આંખ્યું! તમીં કાં થાવ જી આવડી ભોળી?
કીધું કરો ના કાંઈ ને બેસો ડા’પણ નિજનું ડોળી!
ઘણું કીધું’તું આજ માધાથી
જોજો ન જોશો માની,
આપણેયે નવ લેશ ગુમાની
ઈ લિયે પટુડો જાણી,
તોય કહો કાં ભાળતાં ઈને રોદન દીધું ઢોળી?!
આંખ્યું! તમીં કાં થાવ જી આવડી ભોળી?…
પલમાં વા’લે વાત આખીનો
મરમ લીધો જોખી,
અમથો દાખે તોર બાકી આ
ઓરથી ના કૈં નોખી!
અમૂલું અરે આટલું મારું ગુપિત દીધું ખોલી?!
આંખ્યું! તમીં કાં થાવ જી આવડી ભોળી?…
આવર્યું રે’શે કાંઈ હવે ના
વ્રજમાં વાત્યું થાશે,
વેરણ ઓલ્યી મોરલી ઈની
સહુને ચાડી ખાશે!
હાય! તમીં તો લાખની મારી શાખને બેઠી બોળી!
આંખ્યું! તમીં કાં થાવ જી આવડી ભોળી?…
૧૯૫૯