ઝીણાં મોટાં કોડી કાજ આડે સઈ! દંન તો લઈએ ગાળી
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!
વરસ્યાં એવું અનગળ ઓણે
મેહ ભરીને વ્યોમ
હેતની છાલક છાલક ભીજી
ગદ્ગદ હજીય ભોમ
રોમરાજિ સમી ફરુકે ચોગમ હરખે તે હરિયાળી!
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!
નદી-નાળે બોલે દાદુર,
ડુંગરે ડુંગરે ચાતક-મોર
સીમે-પાદરેથી ઊઠતી રમણ
રીડ્યની જોડાજોડ
વળી વળી વ્હાલે લેતી વળાંકાં કૂંજડીની બેલ્ય હાલી!
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હોય દોહ્યલી રત્ય રૂપાળી!
હેત-પ્રીતે મુંને આહીં પરાણે તે
સંગમાં લાવ્યાં તેડી
બીચ બેસાડીને ઝૂલણી માંડી શી
કંઠનાં કૂજન ભેળી
હેલે હેલે હાં રે દોલ ચગે ઓરી ઓરી આ ટગલી ડાળી
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!
૧૯૭૯