આંક

                કાઠના તે કટકા શા આયખાનો સહુ કોઈ
                                નોખો નોખો તે લિયે આંક,
                ઊતરે ન ઘાટ જો મનમાન્યો માહીં તો
                                નિજની તે નજર્યુંનો વાંક!

ઘાવે કુહાડીના આડાં ને અવળાં કો’ છોડાં ને છાલિયાં ઉડાડે
ને હળવે તે હાથ કોક બેઠો સમારતો રણઝણતા સુરતા-સંઘાડે!
                એ જી ઈંધણ કહી મૂલવે અજામ ને સુજાણ મહીં
                                મૂરતનાં લોલ જુવે લાંક લોક!
                ઊતરે ન ઘાટ જો મનમાન્યો માહીં તો
                                નિજની તે નજર્યુંંનો વાંક!…

જોર પરે એના કો’ તોર કરે ઝાઝો ને નાહકના ઓરને રંજાડે,
ને ભીતરનો ઓળખીને ભેદ કોક બીચ બીચ જાળવીને છેદ ઝીણાં પાડે!
                એ જી આવડે તો પાવો થઈ ટૌ’કે ને ના’વડે તો
                                લાઠીનો ઉપરછલો છાક!
                ઊતરે ન ઘાટ જો મનમાન્યો માહીં તો
                                નિજની તે નજર્યુંનો વાંક!…

દા’ડી ને રેણ પડે કોકને ના ચેન, રખે આછો ઘસારો ક્યાંક વાગે
ને હસી હસી કોક એને ઘસી રહે રોજ રોજ ખપનો જો ઓરને લાગે,
                એ જી વાવરતાં ચંદણની મ્હેક મીઠી થાય
                                જાય એળે તો ચપટી શી રાખ!
                ઊતરે ન ઘાટ જો મનમાન્યો માંહી તો
                                નિજની તે નજર્યુંનો વાંક!…

૧૯૮૦

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book