માંડણાં

વાળી ઝૂડેલ ભોંય લીંપ્યા છે તડકા
                ને ભીંત્યુએ ધોળ્યાં છે ચાંદણાં!
ટાંકણું દિવાળીનું આવો મા લખમી અમ
                રાંકનાં તે અંજવાળો આંગણાં!

ઝાઝા ઝળૂંબતા લીમડાની હેઠ્ય અહીં
                રણઝણતી વેલ્યડીને છોડો,
ધોરીડા ચાવે ચણ્યા-ચારો ત્યાં માંયઘરે
                ખાવને તમીંય ઘડી પોરો,
ઝાંઝર ઝણકારે બિરાજો ફૂલ બેસણે
                પાવન પગલ્યાંના દેત માંડણાં!
ટાંકણું દિવાળીનું આવો મા લખમી અમ
                રાંકનાં તે અંજવાળો આંગણાં!

પારણામાં પુતર ને ગાયું ગભાણમાં
                કોઠલિયે કોદરાં ને જાર,
મ્હેરે તમારી મરુભોમમાંયે માણીએ
                હર્યોભર્યો હાં રે સંસાર,
આડે દિ’ હોય ભલે ભાણે તે રોટલો
                આજ મીઠી ખીરનાં છે રાંધણાં!
ટાંકણું દિવાળીનું આવો મા લખમી અમ
                રાંકનાં તે અંજવાળો આંગણાં!

વાળી ઝૂડેલ ભોંય લીંપ્યા છે તડકા
                ને ભીંત્યુએ ધોળ્યાં છે ચાંદણાં!
ટાંકણું દિવાળીનું આવો મા લખમી અમ
                રકનાં તે અંજવાળો આંગણાં!

૧૯૮૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book