અરથ

આવતાં જતાં વીતક થકી એકેય નહીં વ્યરથ
તરતોતરત ભાઈ ભલે ના ઊકલે એનો અરથ!

                ઓળખી આપણ પોત વિધિએ
                                શું તે પરે ટાંક્યું?
                ભાતની અકળ ભુલામણીમાં
                                અટવાઈ રે’ આંખ્યું
સોયના ટોચા વિણ શેં કોરા કાપડે થાયે ભરત?!
તરતોતરત ભાઈ ભલે ના ઊકલે એનો અરથ…

                કો’કને મળે મનનું માગ્યું
                                કો’કનું કરમ કાણું,
                વાવરતાંયે વાધતું રહે
                                એ જ સાચું નિજ નાણું!
લાગતી ખાલી ગઠરી તોયે જાય ભરાતો ગરથ!
તરતોતરત ભાઈ ભલે ના ઊકલે એનો અરથ…

                આવરી હાલો હાય બળાપો
                                ધરીએ થોડી ધીર,
                મોકલી જેણે એ જ તે આપણ
                                ભાંગશે નકી ભીડ!
દિલથી દીધું દૂગમું થઈ વળતું રહે પરત!
તરતોતરત ભાઈ ભલે ના ઊકલે એનો અરથ…

૧૯૯૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book