Editor Unplugged: Media, Magnates, Netas & Me – Vinod Mehta
Penguin-viking, New Delhi, 2014
અંગ્રેજી સાપ્તાહિક Outlookના તંત્રી તરીકે વધુ જાણીતા થયેલા વિનોદ મહેતા (1942 – 2015) યુવાનવયે Debonairના તંત્રી તરીકે જોડાયેલા. એ પૂર્વે થોડો સમય કોપી-રાઈટર રહેલા. તંત્રી તરીકેનો એમનો ચાર દાયકાનો સમૃદ્ધ અનુભવ રહ્યો.
આ પુસ્તક ઉપરાંત એમનાં બીજાં પુસ્તકો છે: Bombay (1971), મીનાકુમારી અને સંજય ગાંધી વિશેનાં (અંગ્રેજીમાં લખેલાં) જીવનચરિત્રો, Lucknow Boy (2011), Mr. Editor, How Close Are You to the PM? (1991) એમના સંકલિત લેખોનો સંગ્રહ છે.
0
ભારતમાં અંગ્રેજી અખબારજગતને ‘નેશનલ પ્રેસ’ કહેવામાં આવે છે. ભારતીય ભાષાઓમાં ઘણાં અખબારો પ્રગટ થતાં હોવા છતાં અને એનું સરક્યુલેશન અંગ્રેજી દૈનિકો કરતાં અનેક ગણું વધુ હોવા છતાં ‘નેશનલ પ્રેસ’નો દરજ્જો ભાષાકીય અખબારોને સાંપડ્યો નથી. એનું એક કારણ એ છે કે દેશનો અગ્રગણ્ય ગણાતો વર્ગ હજુ અંગ્રેજી અખબારો અને સામયિકો જ વાંચે છે, એને જ અધિકૃત અને ગુણવત્તાયુક્ત ગણે છે. તટસ્થપણે જોતાં એવો દાવો કંઈક અંશે સાચો પણ લાગે. પરંતુ એ આપણી ગુલામી મનોદશાનું પ્રતીક તો કહેવાય જ!
આપણે ત્યાં ઘણા તેજસ્વી પત્રકારો થઈ ગયા, આજેય હશે. તેમાં ‘આઉટલુક’ના વિનોદ મહેતા આગવું મહત્ત્વ ધરાવતા હતા. ‘આઉટલુક’ની 1995ની શરૂઆત રસપ્રદ છે. કોઈપણ ફિલ્મ કે લોકપ્રિય સામયિક એવી આશા રાખે જ કે ઝડપી પબ્લિસિટી મળે એવું કંઈક કરવું. પી. વી. નરસિંહરાવની નવલકથા The other Half હપ્તાવાર છાપી તે શરૂ કરાયેલું.
વિનોદ મહેતા ‘ડેબોનેર’થી શરૂ કરીને ‘ઇન્ડિયન પોસ્ટ’, ‘સન્ડે ઓબ્ઝર્વર’, ‘પાયોનિયર’, ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ વગેરેમાં રહ્યા પછી અંતે ‘આઉટલુક’માં આવ્યા જ્યાં તેઓ સત્તર વર્ષ તંત્રીપદે રહી નિવૃત્ત થયા. તંત્રીપદની કોઈ ગરિમા કે ગૌરવનાં બણગાં ફૂંકવાને બદલે તેનાથી વિપરીત જ નિર્દંભ અને વાસ્તવિક વાત કરે; તે એટલે સુધી કે પોતાના પાલતુ કૂતરાનું નામ તેમણે ‘એડિટર’ રાખેલું.
નિવૃત્તિ પછી તેમણે સંસ્મરણો લખવાં શરૂ કર્યાં. તેનાં બે પુસ્તકો પ્રગટ થયાં: 1) ‘લખનૌ બોય’ (2011) અને 2) ‘એડિટર અનપ્લગ્ડ’ (2014). બંનેમાં તેમના જીવન અને કાર્યની વાતોની સાથોસાથ સમગ્ર પત્રકારજગત ઉપરાંત ભારતના રાજકારણની અને ઘણી બધી પ્રતિભાઓ વિશેની રસપ્રદ વાતો નિર્દંભ રીતે રજૂ થઈ છે. ભાષાની રીતે, માહિતીની રીતે, વિગતોની રીતે, એમનાં પુસ્તકો અત્યંત રસપ્રદ છે. તેમાંની વાતો ક્યારેક બીજાને કહી શકાય તેવી, તો ક્યારેક ટાંકી શકાય તેવી પણ છે. એ રીતે કહીએ તો કોઈ નવલકથાની જેમ વાંચી શકાય તેમ છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં કોઈ વ્યક્તિની શરૂઆત સીધી તંત્રીપદથી જ થાય તે ઘટના આમ થોડી આશ્ચર્યજનક તો કહેવાય. પણ આ પુસ્તકો વાંચ્યા પછી લાગે કે આ માણસ ખરેખર એવી લાયકાત ધરાવે છે. ઘટનામાં તેમની પાસે રજૂઆત ઉપરાંત એક દૃષ્ટિબિંદુ છે તો સાથે પોતે જે કંઈ વાંચ્યું છે અને જે કંઈ જાણ્યું છે તેનો કેવો સમુચિત ઉપયોગ કરવો તેની સહજ ફાવટ છે.
પુસ્તકનું ઉપશીર્ષક રખાયું છે: ‘મીડિયા, મેગ્નેટર્સ, નેવાઝ એન્ડ મી’. ચૌદ પ્રકરણોમાં વહેંચાયેલાં આ સંસ્મરણોમાં વિનોદ મહેતા તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી ટીવીની ચેનલોમાં ન્યૂઝ ડિબેટમાં બહુ દેખાવા લાગ્યા તેની વાત છે; નીરા રાડિયા અને તેના લોબીઇંગનો પર્દાફાશ, રતન તાતા, આજના સમયમાં કોર્પોરેટ્સ અને મીડિયા, અખબારી સ્વાતંત્ર્ય, પોતે શું કરી શક્યા વગેરે વાતો છે. તો વળી, પોતાને કેવા લોકો ગમે છે, ભારતીયોમાં સેન્સ ઓફ હ્યુમર કેમ ઓછી છે, ભારતની એનજીઓ, અરવંદિ કેજરીવાલ, રાજકીય ક્ષેત્રે વંશવાદ, નરેન્દ્ર મોદી અને છેલ્લો શબ્દ – જેવાં પ્રકરણો પણ છે.
વિનોદ મહેતા એક એવું વ્યક્તિત્વ છે જે કોઈ વૈચારિક પ્રતિબદ્ધતામાં સીમિત નથી. છઠ્ઠી ઇન્દ્રિયથી પોતાને જે યોગ્ય લાગે તેવું સ્ટેન્ડ લેતાં તેઓ ખચકાતા નથી. એક પ્રકારના સેક્યુલારિઝમને તેઓ અનિવાર્ય ગણે છે તેથી લોકો ભલે પોતાને સ્યુડો સેક્યુલારિસ્ટ’ કહે, કે પછી દ્વિપક્ષી લોકશાહીની અનિવાર્ય શરતને કારણે તેઓ કોંગ્રેસની તરફદારી કરે ત્યારે ભલે કોઈ તેમને ‘સોનિયાના ચમચા’ કહે એનો તેમને વાંધો નથી. વખત આવ્યે તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે ‘નરેન્દ્ર મોદીને પણ તક આપવી જોઈએ.’ જાણવા જેવું છે કે તેઓ નિખિલ ચક્રવર્તી અને સરદાર ખુશવંતસિંઘને પોતાના પ્રેરણાસ્રોત ગણે છે, ગુરુ નહિ. ગુરુપદમાં તો તેઓ માનતા જ નથી, નિખિલદા પાસેથી વિનોદ પત્રકારત્વમાં અધિકૃતતા અને નિષ્ઠા શીખ્યા અને ખુશવંતસિંઘ પાસેથી લોકપ્રિય રીતિ અને મજાકમસ્તી શીખ્યા.
વિનોદ મહેતાએ પોતાને કયા લોકો ગમે છે એનું એક આખું પ્રકરણ લખ્યું છે. જેમાં તેમણે છ જણની વાત કરી છે. તેમાં ગાંધી નથી, પણ ખ્વાજા અહમદ અબ્બાસ છે, રસ્કિન બોન્ડ છે, સચિન તેંડુલકર છે, જોની વોકર છે, ખુશવંતસિંઘ છે અને અરૂંધતી રોય છે. કોઈ હીરો સંપૂર્ણ ન હોઈ શકે અને કોઈ સંપૂર્ણપણે નકામો ન હોઈ શકે એવી ભૂમિકા તેમણે લીધી છે. વિનોદ મહેતા કહે છે: ‘મને યાદ નથી કોણે આવું કહ્યું છે પરંતુ જે માણસ પૂર્ણતાનો દાવો કરતો હોય તેનાં બે સ્થાન નક્કી છે – કાં તો સ્વર્ગ, કાં તો ગાંડાની ઇસ્પિતાલ.’ તેઓ જેમને ચાહે છે, જેનો આદર કરે છે, તેમાં કયા ગુણો જુએ છે તેની પણ વાત એમણે કરી છે. જેમાં પહેલી જરૂરિયાત નિષ્ઠાની છે તેમ કહે છે. વ્યક્તિમાં નબળાઈઓ-દોષો હોય જ. પણ કોણ તેને કેટલાં છુપાવે છે કે પ્રગટ કરે છે તેનાથી તેનું મૂલ્યાંકન થઈ શકે. આ સંદર્ભે પોતાના પહેલા પુસ્તકમાં જ્યોર્જ ઓરવેલનું એક કથન ટાંક્યું છે કે આત્મકથા ત્યારે જ વિશ્વસનીય ગણાય જ્યારે તે લેખકના દોષો પ્રગટ કરી રહે. વળી, તેનામાં સાહસિકતા હોવી જોઈએ – શારીરિક અને નૈતિક બન્ને. એક પ્રકારની ઇમાનદારી અનિવાર્ય છે. ઉપરાંત જીવનમાં હાસ્ય અનિવાર્ય છે. એ તમારો જીવન પ્રત્યેનો અભિગમ પ્રગટ કરે છે, અને અધિરાઈ એ ભલે નબળાઈ મનાતી હોય પણ એ જ ગુણ છે. માત્ર ધીરજને ખોટી રીતે બહુ ઊંચે ચઢાવવામાં આવી છે, એમ લેખકનું માનવું છે.
અંગ્રેજીમાં લખતા રસ્કિન બોન્ડ 1963થી મસૂરીમાં વસે છે તે એક લેખક તરીકે તો આદર્શ ગણાયા છે પરંતુ વિનોદ મહેતાએ તેમને ઈર્ષાહીન જોયા છે. ત્યારે બીજી વ્યક્તિ માટે સ્વસ્થ વલણ ધરાવતા અને નકારાત્મક અભિપ્રાયો પ્રગટ ન કરતા બોન્ડ તેમને બહુ ગમે છે. એવી જ રીતે અરુંધતી રોય તેમને એ કારણે ગમે છે કે ઉ. જો. જેને ‘લોસ્ટ કોઝિઝ’ કહેતા હતા તેને માટે તેઓ સંઘર્ષરત છે. વિનોદ મહેતાનું કહેવું છે કે તમે અરુંધતી સાથે અસંમત હોઈ શકો પણ તેની નિષ્ઠા વિશે સવાલ ન ઉઠાવી શકો. વોલ્તેરના વિધાનને ઉલટાવીને વિનોદ મહેતા કહે છે કે જો અરુંધતી આપણને ન મળી હોત તો આપણે તેને શોધી કાઢવી પડત! નકસલવાદ અને અમેરિકી શાહીવાદ વિરુદ્ધના તેમના લેખોએ વિકાસવાદનાં બીજ રોપી આપ્યાં એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.
ખુશવંતસિંઘે ભલે જિંદગીભર નાસ્તિકતાની ઉપાસના કરી પણ અમૃતસરના સુવર્ણમંદિર પર ભારતીય લશ્કરે બોમ્બમારો કર્યો ત્યારે પોતાનો પદ્મભૂષણ એવોર્ડ તેમણે પરત કરેલો. વિનોદ મહેતા પણ એમના વિશે આ બાબતે એલફેલ લખી ચૂકેલા; ત્યારે ખુશવંતસિંઘે લખ્યું: ‘ઘણા લોકોએ મારા આ પગલાની ભર્ત્સના કરી છે જેમાંના એક ઓબ્ઝર્વરના તંત્રી વિનોદ મહેતા પણ છે. તેમણે લખ્યું કે મારે જ્યારે ભારતીય બની રહેવું કે શીખ તરીકે ઓળખાવું એ ઘડી આવી ત્યારે મેં શીખ હોવાનું પસંદ કર્યું. હું પણ જોકે મહેતાને વળતું પૂછી શક્યો હોત કે તમે હિન્દુ છો કે ભારતીય? હિન્દુઓને પોતાની દેશભક્તિના પુરાવા આપવા પડતા નથી. એ તો મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓને જ આપવાનું કહેવાતું હોય છે.’ (પૃ. 140)
પુસ્તકનું એક મહત્ત્વનું પ્રકરણ રાજકીય વંશવારસાવાદ અંગેનું છે. તેમાં લેખકે કટોકટીકાળમાં ટાઇમ્સમાં આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરતા કે. આર. સુંદરરાજનની અનિવાર્ય એવી પ્રશંસા કરી છે. જ્યારે આખું અખબારગૃહ ઇન્દિરાને વેચાઈ ચૂક્યું હતું ત્યારે આ એક માણસ ઉઘાડેછોગ કટોકટીના વિરોધમાં હતો. વોઈસ ઓફ ડિસૅન્ટ પ્રગટ કરતો હતો. વિનોદ મહેતાના તંત્રીપદ હેઠળના ‘ડેબોનેર’માં ત્યારે તંત્રીએ સુંદરરાજન પાસે આ અંગે ત્રણ ભાગમાં લેખો લખાવ્યા જે રાજકીય અને પત્રકારત્વ વર્તુળોમાં આજે પણ અનન્ય ગણાય છે.
આ પ્રકરણમાં સંજય ગાંધી અને માણેકાની વાતો, રાજીવ અને સોનિયાનો રાજકારણ-પ્રવેશ, ઇન્દિરા અને નહેરુ અને કોંગ્રેસની વાતો ઘણી અજાણી વિગતો સાથે આલેખાઈ છે.
આજકાલ નરેન્દ્ર મોદીની બોલબોલા છે. રાજકીય ક્ષેત્રે કદાચ ‘મોદીયુગ’નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વિનોદ મહેતા મોદી વિશે શું માને છે તેમાં હરકોઈને રસ પડે તે સ્વાભાવિક છે. પહેલીવાર ન. મો. વિનોદ મહેતાને 2001માં ‘આઉટલુક’ની ઓફિસમાં કેશુભાઈ પટેલ વિરુદ્ધની ફાઇલો લઈને સામેથી મળવા જાય છે. તે એ સાબિત કરવા માટે કે કેશુભાઈ કાબેલિયત વિનાના છે. વિનોદ મહેતાએ લખ્યું છે કે, ‘ન. મો.ની લોલીપોપ અસ્વીકારવાની મને અંદરથી જ પ્રેરણા થઈ. પછી તો કેશુભાઈના સ્થાને ન. મો.નો રાજ્યાભિષેક થયો અને આગળનો ઇતિહાસ જાણીતો છે.’ (પૃ. 243) વિનોદ મહેતા ગ્રેહામ ગ્રીનને ટાંકે છે જેણે કહેલું માણસના મિત્રો નહીં, પણ એના દુશ્મનો કોણ છે એનાથી એનું કદ મપાવું જોઈએ. એમાં ન. મો. બહુ ઊંચા ગુણ મેળવી જાય છે. (પૃ. 246) આમ છતાં પોતાની અંગત પસંદગી કે તરફદારી બાજુ પર મૂકીને, ‘હવા’માનને વફાદાર રહીને વિનોદ મહેતાએ બહુ વહેલું એટલે કે 8 ડિસેમ્બર 2013ના રોજ લખનૌમાં ટાઇમ્સના પત્રકારને કહી દીધું કે ‘હવેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.’ કોઈ ચમત્કાર જ તેમને એ સ્થાને પહોંચતા અટકાવી શકશે. તેમના કમીટેડ વાચકો ચાહકો અને જાણીતા મિત્રોને બહુ આઘાત લાગેલો પણ દેશના મૂડને પારખવામાં વિનોદ મહેતાને કોઈ સંકોચ ન હતો.
આપણે ત્યાં જાતભાતના વ્યવસાયમાં પડેલા લોકો પોતાના વિશે ભાગ્યે જ તટસ્થ અવલોકન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. વિનોદ મહેતાને આ સંદર્ભે સલામ કરવાનું એટલે મન થાય છે કે તેમણે આમ લખ્યું છે: ‘આ પૃથ્વી પર જે સૌથી અસલામત લોકો છે તેમાંના એક પત્રકારો છે એ ભૂલવા જેવું નથી. તેમનો અહમ્ ફૂટબોલથી પણ મોટો હોય છે. તેઓની માન્યતાની ભૂખ માત્ર અગ્રવર્ગ કે મોટા એલચીઓ કે ઉચ્ચ અધિકારીઓ પાસેની જ નથી હોતી પરંતુ તેમની આવી ઝંખના નેતાઓ પાસેથી પણ હોય છે જે આખા વર્ગની ઘૃણા કરવી એ જ પોતાનો વ્યવસાય હોય છે.’ (પૃ. 18)
તેઓ આ પુસ્તક વિશે કહે છે કે આ લખવામાં તેમને મજા આવી કારણ કે પહેલીવાર તેઓ ફરજના ભાગરૂપે નહિ પણ માત્ર આનંદ ખાતર લખતા હતા. તેમણે વારંવાર કટાક્ષયુક્ત રીતે લખ્યું છે કે તંત્રીપદની કામગીરી કંઈક અંશે વેશ્યા જેવી છે જે જવાબદારી વિનાની સત્તા ભોગવે છે. સાથોસાથ તેઓ તત્ત્વવેત્તા સોક્રેટિસ સાથે સહમત છે કે જિંદગીને તપાસતાં ન રહીએ તો એ જીવવાલાયક રહેતી નથી. તેમણે આવું આત્મમંથન પણ કર્યું છે. તેમણે પોતાની આ સમગ્ર વાતને ‘અડધી ખુલ્લી કિતાબ’ એવું કહેવાનું પસંદ કર્યું છે. 1974માં અઢી હજારના પગારે નોકરી શરૂ કરી ત્યારથી લઈને ઈકોતેરમા વર્ષે આ સંસ્મરણો વાગોળતાં તેઓ લખે છે: ‘મારી વ્યાવસાયિક કારકિર્દી દરમ્યાન મને એવો એક પણ કિસ્સો યાદ આવતો નથી જ્યારે મેં કોઈ વ્યક્તિને કોઈ પ્રકારે હેરાન કરવાનું કર્યું હોય. ક્યારેક કોઈ વ્યક્તિ મને ન પણ ગમતી હોય પણ એ જેને લાયક છે એટલું તેને આપવામાં મેં કંજૂસાઈ કરી નથી.’ (પૃ. 263) ટૂંકમાં ખોટા માર્ગે સફળતા મેળવવાનું તેમને પસંદ પડ્યું નથી. તેમણે વડાપ્રધાન મનમોહનસિંઘનું મૂલ્યાંકન કરતાં એમ લખ્યું છે કે તેઓ નમ્ર હતા, પ્રામાણિક હતા પણ ‘વડાપ્રધાન બની રહેવાનું તેમને બહુ ગમતું હતું.’
તેમણે એમ પણ લખ્યું છે કે જીવનમાં તેમને બહુ પ્રેમ પ્રાપ્ત ન થયો. પોતે ભાગ્યે જ આ ઉદાત્ત લાગણીનો અનુભવ કર્યો. પ્રેમ કરવાની વયે તેઓ વિલાસ અને વાસનામય રહ્યા. પરિણામે પ્રેમથી જોજનછેટું પડી ગયું. તેમણે એમ પણ કહ્યું કે મારો કંઈ ખાસ વિકાસ થયો નથી, થયો હોય તો સાઠે પહોંચવા આવ્યો ત્યારે કદાચ થયો, જ્યારે બહુ મોડું થઈ ગયું હતું. તેથી દેરસે આયે દુરસ્ત આયેનું સાંત્વન પણ પોતે લઈ શક્યા નહિ. (પૃ. 114) ત્રીસ વરસ થતાંમાં તો તેમને પહેલું તંત્રીપદ સાંપડ્યું ને તેઓ કામઢા બની ગયા. ‘હું તો નવોસવો તંત્રી હતો જેને એ અંગેની કોઈ તાલીમ કે કોઈ શિક્ષણ પ્રાપ્ત ન હતું. પણ મારામાં જબરજસ્ત ઉર્જા હતી અને વ્યવસાયને અનુરૂપ શીખવાની પૂર્ણ ધગશ હતી. આ બે બાબતોને કારણે જાગતાં અને ઉંઘતા મને દુનિયાના ઉત્તમ તંત્રી થવાના જ વિચારો આવતા જેણે મારું નસીબ ઘડ્યું.’ (પૃ. 116) 1974 થી 2012 દરમ્યાન તેમણે પોતાના વ્યવસાયની આડે કશું જ આવવા ન દીધું. પહેલી પત્ની રેખાથી છૂટા થયા અને સાઠ વર્ષે ‘પાયોનિયર’માં હતા ત્યારે ઓફિસની સાથીદાર સુમિતાને પરણ્યા. પરંતુ ઓફિસ સમયમાં તેને મળવાનું પણ ટાળતા. સજ્જન માણસની જેમ અથવા તેની પરીક્ષાના પરિણામની જેમ તેમણે કબૂલ્યું છે કે મારાં વખાણ સાંભળતાં હું અસ્વસ્થ થઈ જાઉં છું. ટી.વી. પરની ચર્ચાનાં વખાણ સાંભળતાં તેમને સદાય એવું લાગ્યું છે કે એ પરફોર્મન્સ તો ચાલાકી કે યુક્તિનું પરિણામ હોય છે. ખુશવંતસિંઘ પાસેથી તેઓ વિવાદને, વિરોધને ઉત્તેજન આપવાનું શીખ્યા. સુજ્ઞ વાચકોને ખબર છે કે તેઓ જે કોઈ સામયિકમાં તંત્રી રહ્યા ત્યાં તેમણે વાચકોના પત્રોની જગ્યાનો વિસ્તાર કર્યો. એક સ્વિસ સ્ત્રીમિત્ર સાથેના સંબંધોથી તેમને એક દીકરી જન્મેલી. જેની તલાશ તેમને જિંદગીભર રહી. આ અંગે તેમણે લખ્યું છે ‘જેનો બચાવ ન થઈ શકે એવી બાબતનો મારે બચાવ કરવો નથી.’ હિચકિચાટ પછી તેમણે આ પાનાં પોતાની પત્નીથી છૂપાં રાખ્યાં નથી અને છપાતાં પહેલાં તેની નજર નીચેથી નીકળે તેવું પણ કર્યું છે.
વિનોદ મહેતા અવારનવાર સરદાર ખુશવંતસિંઘને મળવા જતા. થોડી વાતચીત પછી તરત જ સરદારજી પૂછતા: આજકાલ શું ચાલે છે? જે વાતોનો કોઈ આધાર નથી અને છતાં ઈ-મેઈલ કરતાં પણ વધુ ઝડપે જે વાતો ફેલાતી રહે છે તેવી ગપસપ તરફનો એમનો ઇશારો રહેતો. પત્રકારત્વ માટે આ એક મહત્ત્વનો કાચો માલ હોય છે. કેટલીક વાતો જાણી જોઈને ફેલાવાય છે તો કેટલીક શોધી કાઢવાની રહેતી હોય છે. વર્ષ 2013–14ને મહેતા ‘ગોસિપનો સુવર્ણયુગ’ કહે છે. સંસ્કૃત સાહિત્ય નવ રસમાં ભલે આ રસનો સમાવેશ ન કરતું હોય પરંતુ આ રસ અખૂટ છે. પ્રસિદ્ધ રાજકીય તત્ત્વચંતિક ઇસાહા બર્લીને પણ કહ્યું છે કે હું ગોસિપ વિના જીવી ન શકું. (પૃ. 17) મહેતા પંદરમી લોકસભાને Leakiest ગણાવી છે. અને તેની ટપક-પદ્ધતિ ઉત્સવનું કારણ બની રહેતી એમ જણાવ્યું છે.
વિનોદ મહેતાએ પોતાના વિશે લોકો શું માને છે એ જણાવતાં કહ્યું છે: ‘મારા ટીકાકારો – ભગવાન એમને સો વર્ષના કરે – કાયમ કહેતા હોય છે કે હું કેટલાં સામાયિકો સાથે જોડાયો તે શરમ વિના હું જણાવતો રહું છું. પરંતુ તે છોડ્યા પછી આ સમાચારપત્રો બહુ ટકતાં નથી. સંખ્યાની રીતે મારું નામ ગિનેસ બુક ઓફ રેકર્ડસ્માં જઈ શકે અને તેને મારી કબર પર લખી પણ શકાય. મારા છોડ્યા પછી થોડાં વર્ષમાં જ ‘ડેબોનેર’ બંધ થઈ ગયું. પછી તે વરસમાં એકાદવાર મોરાદાબાદના રેલ્વે સ્ટોલ પર જોવા મળ્યું હોવાનું સાંભળવા મળતું. ‘ધ સન્ડે ઓબ્ઝર્વર’ અંબાણીએ ખરીદ્યું પછી ઝડપથી ખતમ થઈ ગયું. ‘ધ ઇન્ડિયન પોસ્ટ’ વિજયપત સિંઘાણિયાએ વેચ્યા પછી થોડા મહિના જ ચાલ્યું ને અદૃશ્ય થઈ ગયું. ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’માંથી હું ભાગ્યો પછી પ્રીતીશ નંદી પાસે એકાદ વર્ષ માટે આવ્યું. અને એ પછી એ પણ આથમી ગયું. ‘ધ પાયોનિયર’ હજુ ચાલે છે, તે મારા મિત્ર ચંદન મિત્રાની માલિકીનું છે, તેઓ જ તેનું સંપાદન કરે છે. પરંતુ મેં તેને જે સ્યુડો સેક્યુલર સ્વરૂપ આપેલું તેનો કોઈ અણસાર હવે રહ્યો નથી. ‘આઉટલુક’ વિશે મને ઊચી આશાઓ છે.’ (પૃ. 8) વિનોદ મહેતાએ એમ પણ લખ્યું છે કે જો બીજો જન્મ હોય તો હું એમાં પણ તંત્રી બનવાનું જ પસંદ કરું.
વિનોદ મહેતાનાં બન્ને પુસ્તકો પત્રકારત્વને, રાજકારણને અને કહીએ તો સમગ્ર જાહેરજીવનના પ્રશ્નોને સમજવામાં એક નિરાળો, સાચુકલો, મૌલિક દૃષ્ટિકોણ પૂરો પાડે છે, જે મોદીયુગના પ્રારંભ પછી નવી પેઢીમાં હોય તો સારું એવું માનવાનું મન થયા કરે. આજે દેશપ્રેમ અને દેશભક્તિના નામે એવું ઇદમ્ તૃતીયમ્ ચાલ્યા કરે છે જેને કેટલાક અનુકરણીય માનીને ગૂંચવાય છે. એવા સમયમાં દેશપ્રેમ અથવા દેશભક્તિ એ કર્મકાંડથી આગળની વસ્તુ છે અને પ્રત્યેક જણ પોતાની રીતે શક્તિ મુજબની ભક્તિ કરીને દેશના વિકાસમાં યોગ્ય આહુતિ અવશ્ય આપી શકે એવી આશા આ પુસ્તકનું વાંચન કદાચ બંધાવી શકે તેમ છે.
*
ડંકેશ ઓઝા
વિચારકેન્દ્રી પુસ્તકોના લેખક.
પૂર્વ સરકારી અધિકારી,
ગાંધીનગર.
અડાલજ.
dankesh.oza@rediffmail.com
97250 28274
*