સળ

હળવા હળવા પવન પાડે થીર સપાટીએ સળ
ને ઝબક ઝબક ઝબકી જાગે તળનાં પોઢેલ જળ!

ઝબક ઝૂલે ડાળખી પરે, ડાળખી ખેરવે ફૂલ,
ફૂલથી સરી સોડમ મહીં વંન આખાંયે ડૂલ!
સોડમ રેલે વાયરે થઈ ભાવન કો’ હલચલ!
હળવા હળવા પવન પાડે થીર સપાટીએ સળ…

હચલચ મહીં મીંડ ભરી ને મીંડ મહીં ગુંજાર,
સોનલવરણી સીમ મહીં શી ભમરીની ભરમાર!
ભમરી ચૂસે મધ મીઠાં ને મધમાં અકળ બળ!
હળવા હળવા પવન પાડે થીર સપાટીએ સળ…

બળ ઉઘાડે પિંડનાં રૂડાં તેજ તે જાજરમાન
તેજમાં ભર્યાં હેજ ને હેજે આયખું થાતું ગાન!
ગાન ભેળી કંઈ એષણા આવે કરતી શી સળવળ!
હળવા હળવા પવન પાડે થીર સપાટીએ સળ…

૧૯૯૮

ચૈતન્યનું આગવું લક્ષણ તે સંચાર અને સંચાર દ્વારા જ સર્વ કાંઈ નિત્ય નવાં સ્વરૂપ ધારણ કરતું રહે છે. પોઢેલા જળની થીર સપાટીએ પવને પાડેલા સંચાર થકી પ્રકટતી રમણાની થતી રહેતી અનુવૃત્તિને આ કાવ્યમાં ઝીલી છે.

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book