વેશ

સાંભળવી નથ્ય હવે લટકાળા લાલ લેશ
                અમથી અમથી તે ડંફાસું,
ભજવી જાણો જો ભલા ગોપીનો વેશ
                તો નટવર તમારું નામ હાચું!

જુગે જુગે સંહાર્યા કેટલા અસુર
                ઈ જાણવાનું કોને કૌતુક?!
અમને તો બાપડાંને મ્હાત કીધાં ભોળવી
                ઈ મોહિની નિહાળવાની ભૂખ,
ગાતાં ધરાય ના પુરાણ એવી આવડનું
                દાખો પરમાણ એક આછું!
ભજવી જાણો જો ભલાં ગોપીનો વેશ
                તો નટવર તમારું નામ હાચું!

બત્રી આ બાંયડીનો ઘેર નહીં ચસવા દે
                આજ રાજ તમને લગીર,
આવો પ્હેરાવીએ ખાંતે જ એક દિ’
                ચોરેલાં તમીં એ જ ચીર!
જાણ્યું ના જાદવ શું આદરી લીલાનું આમ
                અણધાર્યું પલટાશે પાસું?!
ભજવી જાણો જો ભલાં ગોપીનો વેશ
                તો નટવર તમારું નામ હાચું!

૧૯૮૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book