નીતર્યું પણ અતિ ગાઢું
છે આજ રાત્રીનું આભ.
અલોપ થઈ ગયાં છે ડુંગરા,
અવકાશ થઈ ગયાં છે ડુંગરા,
અવકાશ મહીં
લટકાતાં છોડી
તેજનાં ઝૂમખાં,
ટોચનો તર્પણ-ક્રૉસ,
ને બારાદેલ્લો-બુરજના
સ્તબ્ધ રૂપેરી માળખાં
કેથેદ્રલનો ભારેખમ ગુંબજ
પણ અધ્ધર ભાસે છે
અંધારી દીવાલો થકી…
કેવળ કાંઠાની વંકાતી
પાળી થકી વરતાતાં શ્યામલ જલ
આંક્યા કરે છે વણથંભ,
અરબી શા
ધોળાં
પીળાં
લાલ
ભૂરાં
આળેખ…
૧૯૯૮