ઝંખા

                મત રે મૂંઝાણી વા’લા સૂઝે નૈ કાંઈ ક્યોને
                વીનવીએ અવ તો કિયા વેણથી
હો વા’લા! ક્યોને વીનવીએ અવ તો કિયા વેણથી?!

                કોટિ ઉપાયે તમીં તો
                કેમ રિયા ના ઝાલ્યા,
                જાણો જે દિ’ના જીવણ
                ટળવળતી મેલી હાલ્યા,
અપલક બેઠી છે આંખ્યું હાયે ઈ વેરણ વસમી રેણથી!
હો વા’લા! ક્યો’ને વીનવીએ અવ તો કિયા વેણથી?!

                ઓચિંતો અધવચ આમ જ
                છોડી દેવો’તો છેડો,
                (તો) ભોળાં આ જીવ શું એવો
                શીદને લગાડ્યો નેડો?
અરી ઈંને આધારે કુળથી તોડેલો નાતો કેવી દેનથી!
હો વા’લા! ક્યોને વીનવીએ અવ તો કિયા વેણથી?!

                ક્યારે કીધ પંડે આવી
                ચંદર શું મુખડું દાખો?
                ચરણો થકીયે અમને
                ચાહો તો છેટાં રાખો,
પણ એવાં શું દીધ વિસારી, ટળિયાં કે લગરીક મીઠાં કે’ણથી?!
                હો વા’લા! ક્યોને વીનવીએ અવ તો કિયા વેણથી?!

૧૯૭૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book