વાચનરુચિનો ભાગીતળ આલેખ
આ ‘અવલોકન-વિશ્વ’ ભારતીય અને વિદેશી ભાષાઓમાં – એટલે કે દુનિયાભરમાં, આજે પ્રગટ થતાં અસંખ્ય પુસ્તકોમાંથી થોડાંક, કહો કે પ્રતિનિધિરૂપ અને સક્ષમ પુસ્તકો વિશેની રસપ્રદ વાતો, અલબત્ત સમીક્ષિત રૂપે સૌની સામે મૂકવા ચાહે છે. 15ભારતીય ભાષાનો તેમજ અંગ્રેજી દ્વારા 12વિદેશી ભાષાઓ-પ્રદેશોનાં, વિવિધ સાહિત્યસ્વરૂપો તથા અન્ય શાસ્ત્રીય વિષયોનાં સામ્પ્રત સમયનાં પુસ્તકો આવરી લઈ શકાયાં હોવાથી ગ્રંથ-વિશ્વનું એક વિશિષ્ટ ભાગીતળ ચિત્ર ઊપસી શક્યું છે.
o
પહેલો વિચાર તો એ આવેલો કે, ‘પ્રત્યક્ષ’માં આ પચીસ વરસથી સામ્પ્રત ગુજરાતી પુસ્તકોની જ સમીક્ષા કરાવી છે – ક્યારેક ‘વાચનવિશેષ’ રૂપે કોઈ કોઈ અન્યભાષી પુસ્તકોના સમીક્ષિત પરિચયો દાખલ કરેલા છે પણ એનું પ્રમાણ નહીંવત્,તો, હવે એક અંક એવો કરવો જેમાં, એક વિશેષ અંગ તરીકે, કેટલીક ભારતીય ભાષાઓનાં,તાજેતરમાં પ્રકાશિત થયેલાં સાહિત્યનાં પુસ્તકોની સમીક્ષાઓ પણ હોય. જુદી જુદી ભાષાઓનાં એવાં દસ-બાર પુસ્તકો ને એના સમીક્ષકો મળી આવે તોય ઘણું એમ વિચારેલું, કેમકે એવો એક પ્રયાસ પણ નવી આબોહવામાં મૂકનાર બનવાનો.
પણ પછી,એક સુંદર સવારે અમારા ‘અવિચલ ઉદ્યાન’માં લટાર મારતાં મારતાં એ વિચાર,બલકે તરંગ, મનમાં વિસ્તરતો ગયો કે, આપણા જ ઘણા અભ્યાસીઓ અને રસિકો અંગ્રેજીમાં પ્રકાશિત થતાં દુનિયાભરનાં પુસ્તકોનું વાચન-પરિશીલન પણ કરતા રહેતા હોય છે. તો, ભારતીય ઉપરાંત વિદેશી ભાષાઓનાં પુસ્તકોની સમીક્ષા પણ કરાવીએ તો સામ્પ્રતનું વધુ વ્યાપક ચિત્ર આપી શકાય, ને તો એવા ત્રીસ-ચાળીસ સમીક્ષાલેખોનો એક વિશેષાંક જ થઈ શકે.
નકશો તૈયાર કર્યો : છેલ્લાં ચાર-પાંચ વર્ષોમાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે જ લખાવવું જેથી તાજા વર્તમાન સમયને રજૂ કરી શકાય; લાંબી સમીક્ષાઓ ઉપરાંત ટૂંકાં પરિચયાત્મક અવલોકનો પણ કરાવવાં જેથી થોડાંક વધુ પુસ્તકોનો પરિચય આવરી શકાય; કોઈ કોઈ સમીક્ષકમિત્ર એકથી વધુ પુસ્તકો વિશે લખી આપે તો એ પણ સમાવવું; વગેરે. આ નકશા મુજબના નિમંત્રણપત્રનો એક મુસદ્દો તૈયાર કર્યો પણ એ પત્ર મોકલતાં પહેલાં કેટલાક મિત્રસમીક્ષકો સાથે આ અંગે વાત કરી લેવાનું મુનાસિબ લાગ્યું કેમકે આવી, કંઈક મહત્ત્વાકાંક્ષી જણાતી યોજના ચરિતાર્થ કરવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું – ગુજરાતીનાં પુસ્તકોને પહોંચવાનું અઘરું પડતું જાય છે એ સમયમાં આવી ફાળ ભરવાનું સાહસ મોટું ગણાય.
પણ, જેની જેની સામે મેં મારો આ સંકલ્પ ને એની યોજના મૂક્યાં એમનો પ્રતિભાવ પ્રોત્સાહક હતો – લગભગ સૌએ કહ્યું કે, એ પોતે લખી આપશે એ તો ખરું જ, પણ આ વિચાર જ સરસ છે ને આ કરવા જેવું કામ છે. આ પ્રતિભાવોએ નશો ચડાવી દીધો – તો પછી શા માટે પચીસ પુસ્તકો જ? અને શા માટે માત્ર સાહિત્યિક પુસ્તકો જ? અને શા માટે માત્ર ગુજરાતીના, ગુજરાતમાં વસતા વિદ્વાનો પાસે લખાવવું – પરદેશમાં વસતા ગુજરાતી અભ્યાસીઓને પણ કેમ ન ઢંઢોળવા? વળી થયું કે, શા માટે અન્યભાષી ભારતીય વિદ્વાનોનો સંપર્ક પણ ન કરવો? વિચાર્યું કે, સર્જનાત્મક સાહિત્ય લખતા, પણ વિવેચન કદી ન લખતા વિદગ્ધ સર્જકો પાસે પણ લખાવવું; એમ પણ નિરધાર્યું કે જે મિત્રો ઘણું, અને ઘણું સરસ વાંચે છે પણ લખતા ક્યારેય નથી એમને પણ લખવા સંમત કરવા. એમાંથી જ સૂઝ્યું કે સામ્પ્રત લેખન અંગેનો નકશો એક વિદગ્ધ પરિપક્વ વાચનરુચિનો આલેખ પણ બની રહેવો જોઈએ – એટલે વિચારી લીધું કે પુસ્તકોની પસંદગી પણ મહદંશે એ અભ્યાસી વાચન-રસિક સમીક્ષકો પર જ છોડવી – કોઈને જરૂર પડે તો કોઈ પુસ્તક સૂચવવું પણ ખરું.
સૌને વિનંતી કરી કે, તમે હમણાં વાંચ્યાં હોય એમાંથી સૌથી વધુ ગમેલા કોઈ એક (કે વધુ) સામ્પ્રત પુસ્તક વિશે લખી આપો. પણ મને તમારી પસંદગીનાં બે-ત્રણ વધુ પુસ્તકોની પણ જાણ કરો. તો કોઈ પુસ્તકનું પુનરાવર્તન ટાળી શકાય અને એક જ પ્રકારનાં સ્વરૂપ/વિષયોનો ભાર વધી ન જાય, સંતુલન રહે. વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવે તો સંપાદકને પણ સુવિધા રહે ને યોજના સુચારુ બને.
નિમંત્રણો મોકલ્યા પછી એક બાબત ઉપર તરી આવી કે છેલ્લાં ચાર-પાંચ વર્ષોમાં જ પ્રગટ થયેલાં અન્યભાષી પુસ્તકો ઘણાંને હાથવગાં ન હતાં, એથી વ્યવહારુ ઉકેલ તરીકે છેલ્લા દાયકા સુધીનાં પુસ્તકોમાંથી પસંદગી કરવા એમને મુક્ત રાખ્યા. એક-બે પુસ્તકો જો કે દાયકાથી પણ પાછળનાં આવી ગયાં છે પણ આનંદની વાત એ બની કે આ 86માંથી60જેટલાં પુસ્તકો છેલ્લાં ચાર વર્ષોનાં છે ને એમાં સૌથી વધુ પુસ્તકો તો છેલ્લા – 2016ના – વર્ષનાં છે. સામ્પ્રતની નિકટતાનો સ્પર્શ જાળવી શકાયો છે.
o
એક દહેશત તો પહેલેથી જ હતી કે જેટલી સમીક્ષાઓ વિદેશી ભાષાઓનાં પુસ્તકોની મળશે એટલી ભારતીય ભાષાઓનાં પુસ્તકોની નહીં મળે. કેમકે, આપણા લેખકોને ભારતીય ભાષાઓનો સીધો પરિચય બહુ જ ઓછો – હિંદી અને મરાઠીથી ઝાઝો આગળ નહીં. (એવા અલ્પ લેખકો જ છે કે જે બંગાળી, ઉડિયા, તમિલ સીધું વાંચી શકે અને વળી સમીક્ષા પણ કરી શકે.) ભારતીય ભાષાઓમાંથી થતા અંગ્રેજી/હિન્દી અનુવાદોને આધારે સમીક્ષા થઈ શકે – પણ મૂળ પુસ્તકનું પ્રથમ પ્રકાશન આ દાયકાનું જ હોય એ રેખા તો જાળવવી જ હતી. એથી આપોઆપ કેટલુંક નિયંત્રણ આવી જતું હતું. એટલે પછી ગુજરાત બહારનાં, તે તે ભાષાઓનાં જ, વિદ્વાનોનો સંપર્ક કરવા વિચાર્યું. એ કામ સરળ ન હતું પણ સદ્ભાગ્યે, વર્ષા દાસ, હસુ યાજ્ઞિક અને પ્રાગ-પ્રવાસના મારા સાથી અસમિયા મિત્ર પંકજ ઠાકુરની મદદથી બંગાળી, ઉડિયા, અસમિયા, કાશ્મીરી ભાષાઓનાં મૂળ પુસ્તકોની, અંગ્રેજીમાં લખાયેલી સમીક્ષાઓ મેળવી શકાઈ. ડો. રેણુકા સોનીએ પણ મૂળ ઉડિયામાંથી પુસ્તક લઈને સમીક્ષા કરી અને વડોદરાનાં પ્રો. નીતિ સિંહે મૂળ પંજાબીમાંથી સમીક્ષા કરી આપી – એનો ઉલ્લેખ કરવો જોઈએ. પરિણામે, ભારતીય અંગ્રેજી સમેત, ભારતીય ભાષાઓનાં પુસ્તકો વિશના લેખો, વિદેશી પુસ્તકોના લેખોની લગોલગ રહ્યા. (આ ગ્રંથમાંના કુલ 86લેખોમાં વિદેશી પુસ્તકો વિશેની 47ની સામે ભારતીય પુસ્તકોની 39સમીક્ષાઓ સામેલ છે.) જોકે, અન્યભાષી સમીક્ષકોનો આથી વધારે સંપર્ક ન થઈ શક્યો – બીજા જે બે-ત્રણનો સંપર્ક થયેલો એ લેખકો પાસેથી મારા ઘણા પ્રયત્નો છતાં લેખ ન મળ્યા. (કહેવું જોઈએ કે એ અનુભવ સુખદ ન હતો – વક્તવ્ય કરવું હોય તો ગમે ત્યાં જરૂર આવીએ એવું કહેનારા આ વિદ્વાનો લેખ કરી મોકલવા અંગે ખાસ્સા ઉદાસીન લાગ્યા.)
ભાષાવૈવિધ્ય સાથે સ્વરૂપ/વિષયનું વૈવિધ્ય પણ શક્ય બન્યું છે. સર્વ પરિચિત સાહિત્યસ્વરૂપોનાં (સર્જનાત્મક અને વિવેચન-સંશોધનાત્મક) પુસ્તકો ઉપરાંત ભાષાવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ફિલસૂફી, સંસ્કૃતિચંતિન, વિચારધારાઓ-નાં કેટલાંક પુસ્તકોની સમીક્ષાઓ એના તજ્જ્ઞ વિદ્વાનો પાસેથી મળી છે, અને ચરિત્રો-આત્મકથનો જેવાં (અર્ધ?)સાહિત્યિક પુસ્તકોમાં પણ અનુભવક્ષેત્રોનું રોમાચંક વૈવિધ્ય રહ્યું છે એ રસપ્રદ છે.
લેખોનું પ્રમાણ વધતું જ ગયું ત્યારે થયું કે 350ઉપરાંત પાનાં સુધી વિસ્તરનારું આ સંપાદન વિશેષાંકને બદલે ગ્રંથના બરનું થશે. સામયિકના અંકો – વિશેષાંકો પણ – સાચવી શકાતા નથી, પુસ્તક રૂપે થાય તો જ એ અંગત-જાહેર ગ્રંથાલયમાં સાચવી શકાશે. એટલે એને સ્વતંત્ર ગ્રંથરૂપે જ પ્રગટ કરીએ છીએ.
o
એક આખું વરસ ચાલેલા આ અભિ-યાનમાં સમીક્ષકમિત્રો સાથેનો અનુભવ બહુ જ લાક્ષણિક અને રસપ્રદ રહ્યો. કહેણ મોકલ્યું એ લગભગ બધાંએ પ્રેમથી લખી આપ્યું. દરેકને ચારેક માસની મુદત તો આપી જ હતી. કેટલાકે અંતિમ તારીખ (ડેડ લાઈન)ની મર્યાદામાં જ કાળજીપૂર્વક લખી મોકલ્યું : કેટલાકે રાહ જોવડાવી; કેટલાકે ઘણી વધારે રાહ જોવડાવી (સતત યાદ દેવડાવવા ઉપરાંત ‘ડેડ લાઈન’ પણ મારે બે વાર લંબાવવી પડી!); છતાં બે-ચાર મિત્રો છેલ્લે સુધી પણ લખી મોકલી ન શક્યા. (પછી એમને મેં દુરાગ્રહ ન કર્યો). ઘણા લેખકો પાસે લખાવવાનું હોય ત્યારે આવું બનવાનું. જેમ કેટલાક લેખકમિત્રોએ મને પજવ્યો, એમ ઘણાંકને મેં પણ સ્નેહાધિકારપૂર્વક પજવ્યા છે! મોકલેલા લેખોમાં જરૂરી ઉમેરણો કરાવ્યાં એ એમણે કરી આપ્યાં, અતિ લાંબા લેખો ટૂંકાવી આપ્યા કે ટૂંકાવી લેવાની મને છૂટ આપી,નાની-મોટી વિગતો માટે અવારનવાર ઘણા ફોન કરવાના થયા ને છતાં સૌએ,ખરેખર પ્રેમથી, સહયોગ કર્યો, કેટલાક મિત્રોએ સ્વતંત્ર લેખો આપવા ઉપરાંત અંગ્રેજી/હિંદીમાં આવેલા લેખોના અનુવાદ કરવામાં મને મદદ કરી. આ બધા અનુભવોનો મોટો આનંદ છે.
મોટા ભાગનાં પરિચિત નામોની વચ્ચે જે કેટલાંક અપરિચિત સમીક્ષક-નામો છે એને વિશે બે વાત. કેટલાક અન્યભાષી હોવાથી અપરિચિત છે. (લેખ સાથે જ દરેક સમીક્ષકનો ટૂંકો પરિચય મૂક્યો છે); વળી, ઘણું વાંચતા પણ ક્યારેય ન લખતા અશોક ગોપાળરાવ વિદ્વાંસ, ડો. રાજીવ રાણે, અશોક મેઘાણી (જેમણે કેટલાંક ઉત્તમ ગુજરાતી પુસ્તકોના અંગ્રેજી અનુવાદો આપ્યા છે), વગેરે મિત્રોને વિનંતી-પજવણી બંને દ્વારા સમજાવી-મનાવી શકાયા. એમની પાસેથી સરસ લેખો મળ્યા છે. ભક્તિ વૈષ્ણવ, હરદીપસિંહ ગોહિલ,મોના પારખ, વગેરે જેવાં નવી પેઢીનાં – ગુજરાતીભાષી, પણ અંગ્રેજીથી જ ટેવાયેલાં – અભ્યાસી મિત્રો પાસેથી થોડા (ક્યારેક ઘણા) પ્રયત્ને પણ સરસ ગુજરાતીમાં લખાવી શકાયું એનો આનંદ છે. એમને પણ ગુજરાતીમાં ગંભીર લેખન કરી શકાયાનો આનંદ છે. આ નવલેખકોમાં આ ઉપરાંત પીયૂષ ઠક્કર રસિક વાચક-સર્જક છે, મેઘના ભટ્ટ પત્રકાર છે અને હિમાલી શિંગ્લોત તબીબી-સંશોધક છે – ગુજરાતી વિવેચન-લેખન એમણે કદાચ પહેલી જ વાર કર્યું છે. કહેવું જોઈએ કે, આ પ્રકારના વિવેચનલક્ષી ગંભીર લેખનની જેમને ટેવ નથી એવા લેખકોએ પણ ભૂલ વગરની કસદાર ગુજરાતીમાં વિશદ-પ્રવાહી લેખન કર્યું છે.
આ બધા અર્થમાં પણ આ ‘અવલોકન-વિશ્વ’ વાચનરુચિનો એક બહુ લાક્ષણિક આલેખ છે. જાણીતા અને પરિચિત વિદ્વાનોનું તથા આવી અનેક ભૂમિકાઓ પણ ધરાવતા એવા સર્વ લેખકોનું નિષ્ઠાવંત પ્રદાન જ આ પુસ્તકની શોભા છે.
o
એક બાબત આ લેખ-સંચયની વાચ્યતા(રિડેબિલિટી) અંગે : દરેક લેખકમિત્રને વિનંતી કરી હતી કે, તમે જે ભારતીય/વિદેશી પુસ્તક વિશે લખવાનાં છો એ ગુજરાતી વાચકોને કદાચ જ પરિચિત હશે. એટલે પુસ્તકની સમીક્ષિત વિવેચના કરીને પણ પુસ્તકના આસ્વાદકેન્દ્રી પરિચયને પ્રાધાન્ય આપશો – પુસ્તક સાક્ષાત્ થવું જોઈએ. પુસ્તકના લેખક વિશે પણ બે વાત ગૂંથી લેવા સૌને વિનંતી કરેલી. પરિણામે, અને અલબત્ત લેખકોની વિશદ લખાવટને લીધે, અહીંના લેખો સર્વસામાન્ય વાચન-રસિકોને માટે પણ વાચ્ય બલકે રસપ્રદ બન્યા છે ને મૂળ પુસ્તક સુધી જવાની જિજ્ઞાસા જગાડનાર બન્યા છે. સાહિત્ય-વિદ્યાની ઝીણવટોના આગ્રહી વિદગ્ધ વાચકોને માટે પણ ઘણા લેખો મામિર્ક અને ઉપયોગી નીવડવાના, કેટલાક તાત્ત્વિક વિષયના લેખો થોડીક મથામણ પર કરાવવાના.
વળી, મેં જોયું છે કે, અન્યભાષી સમીક્ષકોએ લખેલા લેખોમાં, તે તે ભાષા-પ્રદેશની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉપરાંત, સમીક્ષકની લાક્ષણિક વિવેચનદૃષ્ટિ – તે તે ભાષાસાહિત્યના રસ-સૌંદર્ય-શાસ્ત્રની ખાસિયતો – પણ ક્યાંક ઉપર તરી આવી છે.
o
ગુજરાતીનાં પુસ્તકો વિશે તો આટલાં વર્ષોથી લખાવ્યું જ હતું એટલે મૂળ યોજનામાં કોઈ ગુજરાતી પુસ્તક સમાવેલું નહીં. પાછળથી વિચાર થયો કે ભારતીય ભાષાની એક પ્રતિનિધિ ભાષા તરીકે પણ ગુજરાતી ભાષાના પુસ્તકનો સમાવેશ જરૂરી ગણાય. એટલે, સામ્પ્રત સમયનાં બે પુસ્તકો પસંદ કર્યા – એક સર્જનાત્મક અને બીજું વિવેચનાત્મક. અને દરેક વિશે નવી-જૂના પેઢીના બબ્બે લેખકો પાસે લખાવ્યું – આપણાં પરિચિત પુસ્તકો વિશે બે ભિન્ન દૃષ્ટિકોણ રજૂ કરી શકાય અને એ પરિપૂરક બને, એ પ્રયોજનથી.
વિદેશી ભાષાઓનાં પુસ્તકો પરના આટલા બધા લેખોમાં નામોની, ખાસ કરીને વ્યક્તિ/લેખક-નામોના ઉચ્ચારણ-લિપ્યંતરની એકવાક્યતા, કેટલેક ઠેકાણે એવા સુધારા કરી લીધા હોવા છતાં, પૂરેપૂરી સાધી શકાઈ નથી. ઉચ્ચારણ-લિપ્યંતરના કેટલાક પ્રશ્નો પણ છે. રૂઢને છોડીને સમુચિત ઉચ્ચારણને સ્વીકારવું જોઈએ એ ખરું, છતાં એમાં મૂળ ભાષાના ઉચ્ચારણની યથાતથતાનો અતિચુસ્ત આગ્રહ પણ બહુ નિર્વાહ્ય બનતો નથી, કેમ કે કોઈપણ ભાષાના ઉચ્ચારણને બીજી ભાષાના ભાષકો અમુક અંશે પોતાની ભાષાના શ્રવણ-સંસ્કારો પ્રમાણે ‘સાંભળતા’ હોય છે. એક માન્ય ઉચ્ચારણ-કોશ ગુજરાતીમાં નીપજાવી ન શકાય ત્યાં સુધી અમુક હદની ભિન્નતા સ્વીકારી લેવાની રહે. ઉમેરવું જોઈએ કે, લિપ્યંતરણની એકવાક્યતા ઉપરાંત લેખનરીતિની એકવાક્યતા પણ, પ્રયત્નો છતાં, પૂરેપૂરી સાધી શકાઈ નથી – મહદંશે લેખકોની રીતિને સ્વીકારી લીધી છે.
આ પુસ્તકના લેખોની ગુણવત્તા વિશે ટિપ્પણ કરવાનું વાચકો પર છોડું છું. પરંતુ, અવલોકનનું આ વિશ્વ શક્ય એટલું વ્યાપક અને વૈવિધ્યભર્યું બને એની તકેદારી રાખી છે એથી, અને સમીક્ષકમિત્રોએ પોતાનાં ગમતાં પુસ્તકોને પૂરાં રસ-સમજ-પૂર્વક ખોલી આપ્યાં છે એથી, વાચકોને રસપૂર્વક એમાં યથેચ્છ વિહરવાનું, ને આનંદ-જાણકારી મેળવવાનું ગમશે જ. એટલી ખાતરી સંપાદક જરૂર આપી શકે એમ છે.
આ પુસ્તકના સૌ લેખકમિત્રોનો સ્નેહપૂર્વક આભાર માનું છું. સંપાદનકક્ષાએ થયેલા અનેક ફેરફારો તથા મુદ્રણવિન્યાસની અનેક સૂચનાઓ સમજી લઈને, થાક્યા વિના સુંદર મુદ્રણાંકન કરી આપવા માટે ભાઈ મહેશ ચાવડાનો તથા સ્વચ્છ અને સુઘડ મુદ્રણ માટે મધુ પ્રિન્ટરીના મિત્રોનો પણ આભારી છું.
વર્ષભર ચાલેલો આ પ્રકલ્પ પૂરો થતાં રાહત અને આનંદ અનુભવું છું.
જેઠી પૂનમ, 2073 (9, જૂન 2017)
રમણ સોની