એળચી કેસર સળી સોપારી ને
મઘઈ પાનનાં બીડાં
રણકંત કરે વાળે રાધાગોરી
ચાવે સુભદ્રાના વીરા!
હાં રે હાં ચાવે સુભદ્રાના વીરા!
ચકે મઢી પડસાળ ને ફરશે
કાળા-ધોળા જડ્યા ચીરા,
ઝૂલતાં રે ખાંતે બેઉ અડોઅડ
હિંડોળપે ધીરા ધીરા!
હાં રે હાં હિંડોળપે ધીરા ધીરા…
સળિયે સળિયે પોપટ-પૂતળી
વચે વચે ગજ-ઘોડા,
મશરૂનાં સોહે ગાદલાં-તકિયા
પલંગ-પાટ પે પ્હોળા,
ઠેકે ઠેકે આવે લેરખડી મીઠી
મ્હેકની લઈ મદિરા!
હાં રે હાં મ્હેકની લઈ મદિરા…
પરસનો કેવો કેફ કસુંબલ
રગે રગે રૂડાં ગાન!
વ્હાલની વાધતી ભીંસમાં ચિત્તનું
વીસરાતું રહે ભાન,
લાલ રતુંબડ ઓઠ પરે મચે
કામ-રતિની શી ક્રીડા!
હાં રે હાં કામ-રતિની શી ક્રીડા…
૧૯૯૦