ઝબૂકિયાં

ઝૂકી ઝૂકી આસોની રઢિયાળી રાત
કે રાત કરે અનગળ ઝબૂકિયાં!

રાત જાણે ગેબી ચંદરવાની ભાત
કે ભાત કરે અનગળ ઝબૂકિયાં!

ભાત મહીં ઠેર ઠેર આભલાંના ઢેર
કે ઢેર કરે અનગળ ઝબૂકિયાં!

ઢેર જાણે ઊંચા ગોવરધનના મેર
કે મેર કરે અનગળ ઝબૂકિયાં!

મેર તળે લીલું નાઘેર એક ધામ
કે ધામ કરે અનગળ ઝબૂકિયાં!

ધામ વા’લા ગમતું ગોકુળિયું ગામ
કે ગામ કરે અનગળ ઝબૂકિયાં!

ગામ બ્હાર ફંટાયા જમનાના તીર
કે તીર કરે અનગળ ઝબૂકિયાં!

તીર બીચ ધસમસતાં શ્યામ વહે નીર
કે નીર કરે અનગળ ઝબૂકિયાં!

નીર ભરી હલમલતી જાય હાંર્યે હેલ
કે હેલ કરે અનગળ ઝબૂકિયાં!

હેલને તે હળવે ઉતારો મોરા છેલ
કે છેલ કરે અનગળ ઝબૂકિયાં!

છેલ ઊંચા જાદવ તે કુળની છે શાખ
કે શાખ કરે અનગળ ઝબૂકિયાં!

શાખના તો ગરબા લેવાય હજી લાખ
કે લાખ કરે અનગળ ઝબૂકિયાં!

૧૯૮૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book