પલ માંહી લોલ, કરી દિયે તરબોળ
એવી ગમતી આષાઢ તણી હેલીની ધાર્ય
તોય ચારેકોર ઝરતી, ને જાય નહીં વરતી
કાંઈ હર્યાંભર્યાં વંનને, સાવ કોરાં તંનને
જિ ભીંજવતી જાય,
ઈ ઝર્યમર્ય છાંટ્યુંની વા’લા લેર્ય અરે નોખી
લેરમ્લેર્ય અરે નોખી!
જાણે તાર તાર, વણ્યો તેજલ અંબાર
એવી ઝળહળ રળિયાત, સોહ્ય શેલાની ભાત
તોય ધોણ ધોણ સોત, ચૂવે શ્યામ જિનું પોત
પછી ગલમેંદી ઝાંયના, એ રંગ મહીં માંહ્યલા
જિ ઊઘડતી જાય
ઈ લોબર ભાત્યુંની વા’લા લેર્ય અરે નોખી
લેરમ્લેર્ય અરે નોખી!
જિંને બોલ બોલ, હિયે ચઢતો હિલોળ
એવું સુણું મારા પ્રાણ, તારી મધમીઠી વાણ
તોય સૈયર સંગાથ, ભર્યા કૂવાને કાંઠ
કોક છાની છાની કાનમાં, ને બીજી બધી સાનમાં
જિ હસી હસી થાય
ઈ ગુસપુસ વાત્યુંની વા’લા લેર્ય અરે નોખી
લેરમ્લેર્ય અરે નોખી!
૧૯૭૮