સંદેશ

ઉગમણે જાતી એલી કુંજલડી કે’જો જઈને
                વાલમને આવડલો સંદેશ
(કે) રળવા આડે શું સાવ જ વીસર્યો મારૂજી
                કોઈ ધારી બેઠી છે જોવનવેશ?!

ખીલી ખીલીને ખરતાં બાગમાં મારૂજી, કાંઈ ચૂંટ્યાં વિનાનાં મબલખ ફૂલ
જે દિ’ની મેલી ગ્યા છો એકલી મારૂજી, કે’ણે ઓળી છે જટિયાં કેરી ઝૂલ?!

તુલસીક્યારે તે ઘીનો દીવડો મારૂજી, થરકે થરકે ને મજળે ઝાઝી વાટ
એથી ઝાઝો રે જળતો જીવડો મારૂજી, કાંઈ દા’ડે દા’ડે તે ગળતાં ગાત!

સાગા-સીસમનો ઊંચો ઢોલિયો મારૂજી, એની ખૂંદ્યા વિનાની છે બિછાત
સંધી સોહાગણ જેને ઝંખતી મારૂજી, એવી મેડે નથ ફરુકી રંજન-રાત!

કેસરવરણી તે કોરી ચૂંદડી મારૂજી, રાખી અકબંધ હજીયે ગડ સોતી,
આવી ઉખેળો નિજને હાથ હો મારૂજી, ટાંકો વચલી ગડે તે ઝમરખ મોતી!

                વળતે બોલે તે ધોડ્યા આવજો મારૂજી
                તલખે તલખે બે આંખલડી ઉદાસ
                વીત્યો ના વીતે કેમે એકલા મારૂજી
                હાથે ઝરમરિયો હાવાં સાવણ માસ!

૧૯૫૯

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book