પણે – આંહ્ય

ભરિયા બપોરનાં આંજે પણે તેજ
                ને આંહ્ય શીળી છાંય માંહ્ય
પાંપણ તોળાય કાંઈ ઘેરું ઘેરું ઘેન
                હાય! ઉઘાડાં કેમ રિયે નેણ?!

ધખધખતા આળઝાળ કે’ણે ચેતાવ્યાં પણે
                તીખાં કૈં તડકાનાં તાપણાં
પાંદનાં ઘટાટોપ ચંદરવે ટાંક્યાં આંહ્ય
                                ઝીણાં ઝબૂકિયાં તે આભનાં!
                રાતો ને રજે ભર્યો ઘોરે પણે દા’ડો
                                ને આંહ્ય ઝૂકી ડાળ્ય માંહ્ય
હળવે હિંચોળી રહી રઢિયાળી રેણ!
                હાય! ઉઘાડાં કેમ રિયે નેણ?!

ઉગમની આદિ અચેતના શો એક પણે
                છાયો આલસ્યનો આથો,
ઊભરતી એષણાની ઓકળી સમો રે આંહ્ય
                લીલો સંચાર કશો થાતો!
ભારેખમ્મ પથરાઈ પડ્યો પણે સોપો
                ને આંહ્ય ઊંચા વાંસ માંહ્ય
વ્હાલભરી ક્યારની કો’ વાય મીઠી વેણ!
                હાય! ઉઘાડાં કેમ રિયે નેણ?!

૧૯૬૧

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book