મૂંઝવણ્ય

એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી;
પણ વણથંભ ચાલતી ચણભણ ચિતની હાયે જાયે ક્યમ રોકી?!

                તાવ હોયે તો વૈદ કને જઈ
                                ઓસડિયાં લઈં ફાકી,
                ને ઝૂડ હોય તો નોતરી ભૂવો
                                ટૂમણથી દઈં હાંકી!
પણ ઉરની અકળ મૂંઝવણ્ય મીઠી કહીં જઈ દઈં ઓકી?!
એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી…

                કઠતો હોયે કમખો કે પછેં
                                સાવ કોરો કોક વાઘો,
                ઉતારવાની દેર કે તુરત
                                સમૂળગો થાય આઘો!

પણ પ્રાણ શું વળગી પીડ્ય પ્રીત્યુંની થાયે કહો ક્યમ નોખી?!
એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી…

૧૯૮૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book