તમીં પાછાં તે વાંસ થઈ વાધો હો વાંસળી! પાછાં તે વાંસ થઈ વાધો,
વાધી વાધીને ઠેઠ ઊંચે અંકાશ વસ્યા વૈકુંઠની ભાળ જઈ લાધો હો વાંસળી,
પાછાં તે વાંસ થઈ વાધો…
કહીં સામો જો જાય મળી માધો હો વાંસળી! સામો જો જાય મળી માધો,
પરથમ પૂછીને ખેમ, ખોટું ઘડીક પાછું ગોપિયું વતી રે વ્હાલે બાધો હો વાંસળી!
પાછાં તે વાંસ થઈ વાધો…
કે’જો ઝૂરીએ તે દા’ડી ને રાતે હો વાંસળી! ઝૂરીએ તે દા’ડી ને રાતે,
ફરુકે ના કોઈ હવે પાણીડાંની મશ્યે કાન વાર વાર જમનાને ઘાટે હો વાંસળી!
પાછાં તે વાંસ થઈ વાધો…
કે’જો આવું તે હોય ભલા થાતું હો વાંસળી! આવું તે હોય ભલા થાતું,
ઠાલી ઠાલી તો પછી કીધી અબુધ સંગ ભવ ભવના નેડાની વાતું હો વાંસળી!
પાછાં તો વાંસ થઈ વાધો…
કે’જો આવત ઘણુંય અમીં જાતે હો વાંસળી! આવત ઘણુંય અમીં જાતે,
ટોચે ગોવરધનની હોત તોય પોગત આ વૈકુંઠ પોગાય કઈ વાટે હો વાંસળી?!
પાછાં તે વાંસ થઈ વાધો…
કે’જો આવી લ્યો હૈયા સું ભીડી હો વાંસળી! આવી લ્યો હૈયા સું ભીડી,
નહીંતર મેલાવી દ્યો વ્રજથી તે સીધી તમ વૈકુંઠ લગીની એક સીડી હો વાંસળી!
પાછાં તે વાંસ થઈ વાધો…
૧૯૮૭