હાંર્યે હાંર્યે ધન મોરલી વાગે
એકધારી, ક્રોડ કામણગારી, ઘડી કને, ઘડી આઘે
હાંર્યે ધન મોરલી વાગે…
વૃંદા તે વંનનો પ્રાણ, કોડીલો કાન, રહી રહી
દાણ અનૂઠાં માગે!
હાંર્યે ધન મોરલી વાગે…
કે વંનમાં વા’લો નાવણિયાં મંગાવે
કે નાવણિયામાં કાયની માંજેલ કૂંડી,
નેણાંનાં નીર ને ઝીણો ઝરમર ઝરમર નેહ!
હાંર્યે ધન મોરલી વાગે…
કે વનંનમાં વા’લો ઓઢણિયાં મંગાવે
કે ઓઢણિયાંમાં મેલોઘેલો એક છેડો,
ચોરેલાં ચીર ને અવલગ આઢેલ વસમો વ્રેહ!
હાંર્યે ધન મોરલી વાગે…
કે વંનમાં વા’લો ભોજનિયાં મંગાવે
કે ભોજનિયાંમાં ખોબલો ચાખ્યાં બોર,
મુઠ્ઠીભર ચોખા ને એક તાંદળિયાનું પાન!
હાંર્યે ધન મોરલી વાગે
કે વંનમાં વા’લો પોઢણિયાં મંગાવે
કે પોઢણિયાંમાં પારણું પાંપણ કેરું,
કોળેલો કંઠ ને આપણા પ્રીત્ય પદૂડી વાણ!
હાંર્યે ધન મોરલી વાગે
હાંર્યે ધન મોરલી વાગે…
૧૯૮૭