુત છે.

કથાના પ્રવાહ સાથે વાચક મેંડેન્નાની વ્યક્તિગત સમસ્યાથી અવગત થાય છે – તેની પાસે સલામત નોકરી કે કાયમી કામ નથી પણ તેને નોર્વે રામૈય્યાહની પુત્રી રામીને પરણવું છે. રામીના ઉન્નત ઉરોજથી આકષિર્ત મેંડન્નાનું એકમાત્ર સ્વપ્ન છે રામી સાથે લગ્ન કરવાનું,પણ રામીના પિતા આવા બેરોજગારને પોતાની પુત્રી પરણાવવા માગતા નથી.

કાર્વાલ્હોને મેંડેન્નાનું ઘર વસે તેમાં રસ છે તેથી તે એક તરફ તેની નોકરીની વ્યવસ્થા કરે છે અને બીજી તરફ કન્યાના પિતાને સમજાવે છે. છેવટે લગ્નનો દિવસ આવે છે. પરંતુ લગ્નપ્રસંગે વધારે દારૂ પી ગયેલા નોર્વે રામૈય્યાહની ધરપકડ થાય છે અને ગેરકાયદે દારૂ રાખવાના આરોપસર મેંડેન્નાને જેલમાં બેસાડવામાં આવે છે.

કાર્વાલ્હોને માટે મેંડેન્ના બહુ મૂલ્યવાન વ્યક્તિ છે. પોતાના સંશોધન માટે સૌથી વધારે મદદરૂપ કોઈ થઈ શકે એમ હોય તો તે છે. આ બાબતનું બીજા લોકોને થતું આશ્ચર્ય પણ માણવા જેવું છે. નવલકથામાં થતી ઘટનાઓની ગતિવિધિ દરમ્યાન લેખક ગામમાં થતાં લગ્ન, તેમના રિવાજો, અબુધ જણાતાં મેંડેન્ના અને રામી, વગેરેને તાદૃશ કરે છે. મેંડેન્નાનાં હજી તો લગ્ન થયાં, ત્યાં જ તેને જેલમાં લઈ જવામાં આવતાં હવે તેને છોડાવવા માટે કાર્વાલ્હો વકીલ કરે છે. આ નિમિત્તે ત્યાંની કાયદાની પરિસ્થિતિ, પોલીસની ક્રૂરતા, નિમ્ન વર્ગ સાથે કરાતું વર્તન અને રાજકીય હરીફાઈ આપણી સામે આવે છે.

આ બધી વાતોથી કંટાળેલો કથક ફિલ્મમેકર જમીન વેચીને પાછો શહેરમાં ચાલ્યા જવાનો વિચાર કરે છે પણ કાર્વાલ્હો સાથે મુલાકાત થતાં તે જુદી જ વાત કરે છે. કાર્વાલ્હોને અહીંના પ્રાકૃતિક વાતાવરણે બાંધી રાખ્યો છે એટલું જ નહીં, તે પોતાના સંશોધન અંગેના રસપ્રદ સમાચાર આપે છે. બે અઠવાડિયા પહેલાં જ મેંડેન્ના સાથે નોર્વેની મુલાકાત દરમ્યાન મેંડેન્નાએ ઊડતી ગરોળી જોઈ હતી અને તેના વર્ણન પરથી કાર્વાલ્હોએ ચિત્ર બનાવ્યું છે. આ વિષયમાં કથકને પણ ભારે રસ છે અને તે પોતાને મુલાકાતે ન લઈ જવા માટે અફસોસ પ્રગટ કરે છે પણ કાર્વાલ્હો આ વાત ગુપ્ત રાખવા માગે છે. તેમને ખાતરી છે કે ઊડતી ગરોળીની શોધથી આ ક્ષેત્રે ઘણી ઉથલપાથલ થશે. વૈજ્ઞાનિકો આ પ્રાણીને લુપ્ત ગણે છે. પણ મેંડેન્નાની ઝીણી નજર પર કાર્વાલ્હોને વિશ્વાસ છે. આ અંગેની જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો સાથેની ચર્ચાને કથક અને તેની પત્ની વર્ગમાં કોઈ વ્યાખ્યાન ચાલતું હોય એમ ધ્યાનથી સાંભળી રહે છે અને તે વિશે વધુ જાણવાની તેમને ઉત્કંઠા છે.

હવે નક્કી થાય છે ઊડતી ગરોળીની શોધ માટેની સાહસયાત્રા. સૌપ્રથમ તો નકશાનો અભ્યાસ કરી દક્ષિણ ઘાટે કયા રસ્તે જવું તે નક્કી થાય છે. શીર્ડી ઘાટથી આગળ ને આગળ ચારમાડી ઘાટ વચ્ચે ફેલાયેલી દરિયાઈ સપાટીથી ચારસો ફૂટ ઊંચા જંગલમાં જવાનો રસ્તો નકશામાં જોવામાં આવે છે. આ સાહસયાત્રામાં કાર્વાલ્હો, મેંડેન્ના અને કથક ઉપરાંત એક એવી વ્યક્તિની જરૂર છે જે વાનરની માફક ઝાડ પર ચઢી જવામાં ચપળ હોય. આ પ્રકલ્પ અનુસારની પ્રતિભા પણ તેનામાં હોવી અપેક્ષિત છે. આવી વ્યક્તિને મેંડેન્ના જ લઈ આવે છે જેનું નામ બિરયાની કરીઅપ્પા છે. લગ્ન, જનોઈ, પાર્ટી જેવા પ્રસંગોમાં સારી બિરયાની બનાવવાના તેના ગુણને કારણે જ તેનું આ નામ પડ્યું છે. ઠીંગણો, કાળો, સારો તરવૈયો,પક્ષીને પકડી શકનારો, શિકાર માટે માંચડો બનાવવાની આવડતવાળો અને ઝાડ પર ચઢવામાં નિપુણ બિરયાની આ સાહસ માટે પસંદ થાય છે. કેળાની જેમ વળેલા તેના પગ માટે પૃચ્છા કરાતાં મેંડેન્ના કહે છે કે તે નાનપણથી વૃક્ષ પર ચડવામાં માહેર રહ્યો છે અને આમ સતત ઝાડ પર ચઢવાને કારણે તેના પગ આવા છે. શિર્ડી ઘાટથી શરૂ કરી વાયા ચિકમગલૂર બેંગલોર-મેંગલોર હાઇવે જવાનું વિચારાયું છે. આ બે છેડાની વચ્ચેના જંગલમાં ઊડતી ગરોળી દેખાવાની વકી છે. સાથે કૂતરો કીવી છે અને ઇલેક્ટ્રિક ફ્લેશ, ટેલીકૅમેરા અને 16એમ. એમ. મૂવી કૅમેરા સાથે પ્રભાકર પણ છે. સંશોધનાર્થે નીકળેલી આ સવારી બળદગાડામાં જવાની હોય છે. કરીઅપ્પા સીધા રસ્તે જવાનું કહે છે પણ મેંડન્ના બીજી બાજુએથી જવાનું કહે છે. જ્યાં ખજૂરીનાં વૃક્ષોની અનંત હારમાળા રસ્તે છે. જરૂરી બધી જ વસ્તુઓ લઈ લેવા મેંડેન્ના કહે છે કારણ કે ત્યાંથી પાછા આવવાનું મુશ્કેલ બની શકે. કથકને ક્યારેક તો આ બધી ચર્ચા વ્યર્થ લાગે છે પણ જ્યારે ખરેખર ગાડામાં પસાર થાય છે ત્યારે મેંડેન્નાએ કહ્યા મુજબ જ જાણે સામે લીલો સમુદ્ર હોય તેમ અસંખ્ય વૃક્ષોથી આચ્છાદિત અવાક્ કરી દે તેવું દૃશ્ય દેખાય છે.

ઉખડ-બાખડ જમીન પર ઊંચા-નીચા થતા ગાડામાં સાધનો ખરાબ થઈ જાય તેની ચિંતા પ્રભાકરને છે. એવામાં આગળ જતાં જંગલી ઘેટું દેખાયું જેની જાણ સૌપ્રથમ કીવીને થઈ જાય છે અને તે ભસવાનું શરૂ કરે છે. તે જ વખતે કરીઅપ્પા ‘પોતે ગાડું ચલાવી રહ્યો છે’ તે ભૂલીને ‘મારી રાઇફલ ક્યાં છે?’ એમ કહી ઉત્તેજિત થઈ ઊઠે છે.

એક રોમાંચક યાત્રા, વચ્ચે થતાં રોકાણો, અગવડો વચ્ચે થતી રસોઈ, એકબીજાના સ્વભાવને કારણે થતી નાની-મોટી તકરારો કાર્વાલ્હોના તર્ક અને ચંતિન, કીવીના પ્રાણીસુલભ પ્રતિભાવો – આમ તાદૃશ ચિત્રણ આપતી નવલકથા એક સુંદર સજીવસૃષ્ટિ આપણી સામે ખડી કરે છે. કથકની એક લાગણી એવી છે કે, ઊડતી ગરોળીનાં દર્શન થવાં મુશ્કેલ છે. તેમને ઘરઝુરાપો લાગે છે. તેમને એમ પણ પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ પ્રાણીઓમાં ઉત્ક્રાંતિ જોવા મળે છે તો પ્રાગૈતિહાસિક કાળનું આ પ્રાણી કેવી રીતે એવું ને એવું રહ્યું હોય?! આ વાત તે કાર્વાલ્હોને કરે છે. આ પરથી ઈશ્વરના અસ્તિત્વ વિશેની અને પ્રાચીન ઋષિઓના વૈદિક મંત્ર અંગેની વાતો પણ થાય છે.

આ રીતે આગળ ને આગળ જતાં એક તળાવ પાસે તેઓ પહોંચ્યા છે. જ્યાં બળદને ગાડાથી છૂટા કરાય છે. કાર્વાલ્હો અને પ્રભાકર ન્હાવા ગયા છે. મેંડેન્ના અને કરીઅપ્પા બળતણ માટે લાકડાં લેવા કુહાડી લઈને જંગલમાં ગયા છે. પ્રભાકરનો રેડિયો ગાડાના ખૂંટા પર ભેરવ્યો છે જેના પર કોઈ હિન્દી ફિલ્મનું પ્રેમગીત વાગી રહ્યું છે. કથક ઝાડની છાયા નીચે થાક અને ઘેન વચ્ચે ઝોલાં ખાતા પડ્યા છે. અને કીવી તેમના ગાલ ચાટી રહ્યો છે, એવી વખતે કીવી એકદમ ઊંચેકાન થઈ જાય છે. થોડેક દૂર સૂકાં પાંદડાં પર પાણી પડતું હોય એવો અવાજ આવે છે. કથક જુએ છે તો સેકંડો લાલ કીડીઓ સૂકાં પાંદડાં પર દોડી રહી છે, જે ખરેખર તો ઉપરથી પડી રહી છે. લેખકે આપેલો આ ચિતાર તેમના શબ્દોમાં જોઈએ.

‘Suddenly there was a conitnuous tap, tap, drip, drip sound, as of raindrops falling on dry leaves. Could it be the dew, I wondered. No, it wasn’t that, I couldn’t even see from where the sound came. Since I didn’t have anything to do, I looked round. Kiwi also became alert and using his ears as radars, located the direction from which the sound was coming. A few arm-lengths away from where I was sitting, hundreds of red ants were running on the fallen dry leaves. Then I knew: it was ants falling off on dry leaves.’ (p. 87)

(અચાનક ટપ ટપ ટપ જાણે કે વરસાદનાં ટીપાં સૂકાં પાંદડાં પર પડતાં હોય તેવો અવાજ આવ્યો. એ ઝાકળ હશે?! મને આશ્ચર્ય થયું. ના, એવું તો નહોતું. અવાજ ક્યાંથી આવતો હતો તેની ખબર નહોતી પડતી. હું કંઈ કરી શકું એમ નહોતું તેથી મેં ચોફેર જોયું. કીવી પણ સાવધાન થઈ ગયો હતો. તેણે એના કાન, રડારની જેમ ઉપયોગ કરતાં, અવાજ જે દિશામાંથી આવતો હતો તે દિશામાં ધરી દીધા હતા. હું જ્યાં બેઠો હતો તેનાથી થોડાક હાથના અંતરે સેંકડો લાલ કીડીઓ નીચે પડેલાં પાંદડાં પર દોડતી દેખાઈ. એટલે મને સમજાયું કે કીડીઓના પાંદડાં પર પડવાનો અવાજ આવતો હતો.)

વૃક્ષની ડાળ પર મોટું કીડીનું દર છે. અને તેવું જ બીજી ડાળીઓ પર પણ છે. ઉપર જોતાં જણાય છે કે કોઈક પ્રાણી કીડીના દરમાં પ્રવેશ્યું છે અને તેનાથી બચવા કીડીઓ ભાગી રહી છે. હવે તો બધી જ ડાળીઓ કીડીના રંગની લાલ થઈ ગઈ છે. તે કીડીઓએ પોતાને ખાવા માગનાર તે પ્રાણીને પણ ઘેરી લીધું છે. કીડીઓથી બચવા તે પ્રાણી હવામાં ઊડીને ઝાડના થડ પાસે નીચે આવે છે.

આ દૃશ્ય જોઈને કથકને ખાતરી થાય છે કે આ પ્રાણી કથ્થઈ રંગની ઊડતી ગરોળી જ છે. ત્યાર પછી તો તે બીજા સભ્યોને બોલાવે છે. કાર્વાલ્હો સ્તબ્ધ થઈ જોઈ રહે છે, પ્રભાકર પોતાના કૅમેરાનો ઉપયોગ કરે છે. કરીઅપ્પાની ઝાડ પર અત્યંત ઝડપભેર ચઢી જવાની કુશળતા અહીં જ્યારે કામે લાગે છે ત્યારે કથકની સાથે વાચક પણ વિસ્ફારિત થઈ જાય છે. કથક તો ઊડતી ગરોળી જે ડાળી પર છે ત્યાં નજર ખોડીને બેઠા છે અને તે જ દશામાં બીજાઓ સાથે વાત કરે છે. કરીઅપ્પા સાથેની તેમની વાતથી હસવું રોકી શકાતું નથી. જુઓ.

‘See, Kariappa, can you climb the tree I am looking at?’

‘Which one, sir? Is it the one near me or the one near to it?’ ‘Idiot! Don’t ask me which. It is the tree I am looking at. I can’t take my eyes off it. If I do, that’s the end. And we shall see it only in our next birth…’ (p. 89)

‘(જો, કરીઅપ્પા, મેં જે ઝાડ પર નજર માંડી છે તેની પર તું ચઢી શકીશ?’

‘કયું સાહેબ? મારી બાજુમાં છે તેના પર કે તેની બાજુના પર?’

‘બુદ્ધુ! કયું તે મને પૂછીશ નહિ. હું જે જોઈ રહ્યો છું તે, બસ. હું ત્યાંથી મારી નજર ખસેડી શકું તેમ નથી. જો એમ કરીશ, તો પત્યું. પછી તો તે (ઊડતી ગરોળી) આપણને આગલા જનમમાં જ દેખાશે.)

ઊડતી ગરોળી શોધતા શોધતા તેઓ સહ્યાદ્રિની ટોચ પર આવી ગયા છે તેની સરત પણ તેમને રહી નથી. બીજાં પ્રાણીઓથી જુદું આ પ્રાણી કેમ ન બદલાયું તેનું વૈજ્ઞાનિક કારણ પણ અપાય છે.

આ સંશોધનની સફળતા નવલકથાને અંતિમ બિંદુએ પહોંચાડે છે. તેના વિષયવસ્તુની અનેકસ્તરીયતાને કારણે બાળકો રોમાંચકથા તરીકે તેને માણી શકે અને યુવાનોને આ વિજ્ઞાનકથા લાગી શકે તો કલામર્મજ્ઞોને તેમાંથી કલા એ તત્ત્વજ્ઞાનને લગતું દર્શન પણ સાંપડી શકે.

લેખક પાસે પર્યાવરણ-વિજ્ઞાનની ભાષા અને તે ક્ષેત્રની જાણકારી અને તેને અનુરૂપ કથનશૈલી છે. આ કથામાં રહસ્યનું તત્ત્વ વિવિધ ખૂણેથી તાગી શકાયું છે. વ્યક્તિ, સમાજ, રાજકારણ, માનવમન, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિ જેવી અનેક ત્રિજ્યાઓને સ્પર્શતી આ કૃતિ નવલકથાનો વ્યાપ ધરાવે છે એમ કહી શકાય. અહીં મુખ્ય સ્ત્રીપાત્રની ગેરહાજરી છે અને બીજાં પાત્રોને આપણે કથકની નજરે જોઈએ છીએ. પાત્રોની સંકુલતાને કારણે નહીં પણ વર્ણ્ય વિષયને કારણે આ નવલકથા રસપ્રદ બની છે. વળી, આખી ય વાતને ભારેખમ નહિ બનાવતાં હળવી શૈલીમાં વાત મુકાઈ છે.

યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં અંગ્રેજીના એમેરિટસ પ્રોફેસર રહેલા કવિ, નાટ્યકાર અને આ નવલકથાના અનુવાદક ડી. એ. શંકરે રસાળ અને પ્રવાહી અનુવાદ કર્યો છે.

*

સંધ્યા ભટ્ટ

કવિ, વિવેચક.

અંગ્રેજીનાં અધ્યાપક,બારડોલી.

બારડોલી.

sandhyanbhatt@gmail.com

98253 37714

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.