બ’ઈ! આ ભમરાને ક્યમ કાઢું?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું!
પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું!
બ’ઈ! આ ભમરાને ક્યમ કાઢું?!
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા?
ફટ્ ભૂંડી! હું છળી મરું ને તમીં હસો ફરી આડું!
બ’ઈ! આ ભમરાને ક્યમ કાઢું?!
૧૯૬૦