ડમરી

                આ અચિંત આવી ડમરી
ફૂલ ફૂલપે ભમતી જાણે મધઘેલી કો’ ભમરી!

                અદકો એનો હરખ-હિલોળો
                                ક્યહીં રહે ના ઝાલી
                વાટ ચડ્યાં એ સહુને ચંચળ
                                ચકરાવે લઈ ચાલી!
ઊડતાં પીળાં પોત થકી શી મ્હેંક મીઠેરી પમરી!
                આ અચિંત આવી ડમરી…

                નાજુક નમણાં રૂપની રમણા
                                દાખી હજી ન દાખી.
                આવી એવી ગઈ સરકી મુજ
                                ચિત ભ્રમણામાં નાખી.

અવ ભીનાં પાંપણ-ચક આડે નેણ રહ્યાં શું સમરી?!
                આ અચિંત આવી ડમરી…

૧૯૬૨

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book