ધોમ

                આકરા તપે ભાણ
ભૂંજાઈ ચાલી ભોમકા ને કાંઈ તતડી ઊઠ્યા પ્હાણ!

                જહીં ભાળું તહીં લપકે બધે આજ શું અગનઝાળ?
                ઝરતી જાણે તણખા તીખા કેરની પાંખી ડાળ
હમણાં રે’શે ભભકી ઓલ્યાં સાવ સૂકાં ચરિયાણ!
                આકરા તપે ભાણ…

                કોક મેલી ગ્યું વગડે જાણે દીવડિયુંના ઢગ,
                થોરને ડાંડે ડાંડલે કેવી પ્રગટી જોને શગ!
ટેકરે-ટીંબે ભડકે બળે ખાખરા કેરાં રાન!
                આકરા તપે ભાણ…

                વાયરોયે તે થઈને વેરી અવળોસવળો વાય
                ગવન ઘેરાં લાલ જો સઈ! રહી રહી લહેરાય
ઝળહળ ઝીલે ઝાંય એની આ નીતર્યાં નીર-નવાણ!
                આકરા તપે ભાણ…

                ત્રાંબા કેરી ગાર હાર્યે માંડતું જાણે હોડ
                તગતગે કૈં મુખડું તારું તડકે રાતુંચોળ
ન્યાળ, લે આંહીં આભલામાં, જો કીધ ન સાચું માન!
                આકરા તપે ભાણ…

૧૯૬૧

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book