સોહ્ય ના આવો રોષ
ન્હોય એનો શેં ધરિયે ધોખો પામિયાનો પરિતોષ
હો વીરા! પામિયાનો પરિતોષ…
કશુંય નહીં વ્યરથ આહીં
સહુનાં નોખાં મૂલ,
કેરના ઝીણા કાંટડા કાઢે
બાવળિયાની શૂળ!
ચપટી અમથી ધૂળ મહીંયે કણનાં છૂપ્યાં કોષ!
હો વીરા! કણનાં છૂપ્યાં કોષ…
પંકમાં ઊગે પોયણાં ભલે
ભમરો ત્યાંયે જાય,
તહીં તો મધુ-ગંધની મોંઘી
મિરાતને એ પાય!
નયણે એવો હોય જો નેડો ક્યાંય ન દીસે દોષ!
હો વીરા! ક્યાંય ન દીસે દોષ…
અમરતનાંયે ઠામડાં ભર્યાં
વખની હારોહાર,
એક વેળા એ ઓળખી જેણે
માંહ્યથી પીધ લગાર,
ધોમ છો પછી ધખતા એના કંઠને કેવો શોષ?!
હો વીરા! કંઠને કેવો શોષ?!…
સોહ્ય ના આવો રોષ.
ન્હોય એનો શેં ધરિયે ધોખો પામિયાનો પરિતોષ
હો વીરા! પામિયાનો પરિતોષ…
૧૯૬૦