વ્રેહ

                સઈ! જાણીબૂજીને વો’ર્યો વસમો આ વ્રેહ!
ચંદણના શીત નથી કરવાં રે લેપ ભલે ભડભડતી ઝંખનાની ચેહ!

                વડચડમાં કોઈ નથી વણસી રે વાત
                નથી અવળાં કો’ અડી ગયા બોલ,
                કારણ વિનાની બળ્યી ચિતને ચિબાવલા
                ચાનક થઈ આવી એક લોલ.
જોઈ જરી ભરી પડી કેવડી હાં કાળજડે લટકાળા લાલોજીની લેહ?!
                સઈ! જાણીબૂજીને વો’ર્યો વસમો આ વ્રેહ!

                ભાવે ના ભોજન જો ભૂખ હોય કાચી
                રે ભૂખ સાચી અનશનથી જાગે,
                જળવા દ્યો ઈંધણ શા એષણા-અહમ્‌ને
                ઝુરાપાની આળઝાળ આગે!
પોત હશે પાકું તો કંચન શો હેમખેન અણીશુદ્ધ ઊતરશે નેહ!
                સઈ! જાણીબૂજીને વો’ર્યો વસમો આ વ્રેહ!

                રાખો મારાં વેણ, નથી મોકલવાં ક્‌હેણ
                ના ઉથાપશો તપસ્યા અધૂરી,
                હિયે ભરી હામ કે આદરી ઉપાસનાની,
                અવધિ તે થાતાંવેંત પૂરી,
આષાઢી મેઘ સમો આપ ધોડ્યો આવશે જેના હું જાપ કરું એહ!
                સઈ! જાણીબૂજીને વો’ર્યો વસમો આ વ્રેહ!

૧૯૮૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book