પવંન

ધીરે ધીરો વાય રે પવંન
હેરું હેરું ને હાં રે અધખોલાં નેણને
ઘેરું ઘેરું તે ઘેન પાય રે પવંન!

ચારે તે કોરની સમથળ આ ભોમકા એવી કંઈ તડકે તપેલ
ઝૂકી અમરાઈની હેઠે ઘડીક જાણે પોઢી ગઈ વહી જતી વેળ!
                ઓઢેલી ભાતીગળ છાંયડીના છાયલને
                હેતે પસવારી સરી જાય રે પવંન!
                                ધીરો ધીરો વાય રે પવંન…

ઊઠે એકેય નહીં ઝબકારો, જંપી ગ્યાં નીચા નવાણનાં નીર
આરસીના કાચ શું રૂપે રસેલ રૂડું પાણીનું પોત હવે થીર!
                પગથી ને પાળથી ફરતી લોભામણી
                તરતી ભીનાશ મહીં ન્હાય રે પવંન!
                                ધીરો ધીરો વાય રે પવંન…

નીરવ સૂનકાર ભર્યો સીમ સીમ તોય જામે ઝીણેરા ઝાલી રહું સૂર
અરધા અટવાય મારી આંખ્યુંમાં આણીપા ને અરધા ઓલીપા સરે દૂર
                આસપાસ કોકના પાવામાં ક્યાંક નકી
                હળવો હિંદોલ ભરી ગાય રે પવંન!
                                ધીરો ધીરો વાય રે પવંન…

૧૯૭૨

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book