વિશ્વભરની વિવિધ રાજનૈતિક વિચારસરણીઓમાં નિમજ્જન – કિરણ શિંગ્લોત

 

Fifty Politics Classics – Tom Butler Bouden

Nicolus Breally Publishing, London, 2015

રાજકારણને સામાન્ય રીતે સત્તાની સાઠમારી અને ખુરસીની ખેંચતાણનો વિષય માનવામાં આવે છે. સમાજનો ભણેલો-ગણેલો અને બુદ્ધિશાળી વર્ગ એને સૂગનો વિષય માને છે. પણ રાજકારણ અને રાજનીતિની વચ્ચે તફાવત છે. રાજનીતિ નિંદનીય નથી. એ ફિલોસોફીની પેટા શાખા તરીકે વિકસેલું શાસ્ત્ર છે. આ શબ્દ ગ્રીક મૂળ પોલિટિકા પરથી ઊતરી આવેલો છે, જેનો અર્થ ‘શહેરોનો કારોબાર’ એવો થાય છે. એ અર્થમાં અમુક પ્રદેશના શાસનની વ્યવસ્થા માટે રાજનીતિ અમલમાં આવેલી છે. રાજનીતિને પોતાની કળા છે અને વિજ્ઞાન પણ; સિદ્ધાંતો છે અને વ્યવહારિક બાજુ પણ. કોઇપણ રાષ્ટ્રના અંદર-બહારના વહીવટી પ્રશ્નોનો ઉકેલ એ રાજનીતિનું કાર્ય છે. પણ જ્યારે એનો ઉપયોગ કેવળ સત્તા મેળવવા કે ટકાવી રાખવા માટે કરવામાં આવે છે ત્યારે એ રાજનીતિ મટીને ગંદું રાજકારણ બની જાય છે. રાજનીતિનો આવિષ્કાર મૂળભૂત રીતે સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને સામર્થ્યની સ્થાપના માટે કરવામાં આવેલો હતો. પ્રાચીન ગ્રીસના સમયથી માણસજાત તે માટે મથતી આવી છે. એના ભાગરૂપે પરિપક્વ રાજનૈતિક વિચારસરણીનો જન્મ થયો છે. એનો ઇતિહાસ આશરે 2500વર્ષથી પણ જૂનો છે. વિશ્વસ્તરે અનેક અગ્રણી રાજનૈતિક વિચારકો,આર્ષદ્રષ્ટાઓ, અર્થશાસ્ત્રીઓ, કર્મઠો, ચળવળવાદીઓ, માનવસ્વાતંત્ર્યના સમર્થકો, પર્યાવરણવાદીઓ, મહિલા આધિકારવાદીઓ, યુદ્ધકૂટનીતિજ્ઞો તેમ જ જનનાયકોએ પોતાનાં વક્તવ્યો, લેખનો, વાર્તાલાપો અને પુસ્તકો દ્વારા જગતને નવી દિશા આપી છે; ક્રાન્તિનો માર્ગ ચીંધ્યો છે. અત્યાર સુધી તેની નોંધો છૂટીછવાયી હતી. હવે ટોમ બટલર-બાઉડને તેનું સાહિત્યિક પ્રલેખન(ડોક્યુમૅન્ટેશન) ‘ફિફ્ટી પોલિટિક્સ ક્લાસિક્સ’ના રૂપમાં પ્રકાશિત કર્યું છે.

ટોમ બટલર-બાઉડન ‘સંભાવનાઓના સાહિત્ય (લિટરેચર ઓફ પોસિબિલિટી’)ના આલેખનકાર તરીકે નામના પામેલા છે. એમણે વિશ્વખ્યાત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઇન્ટરનેશનલ પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતકની અને ત્યારપછી યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી બી.એ. ઓનર્સ ઇન ગવર્ન્મેન્ટ એન્ડ હિસ્ટ્રીની ઉપાધિઓ હાંસલ કરી છે. અભ્યાસ પૂરો કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં એમણે ખૂબ જ ટૂંકા ગાળા માટે રાજનૈતિક સલાહકારની કામગીરી કરી હતી. આ દરમિયાન,લગભગ 25વર્ષની યુવાન વયે એ સ્ટીફન કોવીના જગવિખ્યાત પુસ્તક સેવન હૅબિટ્સ ઓફ હાઇલી ઈફેક્ટિવ પીપલના સંપર્કમાં આવ્યા. એમણે એન્થની રોબિન્સ તેમ એમ. સ્કોટ પૅક્સનાં પુસ્તકો પણ વાંચ્યાં. આનાથી પ્રેરિત થઈને એમણે વ્યક્તિત્વ અને ચારિત્ર્યવિકાસનાં આગવી શૈલીનાં પોતાનાં પુસ્તકો લખીને સમાજની સેવા કરવાનું બીડું ઝડપ્યું. એમણે આ હેતુસર પોતાની સત્તા અને પ્રતિષ્ઠાવાળી નોકરીને તિલાંજલી આપી દીધી અને સૌ પ્રથમ સન2003માં ફિફ્ટી સૅલ્ફ-હૅલ્પ ક્લાસિક્સના પુસ્તક સાથે, આગવા વિચારો અને દૃષ્ટિ ધરાવતાં લેખો અને પુસ્તકોનું સંકલન કરવાની કામગીરીમાં ઝંપલાવ્યું. આ પુસ્તક માટે એમને સન 2004માં પ્રતિષ્ઠિત બૅન્જામિન ફ્રૅન્કલિન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારપછી એમની કલમ આ પ્રકારનાં, જુદી ભાત પાડતાં પુસ્તકોનું સંકલન કરવાની કામગીરી અવિરતપણે કરતી રહી છે. એમણે ફિફ્ટી ક્લાસિક્સ શ્રેણીમાં સક્સેસ (સફળતા), સ્પિરિચ્યુઆલિટી (આધ્યાત્મિકતા), સાઇકોલોજી (મનોવિજ્ઞાન), પ્રોસ્પેરિટી (સમૃદ્ધિ), તેમ જ ફિલોસોફી (દર્શન)ના શીર્ષક હેઠળ અનુક્રમે 2004, 2005, 2007, 2008અને 2013માં અભ્યાસપૂર્ણ ગ્રંથો બહાર પાડ્યા છે.

*

આ શ્રેણીમાં એમનો છેલ્લો સંકલનગ્રંથ ફિફ્ટી પોલિટિક્સ ક્લાસિક્સ 2015માં પ્રગટ થયો છે. બધું મળીને એમનું સમગ્ર સંકલન વાચકને વિશ્વનાં 350જેટલાં શ્રેષ્ઠ અને આગવાં પુસ્તકોની અભૂતપૂર્વ વિચારયાત્રા કરાવે છે. આ તમામ ગ્રંથો નિકોલસ બ્રિઅલી પબ્લિશિંગ દ્વારા પ્રકાશિત થયાં છે. વિશ્વની 25જેટલી અન્ય ભાષાઓમાં તેમનાં ભાષાંતર થયાં છે અને 30જેટલા દેશોમાં તે મોટી સંખ્યામાં વેચાય-વંચાય છે. વિવેચકોએ એમને ‘પ્રેરણાના કેલિડોસ્કોપ’ તરીકે નવાજ્યા છે. ટોમ બટલર-બાઉડન અર્થગંભીર પુસ્તકોનો અર્ક કાઢવાની કળામાં અત્યંત કુશળ પુરવાર થયા છે. એમણે કરેલો ગ્રંથસાર વાંચ્યા પછી વાચક કદાચ મૂળ પુસ્તક વાંચવાના શ્રમમાંથી ઊગરી જાય છે. છતાં આ ગ્રંથસારશ્રેણી સાવ શાળાના વિદ્યાર્થીઓ માટે છપાતી ગાઇડબૂક જેવી પણ નથી. આખી શ્રેણી વાંચવાની સંચયી પ્રક્રિયામાંથી પસાર થયા પછી વાચકની જ્ઞાનસીમામાં વધારો થવાનો,એનું માનસિક રૂપાંતરણ થવાનો અને એને જીવન જીવવાની અનોખી પ્રેરણા મળવાનો ચોક્કસ ભરોસો આપી શકાય છે. વચ્ચે ટોમ બટલર-બાઉડને એપ્રિલ 2012માં થિન્ક લોન્ગ: વ્હાય ઈટ’સ નેવર ટૂ લેઇટ ટૂ બી ગ્રેટ નામનું પ્રેરણાદાયક પુસ્તક પણ લખ્યું છે.

પ્રસ્તુત સંકલન ફિફ્ટી પોલિટિક્સ ક્લાસિક્સ વાચકને જગતભરના અનેક રાજનૈતિક વિચારકો અને દાર્શનિકોની રાજકીય વિચારસરણીની ‘તાજગીસભર યાત્રા’ કરાવે છે. પુસ્તકમાં કુલ 50પ્રકરણો છે અને દરેકમાં એક ચોક્કસ રાજનૈતિક વિચારધારાનો સાર આપવામાં આવ્યો છે. એ રીતે ગણતાં ફિફ્ટી પોલિટિક્સ ક્લાસિક્સમાં વાચકને વિશ્વભરનાં કુલ સત્તાવન જેટલાં પ્રાચીન અને અર્વાચીન, નામી-અલ્પનામી અને અનામી વિચારકો અને વિભૂતિઓની ક્રાંતદર્શી રાજનૈતિક વિચારધારા 325પૃષ્ઠના એક જ પુસ્તકના સ્વરૂપમાં જાણવા-માણવા મળે છે. આ વિચારકોમાં દુનિયાભરની મહાન હસ્તીઓનો સમાવેશ થાય છે.

સમગ્ર સંકલનમાં નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:

સ્વતંત્રતાની પ્રાપ્તિ એ સમસ્ત માનવસમુદાયનું અંતિમ અને પરમ લક્ષ્ય છે.

માણસ યુગોથી સમાનતા માટે લડતો આવ્યો છે.

માનવસમુદાયનાં સુખ અને સમૃદ્ધિ માટે રાજનૈતિક ચળવળ હંમેશાં કાર્યરત રહી છે.

કોઈપણ શાસન સ્થિરતા અને શાંતિને પસંદ કરતું નથી. એ પોતાની સત્તાને ટકાવી રાખવા, વધારવા અને એના પ્રભાવનું પ્રદર્શન કરવા માટે હંમેશાં કાર્યરત રહે છે.

માણસજાતે સુખી થવું હોય તો દરેક યુગમાં એણે નવા વિચારો અને નવીન સંકલ્પનાઓને અજમાવવાં જ પડે છે. એની આ ઝંખના એના રાજનૈતિક જીવનમાં પ્રતિબિંબ પાડે છે. માણસજાત સુખ અને શાંતિ માટે કાયમ સંઘર્ષ કરતી જ રહી છે.

કોઈ શાસન કદી આદર્શવાદી હોઈ શકે નહીં. સત્તામાં બેઠેલા લોકોમાં હંમેશાં સારા, ખરાબ અને દુષ્ટ (ગૂડ, બૅડ એન્ડ અગ્લી) લોકોનો શંભુમેળો જોવા મળે જ છે..

પણ ટોમ બટલર-બાઉડન લખે છે કે રાજનીતિ દૃઢ મૂલ્યો પર આધારિત હોવી જરૂરી છે. માનવસમુદાયના સ્વાતંત્ર્યનું મૂલ્ય એના પાયામાં હોવું જોઇએ. આ ધ્યેયને વરેલી ન હોય તેવી કોઇ સત્તા કે સરકાર ટકી શકતી નથી. વિશ્વમાં જેટલા ગરીબ દેશો છે એમના મૂળમાં તે દેશોની નિષ્ફળ ગયેલી રાજસત્તા જવાબદાર છે. કોઈપણ રાજકીય ચળવળના મૂળમાં જનતાની રુચિ,સહભાગીદારી અને તેના સક્રિય ટેકાની આવશ્યકતા છે એ ખરું, પણ પ્રજા આખરે એક ટોળું છે. કોઈ એક સમર્થ વ્યક્તિની પ્રાણવાન નેતાગીરી વગર કોઈપણ રાજકીય ચળવળ ટકી શકતી નથી. આર્થિક પ્રગતિના આજના યુગમાં રાષ્ટ્રો અને પ્રજાઓ વચ્ચે યુદ્ધોની કોઇ ભૂમિકા રહી નથી. જો માનવસમુદાયે સુખી થવું હશે તો વિશ્વસ્તરેથી યુદ્ધને સંપૂર્ણપણે નાબૂદ કર્યા વિના છૂટકો નથી.

ફિફ્ટી પોલિટિક્સ ક્લાસિક્સમાં સમગ્ર રાજકીય વિચારધારાને પદ્ધતિસર કુલ સાત ભાગોમાં વહેંચવામાં આવી છે:

  1. ફિલોસોફી ઓફ ફ્રીડમ (સ્વાતંત્ર્યવિચાર): આ વિભાગમાં લોર્ડ એક્ટન,હન્ના એરન્ડ્ટ, આઇઝેયા બર્લિન, એફ. એ. હાયેક, રોબર્ટ નોઝિક તેમ જ કાર્લ પોપરના સ્વાતંત્ર્યસંબંધી નિબંધો તેમ જ પુસ્તકોનું સારલેખન સમાવવામાં આવ્યું છે.
  2. સમાનતાનો અધિકાર: આ વિભાગમાં મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, નૅલ્સન મંડેલા, કાર્લ માર્ક્સ, ફ્રેડરિક એન્જેલ્સ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, જ્યોર્જ ઓરવેલ, જીન-જૅક્વિસ રુસો, રિચાર્ડ વિલ્કિન્સન, કેઇટ પિકેટ તેમ જ મૅરી વોલ્સ્ટનક્રાફ્ટના ગ્રંથો અને જીવનકાર્યોની સમીક્ષા કરવામાં આવી છે. ગાંધીજી તેમ જ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આત્મકથાઓમાં પ્રતિબિંબિત થતી રાજનૈતિક વિચારધારાઓનો આ વિભાગમાં સમાવેશ છે તે ઉલ્લેખનીય છે.
  3. સક્રિય બનો: આ વિભાગમાં રાજનૈતિક ધ્યેયની પ્રાપ્તિ માટે સમસ્ત જનતાને કાર્યરત થવા માટે પ્રેરણા પૂરી પાડનાર સોલ એલિન્સ્કી, રચેલ કાર્સન, એમ્મા ગોલ્ડમેન, નાઓમી ક્લેઇન, થોમસ પાઇને, અપટન સિન્ક્લેર અને હૅન્રી ડૅવિડ થોરો જેવા મહાનુભાવોનાં રુલ્સ ફોર રેડિકલ્સ, કોમન સૅન્સ અને સિવિલ ડિસ્ઓબિડિયન્સ જેવા સુપ્રસિદ્ધ ગ્રંથોની ચર્ચા કરવામાં આવી છે.
  4. ભૂ-રાજકારણ (જિયો-પોલિટિક્સ): અંતર્ગત કાર્લ ફોન ક્લોસવિટ્ઝ, સૅમ્યુઅલ પી. હંટિગ્ટન, પોલ કૅનેડી, હાન્સ મોર્ગેન્થો, જોસેફ એસ. નાયે તેમ જ ફારીદ ઝકરિયાનાં લખાણો છે. હાન્સ મોર્ગેન્થોએ લખેલું કે કોઇપણ શાસન શાંત બેસી શકે નહીં; એ પોતાની સત્તા ટકાવી રાખવા, એમાં વધારો કરવા અને એનું પ્રદર્શન કરવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે.
  5. રાજકીય નેતાગીરી (પોલિટિકલ લીડરશીપ)ના વિભાગમાં કુલ સાત ગ્રંથો છે. ગ્રેહામ ટી. એલિસન, એડવર્ડ બર્નેસ,કાર્લ બર્નસ્ટાઇન, બોબ વૂડવર્ડ, વિન્સ્ટન ચર્ચિલ, અબ્રાહમ લિંકન, સન યાત-સેન તેમ જ માર્ગારેટ થેચર જેવા રાજકીય નેતાઓનાં પુસ્તકોની અહીં સમીક્ષા કરવામાં આવી છે.
  6. શાસન અને રાજ્ય: કોઇપણ રાજ્યની સરકાર સારી હોઈ શકે, ખરાબ હોઈ શકે કે જુલમી પણ હોઇ શકે. શાસકો પણ સારા, ખરાબ અને અતિદુષ્ટ હોય છે. આ વિભાગમાં ટોમ બટલર-બાઉડને એરિસ્ટોટલ, એડમન્ડ બુર્કે, એલેક્ઝાંડર હૅમિલ્ટન, થોમસ હોબ્સ, જ્હોન લોકે, નિકોલો માકિયાવેલી, મેન્સિયસ, પ્લેટો, એલેક્ઝાંડર સોલ્ઝેનિત્સિન તથા એલેક્સિસ ડી ટોકવિલે ત્રણ પ્રકારની સરકારો અને શાસકોની ચર્ચા કરતાં લેખો અને પુસ્તકોનું સકલન કર્યું છે. અને છેલ્લે,
  7. રાજનીતિ અને દેશનું ભાવિ વિભાગમાં એમણે ડૅરોન એસમોગ્લુ, જૅમ્સ એ. રોબિન્સન, ફ્રાન્સિસ ફુકુયામા, જ્હોન મિકલેથવેઇટ, એડ્રિયન વૂલ્ડ્રિજ અને મેન્કર ઓલ્સન દ્વારા લખવામાં આવેલાં રાષ્ટ્રો શાથી નિષ્ફળ નીવડે છે તેની ચર્ચા કરતાં લખાણો અને પુસ્તકોનો સાર આપ્યો છે. કોઈપણ રાષ્ટ્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના અભાવનું કારણ એની સરકારની નિષ્ફળતા સાથે સંબંધ ધરાવે છે. જો રાષ્ટ્રે પ્રગતિ કરવી હોય તો એના માટે સુશાસન એ પહેલી શરત છે.

પ્રત્યેક પ્રકરણમાં લેખકે વાચકનું કામ સરળ બનાવવા માટે પોતાની વિશિષ્ટ ટિપ્પણીઓ ત્રણ વિશિષ્ટ પેટાશીર્ષકો સાથે ઉમેરી છે: (1) બે ગણતરીનાં વાક્યોમાં સમગ્ર પ્રકરણનો સાર (In a nutshell); (2) વર્તમાન પ્રકરણમાં વ્યક્ત કરવામાં આવેલી રાજકીય વિચારધારા સાથે સુસંગત હોય તેવાં અન્ય પુસ્તકો અને લેખકોનો સંદર્ભ (In a similar vein); અને 3) છેવટે પ્રકરણને અંતે તેમાં વ્યક્ત થયેલા વિચારનો સાર (Final Comments). વળી છેવટે જે તે પ્રકરણમાં ચર્ચવામાં આવેલા પુસ્તકના લેખક કે ચિંતકનો ટૂંકો પરિચય પણ સામેલ કરવામાં આવ્યો છે.

કમનસીબે રાજકારણીઓએ ‘પોલિટિક્સ’ શબ્દ પ્રત્યે સામાન્ય જનતામાં નિરસતા અને બુદ્ધિશાળી વર્ગમાં સૂગ પેદા કરી છે. પણ રાજકારણને રાજનીતિ માનવીમાત્રના વર્તન-વ્યવહારમાં અને પ્રજાના જીવન સાથે અંતરંગ રીતે વણાયેલાં છે. લોકશાહી શાસનપદ્ધતિમાં સામાન્ય જન જ્યારે માત્ર મત આપવા પૂરતો જ રાજકારણમાં ભાગ લે છે ત્યારે રાજકારણીઓને દુ:શાસન કરવાનો છુટ્ટો દોર મળી જાય છે. આવું રાષ્ટ્ર કદાપિ પ્રગતિ કરી શકતું નથી. દેશને દુર્ગતિથી બચાવવો હોય તો બુદ્ધિશાળી વર્ગે રાજનીતિમાં ઊંડો રસ કેળવવો અને તેમાં સક્રિય ભાગ લેવો જરૂરી છે. એણે રાજનીતિની ફિલસૂફી અને કળાને સમજવી જરૂરી છે. આપણે ભલે આપણી પસંદગીની સરકાર ચૂંટી ન શકીએ, પણ ચુંટાયેલી સરકારને કુમાર્ગે જતી તો ચોક્કસપણે જ અટકાવી શકીએ છીએ. ટોમ બટલર-બાઉડને બુદ્ધિશાળી વર્ગ માટે રાજકારણ અને રાજનીતિના અસ્પૃશ્ય વિષયને બુદ્ધિગમ્ય તેમ જ રોચક બનાવ્યો છે.

આ પુસ્તક લખવામાં ટોમ બટલર-બાઉડનની કોઇ રાજકીય મહત્ત્વાકાંક્ષા નથી. સ્વભાવે એ શિક્ષક છે અને વિવિધ જીવનલક્ષી વિષયોમાં સામાન્ય જનમાનસને કેળવવાનો જ રસ ધરાવે છે. ફિફ્ટી ક્લાસિક્સની સમગ્ર શ્રેણીનો અભ્યાસ કરતાં એવું જણાય છે કે ટોમ બટલર-બાઉડન જિજ્ઞાસુ વિદ્યાર્થીની કુતૂહલવૃત્તિ ધરાવે છે અને પોતે જે કંઈ ઉત્તમ વાંચે-વિચારે-શીખે છે તેની સરસ નોંધ બનાવવાની આદત ધરાવે છે. આ નોંધમાંથી જ એમનું નવું સંકલન પુસ્તક આકાર લે છે. માણસમાત્રનું મન બદલાય તો આપમેળે જગતની દશા અને દિશા બદલાય એવી એમની દ્રઢ પ્રતીતિ છે. વિચારક્રાંતિમાં જગતક્રાંતિનાં બીજ રહેલાં છે.

*

કિરણ શિંગ્લોત

તબીબી ગ્રંથોના લેખક, અનુવાદક.

પૂર્વ-તબીબ, મ.સ.યુનિવર્સિટી

હેલ્થ સેન્ટર,વડોદરા.

વડોદરા.

kshinglot@yahoo.co.in

9426392888

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.