પીડ્ય રહી હાંર્યે સહુ શમી!
ઓસડિયાં ખરે હવે ખપતાં ના કોઈ
ભલું રોગનું નિદાન કીધું તમીં!
ઓળખી અજંપ જો કારણ પૂછ્યું તો લ્યો
કાળજ તમારી કને ખોલ્યું.
મારણ દ્યો એવું કે ઘડી ઘડી આવતી
અટકે અકારી બધી મોળ્યું
(ને) ભર્યાં ભર્યાં થાળ થકી ભોજનને ભાવતાં
નવલે આસ્વાદ રહું જમી!
પીડ્ય રહી હાંર્યે સહુ શમી…
હળવું હસીને નાડ ઝાલતાં કીધું રે તમીં,
“ભીતર ડો’વાય ભલે ખારે,
જેટલો છે માંહ્ય ઈથી અદકો થઈ ઊભરે
આપણે જો ઓકી દઈં બ્હારે!
પલટાતાં રૂપ બચા! આપોઆપ ઓસરશે
થોડું તે ખાવ તમીં ખમી!”
પીડ્ય રહી હાંર્યે સહુ શમી…
વાગોળું વેણ ઈ દા’ડી ને રેણ અહો
કળતર શી આછરતી કોઠે,
ક્યારેયે માણી ન’તી એટલી મીઠાશ કળું
હળુ હળુ ઊભરતી હોઠે!
સાચું મા! સાચું રોજેરોજ પરમાણું કે
જીરવેલાં ઝેર ઈ જ અમી!
પીડ્ય રહી હાંર્યે સહુ શમી…
૧૯૭૯