વૃથા વાંછના

વાંછના તે નવ કરીએ વીરા! ઓરના વેણની વૃથા
                આપણે તો જે ઊભરે સહજ
છેડીએ કેવળ એટલું પછી હોય એ ગીત કે કથા!
વાંછના તે નવ કરીએ વીરા! ઓરના વેણની વૃથા…

કંઠ રૂપાળે કુવેલ કાળી જ્યહીં કરે કલશોર
એ જ ભરી અમરાઈથી ખાંતે ગ્હેકતાં શું નહીં મોર?!
ખળખળતી સરે સરિત, ઘેરું ગરજતી ઘનઘટા,
‘રે પડઘા દેતાં ડુંગરા ડોલે ધણણ ધણણ થતા!
વાંછના તે નવ કરીએ વીરા! ઓરના વેણની વૃથા…

ગુંજ ભરીને ઊડતાં ચોગમ ભમરા ને મધમાખ,
રાતનાં મગન તાનમાં ઓલ્યાં તમરાંને ક્યાં થાક?!
મર્મર થકી પાંદ બોલે ને લ્હેક થકી કો’ લતા,
રે મ્હેક થકી ફૂલ વણબોલ્યે પણ કેટલુંયે કહી જતાં!
વાંછના તે નવ કરીએ વીરા! ઓરના વેણની વૃથા…

સરગમ નોખી શાશ્વતની અહો અનગળ એના સૂર!
અળગો મેલો મોહ આ ઠાલો ભરિયો આપણ ઉર,
સભર ગેબી ગાનમાં પામે સરવે તે સ્થાન યથા
’રે હોય જો કને નિજની તરજ, નિજને સહજ છટા!
વાંછના તે નવ કરીએ વીરા! ઓરના વેણની વૃથા…

૧૯૭૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book