Over the Moon – Imtiaz Dharker
Bloodaxe Books Ltd. Great Briton, 2014
1
ઇમ્તિયાઝ ધારકરનો જન્મ પાકિસ્તાનમાં થયો, અને ઉછેર બ્રિટનમાં. વર્ષો સુધી ભારતમાં રહ્યા પછી તે લગ્ન કરીને વેલ્સમાં સ્થાયી થયાં. તે અચ્છાં ચિત્રકાર પણ છે, અને તેમના પાંચેય કાવ્યસંગ્રહોમાં તેમનાં ચિત્રો મુકાયાં છે.
2
આ સંગ્રહનાં અધિકાંશ કાવ્યોનો વિષય છે પતિનું મૃત્યુ. કાવ્યોનો પ્રધાન રસ કરુણ છે. મૃત્યુ ક્યાં, ક્યારે, કયા સંજોગોમાં થયું, લગ્નજીવન કેટલાં વર્ષોનું હતું – કાવ્યોમાં આવી માહિતી અપાઈ નથી, ઇંગિતોથી કામ લેવાયું છે. પતિ સાથેના પ્રસંગોને એક પછી એક સંભારતાં જઈને કવયિત્રીએ મૃત્યુનો નહિ પરંતુ જીવનનો જ મહિમા કર્યો છે. સંવેદનશીલતા, સંયમ, સંકેત અને ઉત્કટતા ઇમ્તિયાઝના કાવ્યવિશેષ છે.
Wild ‘(વગડાઉ’) કાવ્ય જોઈએ. પતિએ બાળપણમાં વીણેલી બ્લેકબેરીનો પ્રસંગ કવયિત્રીને કહ્યો હતો. કવયિત્રી બ્લેકબેરી શોધવા નીકળે છે. રખડપટ્ટી પછી, નાનેર્ચ નામની જગાએ તેમને રાસબેરી દેખાય છે. તેમનાં સેન્ડલ કાદવમાં ગરકી રહ્યાં છે, તેમને કંટકો ભોંકાઈ રહ્યા છે. એવામાં પતિનો ફાટેલી બાંયવાળો શિશુહાથ વાડમાંથી બહાર આવીને કવયિત્રી સામે મુઠ્ઠી ઉઘાડે છે. અંદર છે ખટમીઠો ખજાનો. કવયિત્રી રાસબેરી ખાય છે, એક પછી એક. તેમના મુખમાં ગૂંજે છે પતિનું શૈશવ, જેનો ગર હજી ઊનો છે. (ચુંબનનો સંકેત.) પતિના બાળપણમાં પોતાની પણ સહોપસ્થિતિ એ (બ. ક. ઠાકોરના ‘જૂનું પિયેરઘર’ની ભાષામાં) કવયિત્રીની ‘અનહદ ગતિ’ છે.
It doesn’t matter ‘(કશો વાંધો નહિ’) કાવ્યમાં ટ્રેન મોડી પડી છે. કોચ ‘બ’ની બેઠક 22 અને 23 પર કવયિત્રી અને પતિ બેઠાં છે, ટાઢી કોફી પીતાં. કવયિત્રી આશ્વાસન આપે છે, કશો વાંધો નહિ, It’s not as if you are on a rainy platform/or I am home alone, wondering/if I should call your mobile phone…’(એવું તો નથી કે તું પ્લૅટફોર્મ પર પલળતો ઊભો હોય/કે હું ઘેર બેઠી વિચારતી હોઉં/તને મોબાઇલ પર ફોન કરું?’) હવે પતિ હયાત નથી એ જાણતો ભાવક આ ઉક્તિનો વિપર્યાસ જોઈ શકશે. કવયિત્રી આગળ કહે છે, Our time is stopped./Your arm warms mine. We are sharing/a slice of time…/…We admire this time
we have/as if it were a work of art…/it doesn’t matter/if the train is late.’(આપણે માટે સમય થંભી ગયો છે./મારા હાથને તારા હાથની હૂંફ છે. આપણે ચગળી રહ્યાં છીએ/સમયની કાતળી…/…આપણે વખાણી રહ્યાં છીએ સમયને/જાણે એ કોઈ કલાકૃતિ હોય…/કશો વાંધો નહિ/ભલે ટ્રેન મોડી પડી હોય.’) બન્ને જાણે છે કે તેમની પાસે ઝાઝો સમય નથી, એટલે પળેપળને માણી રહ્યાં છે.
‘બોમ્બિલ, બુમલા, બમ્માલો’માં પતિ અને અરુણ કોલાટકરની મુંબઈના કાફેમાં થયેલી આકસ્મિક મુલાકાતનું હળવાશભર્યું વર્ણન થયું છે.
‘પછી’માં પતિની ઉત્તરક્રિયા વર્ણવાઈ છે.
‘તને ગમ્યું હતે એ જ રીતે અમે બધું કર્યું છે./તારો ભાઈ દૂર ગામથી તને ફાવતાં જૂતાં લઈ આવ્યો./તને પહેરાવાયો લગ્ન વખતનો સૂટ./કોઈએ વાળ ઓળી આપ્યા. અંજલિઓ અપાઈ, વાજું વાગ્યું, પ્રાર્થનાઓ ગવાઈ, તારા રમૂજી પ્રસંગો કહેવાયા./પછી ગયા સૌ સૌને ઘેર./મરવાનું કામ પૂરું કરીને તું પણ આવ્યો પાછો,/આપણે ઘેર.’
અન્ય પ્રવૃત્તિઓની જેમ મૃત્યુ જીવનનો જ ભાગ છે. પતિ, મર્યા પછી યે, કવયિત્રીના જીવનમાં જ રહેવાનો છે. સૌ કાવ્યોમાં પતિનો ઉલ્લેખ તૃતીય પુરુષ(તે)માં નહિ, પણ દ્વિતીય પુરુષ(તું)માં કરાયો હોવાથી સંબંધની નિકટતા અને મૃતકની જીવંતતા વરતાય છે.
3
કેટલાંક કાવ્યોમાં છેલ્લે આવતી પંક્તિ કે અર્ધપંક્તિથી અગાઉની સૌ પંક્તિઓનો સંદર્ભ જ બદલાઈ જાય છે. A hundred and one ‘(એક સો ને એક’) કાવ્યમાં કવયિત્રી કહે છે: Be old. Be very old./Wear bedroom slippers and cardigans,/ smoke a pipe, grow bald./ Buy a loaf of bread and count/your pennies very slowly at the till./ Eat boiled egg and burnt toast and jam for every meal./Complain bitterly about the young./Sit on the sofa watching telly/till you are at least a hundred and one/…Be old./Be very old with me.
‘(ડોસો થા, સાવ ડોસો./પહેર ઘરઘરાઉ ચંપલ અને સ્વેટર,/પાઇપની ચુસકીઓ લે, ટાલિયો થા./પાઉં ખરીદ, ગણ તારા સિક્કા ગલ્લા પર, ધીરે ધીરે./ઉકાળેલું ઇંડું ખા,/સાથે બળી ગયેલો ટોસ્ટ જેમવાળો, રોજેરોજ./આજકાલના જુવાનિયા વિશે કડવી ફરિયાદો કર./સોફા પર બેસીને ટીવી જોયા કર,/તું એક સો ને એક વરસનો થાય ત્યાં સુધી./…ડોસો થા./સાવ ડોસો, મારી સાથે.’)
આ કાવ્ય ડોસાઓ પ્રત્યેના વિનોદપૂર્ણ સમભાવથી લખાયેલું લાગતે – જો છેલ્લા બે શબ્દ ન હતે તો. ‘મારી સાથે’ શબ્દોથી એકાએક સભાન થવાય છે કે આ માણસ ડોસો થઈ શકવાનો જ નથી. આવી રહેલા વિરહની વાત કવયિત્રી (પોતાનાથી પણ) છાની રાખવા માગે છે, છેલ્લે સુધી.
મુંબઈના હેંગિંગ ગાર્ડનની ટેકરી ઉપર બંધાયેલી, અને હવે બંધ પડી ગયેલી ‘નાઝ કાફે’ને વિષય બનાવતું કાવ્ય છે, Hiraeth, Old Bombay ‘(ઘરઝુરાપો, જૂનું મુંબઈ.’) તેનો અંશ જોઈએ:
‘હું તને લઈ જતે નાઝ કાફે/જો એ ના પડી ગઈ હતે બંધ/…મેજ પરના ચાના કપનાં ચીકણાં વર્તુળો પર, નાઝ કાફેમાં /હાથમાં હાથ પરોવતે આપણે/ઘૂંટણમાં ઘૂંટણ/બિરદાવતે દૂર દેખાતાં શેરબજાર, તાજમહાલ હોટેલ, સસૂન ડોક, ગેટવે/આપણે મમળાવતે પીણું, નાઝ કાફેમાં/તું મારી પાસેથી ચોરી લેતે ચુંબન/આપણે બેસી રહેતે નાઝ કાફેમાં/દિવસ નકશા પરથી સરીને અરબી સમુદ્રમાં ડૂબી જાય, ત્યાં સુધી/હું તને લઈ જતે બોમ્બે/જો એનું નામ સમુદ્રમાં સરકી ના ગયું હતે, તો/હું તને લઈ જતે બોમ્બે નામની જગાએ/જો એ ત્યાં હતે તો, જો તું અહીં હતે તો/હું તને લઈ જતે નાઝ કાફે.’
કાવ્યના મિજાગરા જેવી અર્ધપંક્તિ (જેની પર કાવ્ય આખું ફરી જાય છે,) લગભગ છેલ્લે આવે છે- ‘જો તું અહીં હતે તો.’ (if it were still there and if you were still here,/I would have taken you to the Naz Cafe.) કવયિત્રીએ બધું ખોયું – બોમ્બે ગયું, નાઝ કાફે ગઈ, પતિ પણ ગયો. અધૂરી રહેવા સર્જાયેલી ઇચ્છાનું આ કાવ્ય છે. ન વલોપાત, ન ડૂસકું, ન અશ્રુ. ઇમ્તિયાઝ પાસે શોકભાવનું કરુણરસમાં રૂપાંતર કરવાની કળા છે.
4
પ્રસંગનું આલેખન કે પરિસ્થિતિનું વર્ણન કરવા માટે પદપસંદગી એવી કરવી જોઈએ, જેની અર્થચ્છાયાઓ કાવ્યને ઉપકારક હોય. The first sight of the train ‘(ટ્રેનનું પહેલવહેલું દેખાવું’) કાવ્ય લઈએ. દરિયાકાંઠેથી પાછો ફરતો પતિ પ્લૅટફોર્મ પર ટ્રેનની પ્રતીક્ષા કરે છે: Anyone else would be counting the time, sighing/occasionally, shifting their weight from foot to foot./You stand dead still, a pharaoh in profile,/frozen on a platform in the luck-down seaside town. ‘(કોઈ બીજો હતે તો મિનિટો ગણતે, નિસાસા નાખતે,/ઊંચોનીચો થતે./પણ તું શબવત્ સ્થિર ઊભો છે, ફારોહ જેવો દેખાતો/થીજેલો જાણે, દરિયાકાંઠાના અભાગિયા ગામમાં.’) આડકતરી રીતે કવયિત્રી અમંગળ અનાગતનાં કેટકેટલાં એંધાણ આપી દે છે! કલ્પન વધારે સમૃદ્ધ થતું જાય છે: Seagulls swoop around you./Your eyes do not move to follow them./Your whole body is intent on watching/for that moment when the train comes. ‘(સી-ગલ તારે માથે ચકરાઈ રહ્યાં છે/પણ તારી આંખો સ્થિર છે./તારી કાયા પ્રતીક્ષા કરે છે/કે ટ્રેન ક્યારે આવે.’) આ વ્યંજનાવ્યાપાર છે. શું ટ્રેન મૃત્યુનું રૂપક છે? You will not look away from anything./…recognising happiness when it comes/along the track.You acknowledge it,/say it out loud. There it is. ‘(તું કશાયથી આંખો ફેરવી નહિ લે./પાટા પર સુખ આવતું દેખાય/કે બુલંદ સ્વરે તું કહેવાનો: એ આવ્યું!’) ભાવકને (મૃત્યુરૂપે આવી રહેલા) સુખનો સાક્ષાત્કાર થાય છે.
5
કલાવિવેકપૂર્ણ ઉત્કટ રતિચિત્રો પણ છે. આ એવો શૃંગાર છે, જેના પર વિરહનો ઓછાયો પડી ચૂક્યો છે. ઉદાહરણરૂપે થોડી પંક્તિઓ,
‘(ચાંદી જેવા રંગના) પારા જેવી ચંચળ છે તારી જિહ્વા – બોલતી હોય ત્યારે, બોલવાનું પૂરું કરે ત્યારે પણ… તારી આંખો પુરવાર કરે છે કે આ કાયા મારી નથી, પણ ધિરાણ પર અપાયેલી છે તારી અંગુલિઓને. તારું મુખ છે આલ્કેમીસ્ટ, અને હું સુવર્ણ… જો, શી ગતિ થઈ છે મારી, તારી ચૂપ થયેલી ચાંદીની જિહ્વાના એક જ સ્પર્શે.’
કવયિત્રીએ જિહ્વાના સંદર્ભે ‘ક્વિકસિલ્વર’ શબ્દના બેવડા અર્થનો લાભ ઉઠાવ્યો છે. બોલીને મંત્રમુગ્ધ કરતી જિહ્વા કાયમ માટે ચૂપ થઈ ગઈ છે. તેના સ્પર્શથી વંચિત થયેલી કવયિત્રીને કળ ક્યાંથી વળે?
6
ઇમ્તિયાઝના અગાઉના કાવ્યસંગ્રહોમાં ભારતીય વાતાવરણ ભારોભાર હતું. આ સંગ્રહનાં અમુક જ કાવ્યોમાં ભારતીય સંદર્ભ મળે છે. ભારતની વાતો આવે ત્યારે મ્યુઝિયમ પીસની જેમ નહિ, પણ સહેતુક આવે છે. નાઝ કાફેના કાવ્યની અને ‘બોમ્બિલ, બુમલા, બમ્માલો’ની વાત આપણે કરી. મુંબઈના એક બસ રૂટ પરનું કાવ્ય જોઈએ, જેનું શીર્ષક છે, ‘નંબર 106.’ આખું કાવ્ય ઉક્તિરૂપે છે. કોની ઉક્તિ? ચાલીના ઉપલા માળની વળગણીએ સુકાતાં વસ્ત્રોની, જે બસના ઉતારુઓને સાદ દે છે – ‘હરીફરીને કહીએ છીએ અમે, ઉપરથી/આ ચોથેમાળેથી/અમારી ચિંતા ના કરશો હોં!/એ…યને લહેરમાં છીએ અમે/ – પાટલૂન, પહેરણ, પોલકું, સાડી, સ્કર્ટ -/તણાયેલાં સહેજ તૂસાયેલાં, વળગણીએ/વળી સૂરજની મહેરબાની છે!/અને નીચે કરતાં તો ઉપર ભલાં/તમે તળેથી પસાર થાઓ છો/નંબર 106 માં, હકડેઠઠ/ઘોંઘાટભરી એકલતા લઈને/બળબળતી બારીસરસા ચંપાયેલા/સેલ્લારા લઈએ છીએ અમે/ભીતરે ભર્યાં ભર્યાં, સાંજના સુંવાળા સમીરથી/પડખેની ઓરડીએથી સંભળાતા, સંવાદના સ્વરોથી/પ્રેમ કરીએ છીએ અમે, એકમેકના આકારોને/સમૂહનૃત્ય કરતાં કરતાં/ઇશારા કરીએ છીએ અમે, બાંય ફરકાવીને/પણ તમે જુઓ તોને!’ કવયિત્રી આપણને જાણે પ્રશ્ન કરે છે: તમારે એકની એક બસમાં, એકની એક જગાએ જઈને આયખું પૂરું કરવું છે? કે સૃષ્ટિનો રંગ અને એકમેકનો સંગ માણી લેવો છે? કવયિત્રીની પદપસંદગી એવી છે (હરીફરીને, લહેરમાં, તણાયેલાં સહેજ તૂસાયેલાં, ભીતરે ભર્યાં ભર્યાં વગેરે) કે અભિધા સાથે લક્ષણા કે વ્યંજનાને પણ અવકાશ મળે છે.
ક્યારેક ભારતીય (અને પાકિસ્તાની-ઉર્દૂ) વાણીના લહેકાઓ સહજપણે સંભળાય છે: લિંબાચા રસ (પૃ.17), અમ્મી, ઉલ્લુ દિ પઠ્ઠી (પૃ.52), મેરી જાન (પૃ.131), જાલી (પૃ. 135.) ‘મુંબઈ? કિસમિસ?’ કાવ્ય આખું બમ્બૈયા અંગ્રેજીમાં રચાયું છે. પતિની ભાષાના વેલ્શ શબ્દો પણ કવચિત્ આવે છે: ‘કેરીઆડ’ યાને વહાલી (પૃ. 131,) ‘હીરેથ’ યાને ઘરઝુરાપો (પૃ. 23.) એક કાવ્યના શીર્ષક તરીકે લોર્કાની સ્પેનીશ પંક્તિ મૂકી છે: Un salon con mil ventanas યાને હજાર બારીવાળો બેઠકનો ઓરડો. (પૃ. 83.) અન્ય ભાષાના શબ્દોના અર્થ આપવા માટે કે બીજા ત્રીજા સંદર્ભો સમજાવવા માટે એકેય પાદટીપ મુકાઈ નથી. કવયિત્રીને ભાવક પર પૂરો ભરોસો છે.
7
કવયિત્રી ચિત્રકાર હોવાનો લાભ અમુક કાવ્યાંશોને મળ્યો છે (દા.ત., ‘જળને જોતાં.’) ‘વિજિલ’ (જાગરણ) કાવ્યનો સંદર્ભ તે જ શીર્ષક ધરાવતા જ્હોન પેટીના ચિત્રમાં મળે છે. ‘એવા રે અમે એવા’ કાવ્યમાં ઈસુના જન્મ વિશેની કલાકૃતિનું દૃષ્ટાંત અપાયું છે. તદુપરાંત ‘તાલ’માં બ્રહ્માંડભરમાં વિહરતા તબલાંના બોલની વાત છે. ‘વ્રૂમ’નો કાવ્યનાયક મરણોન્મુખ થાય ત્યારે તેને (કામૂની નવલકથા ‘આઉટસાઇડર’ના નાયકની જેમ) નગરનાં બસ, ટૅક્સી, ગાડી, માનવસ્વરો, મંજીરા ને શરણાઈ સંભળાય છે.
8
કાવ્યસંગ્રહ અછાંદસ છે. કેટલાંક કાવ્યોમાં બે (કે ત્રણ) પંક્તિના ખંડ પાડવાનું સ્વીકારાયું છે. ઝાઝા ભાગની પંક્તિઓ વાક્યાંતે પૂરી થતી નથી. ‘ઝૂલો’ કાવ્યની પંક્તિઓ જોઈએ:
કશું યે નથી
સિવાય કે ઝૂલણ-
દરવાજો, જીવવા અને મરવા વચ્ચે
તને હથોટી છે
એ કળાની, અરધો-
અંદર, અરધો-બહાર, સમયના જાદુગર
પહેલી પંક્તિ પૂરી થાય છે ‘નથી’ પર, જેની પછી કશું યે નથી. ‘ઝૂલણ-’થી ‘દરવાજો’ સુધી પહોંચવા આપણે ખંડ વચ્ચેનું અંતર ઠેકવું પડે છે. ‘અરધો-અંદર’ શબ્દ પણ અરધો-કપાયેલો છે. પંક્તિ અને ખંડ ક્યાં પૂરાં કરવાં એ કવયિત્રી જાણે છે.
9
કવચિત્ વ્યાવહારિક લખાણનાં કે ઉક્તિનાં રૂઢ માળખાંને સ્વીકારીને કવયિત્રી તેનું રૂપાંતર કાવ્યમાં કરે છે. ‘રખે ચૂકતાં! હમણાં જ બુક કરો, તમારી જિંદગીનો યાદગાર પ્રવાસ’ કાવ્યમાં ટૂરીઝમ બ્રોશરની ભાષાનો, તો ‘હું સ્વીકારું છું’ કાવ્યમાં ખ્રિસ્તી લગ્નવિધિની ભાષાનો વિનિયોગ થયો છે.
10
ભાષાના ઔચિત્યપૂર્ણ વિનિયોગ પ્રત્યે કવયિત્રી સજાગ છે, તે વિશે તેમણે એક કાવ્ય પણ રચ્યું છે. (પૃ. 55.) ‘રાજીના રેડ હોવું’ માટે અંગ્રેજી રૂઢિપ્રયોગ છે, ‘ઓવર ધ મૂન.’ ફૂટબોલની મેચ જીત્યા પછી લિવરપૂલ ક્લબના માલિકે શું કહ્યું? જોડકાંને જન્મ આપ્યા પછી હોલીવુડની અભિનેત્રીએ શું કહ્યું? પોતાના દેશવાસીએ રશિયન સોયુઝ વાયુયાનમાં અવકાશમાં પહોંચીને નમાઝ કરી ત્યારે મલેશિયાના લોકોએ શું કહ્યું? સૌએ એનું એ, એકનું એક વાક્ય કહ્યું: વી આર ઓવર ધ મૂન! કવયિત્રી ટિપ્પણી કરી લે છે: આજકાલ કોઈ કેવળ સંતુષ્ટ કે આનંદિત નથી, કે નથી આહ્લાદિત, ઉલ્લસિત, પુલકિત, પ્રફુલ્લ, પ્રસન્ન કે ફિદા. બધાં છે રાજીના રેડ, રાજીના રેડ, રાજીના રાજીના રાજીના રેડ! શબ્દની અર્થચ્છાયા અને નાદગુણ ન પારખે તે કવિ શાનો?
*
ઉદયન ઠક્કર
કવિ.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મુંબઈ.
મુંબઈ.
udayanthakker@hotmail.com
98200 86458
*