જૂઠનાં જળ

                સ્રોવર શોધો સતનાં હંસા!
                જળ રે આ તો જૂઠનાં હે જી…
                કાચ સમાણાં નીરની હેઠે
                કીચડ હેરો કૂટનાં હે જી…

કેમ રમંતાં મેલીએ મહીં કલેવર ધાવણ-ધોળાં?
ખેલીએ હજી ખેલ એ ત્યહીં પલમાં થાયે ડો’ળાં!
                આભ ઉજારાં આવરે જેવાં
                ઓળાં વાદળ જૂટનાં હે જી…
                કાચ સમાણાં નીરની હેઠે
                કીચડ હેરો કૂટનાં હે જી…

છાછરાં તળ ને ફરતી બેલી! ઊંચી ઊંચી પાજું,
પાણકોયે નવ પાકતો એવે જળ શે જિવાય ઝાઝું?!
                અમરત ન્હોયે, વાંઝિયા આ તો
                પાણી કો’ અવડ પુટનાં હે જી…
                કાચ સમાણા નીરની હેઠે
                કીચડ હેરો કૂટનાં હે જી…

થાનક ન્હોયે આપણ આવાં, પ્યારા! પંખ પસારો;
દિશદિશાને હેરી કો’ એવો, ઢૂંઢો માનસ-આરો,
                નિતનો જ્યહીં ચરવા ચારો
                મોતી મળે મૂઠ-મૂઠનાં હે જી
                કાચ સમાણાં નીરની હેઠે
                કીચડ હેરો કૂટનાં હે જી…

૧૯૫૫

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book