પતંજલિવિરચિત વ્યાકરણ મહાભાષ્યમ્
– અનુ. હરિનારાયણ તિવારી ચોખમ્બા વિદ્યાભવન, વારાણસી, 2010
પ્રાચીન સંસ્કૃત વ્યાકરણની અને એમાંય ખાસ કરીને પાણિનીય વ્યાકરણની પરંપરામાં ભગવાન પતંજલિ વિરચિત વ્યાકરણમહાભાષ્યમ્નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પાણિનિના વ્યાકરણની જે સૂક્ષ્મ અને ગંભીર વિવેચના મહાભાષ્યમાં જોવા મળે છે એવી સંસ્કૃત-પરંપરાના બીજા કોઈ શાસ્ત્રમાં જોવા મળતી નથી.
મહાભાષ્ય ગ્રંથનું ક્લેવર અત્યંત વિશાળ છે અને તેમાં એટલા બધા વિષયોના નિર્દેશો, ચર્ચા જોવા મળે છે કે, ભારતીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ તેને એક મોટા જ્ઞાનકોષ તરીકે ઓળખાવ્યો છે. આ ગ્રંથની બીજી વિશેષતા એ છે કે તે એકદમ સરળ, પ્રવાહી અને પ્રાંજલ ભાષાશૈલીમાં લખાયો છે.
શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરેએ વેદાન્ત પર ભાષ્યો લખ્યાં છે. વાત્સ્યાયને ન્યાયદર્શન પર ભાષ્ય લખ્યું છે. પણ પતંજલિએ પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ પર જે ભાષ્ય લખ્યું તે તેના વિષય વ્યાપ, વિશાળ ક્લેવર તથા વિષયની અર્થગંભીર છણાવટને કારણે ‘મહાભાષ્ય’ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં ભાષ્યો અનેક છે પણ મહાભાષ્ય તો એક જ છે. આ જ તેની મહત્તા પુરવાર કરે છે.
તેની ભાષા સરળ છે. તેનાં વાક્યો નાનાં નાનાં છે. તેમ છતાંય તેમાં વિચારોનું ઊંડાણ તેમજ અર્થગાંભીર્ય ઘણું છે આ જ કારણે સંસ્કૃત વ્યાકરણ-પરંપરાના કૈયર અને નાગેશ ભટ્ટ જેવા મહા વૈયાકરણો પણ તેના અર્થગાંભીર્યને સમજવામાં પૂરેપૂરા સફળ નીવડ્યા નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં સંસ્કૃત ભાષાસાહિત્ય અને તેમાં ય ખાસ કરીને શાસ્ત્રગ્રંથોના અધ્યયનમાં ઓટ આવી છે. મૂળ સંસ્કૃત ભાષામાં અઘરા શાસ્ત્રગ્રંથો વાંચી શકે તેવા વિદ્વાનો પણ આંગળીને વેઢે ગણાય એટલા જ છે. આ સંજોગોમાં હિન્દી, મરાઠી, ગુજરાતી જેવી આધુનિક ભાષાઓમાં મૂળ ગ્રંથોના અનુવાદ થાય એ જ યોગ્ય ઉપાય છે. તો જ જ્ઞાન ખરેખર સચવાઈ રહેશે.
0
વ્યાકરણમહાભાષ્ય પાણિનીય વ્યાકરણના ઉચ્ચ અભ્યાસમાં વિશ્વભરની વિદ્યાપીઠો કે પાઠશાળાઓમાં ફરજિયાત છે. અગાઉ મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરે મરાઠી ભાષામાં 6વિશાળ ખંડોમાં આ મહાકાય ગ્રંથનો સંપૂર્ણ અનુવાદ કરીને એક વિક્રમ સ્થાપ્યો હતો. અને પછી વર્ષો સુધી આ વિક્રમને કોઈ તોડી શક્યું ન હતું.
હવે બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને પાણિનીય વ્યાકરણ પરંપરાના જાણીતા વિદ્વાન હરિનારાયણ તિવારીએ સંપૂર્ણ મહાભાષ્યનો 9ખંડો અને 5198પૃષ્ઠોમાં અનુવાદ પ્રસ્તુત કરીને વિદ્યાજગતની એક મોટી ખોટ પૂરી છે. હિન્દીમાં અનુવાદ થાય એનો મોટો લાભ એ છે કે તે હિન્દીભાષી વિસ્તારોના ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ તેમજ હિન્દી ભાષાના પરદેશી વિદ્વાનો પણ તે સરળતાથી વાંચી શકે છે. અહીં તિવારીજીએ મહાભાષ્યના મૂળ પાઠનું પ્રામાણિક અને શુદ્ધ રૂપ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
મહાભાષ્ય લગભગ 2200વર્ષ જૂનો ગ્રંથ છે. એટલે સ્વાભાવિકપણે જ લહિયાઓ વગેરે દ્વારા તેના મૂળ પાઠમાં કેટલીક અશુદ્ધિઓ પ્રવેશી હોય. પ્રાશ્ચાત્ય વિદ્વાન ફ્રાન્ત્સ કિલહોર્ન, આધુનિક ભારતીય વિદ્વાન ભાર્ગવ શાસ્ત્રી જોશી તેમજ હરિયાણાના ઝજ્જરના આર્ષ ગુરૂકુલના વિદ્વાનોએ શુદ્ધ અને પ્રામાણિક પાઠ સંપાદિત કરવાના પ્રયાસો કર્યા છે.
સંસ્કૃતમાં અનુસ્વાર અને માત્રાની શુદ્ધિનું ઘણું મહત્ત્વ છે. તિવારીજીએ અહીં તેનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. મહાભાષ્ય આદિથી અંત સુધી સંવાદ શૈલીમાં છે. તેની ચર્ચામાં પૂર્વપક્ષી, એકપક્ષી, ઉત્તર પક્ષી વગેરે કેટલાય વક્તાઓ ભાગ લે છે. હવે જો આ વક્તાઓની ઉક્તિઓને એકબીજાથી અલગ પાડવામાં ન આવે તો ઘણો ગૂંચવાડો સર્જાય તેમ છે. અહીં આક્ષેપ ભાષ્ય, સમાધાન ભાષ્ય,એવાં પેટા શીર્ષકો હેઠળ વક્તા અને પ્રતિવક્તાનાં વચનોને પૃથક-પૃથક અનુચ્છેદોમાં મૂલવામાં આવ્યાં છે. આ માટે વિરામચિહ્નો વગેરેની પણ મદદ લેવાઈ છે. આથી વિભિન્ન વક્તાઓની ઉક્તિઓની ભેળસેળ થવાની કે ગૂંચવાડો સર્જાવાની શક્યતા રહેતી નથી.
આ અનુવાદની ત્રીજી વિશેષતા એ છે કે મૂળ ગ્રંથના શબ્દ-શરીર અને આશય-આત્મા બંનેને હિન્દી અનુવાદમાં જાળવી રાખવાનો પ્રયાસ થયો છે. મૂળ શબ્દોથી અળગા થઈને નહીં પણ તેની સમાંતરે રહીને તેના ભાવાશયને હિન્દીમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરાયો છે. ભાવાર્થને સ્પષ્ટ કરવા માટે વધારાના શબ્દો કૌંસમાં મૂકવામાં આવ્યા છે. અનુવાદમાં પ્રથમ મૂળ પાઠનો અંશ અને પછી તેનો હિન્દી અનુવાદ એવો ક્રમ રખાયો છે. સંસ્કૃતમાંથી આધુનિક ભાષાઓમાં અનુવાદની રજૂઆત ત્રણ પ્રકારે થાય છે. (1) આ ગ્રંથમાં છે તેમ પ્રથમ મૂળ સંવાદ, કારિકા કે શ્લોક અને તેની નીચે તેનો અનુવાદ. (2) મૂળ સંસ્કૃત અને તેનો ભાષાનુવાદ સામ-સામેના પૃષ્ઠ પર મૂકીને બિમ્બ-પ્રતિબિમ્બ-ભાવ ઉત્પન્ન કરવો. આ પદ્ધતિ નાટક વગેરે સાહિત્યિક રચનાઓના અનુવાદમાં ઘણીવાર અનુસરવામાં આવે છે અને (3) પુસ્તકને બે કે ત્રણ ભાગમાં વહેંચી દઈને પ્રથમ ભાગમાં મૂળ સંસ્કૃત પાઠ, બીજા ખંડમાં તેનો સળંગ અનુવાદ અને ત્રીજા ખંડમાં ટિપ્પણીઓ-નોંધો વગેરે. આ ત્રીજી પદ્ધતિ ગાઇડોમાં વધારે અનુસરવામાં આવી છે.
સંસ્કૃત શાસ્ત્રગ્રંથોની રચનામાં લાઘવ ઘણું હોય છે. એટલે સૂત્રો, કારિકાઓ વગેરેનો શાબ્દિક અનુવાદ ભાવવિસ્ફોરણમાં નિષ્ફળ નિવડે છે. આથી આવા શાસ્ત્રગ્રંથોનો અનુવાદ વિસ્તૃત વ્યાખ્યા-સમજૂતી-ટિપ્પણી વગરેથી યુક્ત હોય તો જ મૂળ ભાવને સમજી શકાય છે. અહીં અનુવાદકે મૂળ ગ્રંથનો માત્ર અનુવાદ કરવાને બદલે ભાવાર્થ સ્પષ્ટ કરવા ટિપ્પણીઓ વગેરે પણ જોડી છે. જોકે ઘણી વાર મૂળ પાઠનો અનુવાદ અને અનુવાદકની ટિપ્પણીઓની ભેળસેળ થઈ ગઈ છે.
પતંજલિએ મહાભાષ્યમાં સૂત્રો, શંકાઓ, વિવાદો વગેરેની છણાવટ તેમજ સમાધાન માટે બે પ્રકારની નિરૂપણશૈલીઓ અપનાવી છે. (1) ચૂર્ણિકા અને (2)તંડક. સૂત્ર કે અનુચ્છેદના પ્રત્યેક શબ્દને પૃથક્ કરીને તેના અર્થનું વિસ્ફોરણ કરનારી શૈલી ચૂર્ણિકા છે. જ્યારે તંડક શૈલી સિદ્ધાંતનો ઊહાપોહ કરવા માટે પ્રયોજાય છે. આ શૈલીમાં ભારેખમ, ઓજસ્વી પદાવલિનો પ્રયોગ થાય છે. આવી બે શૈલીના ઉપયોગ છતાં મહાભાષ્યની ભાષામાં ક્યાંય શુષ્કતા કે નીરસતા જોવા મળતી નથી. આમ મહાભાષ્યની ભાષા એટલી સરળ છે કે પં. યુધિષ્ઠિર મીમાંસક કહે છે તેમ ઉચ્ચ કોટિની સંસ્કૃતનિષ્ઠ હિન્દી (કે ગુજરાતી)ની જાણકાર વ્યક્તિ પણ તેના શબ્દાર્થને સરળતાથી સમજી શકે છે. પરંતુ ભાષાની સરળતાની પછવાડે અર્થ અત્યંત ગંભીર આશયવાળો છે.
મહાભાષ્યમાં અધિકરણ-પ્રથા અનુસરવામાં આવી છે. તિવારીજીએ આમ અધિકરણો દર્શાવવાની પદ્ધતિનું વત્તેઓછે અંશે અનુસરણ કર્યું છે. અહીં અધિકરણનિર્દેશ, અનુચ્છેદોમાં વિભાજિત વિષયનિર્દેશ પણ કર્યો છે.
વળી જે તે વિષયને અધીન ચાલતા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ તથા તેમની દલીલોનો નિર્દેશ કરવાનો પ્રયાસ પણ એમણે કર્યો છે. આ પદ્ધતિને કારણે ભાષ્યમાં સિદ્ધાંતપક્ષ તથા ઉત્તર પક્ષ (પોતાનો પક્ષ) રજૂ કરવા જે પ્રકારની દલીલો કે તર્કનો આશ્રય લીધો છે તેનો અહીં ખ્યાલ આવી જાય છે.
ચારૂદેવ શાસ્ત્રી અને શિવનારાયણ શાસ્ત્રીએ મહાભાષ્યના તેમના આંશિક અનુવાદોમાં જેમ પ્રત્યેક આહનિક(કે પ્રકરણ)ના આરંભે તેનો ટૂંકસાર આપવાની પદ્ધતિ અપનાવી છે તેને અહીં અનુસરવાની જરૂર હતી. વળી તેમાં વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિએ વિષયની ચર્ચામાં શું પ્રદાન કર્યું છે તેનો નિર્દેશ કરવામાં આવે તો વિદ્યાર્થી તથા અધ્યાપક બંનેને તે ઉપયોગી નીવડી શકે તેમ છે. આવો ટૂંકસાર જો અભ્યાસી પહેલાં વાંચી લે તો ભાષ્યમાં થયેલી ચર્ચાને સમજવામાં તેને ઘણી મદદ મળે છે.
તિવારીજીના આ અનુવાદનું નબળું પાસું એ છે કે તેમાં ક્યાંય એમણે અનુવાદક તરીકેનું પોતાનું વક્તવ્ય કે ભૂમિકા આપ્યાં જ નથી. આ અનુવાદ, એ પણ સંપૂર્ણ મહાભાષ્યનો, તેમણે શા માટે હાથ ધર્યો, તેમાં તેમને કેવી મુશ્કેલીઓ નડી, તેનો તેમણે કેવી રીતે રસ્તો કાઢ્યો, વગેરેની ચર્ચા પણ અપેક્ષિત હતી. હવે અનુવાદ એ સ્વતંત્ર વિદ્યાશાખા બની છે. તેના વિકાસમાં આવી ચર્ચાઓ ઘણી ઉપયોગી નીવડે છે.
એક મોટી મુશ્કેલી વિષયાનુક્રમણીના અભાવની પણ છે. આવી અનુક્રમણી તિવારીજીને ભાર્ગવશાસ્ત્રીના કે અન્ય કોઈના સંપાદનમાંથી તૈયાર મળી શકી હોત. આવી વિષયાનુક્રમણીમાં ભાષ્યના પ્રત્યેક અનુચ્છેદના વિષયને પૃષ્ઠાંક સાથે દર્શાવવામાં આવે તો કોઈ અધ્યેતાને અમુક વિષય અંગે ભાષ્યમાં શું કહ્યું છે તે જાણવું હોય તો સરળતાથી જાણી શકાય છે.
અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે ભાષ્યકારે પાણિનિનાં બધાં જ સૂત્રોની ચર્ચા કરી નથી. જે સૂત્રો સામે કાત્યાયને વાંધા ઉપસ્થિત કર્યા છે તેની જ તેમણે ચર્ચા કરી છે. તિવારીજીના આ અનુવાદના પ્રથમ ખંડમાં નવ આહ્નિક સુધીનો ભાગ સમાવાયો છે. સમગ્ર ગ્રંથમાં કુલ 85આહ્નિકો છે. આ હિસ્સામાં અષ્ટાધ્યાયીના પ્રથમ અધ્યાયનો પ્રથમ પાદ આવરી લેવાયો છે. પણ અષ્ટાધ્યાયીના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદમાં કુલ 75સૂત્રો છે. જ્યારે મહાભાષ્યના નવ આહ્નિકમાં 68સૂત્રોની જ ચર્ચા છે. આથી અષ્ટાધ્યાયીનાં બાકીના સૂત્રો પણ તિવારીજીએ યથાક્રમે અર્થ અને ઉદાહરણ સાથે પાદ-ટિપ્પણીમાં આપ્યાં હોત તો સૂત્રોની નિરંતરતા જળવાઈ રહી હોત અને અધ્યેતાને અનુવૃત્તિનો સંદર્ભ સમજવામાં સરળતા રહી હોત.
પતંજલિએ મહાભાષ્યની રચના પોતાના શિષ્યોને ભણાવતાં ભણાવતાં જ કરી હોવાથી તેની શૈલી સંવાદ કે વાર્તાલાપની છે. આપણે જાણે કે એક ઉત્તમ ગુરૂ અને તેમનાં પ્રતિભાશાળી શિષ્યોના વર્ગમાં બેઠાં હોઈએ એવો અનુભવ થાય છે. શાસ્ત્રીય વાદવિવાદમાં વિદ્યાર્થીઓને પણ સક્રિય ભાગીદાર બનાવીને શિક્ષણની પ્રક્રિયામાં ગુરૂ-શિષ્ય પરસ્પર આદરથી સક્રિયપણે સહભાગી બને તો તેનું કેવું પરિણામ આવે તેનું એક ઉત્તમ ઉદાહરણ આ ગ્રંથમાં જોવા મળે છે.
ભાષ્યકાર પતંજલિની વ્યાખ્યાનશૈલીની એક મહત્ત્વની વિશેષતા એ છે કે, એક ‘પ્રખર વકીલની જેમ તેઓ જ્યારે એક પક્ષની રજૂઆત કરતા હોય ત્યારે એ પક્ષ શું કહેવા માગે છે, તેની દલીલો કેવીક છે વગેરે સમજાવવામાં અસરકારક દલીલો અને ચોટદાર ઉક્તિઓ પ્રયોજે છે. ઘડીભર તો અધ્યેતાને ખ્યાલ જ ન આવે કે ભાષ્યકાર કોનો પક્ષ લઈ રહ્યા છે. એટલે ભાષ્યકાર પૂર્વ પક્ષ (વાદી)ની દલીલો રજૂ કરતા હોય ત્યારે જો વાચક સભાન ન હોય તો તેને ભાષ્યકારનો પોતાનો જવાબ કે ઉત્તર પક્ષ જ માની બેસશે. પરંતુ વળી સામેવાળાનો પક્ષ પણ એવી તર્કસંગત રીતે રજૂ કરશે. કે વાચકને એવી શંકા થશે કે ભાષ્યકાર આનો જવાબ આપી શકશે કે કેમ? પણ જ્યારે ભાષ્યકાર જવાબ આપે છે ત્યારે ખ્યાલ આવે છે કે સામેવાળાની દલીલોમાં કેટલાં છીંડાં હતાં. ઘણીવાર ભાષ્યકાર કોઈ વિષયના સામ-સામા બંને પક્ષો વ્યવસ્થિત રીતે રજૂ કરીને પોતાના તરફથી કોઈ અભિપ્રાય ઉચ્ચારતા નથી અને તટસ્થ ભાવ અપનાવે છે. અંતિમ નિર્ણય લેવાનું કામ વાચક પર છોડી દે છે. જ્યારે મંતવ્ય આપવું હોય ત્યારે तस्मादस्तु स एव मध्यम: पक्ष:(પા. 1.1.11) એવું કહીને સ્પષ્ટ અભિપ્રાય આપે છે.
મહાભાષ્યને સમજવામાં બહુ જાગ્રત રહેવું પડે છે. પ્રાય: એક સમસ્યા પર ચર્ચા ચાલુ કરીને પછી પ્રસંગપ્રાપ્ત અમુક અન્ય બાબતોનું વિષયાન્તર પણ એટલું લંબાણપૂર્વક થતું હોય છે કે, વાચકને મૂળ મૂદ્દો શો હતો તેનું જ વિસ્મરણ થઈ જવાની શક્યતા રહે છે. વિષયની સ્પષ્ટ પ્રતિપત્તિ માટે અનુવાદકે જૂની પરંપરા મુજબ મૂળ ગ્રંથને બોલ્ડમાં અને અનુવાદને સાદા ટાઇપમાં મૂક્યા છે. આ પદ્ધતિ ખોટી નથી પણ મૂળ ગ્રંથ, અનુવાદ અને ટિપ્પણી – એ ત્રણેય અલગ અલગ ટાઇપમાં મૂક્યાં હોત તો તે ઘણાં ઉપયોગી નીવડ્યાં હોત.
મહાભાષ્યની શૈલીનું એક ઉદાહરણ:
વ્યાકરણમહાભાષ્યની ચર્ચા કેવા પ્રકારની છે અને આ ગ્રંથને વિશ્વના વિદ્વાનો દ્વારા આટલું બધું માન શા માટે મળ્યું છે તેનો વાચકોને ખ્યાલ આવે એ માટે અહીં થોડીક રસિક અને લોકજીવન સાથે વણાયેલી ચર્ચા નમૂનારૂપે (કે ઉદાહરણરૂપે) રજૂ કરું છું.
ભાષ્યકારે વ્યાકરણદર્શન જેવા સૂક્ષ્મ, ગંભીર અને નીરસ વિષયને પણ પોતાની રોચક, મધુર અને લૌકિક ઉપમાનયુક્ત સંવાદશૈલીથી આસ્વાદ્ય બનાવી દીધા છે. પતંજલિએ પોતાના ગ્રંથમાં વ્યાકરણની ચર્ચા કરતાં કરતાં લોકજીવનની અનેક બાબતો વણી લીધી છે. તેમ લોકોના પરસ્પર સંબંધ અંગે પણ લૌકિક દૃષ્ટાન્તો, ઉપમા વગેરે દ્વારા કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ કરી છે.
દાખલા તરીકે સમાસ-પ્રકરણમાં राज्ञ: गौश्चअश्वश्चपुरुषश्च’ આ વિગ્રહમાં સમાસનું રૂપ કેવું બનશે? કેમકે અહીં બે સમાસ એક સાથે પ્રાપ્ત થાય છે. રાજ્ઞ: એ ષષ્ઠયન્તનો, ‘ગો’ શબ્દ સાથે તત્પુરૂષ સમાસ અને ‘ગૌશ્વ અશ્વશ્ચ પુરૂષશ્ચ’ આ ત્રણેનો ઇતરેતર યોગરૂપ દ્વન્દ્વ સમાસ છે. પાણિનિ વ્યાકરણના ‘સમર્થ પદવિધિ’ નિયમ પ્રમાણે બે કે તેથી વધુ પદોનો સમાસ કરવા માટે અમુક શરતો હોય છે. આ પદો વચ્ચે પરસ્પર સંબંધોનું સામર્થ્ય હોવું જરૂરી છે. ઉપરના ઉદાહરણમાં આ શરતનું પાલન થતું નથી. રાજ્ઞ, ગો, અશ્વ, પુરુષ એમ અહીં અનેક સંબંધીઓની વિવક્ષામાં પરસ્પર બધાં સાપેક્ષ છે. આથી અહીં સમાસ શક્ય નથી. તેમ છતાંય સમાસ કરવો જ પડે તેમ હોય તો અહીં ‘ગૌશ્ચ અશ્વશ્ચ પુરૂષશ્ચ’ આ ત્રણેનો પ્રથમ દ્વન્દ્વ સમાસ થશે. પછી ‘ગવાશ્ચ પુરુષા:’. રાજ્ઞ: એ ષષ્ઠ્યન્ત પદ સાથે તત્પુરૂષ સમાસ ગણાશે. જો પહેલાં તત્પુરૂષ સમાસ કહીએ તો ‘રાજગવી’ રૂપ બનશે. તેનો ‘અશ્વ પુરુષ’ આ દ્વન્દ્વ સાથે સંબંધ સ્થપાય તો અભીષ્ટ અર્થની પ્રતીતિ શક્ય બનશે નહીં. આથી ઉપરના વિગ્રહમાં તત્પુરૂષની પહેલાં દ્વન્દ્વ સમાસ સ્વીકારાયો છે. અહીં મુદ્દો એ છે કે ષષ્ઠી તત્પુરુષ અને દ્વન્દ્વ એ બેમાંથી પહેલાં કયો સમાસ કરવો જેથી સમાસના નિયમોનું બરાબર પાલન થાય? પતંજલિ આનો ઉકેલ આપતાં કહે છે કે જે સમાસ કરવાથી અર્થબોધ વધારે સારી રીતે થાય એ સમાસ પહેલાં કરવાનો રહેશે. પ્રસ્તુત ઉદાહરણમાં દ્વન્દ્વ સમાસમાંનાં પદો તત્પુરૂષની તુલનામાં અર્થબોધનમાં વધુ સમર્થ છે. કેમકે આ પદોનો દ્વન્દ્વ સમાસ કરો એટલે તેનો ભાવાર્થ તરત જ સમજાઈ જાય છે. આ ટેકનિકલ બાબતને સમજાવવા ભાષ્યકાર પતંજલિ એક લૌકિક દૃષ્ટાંત આપે છે. આપણે કહીએ છીએ કે આ બાળક બીજાં બાળકો કરતાં ભણવામાં વધુ હોંશિયાર છે. તે પાઠ ઝડપથી સમજી જાય છે. એ વિશેષતા જોઈને જ આપણે ઉપરનું નિરીક્ષણ કરીએ છીએ.
એ જ પ્રમાણે અહીં તત્પુરૂષ અને દ્વન્દ્વ સમાસમાં પણ દ્વન્દ્વનાં પદો બહુ ઝડપથી અર્થબોધ કરાવે છે. હવે બીજો મુદ્દો એ ઉપસ્થિત થાય છે, રાજ્ઞ:, ગો, અશ્વ, પુરુષ આ બધાંમાં કયાં પદો વધારે સમર્થ છે અન્યોની તુલનામાં? ભાષ્યકાર જવાબમાં કહે છે કે, જે પદો દ્વન્દ્વ સમાસમાં આવે છે એ પદો વધારે સમર્થ છે. કારણકે એ બધાં એક જ વિભક્તિવાળા પદો છે. ‘ગૌશ્ચ અશ્વશ્ચ પુરૂષશ્ચ’ આ બધાં પ્રથમા વિભક્તિમાં છે. જ્યારે ‘રાજ્ઞ:’ એ ષષ્ઠીવિભક્તિ છે. જે પ્રથમથી ભિન્ન છે. આમ પ્રથમા વિભક્તિવાળાં પદો એકબીજાના સહોદરો કે સગાભાઈઓ છે. જ્યારે પ્રથમા અને ષષ્ઠીવિભક્તિનાં પદો વચ્ચેનો સંબંધ પિત્રાઈ ભાઈઓનો છે. સગા ભાઈઓ અને પિત્રાઈ ભાઈઓ વચ્ચે ભેદ છે.
બહુવ્રીહિ સમાસ અંગેના પ્રકરણમાં ‘अनेकमन्यपदार्थे’ – 2-4-56- એ સૂત્રની ચર્ચા કરતાં પતંજલિ પૂછે છે –‘अर्धतृतीया’ (અઢી)માં કયો સમાસ છે? ‘अर्धतृतीयमेषाम्’ એવો તેનો વિગ્રહ છે. હવે પ્રશ્ન એ છે, આ વિગ્રહમાં ‘एखाम्’ આ સમાસાર્થમાં અન્ય પદાર્થ કોને કહીશું? કેમકે બહુવ્રીહિ સમાસમાં અન્ય પદાર્થ પ્રધાન હોય છે. અહીં તો બે પૂરા અને ત્રીજો અડધો – અર્ધતૃતીય એ અવયવરૂપ સમુદાય જ સમાસનો અર્થ જણાય છે. અર્ધતૃતીય શબ્દમાં પીતાંબર જેવો અન્ય પદનો અર્થ પ્રકટ થતો નથી. પીતામ્બરમાં પીત અને અમ્બર બંને શ્રીકૃષ્ણ એવો અન્ય અર્થ વ્યક્ત કરે છે. અર્ધતૃતીયમાં એવું થતું નથી. અહીં ભાષ્યકાર કહે છે કે એ કંઈ એવો મોટો પ્રશ્ન નથી. ‘દેવદત્તસ્ય ભ્રાતા’ – દેવદત્તનો ભાઈ- અહીં દેવદત્તસ્ય એ ષષ્ઠયન્ત પદ છે. તેનો ભ્રાતા સાથે શો સંબંધ છે? બંને વચ્ચે માલિક-નોકર, જનક-જન્ય, ગુરૂ-શિષ્ય ભાવ જેવો કોઈ સંબંધ નથી. ષષ્ઠી વિભક્તિ સંબંધનો પણ નિર્દેશ કરે છે. અહીં દેવદ્ત્તની તેના ભાઈ સાથે ઉપરોક્ત વિભક્તિ કેવી રીતે લાગશે? બંને એક જ માતાના ઉદરમાંથી જન્મ્યા છે એ જ એ બંને વચ્ચનો સંબંધ છે. ભાષ્યકાર કહે છે કે, આ તો સાવ નિ:સાર્થક છે. જેમ કોઈ ધર્મશાળામાં યાત્રીઓ રાત્રે રહે અને સવારે પોતપોતાના પંથે પડે છે. તેમની વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. એવી જ રીતે ભ્રાતૃત્વ એ કોઈ સંબંધનો પરિચાયક નથી. પુત્ર, શિષ્ય આદિ સંબંધો જાણીતા છે. પરંતુ ભ્રાતૃત્વનો સંબંધ તો ધર્મશાળામાં રાત પસાર કરનાર યાત્રીઓ જેવો જ છે.
આ અનુવાદ ઘણી મોટી ઉપયોગિતા ધરાવે છે.
સંદર્ભ:
पतंजलिकृत व्याकरणमहाभाष्यम्, वेदप्रकाश विद्यावाचस्पति, महेरचंद लछमनदास, दिल्ही, 1996
पाणीनय व्याकरण की भूमिका, कृष्णस्वामी आयंगर, प्रभात प्रकाशन, दिल्ही, 1983
व्याकरणशास्त्रीय लौकिकन्यायरत्नाकर, डो. भीमसिंह वेदलंकार, पेनमेन पब्लिशर, दिल्ही 2001
वैयाकरणसिद्धान्त कौमुदी, हिन्दी व्याख्या-गोविंदाचार्य, चोखम्बा सुरभारती प्रकाशन, दिल्ही, 2015
*
હર્ષવદન ત્રિવેદી
વિવેચક.
પત્રકાર, અમદાવાદ.
અમદાવાદ.
harsht8@yahoo.com
7878365242
*