તાપ

               વંડી વચાળ ખીલ્યો ખાખરો!
એ જી પડખે ઝૂકેલી પેલી ચારુ ચમેલીથી
                તાપ શેં એ જાય ઝીલ્યો આકરો?!

                ચઈતર તે માસના બળતા બપોર ને
                                વસમા કંઈ રેલતા રે ધૂપ
                વસમાં એથીય એવાં કામણ રેલાવતું
                                રઢિયાળું રાતું ઓ રૂપ!
                (કે) અંગ અંગ અણપ્રીછી ઊભરી છે આગ
                                તોય કાયા શી તરસે લોલુપ!
એ જી પાતળી પદમ્મણીનું દલડું દઝાડી ગિયો
                કેસરભીનો તે કોઈ ઠાકરો!
                વંડી વચાળ ખીલ્યો ખાખરો…

એમ રે ઉચાટમાં રૂપાળી રાત ઢળી
                કેમ તોય શમે કહો લ્હાય?
રહી રહી ઝંખનાની ઝાળ્યું જગાડતું
                રૂપ જહીં માથે રેલાય!
(ને) ભીતર ને બ્હાર બધે આવડો રે તાપ
                ત્યહીં કેમ કરી પોઢ્યું પોઢાય?!
એ જી કુમળી તે કાય મહીં રાતી ભરી ઝાંય
                માણે પે’લવે’લો પ્રીતનો ઉજાગરો!
                વંડી વચાળ ખીલ્યો ખાખરો…

૧૯૫૬

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book