ઘટા

માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા
                ને તરતી તરલ છાંયમાં તળે
                                વચવચાળે ઊભરે પરે
                                                તેજના ચટાપટા!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા…

એટલી નીચી લોલ લળે કંઈ એટલું ઢળતી જાતી
સાવ અડોઅડપ ઊગતા બગની ચાંચ રહે ટકરાતી!
                ને ચોગમ તૂટી લડ્યથી સર્યાં
                                મોતન શાં બુંદ જાય રે ઝર્યાં
                                                લળખ લળખ થતાં!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા…

આજે કશું નહીં થીર કે મૂંગું, કલરવ કૂવા-કાંઠે
હાલકદોલક હેલ્યને બેડે જળ ચડ્યાં શીય વાતે!
                ને દૂરના જાંબુલ વંનથી ભીના
                                લાવતાં આંહીં સૂરને ઝીણા
                                                પવન આવતાં જતાં!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા…

સાંકડી આવી શેરી વચે થઈ સરીએ તે કઈ પેરે?
એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે
                આ અંગ ચોંટ્યાં ને ઊડતાં સખી
                                જળ શું ભીનાં ઓઢણ થકી
                                                 જોવન થતાં છતાં!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા…

૧૯૭૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book